ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શબ્દાર્થવિજ્ઞાન


શબ્દાર્થવિજ્ઞાન(Semantics) : શબ્દાર્થવિજ્ઞાન એ ભાષિક અર્થનું વ્યવસ્થિત અધ્યયન કરતી શાખા છે. આમ તો આ સંજ્ઞા વીસમી સદીમાં જ વ્યાપકપણે પ્રચલિત બની. તેમ છતાં છેક પ્લેટો-એરિસ્ટોટલના જમાનાથી દાર્શનિકો, તર્કશાસ્ત્રીઓ વગેરે અર્થવિચારમાં રસ લેતા આવ્યા છે. ભારતમાં પણ અર્થવિચારની સુદૃઢ પરંપરા રહી છે. અર્થવિચારના ભાષાવૈજ્ઞાનિક અભિગમનો ઉદ્દેશ અર્થનો વ્યવસ્થિત અને વસ્તુનિષ્ઠ અભ્યાસ કરવાનો છે. તર્કશાસ્ત્રીઓ અને તત્ત્વજ્ઞાનીઓના અભિગમ વચ્ચે ફરક એ રીતનો છે કે તત્ત્વજ્ઞાનીઓએ કોઈ એક ભાષાનાં વાક્યોની (ખાસ કરીને વિધાનોની) મર્યાદિત શ્રેણી પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જ્યારે ભાષાવિજ્ઞાનીના અભિપ્રાયનું ક્ષેત્ર વધુ વ્યાપક છે. તેમ છતાંય કહેવું જોઈએ કે સમકાલીન ભાષાવિજ્ઞાનીના અર્થવિચાર પર તાર્કિક વિશ્લેષણનો પ્રભાવ ઘણો મોટો છે. શબ્દાર્થવિજ્ઞાનની આમ તો મુખ્યત્વે બે શાખાઓ છે. ઐતિહાસિક શબ્દાર્થવિજ્ઞાન અને વર્ણનાત્મક શબ્દાર્થવિજ્ઞાન. ઐતિહાસિક શબ્દાર્થવિજ્ઞાને અર્થવિકાસને અનુશાસિત કરનારા સિદ્ધાન્તોની ચર્ચા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ૧૮૮૩માં બ્રીલે એવું જાહેર કર્યું કે શબ્દાર્થવિજ્ઞાન એ અર્થપરિવર્તનની પ્રક્રિયાનું સંશોધન કરનારું વિજ્ઞાન છે. ત્યારબાદ વર્ણનાત્મક શબ્દાર્થ-વિજ્ઞાન વિકસતું ગયું, જેમાં અર્થપરિવર્તનનું વિશ્લેષણ, વર્ગીકરણ અને સામાન્ય નિયમો રજૂ થતાં રહ્યાં. આ પરિસ્થિતિ ૧૯૩૦ સુધી ચાલુ રહી. આ અરસામાં સોસ્પૂર વર્ણનાત્મક શબ્દાર્થવિજ્ઞાનને નવો વળાંક આપ્યો. આજે અર્થવિચાર સંસર્જનાત્મક શબ્દાર્થવિજ્ઞાનથી પણ આગળ નીકળી ગયો છે. હ.ત્રિ.