ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વૃત્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વૃત્તિ'''</span> : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં આ સંજ...")
(No difference)

Revision as of 08:56, 1 December 2021



વૃત્તિ : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં આ સંજ્ઞા વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે. આ સંજ્ઞા અભિધાવૃત્તિ વગેરેમાં શબ્દશક્તિ માટે, ઉપનાગરિકા, પરુષા વગેરે અનુપ્રાસ માટે, એટલેકે કાવ્યવૃત્તિ માટે, અને કૈશિકી આરભટી વગેરે નાટ્યવૃત્તિઓ માટે પ્રયોજાય છે. કાવ્યવૃત્તિ અને નાટ્યવૃત્તિ એમ બે મુખ્ય પ્રકાર છે. ભરત વૃત્તિઓને નાટકની માતા ગણે છે. નાટ્યવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ પ્રેક્ષકો કે દર્શકોમાં રસસંચાર કરવાનો છે અને વૃત્તિઓ એ માટે કાર્યસાધક નીવડે છે. શૃંગાર અને હાસ્યમાં કૈશિકી વૃત્તિનો; વીર-રૌદ્ર અને અદ્ભુતમાં સાત્વતીનો, કરુણ અને અદ્ભુતમાં ભારતીનો અને ભયજનક તેમજ બીભત્સમાં આરભટીનો ઉપયોગ કરાય છે. ભરતે વૃત્તિઓનો સંબંધ વેદ સાથે જોડી બતાવ્યું છે કે ભારતીની ઉત્પત્તિ ઋગ્વેદમાંથી, સાત્વતીની યજુર્વેદમાંથી, કૈશિકીની સામવેદમાંથી અને આરભટીની અથર્વવેદમાંથી થઈ છે. કાવ્યવૃત્તિનું વર્ણન અનુપ્રાસ અંતર્ગત કરવામાં આવે છે. ઉદ્ભેદને અનુસરીને મમ્મટ નિયત વર્ણોમાં નિહિત રસવ્યંજના અંગેના વ્યાપારને વૃત્તિ કહે છે. એટલેકે રસને અનુકૂળ વર્ણસંઘટના તે વૃત્તિ છે. કાવ્યવૃત્તિના ત્રણ પ્રકાર છે : શૃંગાર, હાસ્ય અને કરુણમાં માધુર્ય ગુણને વ્યંજક વર્ણરચનાથી મુક્ત ઉપનાગરિકાવૃત્તિ; વીર, રૌદ્ર અને ભયાનકમાં કઠોરવર્ણ દ્વિત્વવર્ણ સંયુક્તવર્ણ લાંબા સમાસ સહિતની ઓજસગુણયુક્ત પરુષાવૃત્તિ અને શાંત, અદ્ભુત બીભત્સમાં પ્રસાદગુણ વ્યંજક વર્ણસંઘટન યુક્ત કોમલાવૃત્તિ. ઉમાશંકર જોશીએ સ્પષ્ટ કર્યું છે કે કાવ્યપાછળનો માનસવ્યાપાર જેની દ્વારા વ્યક્ત થતો હોય એવી ભરતપુરસ્કૃત્ય વૃત્તિ કાવ્યના અન્ત :તત્ત્વના આદેશ તળે પ્રવર્તતી રસલક્ષી વૃત્તિનું ભરત પછી આનંદવર્ધન, અભિનવગુપ્તપાદ અને રુય્યકે યોગ્ય રીતે બહુમાન કર્યું છે. જેને આપણે શૈલી કહીએ છીએ’ (‘શૈલી અને સ્વરૂપ’ પૃ. ૨૪). ચં.ટો.