ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શેરીનાટ્ય


શેરીનાટ્ય : લોકનાટ્યના આધુનિક અવતાર સમા આ પ્રકારમાં કળાકારો ખાસ ઉપકરણો વગર, ખુલ્લી જગામાં લોકો વચ્ચે જઈને નાટક ભજવે છે, એટલે લોકો સાથે તેમનો સીધો સંબંધ – નાતો સ્થપાય છે. આથી લોકલક્ષી પ્રયોગો માટે આ રીત ખૂબ અનુકૂળ નીવડે છે. સામાન્યત : શેરીનાટ્યનો ઉદ્દેશ લોકરંજનનો નહીં પણ લોકશિક્ષણ – લોકજાગૃતિનો હોય છે, એટલે તે બહુધા પ્રચારક કે ક્રાન્તિપ્રેરક બની રહે છે. તેના પ્રયોગોમાં વસ્તુ પણ તત્કાલીન, જનસાધારણને સ્પર્શતા પ્રશનેનું લેવાતાં તે લોકાર્ષક અને અસરકારક થાય છે. પ્રયોગવસ્તુના માળખા – અર્થે થોડાક સંવાદો જ નિશ્ચિત હોય ત્યારે રજૂઆત કળાકારો પાસે ઘણી સમજ અને સજ્જતા તથા હિંમત અને જહેમત, પણ ખાસ તો પ્રતિબદ્ધતા માગી લે છે. અલબત્ત, શેરીનાટ્યરીતિમાં પણ કલાત્મક રજૂઆતની પૂરી ક્ષમતા રહેલી છે. શેરી નાટ્યપ્રયોગ લાગે છે તેટલો સહેલો નથી. વિ.અ.