ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વોર એન્ડ પીસ

From Ekatra Wiki
Revision as of 09:13, 1 December 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વૉર ઍન્ડ પીસ'''</span> : (૧૮૬૪-૧૮૬૯) કાઉન્ટ લિઓ તોલ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



વૉર ઍન્ડ પીસ : (૧૮૬૪-૧૮૬૯) કાઉન્ટ લિઓ તોલ્સ્તોયકૃત વિશ્વખ્યાત મહાનવલ. નાનાં-મોટાં ૫૦૦ પાત્રો ધરાવતી આ કૃતિ, નેપોલિયને રશિયા પર કરેલા આક્રમણના દેશકાળને કેન્દ્રમાં રાખીને ૧૮૦૫થી ૧૮૨૦ દરમ્યાન રશિયન પ્રજાએ સૂચિત આક્રમણના કરેલા બહાદુરીભર્યા પ્રતિકારનું નિરૂપણ કરે છે. યુદ્ધકાળની કથા હોવા છતાં નવલકથા સેનાની નેપોલિયનથી માંડીને નાનકડા-નગણ્ય ખેડૂત કાર્તાયેવની વચ્ચે વસતાં વિવિધ વર્ગના લોકોના જીવનસંઘર્ષની કથા કહે છે. તોલ્સ્તોયની કથાસૃષ્ટિનું શિરમોરચરિત્ર જેને ગણી છે એ નતાશા દ્વારા સર્જકે જીવનને સહજ-સ્વાભાવિક રીતે સ્વીકારવાનો અભિગમ ચરિતાર્થ થતો દર્શાવ્યો છે. પ્રથમ પ્રણયજન્ય બાળસહજ અકળામણ અનુભવતી તરુણી અને ગૃહિણી-માતા તરીકેનાં તેનાં વિવિધ રૂપો અહીં કલાત્મક રીતે નિરૂપાયાં છે. બે પુરુષ પાત્રો : પ્રિન્સ આંદ્રેઈ અને પિયરે બેઝુકોવ દ્વારા જીવન પરત્વેનો કલ્યાણકારી રચનાત્મક અભિગમ નિરૂપાયો છે જે તોલ્સ્તોયના સમગ્ર ચિંતનનો પરિપાક છે. નવલકથાના વિષયવસ્તુમાં ઐતિહાસિક, સામાજિક અને નિતાંત વ્યક્તિગત જીવનપ્રવાહોના મિશ્રણને અસુભગ ગણીને તેની ટીકા થઈ છે પરંતુ કૃતિ તેનાં આવાં પરસ્પરાશ્રિત સામાજિક પરિબળોના સમન્વય દ્વારા જ પ્રભાવક બની છે. ઐતિહાસિક તથ્યોનો વ્યક્તિગત જીવન જોડેનો વણાટ સુસમ્બદ્ધ, સુયોજિત અને કલાત્મક છે. વિશાળ લોકસમૂહ જેવી વૈવિધ્યપૂર્ણ પાત્રસૃષ્ટિ અને તેના જેવી જ ઘટનાબહુલતાથી અંકિત આ કૃતિ તત્કાલીન રશિયન સમાજના જીવંત નિરૂપણ દ્વારા પ્રજા અને ઇતિહાસ બન્નેને તાદૃશ કરે છે. ર.ર.દ.