ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વીસમી સદી

From Ekatra Wiki
Revision as of 12:29, 30 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">વીસમી સદી : સાહિત્ય અને ચિત્રકળાનો સમન્વય કર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



વીસમી સદી : સાહિત્ય અને ચિત્રકળાનો સમન્વય કરીને, સત્ય, ન્યાય, સૌન્દર્ય, શૌર્ય,સ્વતંત્રતા, બંધુત્વ, ઉદારતા, ધર્મ-જિજ્ઞાસા અને સવ્યાર્પક જ્ઞાનપ્રસાર માટે, સર ફાઝલભાઈ કરીમભાઈ ઇબ્રાહીમની પ્રેરણા અને આર્થિક સહાયથી ૧૯૧૬માં હાજી મહમ્મદ અલારખિયા શિવજીએ મુંબઈથી પ્રગટ કરેલું સચિત્ર માસિક. ઉત્તમ સાહિત્યને એવા જ ઉત્તમ રૂપરંગે રજૂ કરવાનો તંત્રીનો પુરુષાર્થભર્યો દૃઢ સંકલ્પ અને વિશ્વયુદ્ધને કારણે કાગળ-છપાઈના ભાવોમાં અણધાર્યા ઉછાળાને કારણે માત્ર પાંચ જ વર્ષમાં કરેલી જંગી ખોટને કારણે ૧૯૨૦માં પ્રકાશન બંધ. વાંચનારને બે બોલ, નાની વાર્તાઓ, મોટી વાર્તાઓ, કવિતા, દિલનો એકરાર, વિજ્ઞાન, રંગભૂમિ, પ્રાસંગિક, જાણવા જોગ, હુન્નર-ઉદ્યોગ અને પુસ્તકોની પહોંચ જેવા વૈવિધ્યભર્યા સ્થાયી વિભાગોમાં ‘વીસમી સદી’એ વાચકોને એનાં દરેક અંકમાં સોસવાસો પાનામાં લગભગ એટલાં જ છબીચિત્રો સહિતનું શિષ્ટ, ઉદાત્ત અને લોકાકર્ષક સાહિત્ય પીરસ્યું હતું. આરંભે એમાં ભગિની અને વિદેશી ભાષાઓની ઉત્તમ કૃતિઓના અનુવાદો પ્રગટ થતા હતા તો, પછીથી નરસિંહરાવ દિવેટિયા, ન્હાનાલાલ, કૃષ્ણલાલ મો. ઝવેરી, કાંતિલાલ છ. પંડ્યા, બળવંતરાય ક. ઠાકોર, કનૈયાલાલ મા. મુનશી વગેરે સર્જકો વિવેચકોની કૃતિઓ પ્રગટ થઈ હતી. સૂચિત રોચક સામગ્રીને પરિણામે બીજા જ વર્ષે વાર્ષિક બાર રૂપિયા લવાજમ ધરાવતા આ માસિકના કાયમી ૪,૦૦૦ ગ્રાહક નોંધાયા હતા અને ૩૬૦ પ્રતો ભેટ અપાતી હતી. જે હકીકત ‘વીસમી સદી’ની લોકપ્રિયતા સૂચવે છે. આદર્શ અને લોકભોગ્ય સામયિક પ્રકાશિત કરવાના પોતાના સ્વપ્નને સિદ્ધ કરવા માટે તંત્રી જાનમાલની કેવી ખુવારી વેઠીને શહીદી વહોરી શકે છે, એનું ‘વીસમી સદી’ અને હાજી મહમ્મદ અલારખિયા ઊડીને આંખે વળગે એવું દૃષ્ટાંત છે. ર.ર.દ.