ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શૈલીશૈલી(Style) : લેખકની અભિવ્યક્તિની ગુણવત્તા કે એની રીતિને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરતી સાહિત્યવિવેચનની સંજ્ઞા. આ સંજ્ઞા દ્વારા પદ્ય કે ગદ્યની ભાષાભિવ્યક્તિની રીતિ, ભાષાનો અસરકારક કે વિશિષ્ટ ઉપયોગ, અભિવ્યક્તિની લાક્ષણિક રીતિ-વગેરે સૂચવાય છે. શૈલીની અનેક રીતે વ્યાખ્યા કરવામાં આવી છે. કોઈ એને વિચારોનું પ્રસાધન કહે છે, તો કોઈ ઉચિત સ્થાને મુકાયેલો ઉચિત શબ્દ ગણે છે. કોઈ એને ચિત્તની રૂપાકૃતિ ઓળખાવે છે તો કોઈ વિષયવસ્તુ પર લેખકના વ્યક્તિત્વનો પ્રભાવ ગણે છે. આમ, શૈલી જેવી સંજ્ઞા ગમે એટલી સંદિગ્ધ હોવા છતાં મૂળ એનો લેટિનમાં જે અર્થ હતો (stilus – મીણપટ્ટીઓ પર લખવાનું તીક્ષ્ણ હથિયાર) એની ઘણો નજીકનો અર્થ એમાંથી નીકળે છે. મીણપટ્ટી પર જેમ અક્ષર ઊઠી આવે તેમ વૈયક્તિક વિચલન ઊતરી આવે છે. શૈલીને વિભિન્નતા, વિચલન, વરણ, પ્રત્યગ્રતા, કોઈપણ અર્થ આપો, એ મીણપટ્ટી પરના અક્ષરની જેમ ઊપસી આવનાર સર્જકની મૌલિકતા પ્રગટ કરનારું તત્ત્વ છે. ‘શૈલી’ સંજ્ઞાનું મૂળ લેટિનમાં હોવા છતાં ગ્રીકો પાસે પૂર્ણવિકસિત, શૈલી અંગેના, સિદ્ધાન્તો હતા; એ એમના વાગ્મિતાના સંપ્રદાયો અને સૌન્દર્યમીમાંસા પરનાં લખાણો પરથી ફલિત થાય છે. શૈલીની બે મહત્ત્વની વિભાવનાઓ પ્લેટો અને એરિસ્ટોટલ સુધી પહોંચે છે. પ્લેટોનિક સંપ્રદાય માને છે કે શૈલી એવો ગુણધર્મ છે જે એક અભિવ્યક્તિમાં હાજર હોય અને બીજીમાં ન હોય. ત્યારે, એરિસ્ટોટલનો સંપ્રદાય માને છે કે આ ગુણધર્મ દરેક અભિવ્યક્તિમાં નિહિત છે. પ્લેટો ચિત્ત, પ્રાણ ચેતના પર ભાર મૂકે છે. તો એરિસ્ટોટલ રીતિ કે ફેશન પર ભાર મૂકે છે. વાગ્મિતાના પારંપરિક સિદ્ધાન્તોમાં શૈલીના ત્રણ સ્તર બતાવવામાં આવે છે : ઊર્ધ્વ, મધ્ય અને નિમ્ન. નોર્થોપ ફ્રાયે સાહિત્યક્ષેત્રે જનસાધારણ શૈલી (Demotic Style) અને વિશિષ્ટશૈલી (Hieralic style) એમ બે બૃહદ વિભાજન કરી બંને વર્ગમાં આ ત્રણ સ્તર દાખલ કર્યા છે. શૈલીવિશ્લેષણમાં બે પ્રકારની વાક્યરચનાઓ ધ્યાનમાં લેવાય છે. વાક્યના અર્થ માટે વાક્યના અંત સુધી રાહ જોવી પડે એવી નિયતકાલિક(Periodic) વાક્યરચના અને ગમે ત્યાં વાક્યમાં વિરામ લઈ શકાય તેવી વાતચીતની નજીકની અનિયતકાલિક (Non-periodic) વાક્યરચના. આ ઉપરાંત વાક્યો વાક્યો વચ્ચેનો સંયોજકહીન સમન્વય(Paratactical) તેમજ વાક્ય વાક્ય વચ્ચેની કાલગત તેમજ તર્કગત આધારે થતી નિર્મિતિ પણ ધ્યાન પર લેવાય છે. કોઈ એક કર્તાની કે કૃતિની શૈલીની તપાસ કરવા માટે બાની, શબ્દપસંદગી, અલંકાર, કલ્પન, રૂપકનું નિરૂપણ વાગ્મિતાકલા વગેરેનો અભ્યાસ જરરી છે. શૈલીને કોઈ ચોક્કસ લેખકને અનુલક્ષીને (ન્હાનાલાલીય શૈલી) સમયને અનુલક્ષીને (મધ્યયુગીન શૈલી) ભાષા કે માધ્યમને અનુલક્ષીને (વૈજ્ઞાનિક શૈલી), વાચકોને અનુલક્ષીને (લોકપ્રિય શૈલી), હેતુને અનુલક્ષીને (હાસ્યપરક શૈલી), સ્તરને અનુલક્ષીને (ભવ્ય શૈલી) પણ વર્ગીકૃત કરવામાં આવે છે. આધુનિક ભાષાવૈજ્ઞાનિક સાહિત્યવિચારમાં શૈલી એક મહત્ત્વની વિભાવના છે, જે શૈલીવિજ્ઞાન તરીકે ઓળખાય છે. ચં.ટો.