ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શબ્દકોશ



શબ્દકોશ : એટલે પ્રાથમિકપણે તો શબ્દસંગ્રહ કે શબ્દાર્થસંગ્રહ. કોઈ એક ભાષામાં શબ્દનો વધુ પ્રચલિત ને સુગમ અર્થ હાથવગો કરી આપવા માટે, શબ્દના અન્ય પર્યાયો આપવા માટે અને શબ્દના બદલાતા અર્થ-અધ્યાસો/અર્થ-છાયાઓ આપવા માટે શબ્દકોશની રચના થતી હોય છે. વ્યાપક રીતે તો ભાષામાં ચાલુ વપરાતા તેમજ ક્ષીણપ્રયોગ પણ સાહિત્યવારસામાં સંઘરાયેલા સર્વ શબ્દોનું ભંડોળ જેમાં અકારાદિક્રમે અને એની અંતર્ગત આવશ્યક વિગતોની વ્યવસ્થા અનુસાર મૂકી અપાયું હોય એ શબ્દકોશ. પ્રયોજન મુજબ શબ્દકોશ જુદાજુદા પ્રકારના હોય. કેવળ માન્ય જોડણી આપતો જોડણીકોશ, શબ્દના માત્ર પર્યાયો આપતો પર્યાયકોશ, શબ્દની વ્યુત્પત્તિસાંકળ મૂકી આપતો વ્યુત્પત્તિકોશ અને આ બધી જ વિગતોને સાંકળી લેતો શબ્દકોશ કે શબ્દાર્થકોશ. કેટલાક શબ્દકોશ શબ્દ અંગે વિશેષ માહિતી-જ્ઞાનને સમાવતા શબ્દ-જ્ઞાનકોશ (ઈન્સાય્ક્લપિડીક ડિક્શનરી) પ્રકારના પણ હોય છે. એક ભાષાને કેન્દ્રમાં રાખીને એના શબ્દોના અન્યભાષી પર્યાયો/અર્થો આપતા દ્વિભાષી કોશ (જેમકે ગુજરાતી-અંગ્રેજીકોશ), ત્રિભાષીકોશ (ગુજરાતી-હિન્દી- અંગ્રેજીકોશ) વગેરે પ્રકારના કોશ પણ શબ્દકોશમાં જ સમાઈ જાય. શબ્દકોશમાં શબ્દસંચય કરતાં વ્યવસ્થાનું અને શાસ્ત્રીયતાનું મહત્ત્વ ઘણું વધારે છે. મૂળ શબ્દઘટક કે શબ્દરૂપ, એનો વ્યાકરણી મોભો કે ઓળખ, એની મૂળ સ્રોતભાષા (જેમકે ગુજરાતી કોશ હોય તો સંસ્કૃત તત્સમ કે દેશ્ય કે લાક્ષણિક કે અરબી, અંગ્રેજી, મરાઠી વગેરે), એના અર્થો/પર્યાયો, એ શબ્દ પરથી રચાતાં અન્ય રૂપો, સામાસિક રચનાઓ, રૂઢ પ્રયોગો-અર્થોનો નિર્દેશ – વગેરે સંદર્ભજગત પણ એની સાથે સંકળાતું હોવાથી સર્વાશ્લેષી છતાં કરકસરભરી વ્યવસ્થા (સિસ્ટીમ) શબ્દકોશની અનિવાર્ય શરત છે. આથી શબ્દકોશની રચનામાં પરિશ્રમ, સૂઝ અને યોજકબુદ્ધિ ઉપરાંત શબ્દાર્થ-વિજ્ઞાનની તાલીમની જરૂર પડે છે. શબ્દકોશ, આમ, એનો ઉપયોગ કરનારની સર્વાધિક જરૂરિયાતોનો પૂરો અંદાજ બાંધીને સામગ્રી-સંકલનનું ચુસ્ત શાસ્ત્રીય વ્યવસ્થાતંત્ર નીપજાવતા સદ્યોગમ્ય સ્વરૂપનો હોય છે. ર.સો.