ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કલાવિવેચનની એક ગૂંચ – વિજયરાય વૈદ્ય, 1897


11. vijayrai vaidya.jpg ૧૧
વિજયરાય વૈદ્ય
(૭.૪.૧૮૯૭ – ૧૭.૪.૧૯૭૪)
કલાવિવેચનની એક ગૂંચ
 

કલા એટલે શું? તેનું ધ્યેય શું? તેનું પ્રભવસ્થાન કયું અને કેવા પ્રકારનું છે? કલ્પક ઉર્ફે કલાકારનું માનસ કેવી રીતે કામ કરે છે? એ માનસની કુદરતી સામગ્રીઓની અને કેળવણીની કેવી પ્રતિક્રિયા તેની કૃતિ પર થાય છે? આ અને એમાંથી ઉદ્ભવતા બીજા નાના પ્રશ્નો સંબંધી આપણા મનમાં જેટલી વધારે ચોખવટ પહેલેથી હશે, તેટલી આપણી વિચારણા વધારે સુગમ થશે; એટલે બહુ વિગતથી છૂટક પ્રશ્નવાર ચર્ચા કર્યા વિના પણ તે સર્વમાંનું તત્ત્વ જેમાં આવી જાય એવું થોડું નિરૂપણ આરંભમાં કરી લેવું ઠીક પડશે. કલાની સર્વ પ્રતિષ્ઠિત વ્યાખ્યાઓ તેના સ્થૂલ સ્વરૂપને-કલાની કૃતિને - અનુલક્ષીને આપવામાં આવી જણાય છે. આ પદ્ધતિ એક દૃષ્ટિએ સાવ ખરી અને સ્વાભાવિક છે, કેમ કે આખરે તો ભાવકને (વાચક, પ્રેક્ષક, શ્રોતાને) કલાની ઓળખ સ્થૂળ સાધન દ્વારા જ થઈ શકે છે. પણ કલ્પકનું પોતાનું દૃષ્ટિબિંદુ વિચારીએ ત્યારે કલાના સૂક્ષ્મતમ તત્ત્વ પર ધ્યાનને એકાગ્ર કરવું એ વધારે વાસ્તવિક અને ન્યાયયુક્ત છે. કલ્પકના માનસનું પૃથક્કરણ કરવું એ જરા પણ સહેલું કામ નથી, છતાં સહૃદય વિવેચક એ કરવાનું માથે લે તો તેને એટલું તો તુરત માલૂમ પડે કે ખરી કલા એટલે કલાની કૃતિ નહિ – મૂર્તિ ચિત્ર કે કાવ્ય નહિ – પણ, પારણાથી ચિતા લગી સહચારિણી રહેનાર એવી કલ્પકતા જીવમાં વસતી કોઈક વસ્તુ કે શક્તિ છે. એ વસ્તુને બીજા કોઈ ઉચિત શબ્દને અભાવે ‘કલાશક્તિ’ એવું નામ આપીશું. એ શક્તિ કલાકારનો સાથ ક્ષણભર પણ છોડતી નથી, એટલે એ તેનું સાચામાં સાચું જીવિત ઠરે છે, તેનું જીવનદર્શન પણ એ શક્તિને પ્રતાપે જ ઘડાય છે. વિશ્વનાં મહાતત્ત્વો, પ્રવર્તમાન સમાજદશા, ગૃહ અને શાળામાં મળતી કેળવણી, સાંસારિક સંબંધોના લાભાલાભ – સર્વમાંથી એટલું જ કલાકારને ખપે છે જેટલું તેની કલાશક્તિ તેને પીરસી શકે: એ સિવાયના કશાનો પણ લોભ રાખવાની સુધ્ધાં તેનામાં તાકાત નથી, તો પછી મેળવવાની તો ક્યાંથી જ હોય? કલાશક્તિ આમ કલાકારને, બહુધા તેને પોતાને અગમ્ય રહેતી રીતો વડે, અહર્નિશ ઘડતી હોય છે. એ શક્તિની રીતો તેને અગમ્ય હોય છે, પણ શક્તિના તેને થતા અનુભવોનું તેવું નથી. રીતોને, કલાશક્તિની ક્રિયાપ્રક્રિયાની, તે સુરેખપણે જોવા સમજવા અસમર્થ છે. પણ એ શક્તિના પ્રભાવે કરીને રસનાં જે તીવ્ર સંવેદનોનો પોતે ભોક્તા થાય છે, તેને અનુભવવાં એ તો કલાકારને મન સંપૂર્ણ મોક્ષની દશા છે. ખરું પૂછો તો, તેના ચિત્તમાં નિવાસ કરતી કલાશક્તિ વડે લાધતી આવી દશા એ જ તેની કલા છે. બીજી નહિ. એ દશાને તે પાષાણ રંગરેખા કે શબ્દ દ્વારા સાકાર કરવા માંડે છે ત્યારે, સર્જનની ક્ષણે, તેના અંતરમાંના રસપ્રવાહની ભરતી તો કંઈક ઊતરી પણ હોય છે. (સરખાવો: શેલીકૃત ‘ડિફેન્સ ઑફ પોએટ્રી’ની છેલ્લેથી દસમી કંડિકા.) આ કારણથી જ કોઈ પણ કલ્પક પોતાના સૂક્ષ્મતમ દર્શનને કદી પણ સંપૂર્ણ આવિર્ભાવ તો પમાડી શક્યો જ નથી. અને પાષાણાદિ સ્થૂલ સાધનો જેમ એક પક્ષે તેના ભીતરને સતાવતા ઉછાળાઓમાંથી તેને છુટકારો બક્ષે છે, તેમ બીજે પક્ષે, એ સાધનો તેની કલાશક્તિને પૂરે અંશે ઝીલવા નાકૌવત હોય છે. આ છેલ્લી હકીકત પુરવાર કરે છે કે કલાની સ્થૂલ કૃતિ અસલ કલાશક્તિનો કેટલોક પરિચય કરાવવામાં ઉપયોગી છે, પણ એ કૃતિ જાતે કલા નથી.

2

ત્યારે, કલાકૃતિ એ કલા નથી. સર્જનસમયની કલાકારની મનોદશા – જે આલંબનાદિ વિભાવોથી ઉત્તેજિત થાય છે તે દશા – પણ, કલાસંવેદનનું એ તીવ્ર સ્વરૂપ હોવા છતાં, એટલી ને એકલી જ, કલા નથી. પણ કલાકારના હૃદયમાં શક્તિ અમર સરિતાને રૂપે વહે છે – કોઈ વાર ભરચોમાસાની સાગર સમાન ઘૂઘવતી, તો કોઈ વાર શરદનાં નિર્મળાં નીરે મંદ વહેતી; કોઈક વાર શિશિરની શીતલતા ધારીને પણ મંદ સર્યા કરતી તો કોઈ વાર ગ્રીષ્મની નિશ્ચલવત્ કૃશાંગી સરિતા: પણ નિરંતર વહેતી, નિરંતર રસજળે આર્દ્ર રહેતી સરિતા – તે કલા છે અને સરિતા જેમ ઋતુના સંસ્કાર પામે છે, એ સંસ્કારોથી મુક્ત રહેવાનું તેનાથી બનતું નથી, તેમ કલાશક્તિનું પણ સમજવું. કલાશક્તિમાં અમુક તત્ત્વો પહેલેથી જ કુદરતબળે પ્રાણરૂપ બની વણાયલાં હોય છે એ ખરું, પણ એ તત્ત્વો પોષાય છે અને ખીલે છે એ તો તેની પર જગતભરમાંથી પડતા સારાનરસા સંસ્કારોથી; અથવા, એમ કહીએ કે બાહ્ય જેમ આંતરતત્ત્વોને ઘાટ આપે છે તેમ તત્ત્વો પણ, પોતાના સ્વભાવાનુસાર, સંસ્કારોમાંથી એટલું જ ચૂસે છે જેટલું પોતાને પ્રિય હોય, અનુકૂળ હોય, પ્રાણપ્રદ બનતું હોય. કલાના બંધારણમાં આમ આ બેઉ વાનાં ગાઢ, પ્રબળ અસર કરનારાં હોય છે અને એ બેમાં નીતિભાવના જેવી જેટલી હોય, તેવી તેટલી નીતિમાન કે અનીતિમાન કલા નીવડે છે. પણ – નીતિ એટલે શું? નીતિની વ્યાખ્યા બાંધવાનું આ સ્થાન નથી. આપણા કામ માટે કોઈ ચોકઠાબંધ કે લોકપ્રિય વ્યાખ્યાની જરૂર પડે તેમ પણ નથી. એટલું સમજી લઈશું તો બસ છે કે કલાની માફક નીતિ પણ સ્થૂળ કૃતિનો નહિ એટલો સૂક્ષ્મ અનુભવનો વિષય છે. કાન્ટે જ્યારે કહ્યું કે વિશ્વમાં બે વસ્તુ મને સૌથી ઉન્નત જણાઈ છે – માનવહૃદયમાં અધિરાજ્ય ભોગવતો નીતિસિદ્ધાંત અને રાત્રિની ‘નક્ષત્રતારાગ્રહસંકુલા’ એવી વ્યોમસૃષ્ટિ – ત્યારે, નીતિ કેવળ અનુભવગમ્ય છે એ વાતનો નિર્ણય સુસ્પષ્ટતાથી અપાઈ ગયો. આ અનુભવવાદને મનુષ્યના અનીતિમય બાહ્ય આચરણથી બાધ નથી આવતો. જૂઠું બોલનાર કે ચોરી કરનાર માણસ એ પ્રવૃત્તિઓ ક્ષણિક નબળાઈને વશ થઈને જરા અચકાતાં કરતો હોય, કે ધંધામાં સારી રીતે પળોટાઈ જવાથી નિ:સંકોચ તેમાં મંડ્યો રહેતો હોય – ગમે તે સંજોગમાં – તેને તેનું અંત:કરણ ડંખવાનું તો ખરું જ. ડંખ પહેલા દાખલામાં વરતાશે; બીજામાં નહિ વરતાય કે અતિઝાંખો વરતાશે. વરતાય ત્યારે જાણવું કે નીતિસિદ્ધાંત હજી ભાનમાં છે; ન વરતાય ત્યારે, બેભાન બન્યો છે. નીતિની ભાવનાને આ રીતે નિરપેક્ષ દૃષ્ટિએ વિચારીએ, ત્યારે તેનું અસ્તિત્વ આપણે સ્વીકાર્યા વિના ચાલતું નથી. એવો સ્વીકાર એક વાર વિચારપૂર્વક કરીએ ત્યારે, નીતિ તો કેવળ સમાજની બીકે પળાય છે, નીતિશાસ્ત્રીઓ સમાજ છિન્નભિન્ન ન થાય માટે વ્યવહારુ ડહાપણની નજરે જ નીતિમાન થવાનું ફરમાવે છે, – વગેરે વાદો આપોઆપ ઓગળી જાય છે. આપણને ગમે કે નહિ, આપણાથી પૂરતા પ્રમાણમાં આચરાય કે નહિ, આપણે ભલે તેને ઉવેખવા ચાહીએ, છતાં નીતિભાવના આપણને એવી સુદૃઢ વરેલી છે કે છૂટાછેડાની વાત જ નકામી છે. હવે પ્રશ્નની એક બીજી બાજુ વિચારીએ. નીતિની ભાવાનાનું અસ્તિત્વ તો છે, પણ તેના પ્રયોગનું શું? એ ભાવનાને વશ થઈને મનુષ્યો વહેવારમાં નીતિમાન થાય છે એ જેમ હકીકત છે, તેમ તેની નાફરમાની સેવીને અનીતિમાન થાય છે, એ પણ હકીકત છે. શાથી આમ બને છે એવો સવાલ પૂછીશું તો પાપ અને અનિષ્ટનું મૂળ શું છે એ વધારે ગંભીર સવાલ તરફ આપણે ખેંચાઈશું; અથવા મનુષ્યસ્વભાવનું બંધારણ જ એવું છે, વિધિનો રચેલ અકળ સૃષ્ટિક્રમ જ આ સ્થિતિને આણે છે, એવો કોઈક જવાબ મળશે. પણ એ અવાંતર બાબતોમાં ઊતર્યાં વિના અહીં જે કંઈ પ્રસ્તુતતાથી કહી શકાય તે આટલું: નીતિનું અનુસરણ તેમ જ અનનુસરણ બંનેનું પણ અસ્તિત્વ જગતમાં છે જ. પોતાની વૃત્તિઓ, સ્પૃહાઓ અને લક્ષ્યોના અમુક સમૂહને માણસ અનુસરે ત્યારે એ નીતિવાળો થાય છે અને તે જ વસ્તુઓના એક બીજા, જુદા સમૂહને તે અનુસરે ત્યારે અનીતિવાળો થાય છે, અનુસરણોના આ બંને પ્રકાર કલાશક્તિનાં ઉપર કહ્યાં તે તત્ત્વો તથા સંસ્કારો પર પોતાનો પ્રભાવ પાડે છે. કલાનાં અંતર્ગત તત્ત્વો કોઈ વાર કલાસર્જક વ્યક્તિના સ્વભાવગત અનીતિપ્રેમથી રંગાય છે, તો કોઈ વાર સમાજજીવનનાં અનીતિમાન દૃશ્યો કે શ્રવણો કે વાચનો તેની કલાશક્તિ પાસે એવા એવા સંસ્કારો ઝિલાવે છે જેને લીધે કલાકારનું માનસ સ્વયમેવ અનીતિપ્રેમી બને. એથી ઊલટું, કલાકારનો સહજ નીતિપ્રેમ તેની કલાશક્તિને નીતિરત રાખે છે અને નીતિમાન સમાજ જોડેનો સંપર્ક તેના સંસ્કારોને નીતિલક્ષી બનાવે છે.

3

આગળ વધ્યા પહેલાં, ગયા બે ખંડકોના વિવેચનનો સંક્ષેપ નજર સામે આણીએ એટલે વધવામાં સુગમતા થશે: (1) કલા એ પ્રથમત: કલ્પકતામાં સૂક્ષ્મ દેહે જીવનારી એક શક્તિ છે. એ દેહ કુદરતે બક્ષેલાં અમુક તત્ત્વો, એ સંસારમાંથી એ તત્ત્વો પર પડતા સંસ્કારો, એ બે મળીને બંધાય છે. (2) નીતિભાવના પોતે તો સ્વયંભૂ અને સ્વતંત્ર છે. સમાજની ખુશીખફગી પર તે નભતી નથી. પણ એ ભાવના વહેવારમાં ઉતારવાનો પ્રયોગ કરવામાં માણસ સફળ કે નિષ્ફળ જાય છે. એવો સફળ માણસ કલાવાન બને ત્યારે, તેની કલાનાં તત્ત્વો અને સંસ્કારો નીતિમાન હોવાથી એ કલામાં પણ નીતિ આપોઆપ પ્રવેશે છે: એથી ઊલટા સંજોગોમાં, અનીતિ પ્રવેશે છે. એ પ્રશ્ન આપણા મનનનું ત્રીજું બિંદુ બનશે. ‘યશસે અર્થકૃતે.... કાન્તાસંમિતતયોપદેશયુજે’ એ શ્લોકમાં જે ધ્યેય વર્ણવાયું છે, તે તો કલાનો સ્થૂલ રૂપે આવિષ્કાર થયા પછી જ તેને વાજબીપણે લાગુ પાડી શકાય તેવું છે. પણ ત્યાર પહેલાંનું શું? કલાવાન રસનું જે આવિષ્કૃત સંવેદન માણે છે, તે કયા ધ્યેયની સિદ્ધિ કાજે હોય છે? આનો જવાબ, “કલાશક્તિના પરિપૂર્ણ ઉલ્લાસથી અનુભવાતી નિરવધિ સંતૃપ્તિ કાજે” એટલો જ આપી શકાય. (વધારે પરિચિત ભાષા વાપરીએ તો, સૌન્દર્યનો ઘણો ઉત્કટ અનુભવ થવાથી જે આનંદ આવે છે, તે આનંદ મેળવવો – એ કલાકારના પોતાના દૃષ્ટિબિંદુથી કલાનું ધ્યેય છે. પરંતુ સૌંદર્ય અને આનંદ જેવા શબ્દો કલાવિવેચનમાં ઘણી વાર નિરર્થક ગૂંચવાડો અને ધુમ્મસ ઉત્પન્ન કરે છે, તેથી અહીં તેને વાપર્યા નથી.) એ સંતૃપ્તિની પળે કલાશક્તિની જોડેનું કલાવાનનું તાદાત્મ્ય એટલું તો નિરતિશય હોય છે કે, તે લોકમાન્ય નીતિશાળી કલાવાન હોય યા તો લોકપ્રિય અનીતિશાળી કલાવાન હોય, પણ પોતાના કલાનુભવમાં નીતિ છે કે નથી તેનું કશું ભાન તેને રહે એ વાત જ, તેના માનસની રચના અને વ્યાપાર બરાબર વિચારતાં, અશક્ય લાગે છે. આમ હોવા છતાં, પોતાનો અનુભવ નીતિભાવનાનો તાબેદાર છે કે નહિ એ વાતનાં ચિંતન કે ચિંતા માટે તે નાલાયક બની ગયો હોવા છતાં, એ પળે જે કલાનુભવ તેને સંતૃપ્તિ અર્પતો હોય છે, જેમાં તે મસ્ત બનીને રાચતો હોય છે, તે તો તેની કલાશક્તિમાં રહેલાં નીતિભર્યાં કે અનીતિભર્યાં તત્ત્વો અને સંસ્કારોથી રંગાયલો હોય છે જ. તાત્પર્ય એટલું કે પરિપક્વ માનસવાળો કલાકાર પોતાની પ્રકૃતિના બળે કરીને એટલો કલાલુબ્ધ થાય છે, કલામાં એટલો તદાકાર થાય છે, કે પોતે નીતિની સનાતન ભાવનાને અનુસરીને ધન્યતાને વરતો હોય તેનાથી તે અજાણ રહે છે, તેમ જ, એ ભાવનાથી ચ્યુત બનીને પાપી ઠરતો હોય તેનાથી પણ અજાણ રહે છે. એક જ વાક્યમાં કહીએ તો: કલા વસ્તુત: નીતિની અવિરોધી હોય કે વિરોધી હોય તોપણ, કલાવાનને પોતાને લાગેવળગે છે ત્યાં લગી તો, અવિરોધી હોવાથી તે ઉચ્ચતર કલા બનતી નથી (કેમ કે આવી કલામાં રહેલી નીતિ નહિ પણ કલાપણું તેને ઉચ્ચ બનાવે છે), અને વિરોધી હોવાથી તે નીચ કલા બનતી નથી (કેમ કે એ કલામાં રહેલી અનીતિ તેના સ્વયંસ્થિત કલાપણાને હરી શકતી નથી.) કલાનો કટ્ટો વેરી દુનિયામાં એક હોઈ શકે: અ-કલાપણું. છેલ્લી કંડિકા પછી વાચકને કદાચ લાગ્યું હશે કે આપણે ‘કલા ખાતર કલા’ના દુષ્પ્રખ્યાત વાદની લગોલગ આવી પહોંચ્યા છીએ. પણ તેમ નથી. તેનાં કારણો: પહેલું તો એ કે એ વાદ કલાના વિષયમાં નીતિની વાત ઉચ્ચારવા જ દેતો નથી. નીતિભાવનાનું અસ્તિત્વ જ જાણે કલાચર્ચા પૂરતું નકારે છે, ત્યારે આપણે તો કલાવાનની નીતિ તેની કલા પર અસર કર્યા વિના રહેતી નથી, એવું સ્પષ્ટપણે કબૂલ કર્યું છે. આપણી સંસ્થિતિ ખરી રીતે એ છે કે વિશ્વરચનાને ધ્યાનમાં લેતાં વિશ્વની સર્વ વસ્તુઓમાં નીતિ-અનીતિ બેઉનો સંભવ છે, તેમ કલાવિષયમાં પણ એ સંભવને નરી સિદ્ધાંત દૃષ્ટિએ તો જરૂર સ્વીકારવો; વધુમાં, કલાવાનના ચારિત્ર્યાનુસાર એક સંજોગમાં નીતિ કલામાં અનિવાર્ય છે. આપણે કલાચર્ચામાંથી નીતિને ઉથાપવી નથી, પણ અનીતિનો અંધ વિરોધ કરવાને બદલે, અનીતિ પણ કલાનું કલાપણું ટાળ્યા વિના વિશ્વમાં પ્રવર્તતી એક બળવાન વસ્તુ હોવાને લીધે, તેને નિ:સંકોચ ઘટતો ન્યાય આપવો છે. બીજું એ કે કલા-ખાતર-કલાવાદીઓ કલાના સ્થૂલ પ્રકારને જ મહત્ત્વ આપીને પૂજતા જણાયા છે. એ સ્થૂલને જ પોતાનું ધ્યેય કલ્પી બેઠા છે; ત્યારે આપણે તો હજી સ્થૂલ કૃતિ રૂપે અવતાર લેનારી કલાની તો વાત જ કરી નથી. કલા કલાકારને પોતાને જે સૂક્ષ્મ સંતૃપ્તિ અર્પે છે એને જ આપણે તેનું ખરું ધ્યેય માન્યું છે. એવી તૃપ્તિમાં પ્રકૃતિસિદ્ધ નિર્મળ નીતિભાવના ઘણીખરી વાર હોય છે તેની ના નહિ. રસસમાધિ યોગસમાધિને મળતી કહેવાઈ છે તે આ જ કારણથી. પણ અમારું કહેવું એટલું જ છે કે આપણે પ્રગલ્ભ બ્રહ્મયોગીને જેમ નીતિઅનીતિના ભેદો પિગાળી નાખીને, તેની પાર જઈને, નિર્મલતમ દર્શન બ્રહ્મદર્શન-કર્યાની સંતૃપ્તિનો અધિકારી થવાની છૂટ આપીએ છીએ, તેમ રસયોગીને પણ જિંદગીમાં કોઈ કોઈ વાર તો પ્રગલ્ભતા કેળવવાની છૂટ રહે તેવી સ્થિતિ, કેવળ સ્થૂળ દૃષ્ટિવાળાને કલામાં નજરે ચઢતી કલેતર ચીજોથી ડર્યા વિના તેને પિગાળીને તેની પાર જઈને વિશુદ્ધ રસદર્શન કર્યાની સંતૃપ્તિ ભોગવવાની તેની અધિકારિતા, સ્વીકારવી: તે પોતે પોતાના દૈવી અધિકાર અને વિભૂતિઓને પ્રતાપે જ્યારે નિર્ભય અને સત્યલોભી અને આત્મબલિષ્ઠ છે, ત્યારે આપણે પણ તેની અમૂલખ કલાશક્તિનો પ્રસાદ પામવાના મહેચ્છુ એવા આપણે પણ – થોડાઘણા તો નિર્ભય, થોડાઘણા તો સત્યલોભી, થોડાઘણા તો આત્મબલિષ્ઠ થવું ઘટે. [‘સાહિત્યદર્શન’ 1935]