ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યિકતા


સાહિત્યિકતા(Literariness) : સાહિત્યિકતા અંગેનો સિદ્ધાન્ત રશિયન સ્વરૂપવાદને વ્યવસ્થાપરક અને વૈજ્ઞાનિક બનાવે છે. સાહિત્યકતાના સિદ્ધાન્ત હેઠળ સાહિત્યના અભ્યાસનું ધ્યેય નિહિત ગુણધર્મો પર નહિ પણ વિરોધધર્મો કે ભેદકધર્મો પર કેન્દ્રિત હોય છે. આને કારણે સાહિત્યિકતાનો સિદ્ધાન્ત પ્રસ્થાપિત કરવાનું અને સાહિત્યના અભ્યાસને વૈજ્ઞાનિક દરજ્જો આપવાનું શક્ય બન્યું છે. આ સિદ્ધાન્ત અંતર્ગત આ કે તે સાહિત્યિકૃતિ અથવા આ કે તે સાહિત્યિકાર નહીં પરંતુ સાહિત્યિકતા જ સાહિત્યઅભ્યાસનું પ્રયોજન બને છે. યાકોબ્સન સ્પષ્ટ કરે છે કે સાહિત્યવિજ્ઞાનનો વિષય સાહિત્ય નથી પરંતુ સાહિત્યિકતા છે. આ સાહિત્યકતા જ કૃતિને સાહિત્યકૃતિ બનાવે છે. ચં.ટો.