ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને દર્શન


સાહિત્ય અને દર્શન : સંસ્કૃત આલંકારિક શંકુકના અનુકૃતિવાદનો વિરોધ કરનાર ‘કાવ્યકૌતુક’ના કર્તા ભટ્ટ તૌત કહે છે કે ``›¸¸›¸¼¹«¸ : ˆÅ¹¨¸ : †¹«¸ä¸ ¹ˆÅ¥¸ ™©¸Ä›¸¸CÖ જે ઋષિ નથી તે કવિ હોતો નથી અને ઋષિ બને છે દર્શનથી. અર્થાત્ સાહિત્ય-સર્જકમાં ‘દર્શન’ હોવું જરૂરી છે. સાહિત્યમાં ‘દર્શન’નો મહિમા જુદા જુદા સમયે થયો છે પણ ‘દર્શન’ માત્રથી કૃતિ સાહિત્યકૃતિ ન બને. ચિંતન-મનનના ખંડો, જીવન વિશેનું પોતાનું દર્શન (Vision of Life) વગેરે. સાહિત્યમાં આવી શકે પણ એની આખરી પરિણતિ તો કલાકૃતિ અને એમાંથી મળતો રસાનંદ જ છે. એવી કેટલીય કૃતિઓમાં ‘દર્શન’ સમૃદ્ધ હોય પણ એનું નિરૂપણ કલાના સંદર્ભે ન થયું હોઈ ચિંતન-મનન તરીકે એ આવકાર્ય બને પણ એના વાચનથી સહૃદયને આનંદ ન મળે. ‘દર્શન’ ગમે તેવું મોટું હોય પણ એ કલાકૃતિમાં સમરસ થવું જોઈએ, ઓગળી જવું જોઈએ તો જ કૃતિને સાહિત્યકૃતિ તરીકે મૂલવતાં એ મહત્ત્વનું ગણાય. એબરક્રોમ્બીએ મહાન કવિતાની પોતાની વિભાવના દર્શાવતાં કવિતા અને મહાન કવિતા વચ્ચે ભેદરેખા આંકી છે. કેટલીક રચનાઓ સમગ્ર પ્રજાજીવનના સાહિત્યપુરુષાર્થની પરિણતિરૂપ હોય છે અને એમાં દર્શન-ચિંતનના અંશો આવે છે પણ કેટલીક રચનાઓ સાદીસીધી સાહિત્યનો આનંદ આપનારી હોય છે. એમાં ‘દર્શન’ નથી એમ કહી એનો સાહિત્યમાંથી કાંકરો કાઢી શકાય નહિ. આ સંદર્ભમાં ટી.એસ. એલિયટનો અભિપ્રાય સ્વીકાર્ય નીવડે એવો છે. તેમણે લખ્યું છે કે કેવળ સાહિત્યિક ધોરણોથી કોઈપણ સાહિત્યની મહાનતા નક્કી ન થઈ શકે પણ એ સાહિત્ય છે કે કેમ એનો નિર્ણય તો ફક્ત સાહિત્યનાં ધોરણોથી જ થઈ શકે. સાહિત્યની ચર્ચાવિચારણામાં ‘દૃષ્ટા’, ‘ક્રાન્તદૃષ્ટા’, ‘દર્શન’ જેવા શબ્દો રૂઢ થયેલા છે. એની પાછળ સાહિત્યવિવેચનને ફિલસૂફીની એક શાખા ગણવાના વિચારનું મૂળ રહેલું હોય. વાસ્તવિક રીતે તો નાનામાં નાની સાહિત્યકૃતિમાં પણ એના રચયિતાનું જીવનદર્શન તો રહેલું હોય જ. એ દર્શન ઊંડાણવાળું કે વ્યાપક ન હોય એમ બને. ‘દર્શન’ શબ્દના ઉપયોગ દ્વારા એની પાછળ સાહિત્યનો કક્ષાભેદ મનમાં પડ્યો હોય એ શક્ય છે. એટલે સમગ્રતયા ‘સાહિત્ય’ અને ‘મહાન સાહિત્ય’ની વિભાવના સ્પષ્ટ થાય એ ઇષ્ટ છે. ર.જો.