ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સખી


સખી : ઘણા સંસ્કૃત આચાર્યોએ દૂતી અને સખી વચ્ચે ઝાઝું અંતર સ્વીકાર્યું નથી. છતાં દૂતી કરતાં સખીને જુદું કાર્ય સોંપાયેલું છે અને એની જુદી વ્યાખ્યા પણ થયેલી છે. નાયિકાને વિશ્રામ અને વિશ્વાસ આપનારી અને હંમેશાં એની સાથે રહેનારી સખી છે; જેનાથી નાયકનાયિકા કોઈ ભેદ કે રહસ્ય છુપાવતાં નથી. નાયિકાને સજાવવી (મંડન), નાયિકાને શીખવવું (શિક્ષા), નાયકને નાયિકા તરફથી ઉપાલંભ આપવો (ઉપાલંભ) અને મશ્કરી મજાક કરવી (પરિહાસ) – આ ચાર સખીનાં કાર્યો ગણવાયાં છે. ચં.ટો.