ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શબ્દશક્તિ


શબ્દશક્તિ : શબ્દમાં અન્તર્નિહિત અર્થને વ્યક્ત કરનાર વ્યાપાર તે શબ્દશક્તિ છે. જેમ ઘડો બનવા માટે કુંભાર, માટી, દંડ વગેરે કારણ છે અને ચાકડો વ્યાપાર છે, તેમ અર્થબોધ કરાવવામાં શબ્દ કારણ છે અને અર્થબોધ કરાવનાર શક્તિ તે વ્યાપાર છે. બીજી રીતે કહીએ તો શબ્દમાં નિહિત અર્થને પ્રગટ કરનાર તત્ત્વ તે શબ્દશક્તિ કે શબ્દવ્યાપાર છે. શબ્દશક્તિ વિના અર્થબોધ શક્ય નથી. શબ્દશક્તિ ત્રણ છે : અભિધા, લક્ષણા અને વ્યંજના. એની સાથે સંલગ્ન શબ્દ અનુક્રમે વાચક, લક્ષક અને વ્યંજક છે; તો એમાંથી પ્રગટ થતા અર્થ અનુક્રમે વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ છે. કાવ્યશાસ્ત્રમાં શબ્દશક્તિનું અનુસન્ધાન પૂર્વમીમાંસાના ‘શાબરભાષ્ય કે કુમારિલ ભટ્ટના ‘મંત્રવાર્તિક’ જેવા ગ્રન્થમાં છે પણ વ્યાકરણથી એ વધુ અનુપ્રાણિત છે. ચં.ટો.