ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શૈવવાદ

From Ekatra Wiki
Revision as of 10:15, 1 December 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''શૈવવાદ'''</span> : સવિશેષ બ્રહ્મવાદની શિવપરક મુખ્ય ચાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શૈવવાદ : સવિશેષ બ્રહ્મવાદની શિવપરક મુખ્ય ચાર વિચારધારાઓ : પાશુપત, શૈવસિદ્ધાન્ત, કાશ્મીરશૈવવાદ અને વીરશૈવ-વાદનો સમૂહ. મહેશ્વરરચિત પાશુપતસૂત્રગ્રન્થ પ્રમાણે કારણરૂપ પરમાત્મા પતિ, જીવ પશુ અને જડ પાશ છે. ચિત્ત દ્વારા પશુ (જીવ) અને પતિ (ઈશ્વર) વચ્ચે સધાતો સંયોગ એ જ યોગ છે. આ વિચારધારામાં પતિના શક્તિપાત-અનુગ્રહથી પશુના પાશરહિત થવાની મુક્તાવસ્થાનો સિદ્ધાન્ત વિશિષ્ટ છે. કાશ્મીરશૈવવાદ અદ્વૈતવાદી હોવા છતાંય તેમના પરમેશ્વરમાં, અદ્વૈતવાદોના બ્રહ્મની નજેમ, કર્તૃત્વ છે તેમનાં વસુગુપ્તપ્રબોધિત સ્પંદશાસ્ત્ર તથા ઉત્પલાચાર્ય અને સવિશેષ અભિનવગુપ્ત-પ્રબોધિત પ્રત્યભિજ્ઞાશાસ્ત્ર સિદ્ધાન્તત : શાક્ત-તત્ત્વવાદની નજીક છે. વીરશૈવવાદ શક્તિવિશિષ્ટદ્વૈત સિદ્ધાન્ત સ્વરૂપે પ્રસિદ્ધ છે. શૈવ–વૈષ્ણવ વચ્ચેના સૈદ્ધાન્તિક સંઘર્ષની સાહિત્ય પર ખાસ અસર થઈ નથી. બધા શૈવવાદોમાંથી કાશ્મીરશૈવવાદનો પ્રભાવ ભારતીય સાહિત્ય પર વિશેષ છે. જ્ઞાન-ભક્તિ અને કર્મના સમન્વયનો સિદ્ધાન્ત સંતપરંપરાના કવિઓએ સ્વીકાર્યો છે. ધ્વનિવાદ ઉપરાંત સમીક્ષાશાસ્ત્ર અને સવિશેષ સૌન્દર્યશાસ્ત્ર પરનો અભિનવગુપ્તનો પ્રભાવ નોંધપાત્ર છે. તેની દાર્શનિક ભૂમિકા કાશ્મીરશૈવવાદની છે. શા.જ.દ.