ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હોપવાચનમાળા


હોપવાચનમાળા : ‘હોપવાચનમાળા’ તરીકે પ્રસિદ્ધ થયેલાં ગુજરાતી ભાષા અને વિષયનાં ધોરણ ૧થી ૭નાં સર્વપ્રથમ આ પાઠ્યપુસ્તકો, મૂળમાં તો ‘ગુજરાતી પહેલી ચોપડી’ ‘ગુજરાતી બીજી ચોપડી’....એ રીતે ઓળખાવાયેલાં. ગુજરાતમાં એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર તરીકેની કામગીરી બજાવી ચૂકેલા ટી. સી. હોપે આ પાઠ્યપુસ્તકો રચ્યાં હતાં, તેથી આ શ્રેણી ઉચિત રીતે જ ‘હોપવાચનમાળા’ તરીકે જાણીતી થઈ. આ પાઠ્યપુસ્તકો મુંબઈ ઇલાકાના સરકારી કેળવણીખાતા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવ્યાં હતાં ‘ગુજરાતી પહેલી ચોપડી’ ૧૮૬૮માં પ્રસિદ્ધ થઈ અને એ રીતે ગુજરાતી પાઠ્યપુસ્તક નિર્માણનો પાયો નખાયો. ગુજરાતી પાઠ્યપુસ્તકોની આ શ્રેણી તૈયાર કરતી વખતે સ્વાભાવિક રીતે જ ‘English Primers’ અને ‘English Readers’નાં પરિરૂપો ધ્યાનમાં લેવાયાં હશે. પરંતુ આ પાઠ્યપુસ્તકો એમની સીધી નકલ નથી. વળી, આ શ્રેણી ગુજરાતના પરિપ્રેક્ષ્યને લક્ષ્યમાં રાખી તૈયાર કરવામાં આવી હતી એ બાબત પણ નોંધપાત્ર છે. ‘હોપવાચનમાળા’નાં પાઠ્યપુસ્તકો દ્વારા ગુજરાતી ભાષાનું ઔપચારિક શિક્ષણ આપવાનું લક્ષ્ય તો રખાયું જ હતું પરંતુ ગણિત, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, અર્થવિદ્યા, સામાન્યજ્ઞાન જેવા વિષયો અને આજે આપણે ‘પર્યાવરણ’ વિષય રૂપે ધોરણ ૧થી ૪માં શીખવીએ છીએ, તે વિષય ‘સૃષ્ટિજ્ઞાન’ના વિભાગ રૂપે શીખવવાનો ઉપક્રમ રખાયો હતો. જોડાક્ષરવાળા શબ્દો ગુજરાતી ભાષાના ઔપચારિક શિક્ષણના પ્રારંભે ન શીખવવાની આજની પ્રણાલિ આ વાચનમાળાની પહેલી ચોપડીમાં અપનાવાઈ હતી. જોડાક્ષરવાળા શબ્દોનું શિક્ષણ અહીં ‘બીજી ચોપડી’થી શરૂ થતું હતું. પહેલી ચોપડીમાં નાનાં નાનાં વાક્યો-વાળા પાઠોથી શરૂ કરી પછી પરિચ્છેદવાળા પાઠો આપીને ક્રમિકતાનો ખ્યાલ રાખ્યો હતો, એ ખાસ નોંધવું જોઈએ. સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો, લગભગ દરેક ચોપડીમાં પાઠોની સંખ્યા ઘણીબધી રાખવામાં આવી હતી. પણ દરેક પાઠ એક-દોઢ પાનામાં પૂરો થઈ જાય તેની કાળજી રખાઈ હતી. લાંબા એકમોને જુદા જુદા એકમો શીખતી વખતે બાળકો પર બોજો ન આવે તેનું ધ્યાન આપ્યું હતું. શૈક્ષણિક સામગ્રીની પ્રસ્તુતિમાં ‘પહેલી ચોપડી’માં ક્રમિકતાનો જેવો અને જેટલો ખ્યાલ રખાયો હતો તેવો ને તેટલો સમગ્ર શ્રેણીમાં રખાયો નહોતો. ટાઈપસાઈઝમાં ક્રમિકતા કે એકવાક્યતા જાળવવામાં આવી નહોતી. આજે ધોરણ ૧૦-૧૧-૧૨નાં પાઠ્યપુસ્તકોમાં જોવા મળે છે તે ટાઈપસાઈઝ આ શ્રેણીની બીજી ચોપડીમાં રાખવામાં આવી હતી! વિષય-વસ્તુની માહિતી ઠાંસી ઠાંસીને ભરવા તરફ જેટલું ધ્યાન અપાયું હતું તેટલું રજૂઆતને રસપ્રદ બનાવવા તરફ નહોતું અપાયું. શ્રેણીનાં મોટાભાગનાં કાવ્યો નીરસ અને નબળાં હતાં. ચોથા ધોરણથી કાવ્ય બાળબોધમાં આપવામાં આવ્યાં હતાં. (આ પ્રથા પછી સો વર્ષ સુધી ચાલુ રહી.) જે તે ચોપડી ‘શીખવવાની રીત’વાળી દરેક પાઠ્યપુસ્તકની સામગ્રી આ શ્રેણીની નોંધપાત્ર વિશેષતા હતી. અધ્યાપનની રીત અહીં સંક્ષેપમાં, છતાં વિશદતાથી સમજાવાઈ હતી. આ રીત-દર્શનમાં શિક્ષકો માટેની દૃષ્ટિ અને નિષ્ઠા સુપેરે પ્રગટતી દેખાય છે. આ શ્રેણી એના એ જ સ્વરૂપમાં પુનર્મુદ્રિત થતી રહી હતી. પરંતુ પછીથી ‘હોપવાચનમાળા’ની સામગ્રી સામે તીવ્ર ઊહાપોહ થયો એટલે સરકારે એમાં સુધારા-વધારા સૂચવવા ‘વર્નાક્યુલર ટેક્સ બુક રિવિઝન કમિટી’ નિયુક્ત કરી. આનંદશંકર ધ્રુવે ‘વસન્ત’ (વર્ષ-૨, અંક-૯, આશ્વિન, સં. ૧૦૫૯)માં લેખ લખીને આ શ્રેણીનાં પાઠ્યપુસ્તકોની ગંભીર ક્ષતિઓ પરત્વે ધ્યાન દોરેલું અને ઉપયોગી સૂચનો પણ કરેલાં. પાંચમી, છઠ્ઠી, સાતમી ચોપડીની સંશોધિત આવૃત્તિઓ પરથી લાગે છે કે રિવિઝન કમિટીએ આ પાઠ્યપુસ્તકોમાં ધરમૂળથી ફેરફારો કર્યા હતા. અધ્યાપન માટેની માર્ગદર્શક સામગ્રી આ સંશોધિત આવૃત્તિઓમાંથી કાઢી નાખવામાં આવી હતી. ટી. સી. હોપનું નામ પણ આ આવૃત્તિઓમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું. શુદ્ધિપત્રકો મૂકવાની આવકાર્ય પ્રથા અપનાવવામાં આવી હતી. અનેક મર્યાદાઓ છતાં ‘હોપવાચનમાળા’ દ્વારા ગુજરાતી ભાષા અને વિષયના નિર્માણનો સંગીન પ્રારંભ થયો હતો, એ હકીકત ભૂલી શકાય એમ નથી. એક વિદેશી માણસે આ દિશામાં જે પુરુષાર્થ કર્યો હતો તે પણ વીસરી શકાય તેમ નથી. ર.બો.