ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યવહારવિજ્ઞાન


વ્યવહારવિજ્ઞાન(Pragmatics) : ગ્રીક શબ્દ Pragma(‘કાર્ય’) પરથી ઊતરી આવેલી આ સંજ્ઞા સંકેતવિજ્ઞાનક્ષેત્રની છે. સંકેતવિજ્ઞાનની એક શાખા સંકેતકરણનો અભ્યાસ કરે છે. તે અર્થવિજ્ઞાન તરીકે ઓળખાય છે, જ્યારે સંકેતોનાં કાર્ય અને ઉપયોગનો અભ્યાસ કરે છે તે શાખા વ્યવહારવિજ્ઞાન તરીકે ઓળખાય છે. સંકેતો, એમનાં અર્થઘટનો અને એના ઉપયોગ કરનારાઓ વચ્ચેનો સંબંધ અહીં તપાસાય છે. બીજી રીતે કહીએ તો સંકેતોને સંદર્ભમાં કેવી રીતે અર્થઘટિત કરી શકાય એના તંત્રનો અહીં અભ્યાસ થાય છે. ભાષાવિજ્ઞાન અને સ્વરૂપવાદની સહિયારી ભૂમિકાએ સાહિત્યકૃતિને સંકેતોની સ્વરૂપગત સંરચનાઓ તરીકે સ્વીકારેલી. પણ પછી વ્યવહારવિજ્ઞાનનો ખ્યાલ વિકસિત થતાં સાહિત્યકૃતિ એ માત્ર સ્વરૂપગત સંરચનાઓ નથી, એમાં ‘જગત’, ‘લેખક’ અને ‘વાચક’ના ઘટકો સમાયેલા છે; એ વાત સ્વીકારવી શરૂ થઈ. સામાજિક પ્રોક્તિ તરીકે કૃતિ અંગેની વૈકલ્પિક વિભાવના ઊભી થઈ. સ્વરૂપગત સંરચનાઓના ભાષાવિજ્ઞાનીય અર્થમાં કૃતિ કેવળ પ્રોક્તિનું માધ્યમ છે. એમાં બળ અને અર્થવત્તા તો ત્યારે દાખલ થાય છે જ્યારે પ્રત્યાયનના સંદર્ભમાં ભાષાની સંરચનાઓની સાથેસાથે સંસ્કૃતિસંમત વાચકનું જ્ઞાન, એની માન્યતાઓ અને એનાં મૂલ્યોને સંકલિત કરવામાં આવે છે. આનો અર્થ એ થયો કે સ્વરૂપગત ભાષાવિજ્ઞાનને વ્યવહારવાદી વિશ્લેષણ દ્વારા પુષ્ટિ મળવી જોઈએ. કૃતિઓ અને એના ઉપયોગ કરનારાઓ વચ્ચેનો સંબંધ વ્યવહારવિજ્ઞાનનું મુખ્ય લક્ષ્ય છે. ચં.ટો.