ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમાલોચક


સમાલોચક : એન.એમ. ત્રિપાઠીએ ભગુભાઈ ફતેહચંદ કારભારીની મદદથી ૧૮૯૬માં મુંબઈથી પ્રકાશિત કરેલું ત્રૈમાસિક, ૧૯૧૪થી ૧૯૨૫માં બંધ થતાં સુધી માસિક. આરંભનાં ચાર વર્ષો દરમ્યાન એનું સંપાદન ઉત્તમલાલ ત્રિવેદી તથા મણિલાલ છ. ભટ્ટે કર્યું હતું. જ્યારે ૧૯૦૦થી ૧૯૧૪ દરમ્યાન તે મણિલાલ છ. ભટ્ટે સંભાળ્યું હતું. તે પછી તેના સંપાદનની જવાબદારી અંબાલાલ બુલાખીરામ તથા ચન્દ્રશંકર ન. પંડ્યાએ સંભાળી હતી. મૂર્ધન્ય સાહિત્યકારોની રચનાઓ ઉપરાંત સામ્પ્રત દેશ-કાળની નોંધપાત્ર ઘટનાઓની ચર્ચા-વિચારણા, સાહિત્યિક વિવાદો, વિશિષ્ટ લેખમાળાઓ, ગ્રન્થ-પરિચય, સ્ત્રી-વાચન, અવસાન-અંજલિઓ તથા પ્રકીર્ણ લેખો જેવા સ્થાયી વિભાગો ધરાવતા આ સામયિકે વીસમી સદીના પ્રારંભના અઢી દાયકા લગી ગુજરાતનાં સાહિત્યિક, સામાજિક, રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રો અને પરિબળોનું સર્વેક્ષણ તથા પરીક્ષણ કર્યું છે. ‘જ્ઞાનસુધા’ અને ‘સુદર્શન’ની માફક ‘સમાલોચક’માં પણ દીર્ઘ-વિશિષ્ટ લેખમાળાઓ પ્રગટ થઈ છે. ‘લેખન તથા વાચન’, ‘મહાભાષ્યકાર પતંજલિનું ચરિત્ર’ અને ‘સાંખ્યદર્શન’ તેનાં ઉત્તમ દૃષ્ટાંતો છે. ર.ર.દ.