ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સરસ્વતી સન્માન

Revision as of 08:35, 8 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સરસ્વતી સન્માનઃ કે. કે. બિડલા ફાઉન્ડેશન દ્વારા ભારતીય સંવિધાનની આઠમી અનુસૂચિ અંતર્ગત સામિલ કોઈ પણ ભાષામાં ઉત્કૃષ્ટ કૃતિ માટે પ્રત્યેક વર્ષ અપાતું સન્માન. એમાં લેખકને ત્રણ લાખ રૂપિયા ઉપરાંત શાલ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. આને માટે ફાઉન્ડેશને વસ્તુપરક અને નિષ્પક્ષ પ્રક્રિયાની વ્યવસ્થા કરી છે. ચયન સમિતિને સહાય કરવા ચાર ક્ષેત્રસમિતિ ઉપરાંત ૧૮ ભાષાની સમિતિઓ કામ કરે છે. આ સન્માન કવિતા, ટૂંકીવાર્તા, નવલકથા, નાટક, હાસ્યવ્યંગ્ય, લલિતનિબંધ, જીવનકથા-આત્મકથા, સાહિત્યસમીક્ષા, સાહિત્ય-નો ઇતિહાસ વગેરે કોઈપણ સાહિત્ય પ્રકાર માટે અપાય છે. છેલ્લાં પાંચ વર્ષમાં આ સન્માન હરિવંશરાય બચ્ચન(૧૯૯૧)ને આત્મકથા માટે, રમાકાંત રથ(૧૯૯૨)ને ઊડિયા કાવ્યકૃતિ ‘શ્રીરાધા’ માટે, વિજય તેંડુલકર(૧૯૯૩)ને એમના નાટક ‘કન્યાદાન’ માટે, હરભજન સિંહ(૧૯૯૪)ને એમની કાવ્યકૃતિ ‘રૂખ તે ઋષિ’ માટે અને શ્રીમતી એન. બાલમણિ(૧૯૯૫)ને એમની કાવ્યરચના ‘નૈવેદ્યમ્’ માટે શમ્સુર્રહમાન ફારુકી (૧૯૯૬) ને ઉર્દૂ ‘શેર એ શોર આગેઝ’ કાવ્યસંગ્રહ માટે, મનુભાઈ પંચોળી ‘દર્શક’ (૧૯૯૭)ને ગુજરાતી ‘કુરુક્ષેત્ર’ નવલકથા માટે; શંઘ ઘોષ (૧૯૯૮)ને બંગાળી ‘ગાંધર્બ કવિતા ગુચ્છ’ કાવ્યસંગ્રહ માટે; ઇંદિરા પાર્થસારથિ (૧૯૯૯)ને તમિલ ‘રામાનુજર’ નાટક માટે; મનોજ દાસ (૨૦૦૦) ને ઉડિયા ‘અમૃતફળ’ નવલકથા માટે દલિપ કૌર તિવાણા (૨૦૦૧) ને પંજાબી ‘કથા કહો ઉર્વશી’ નવલકથા માટે; મહેશ એલકુંચવાર (૨૦૦૨) ને મરાઠી ‘યુગાન્ત’ નાટક માટે; ગોવિંદચંદ્ર પાંડે (૨૦૦૩)ને સંસ્કૃત ‘ભગીરથી’ કાવ્યસંગ્રહ માટે; સુનિલ ગંગોપાધ્યાય (૨૦૦૪) ને બંગાળી ‘પ્રથમ આલો’ નવલકથા માટે; કે. અયપ્પા પણિકર (૨૦૦૫)ને મલયાલમ ‘અયપ્પા પણિકરકે કીર્તિકાલ’ કાવ્યસંગ્રહ માટે; જગન્નાથ પ્રસાદ દાસ (૨૦૦૬) ને ઉડિયા ‘પરિક્રમા’ કાવ્યસંગ્રહ માટે; નૈયર મસૂદ (૨૦૦૭) ને ઉર્દૂ ‘તાઊસ ચમનકી મેના’ ટૂંકીવાર્તાસંગ્રહ માટે; લક્ષ્મીનંદન બોરા (૨૦૦૮) ને અસામિયા ‘કાયકલ્પ’ નવલકથા માટે; સુરજીત પાતર (૨૦૦૯) ને પંજાબી ‘લફજોકી દરગાહ’ પુસ્તક માટે; એસ. એલ. ભેરય્યા (૨૦૧૦) ને કન્નડ ‘મંદ્ર’ નવલકથા માટે; એ. એ. માનવાલન (૨૦૧૧) ને તમિલ ‘લ્રામા કથાયુમ લ્રામાયકલમ’ માટે; સુગત (સુગથા) કુમરી (૨૦૧૨) ને મલયાલમ ‘મનાલે હુથુ’ માટે; ગોવિંદ મિશ્ર (૨૦૧૩) ને હિન્દી ‘ધુળ પૌંધો પર’ નવલકથા માટે; વીરપ્પા મોઇલી (૨૦૧૪) ને કન્નડ ‘રામાયણા મહાનવેશમમ્’ કવિતાસંગ્રહ માટે; પદ્મા સચદેવ (૨૦૧૫) ને ડોગરી ‘ચિત્તચેત’ આત્મકથા માટે; મહાબલેશ્વર સૈલ (૨૦૧૬) ને કોંકણી ‘હાઉટન’ નવલકથા માટે; સિતાંશુ યશશ્ચંદ્ર (૨૦૧૭) ને ગુજરાતી ‘વખાર’ કાવ્યસંગ્રહ માટે; કે. શિવા રેડી (૨૦૧૮) ને તેલુગુ ‘પક્કી ઓત્તિગિલિત’ કાવ્યસંગ્રહ માટે, વાસુદેવ મોદી (૨૦૧૯)ને સિંધી ‘ચેકબુક’ વાર્તાસંગ્રહ માટે, શરણકુમાર લીમ્બાલે (૨૦૨૦)ને મરાઠી ‘સનાતન’ નવલકથા માટે અપાયું છે. ચં.ટો., ઇ.કુ.