ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમિઝદાત


સમિઝદાત(Samizdat) : ૧૯૬૬ની આસપાસ ચલણમાં આવેલી આ રશિયન સંજ્ઞા ભૂગર્ભલેખનપ્રવૃત્તિને નિર્દેશે છે. અધિકારીઓની જાણબહારનો અને એમની સંમતિ વગરનો આ દ્વારા થતો લેખો અને પુસ્તકોનો ફેલાવો ટાઈપનકલમાં હોય છે. સમિઝદાતનું સાહિત્ય રાજ્યની વિરુદ્ધના વિચારોને પ્રગટ કરતું હોય છે. ૧૯૬૬માં આન્દ્રેય સિન્યાવ્સ્કી પરના ચાલેલા ખટલા દરમ્યાન સોવિયેટ યુનિયનમાં ભૂગર્ભ સાહિત્યના વિપુલ જથ્થાની હયાતી ધ્યાન પર આવી.એ વર્ષે સિન્યાવ્સ્કી ઉપરાંત યુરિદેનિયલને પણ જેલમાં ધકેલી દેવામાં આવેલો. સોલ્ઝેનિત્સિનની ‘ધ ફર્સ્ટ સર્કલ’ મૂળે ભૂગર્ભસાહિત્ય હતું. વળી, પશ્ચિમના દેશોમાં રશિયન ભાષામાં પ્રગટ થતું સાહિત્ય તમિઝદાત Tamizdat સંજ્ઞાથી ઓળખાય છે. આ સાહિત્ય પછી ચોરીછૂપીથી રશિયામાં ઘુસાડવામાં આવે છે. પાસ્તરનાકની ‘ડૉ. ઝિવાગો’ આ પ્રકારનું ઉદાહરણ છે. તો મેગ્નિતિઝદાત(magnitizdat) સાહિત્ય ટેઇપ પર ઉતારવામાં આવેલી સામગ્રી માટે વપરાય છે. ચં.ટો.