ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાંસ્કૃતિક નૃવંશવિજ્ઞાન


સાંસ્કૃતિક નૃવંશવિજ્ઞાન(Cultural Anthropology) : ‘સાંસ્કૃતિક નૃવંશવિજ્ઞાન’ કોઈ એક પ્રજાની ખાસિયતો તેમજ રીત-રિવાજો, ધર્મ, ભાષા ઇત્યાદિ ખાસ સાંસ્કૃતિક બાબતોનું અધ્યયન કરે છે. ભાષા અને સાહિત્ય એ આજના નૃવંશ-વિજ્ઞાનીના રસના વિષયો છે. કોઈપણ પ્રજાની ભાષા અને એના સાહિત્યમાં એક બાજુ તેમની સંસ્કૃતિનું પ્રતિબિંબ પડે છે, તો બીજી બાજુ મનુષ્યોની ભાષા અને એમનું સાહિત્ય સંસ્કૃતિનું ઘડતર કરે છે. ભાષા અને સાહિત્યમાં જે તે પ્રજાના આદર્શો, આકાંક્ષાઓ, અભિરુચિઓ, જરૂરિયાતો વગેરેનો આવિષ્કાર જોઈ શકાય છે. કોઈપણ સંસ્કૃતિની વિચારક્રિયા તથા તેમના જ્ઞાનાત્મક વ્યાપારોનો સ્તર કેવો છે તે તેમની ભાષા અને એમના સાહિત્યના વિશ્લેષણથી જાણી શકાય છે. એવી જ રીતે, જે ભાષા અને સાહિત્યના વાતાવરણમાં વ્યક્તિ ઊછરી હોય તે અનુસાર એનું માનસ, જ્ઞાનતંત્ર આકાર પામે છે. જેમકે ઊંટ એ અરેબિક સંસ્કૃતિનું મહત્ત્વનું અંગ છે. તેથી સ્વાભાવિક રીતે જ તેમની કહેવતો, વાર્તાઓ, દંતકથાઓમાં ઊંટ મહત્ત્વનું સ્થાન પામ્યું છે. આથી જ અરેબિક ભાષામાં ઊંટને લગતા છ હજાર શબ્દો છે. હ.ત્રિ.