ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સરસતા


સરસતા : કનૈયાલાલ મુનશીએ પોતાના પુસ્તક ‘થોડાંક રસદર્શનો : સાહિત્ય અને ભક્તિનાં, (૧૯૩૩)માં રસિકતાને કલાત્મક કૃતિની કસોટી જણાવી રસિકતાને પોષનાર લક્ષણ તરીકે સરસતાની વ્યાખ્યા કરી છે. એમને મતે કૃતિ સરસ બને છે ત્યારે ઊંચા પ્રકારની કલા પ્રગટે છે અને સચોટતા સામા માણસને સરસતા દર્શાવી તેની રસિકતાને સંતોષે છે. મુનશીને મતે રસિકતાનો સનાતન સંપ્રદાય છે. એ સંપ્રદાયે કલાને, સાહિત્યને, વૃત્તિઓને અને જીવનોને એક તાંતે બાંધ્યાં છે. એમણે રસિકતાનાં ત્રણ જુદાં જુદાં અંગ ગણાવ્યાં છે : સરસતાનો આસ્વાદ લેવાની ઉત્કંઠા; સરસતા પારખવાની શક્તિ અને સરસતાની આનંદ મેળવવાની શક્તિ. આ પછી સરસતાને સમજાવતા મુનશી ઉમેરે છે કે સપ્રમાણતા, સંવાદિતા, એકતાનતા, વૈવિધ્ય, સૌન્દર્ય અને સજીવતા – આ બધાં કે આમાંથી થોડાંક લક્ષણો આ સરસતા જોડે રહે છે તે બધાં રસિકતાને પૂરેપૂરી સંતોષી શકતાં નથી. છતાં આ બધામાંથી કોઈપણ લક્ષણ જ્યાં ન હોય ત્યાં સરસતા ભાગ્યે જ હોય છે. ચં.ટો.