ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શુદ્ધાદ્વૈતવાદ


શુદ્ધાદ્વૈતવાદ : સવિશેષ બ્રહ્મવાદની વિષ્ણુપરક વિચારધારાઓમાં શુદ્ધાદ્વૈતવાદના પ્રવર્તક વલ્લભાચાર્યે (તૈલંગ, જન્મ ૧૪૭૯, મહાપ્રભુજીના નામે પ્રખ્યાત) બ્રહ્મસૂત્ર પર અણુભાષ્ય, ભાગવતપુરાણની સુબોધિની ટીકા જેવા ગ્રન્થોમાં બ્રહ્મ અને જીવની એકતાનું નિરૂપણ કર્યું. પોતે અદ્વૈતના ચુસ્ત સમર્થક હોવા છતાંય માયા-શબલ બ્રહ્મના શાંકર સિદ્ધાન્તની પ્રતિક્રિયા રૂપે બ્રહ્મ માયા-સંબંધથી રહિત, કારણ અને કાર્ય, જીવાત્મા-પરમાત્મા ઉભય પ્રકારે’ શુદ્ધ અદ્વૈતતત્ત્વ હોવાની તથા જગત એની જ લીલાનો વિલાસ હોવાની સ્થાપના કરી. બ્રહ્મવિદ્યામાં શ્રુતિસ્મૃતિને જ માત્ર પ્રમાણ ગણી, તાર્કિક યુક્તિ અને અનુમાન પ્રમાણની વિરુદ્ધે તેમણે શબ્દ-પ્રમાણ દ્વારા શાંકરમતનું નિરસન કર્યું, આધિદૈવિક સ્વરૂપે પરબ્રહ્મ, પુરુષોત્તમ કૃષ્ણ સર્વત્ર વ્યાપ્ત સ્વરૂપે અંતર્યામી અને આધ્યાત્મિક સ્વરૂપે અક્ષરબ્રહ્મની સંકલ્પના વલ્લભવેદાન્તની વિશેષતા છે. અગ્નિના સ્ફુલિંગની જેમ અક્ષરબ્રહ્મમાંથી પ્રગટતાં જીવ-જગત સત્ય છે. ઈશ્વરના અનુગ્રહથી જીવને મુક્તિ પ્રાપ્ત થાય છે. યોગ્ય ઉપદેષ્ટા અને અનુકૂળ સામગ્રીના અભાવે માનવજાત માટે દુર્ગમ થઈ પડેલા જ્ઞાન અને કર્મમાર્ગના વિકલ્પે તેમણે પુષ્ટિમાર્ગ બતાવ્યો. D¸½«¸µ¸¿ C™›¸ºŠ¸I­ह : (ભાગવત ૨-૧૦-૪) ઈશ્વરના અનુગ્રહથી ભાવ પુષ્ટિ થાય. પુષ્ટિ-ભક્તિ દ્વારા ગોપીભાવમય બની ભક્ત સાયુજ્યમુક્તિની અવગણના કરી કૃષ્ણની રાસલીલામાં નિત્ય લીલાલીન બની જાય એ જ મુક્તિ. વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલ-નાથ ગોસાંઈ સ્થાપિત અષ્ટછાપના કવિઓમાં સવિશેષ સૂરદાસ અને નંદદાસ ઉપરાંત વ્રજભાષાના રીતિકાલીન કવિઓ, ગુજરાતમાં દયારામ જેવા ભક્ત કવિઓની પરંપરામાં પ્રેમ લક્ષણાભક્તિ તથા કૃષ્ણની બાળલીલાઓની આરાધના દ્વારા સાહિત્યમાં દસમા વાત્સલ્યરસનો ઉદ્ભવ થયો. શા.જ.દ.