ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યચોરી

Revision as of 08:42, 9 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સાહિત્યચોરી (Plagiarism) : સાહિત્યક્ષેત્રે અન્યના શબ્દો કે વિચારોને એનો મૂળસ્રોત બતાવ્યા વિના પોતાના શબ્દો કે વિચારો તરીકે ઉપયોગમાં લેવા યા હયાત શબ્દો કે વિચારોમાંથી કશુંક વ્યુત્પન્ન કર્યું હોવા છતાં એને કશુંક મૌલિક છે કે કશુંક નવું છે એ રીતે ખપાવવું એ સાહિત્યચોરી છે. ઘણીવાર લેખકે અન્ય લેખકની ભાષાની, એના પરિચ્છેદોની, એનાં લખાણોની સીધી ઉઠાંતરી કરી હોય છે. સાહિત્યચોરીને અનુકરણ, રૂપાન્તર કે મિશ્રકૃતિ (Pastiche)થી અલગ કરવી મુશ્કેલ છે. પરંતુ સાહિત્યચોરીને નક્કી કરવા માટે અપ્રામાણિક આશય એકમાત્ર માપદંડ હોઈ શકે. પ્રશિષ્ટ લેખકોએ આમ તો અનુકરણને માન્ય ગણેલું છે. અલબત્ત, એક વાત સાચી છે કે કોઈ લેખક કોરી પાટી પર શરૂઆત કરતો નથી. અને તેથી સભાનપણે કે અભાનપણે એ કોઈનું ને કોઈનું ઋણ તો લે છે જ. જર્મન કવિ ગ્યોથે એકરમાન સાથે વાતચીતમાં જણાવેલું કે પ્રત્યેક કલામાં સંતતિ હોય છે. રાફેલ જેવા માણસો જમીન ફાડીને બહારથી નથી આવતા. એમનાં મૂળ પ્રાચીનમાં અને પુરોગામીઓના ઉત્તમમાં પડેલાં હોય છે. આમ સાહિત્યચોરીનો એક છેડો નિંદ્ય ઉઠાંતરીમાં અને બીજો છેડો ઉલ્લેખ (Allusion) અને આંતરકૃતિત્વ (Intertextuality)માં રહેલો છે. એટલેકે એક છેડે કાવ્યચૌર્ય છે, જ્યારે બીજે છેડે કાવ્યઋણ છે. રાજશેખરે કવિ ચોર ન હોય એવો સંભવ નથી એમ કહીને ઉક્તિના વૈચિત્ર્યથી પરિત્યાજ્ય ‘હરણ’ કઈ રીતે અનુગ્રાહ્ય ‘સ્વીકરણ’માં પરિણમે છે એની વિસ્તારે વાત કરી છે. રાજશેખર જેને અનુસર્યા છે તે આનંદવર્ધનનો ‘કાવ્યસંવાદ’ અંગેનો મત પણ અન્યોનું સાદૃશ્ય રસપરિગ્રહને કારણે કઈ રીતે નાવીન્ય ધારણ કરે છે તે દર્શાવે છે. આપણે ત્યાં કનૈયાલાલ મુનશીની ‘પાટણની પ્રભુતા’ મૌલિક નથી પરંતુ ફ્રેન્ચ લેખક દૂમાની ‘થ્રી મસ્કેટિયર્સ’ અને ‘ટ્વેન્ટી ઈયર્સ આફ્ટર’ના આધારે લખાયેલી છે એવી રામચન્દ્ર શુક્લે કરેલી ચર્ચા જાણીતી છે. ચં.ટો.