ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કવિ અને કવિતા – નર્મદાશંકર દવે (નર્મદ), જ. 1833: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 59: Line 59:
<poem>
<poem>
श्लोक-कंकिवेस्तस्य काव्येन कंकांडेन घनुप्मत:।
श्लोक-कंकिवेस्तस्य काव्येन कंकांडेन घनुप्मत:।
  परस्यहृदये लग्नं न निहं तिचय िछर:।।
  परस्यहृदये लग्नं न निहं तिचयच्छिर:।।
</poem>
</poem>
અર્થ:—જે કવિતાથી પારકાનું હૈયું ભેદાયું નહીં—જે કવિતાથી સામાને અસર ન થઈ, અને જે તીરે સામાનું ડોકું ન ઉરાડ્યું, તો તેવી કવિતા કવિએ કીધી તો તે શા કામની તથા તેથી શું? અને તેવું તીર ધતુષ ધરનારે માર્યું તો તે શા કામનું તથા તેથી શું? તેવી કવિતા ન કરવી અને તેવું તીર ન મારવું એ વધારે સારું છે.
અર્થ:—જે કવિતાથી પારકાનું હૈયું ભેદાયું નહીં—જે કવિતાથી સામાને અસર ન થઈ, અને જે તીરે સામાનું ડોકું ન ઉરાડ્યું, તો તેવી કવિતા કવિએ કીધી તો તે શા કામની તથા તેથી શું? અને તેવું તીર ધતુષ ધરનારે માર્યું તો તે શા કામનું તથા તેથી શું? તેવી કવિતા ન કરવી અને તેવું તીર ન મારવું એ વધારે સારું છે.

Revision as of 11:19, 5 March 2023

1. નર્મદાશંકર દવે (નર્મદ)

(24.8.1833 – 25.2.1886)

1 NARMAD.jpg
કવિ અને કવિતા[1]

રસજ્ઞાન તો સહુ માણસને હોય છે, ત્યારે શું સહુને જ કવિ કેહેવા! પણ રસજ્ઞાન સઘળા માણસનું સરખું હોતું નથી. જુદા જુદા પ્રસંગો ઉપરથી, જુદી જુદી મન શરીરની પ્રકૃતિ ઉપરથી, જુદી જુદી વસ્તુઓ ઉપરથી, જુદાં જુદાં અવલોકન ઉપરથી, જુદા જુદા કાળ ઉપરથી અને જુદા જુદા દેશ ઉપરથી માણસનું રસજ્ઞાન થોડું-ઘણું, પોલું-નક્કર અને ઉંઘતું જાગતું હોય છે, જેનું રસજ્ઞાન થન થન કરી રહેલું હોય છે, જે લાગણીઓને વશ છે, જે કામક્રોધાદિકને સારી પેઠે ઓળખે છે, જેવું દીઠું સાંભળ્યું તેવું બોલવાની, કરી દેખાડવાની અથવા કોઈ પણ રીતે સમજ્યો એમ જુકતીથી રંગીને બતાવવાની જેની શક્તિ છે, તેઓને “કવિ” કહેવા. સઘળાનામાં ઉપર કહ્યું તેમ કરવાની શક્તિ હોતી નથી; થોડાએકને જ હોય છે. માટે થોડાએકને જ કવિ કહેવા. આ બધી વાત ઉપરથી હમારા વાંચનારાઓના જાણ્યામાં આવ્યું હશે કે, કવિ થવામાં કંઈપણ સ્વાભાવિક બુદ્ધી જોઈયે ખરી. કેટલાકને સ્વાભાવિક બુદ્ધી હોય છે, પણ પ્રસંગ ન આવેથી તેઓની બુદ્ધી મનમાંની મનમાં ખઈના રોગે મરી જાય છે.

“ઉગે પુષ્પ સોહામણાં, નજરે ના દેખાય;
વન સઘળું વાસિત કરે, મિથ્યા ખિલિ ખરિ જાય. 1

કેટલાકને સ્વાભાવિક બુદ્ધી થોડી હોય છે, પણ પછી સારા ને અનુકૂળ પ્રસંગ આવેથી કવિતાકળિ બીજા પાસેના સુવાસિત પુષ્પોના સુગંધરૂપ ઉંફથી ખીલીને પ્રસિદ્ધિ પામે છે. એક વિચારને બીજા વિચાર સાથે કેટલો સંબંધ છે અને તેમાં ખરોખોટો કિયો છે, એ વાતની તપાસ કરનાર જે આપણી મનશક્તિ, તેને વિવેકબુદ્ધી કહેવી અને એક બે અથવા વધારે વિચારોને પોતાની તરફનો પ્રકાશ આપી રંગનાર અને તેજી આપનાર અને તેમ કરી નવો વિચાર ઉત્પન્ન કરનાર એવી જે મનની શક્તિ તે તર્કબુદ્ધી ને “તર્કબુદ્ધીનું નિસારણ” એટલે તેનું શરીર ઉપર અથવા બહાર નિકળી આવવું તે ‘કવિતા’ એમ એક વિદ્વાન કહે છે. કવિતામાં વિવેક બુદ્ધીનું થોડું ઘણું કામ પડે છે એ વાત ખરી, તોપણ હમે એમ કહેવાને વાજબી ધારીયેછ કે, કવિતાની જણતી તર્કબુદ્ધી છે. પછી એ જણતરને થોડીવાર વિવેકબુદ્ધીરૂપી ધાવ મળી હોય તો તે સારું કેળવાય, એમાં કંઈ શક નહીં. તે વિદ્વાન કહે છે કે જેમ કોઈ ગોખમાં મુકેલી સતાર, જુદી જુદી ગતિના પવનવડે હાલે છે અને મધુર સોરાવટ કહાડે છે, તે પ્રમાણે માણસના ઉપર બહારની તથા અંદરની વસ્તુઓની છાપ પડેથી મધુરી અસર થાય છે. રે એટલું જ નહીં, પણ તે અસર પેલી અસલ છાપના જેવી જ આબેહુબ થાય છે: બિંબ પ્રતિબિંબ જ, આ વાત માણસનામાં સતારના કરતાં વિશેષ છે. સતારના સુરને અને પવનની ગતિને લય અથવા સામ્ય નથી. પણ માણસના મનને અને બાહ્યાંતર છાપને લય છે. જેમ ગવૈયાના બોલવાને અને તંબુરાના સુરને હોય છે, તેમ માણસનામાં એવું કંઈ છે કે, જેથી જોયેલી અથવા સાંભળેલી વસ્તુની છાપ તેના મનમાં ખુશ કરતી રીતે બરાબર પડે છે. બોલવામાં, ગાવામાં, ઈશ્વરી અને કૃત્રિમી પદાર્થોની નકલ કરવામાં થોડો ઘણો સઘળા લોકો રસ જોયે છે. પણ એકનો એક જ તેનો તે જ નથી જોતાં. માટે જેવો ઉપર લખ્યા પ્રમાણે ઘણા આગળ પડતા છે તેઓને “કવિ” કહેવા. ઉપરના લખાણથી કવિનો સાધારણ અર્થ સમજ્યા પછી તે અર્થમાં પણ ઘણા લોકો આપણે આણી શકીયે છૈયે. કવિઓ અથવા જેઓ, ન જતો રહે એવો ઉપર લખેલો “રસ” વિચારે છે અથવા બતાવે છે તેઓ ભાષા કવિ, ગાનારા, નાચનારા, ઇમારત બાંધનારા, સલાટો, ચિતારાઓ માત્ર નથી, પણ કાએદા કરનારા, કળા શોધનારા, અને રાજ્ય સ્થાપનારા હોય છે—એટલે, આ સઘળા કવિઓ જ છે. એમ નહીં કે ભાષામાં કવિતા કરે તેનેજ કવિ કહેવા. હરકોઈને—ઉપર લખેલી વાતોથી અનુકુળ થયા તેને કવિ કહેવા, પછી તેઓ કોઈ પણ રીતે અને કોઈ પણ બાબત ઉપર પોતાનું રસજ્ઞાન કહાડો. ભાષા, રંગ, આકાર, એ સર્વ કવિતાની બાબતો અને કવિતા લખવાનાં સાધન છે. સલાટો અને ચિતારા પોતાનાં કામ કરવાને “લખવું” કહે છે. લખવું અક્ષર કહાડવાનેજ કહેવું એમ કંઈ નથી. અક્ષર પણ ચિન્હ છે ને પુતળાં ચિતાર પણ ચિન્હ છે. આ ઉપરથી જોેતાં સાફ માલુમ પડે છે કે કવિતા તે માણસની અંદર છે, પણ તે પછી ઉપર પ્રમાણેનાં રૂપમાં બહાર નિકળે છે. અમને ખૂબ યાદ છે કે સને 1856 ના નોવેમ્બરની 21 મી તારીખ ને શુકરવારને પાછલે પોહોરે, જે વેળા હાજી નામના સુરત ભરુચમાં પ્રખ્યાત થયેલા કડીઆએ અમારી તસવીર પેનસીલે ચિતરી હતી, તે વેળા તેણે પ્રકાશ ને છાયો એના ઉપર આહા! કેટલું ધ્યાન આપ્યું હતું! અમારાથી એક યાર્ડ દુર બેસીને અમારા મોહોની નિરખ કરી ઝટઝટ પેનસીલ ચલાવા માંડી. એ શું કવિતા નો’તી! અમારા મોની છાપ તેના મનની આંખો ઉપર કેવી બરાબર પડી હશે! કેટલાક ચિતારા એવા તો હોય છે કે એકજ વખત મ્હોં જોઈ જાય તે પછી ઘર આગલ જઈને પેનસીલ કાગળ લઈને કામ કરે ને બરાબર તસવીર લખી દેખડાવે. સલાટોમાં પણ તેમજ છે. લોકની સારી નરસી રીતભાતે જ્યારે કેટલાકને દીલમાં અસર કરેલી, ત્યારે તેણે જ કાયદા કહાડેલ કેની! કવિતાને સઘળી વાત જોડે સંબંધ છે, તેમાં ભાષાકવિઓનો ઘણો સંબંધ ધર્મ જોડે માલૂમ પડે છે. કવિતામાં બે ગુણ છે: વર્તમાન કાળનીજ વાત સૂક્ષ્મ નજરથી જોેય છે એટલુંજ નહીં, અને તેની ખોડ બતાવી નવી સૂચના બતાવે છે; એટલુંજ નહીં પણ વર્તમાનને જોઈને ભવિષ્ય કહે છે. ઉપર પ્રમાણે કવિનો સાધારણ વિસ્તીર્ણ અર્થ છે. પણુ વ્યવહારમાં ગાનારા, નાચનારા, સલાટ અને ચિતારા કવિ શબ્દે નથી ઓળખાતો. જે પુરુષો પોતાનું રસજ્ઞાન ભાષાની મારફતે કહાડે છે, તેઓ જ લોકમાં કવિશબ્દે ઓળખાય છે; ને એ વિષય ઉપર હમારે વિશેષ લખવાનું છે. પણ વાસ્તવિક વિચારતાં તો કોઈ પણ સાહિત્યવિદ્યાને કવિતા કહિયે તો ખોટો અર્થ કીધો એમ ન કહેવાય, પણ હવે ભાષા કવિતા વિષે નીચે પ્રમાણે બોલિયે છૈયે. ભાષાનો ગુણ જ એવો છે કે, આપણા જીવનાં જે કર્મ અને જોસ્સા, તેના તે બરાબર ચિતાર આપે છે. શું સલાટોનાં પુતળાથી અને ચિત્રથી અસલ વસ્તુનું ચોખ્ખું સ્વરૂષજ્ઞાન થતું નથી? થાય છે. પણ ભાષામાં કંઈ વિશેષ ગુણ છે, ભાષા તરેહ તરેહવાર રીતે સે’લથી વપરાઈ શકાય છે—રંગ, આકાર અને ગતિ ફેરવાતાં નથી. ભાષાનો કવિતા શક્તિ જોડે પાસેનો ને સીધા સંબંધ છે તેથી ભાષા તેનું કહ્યું તરત ને ઘણું કરે છે. સલાટ અને ચિતારાનાં કામમાં ધારેલી વસ્તુઓ અને પોતાનાં રસજ્ઞાન એની વચમાં બીજી કેટલીક વસ્તુઓ—હથિયારો, હુન્નરની રીતિઓ, કેટલા વિચાર આવી નડે છે, તેથી તેઓનું કામ વધારે મુશ્કેલ થાય છે. ભાષા પોતાનું રસજ્ઞાન ટપ દઈને ભાષામાં બોલી બતાવશે, પણ સલાટને પથરા ને હથિયાર જોઈશે. ચિતારાને પણ કાગળ તે લેખણ જોઈશે ને દેખાઇતું છે કે એ લોકોનો કિસબ ભાષા કવિના કિસબને પાણી ભરાવે છે; તે તેઓ મોટા માનને યોગ્ય છે. તોપણ કેટલાક ભાષા કવિઓએ બેહદ તર્કશક્તિ બતાવી છે કે, જેની આગળ મોટા મોટા સલાટો અને ચિતારા પોઇસ છે, પણ ઉભા રહો. આપણે આડા જૈયેછ. આ રીતનો મુકાબલો કરવો એ ખોટો ન્યાય છે. જુદી જુદી બાબતોનાં માણસોનો મુકાબલો કરવો નહીં, માટે એવા મુકાબલાથી પાછા હઠિયે છૈયે. અવાજ અને વિચાર એ બેનો પરસ્પરે અને જે વસ્તુઓ વિષે કહેવાનું છે તેની સાથે ઘણો સારો સંબંધ છે, અને એવું છે વાસ્તે કવિઓ પોતાનાં રસજ્ઞાનના તાનમાં મધુરી રસિક કવિતા કરે છે. બ્રીજ ભાષાનો કેશવ કવિ રસિક પ્રિયામાં કહે છે.

દોહોરો—જ્યોં બિન દીઠ ન સોહિયે, લોચન લોલ બિશાલ;
   ત્યોહિં કેશવ સકળ કબિ, બિન બાની હી રસાળ. 1

અર્થ:—જેમ આંખના ડોળા મોટા ને સારા હોય, પણ કીકી (દૃષ્ટી) વગર શોભતા નથી; તેમ કવિઓ બાની વગર શોભતા નથી. બાની એટલે બોલવાની તથા લખવાની છટા. ‘બાની’ કેટલીક રીતે જરૂરની છે, પણુ શું તેને જ કવિતા કહેવી? હમે છંદને આ રીતે બોલીયે તો શું તે કવિતા કહેવાય?

ર ર ર રા ર રા, રા ર રા ર રા
લ લ લ લા લ લા, લા લ લા લ લા
વ વ વ વા વ વા, વા વ વા વ વા
સ સ સ સા સ સા, સા સ સા સ સા

ના; ના. રાગ કંઈ કવિતા નથી; કવિતા તે એક જુદી જ મનની વિચાર શક્તિ છે, જે રાગનાં રૂપમાં અવતરીને બહાર આવે છે. તો પણ, મન માંહેલાં રસજ્ઞાનને (મનની ખુશીને) રાગના અલાપ રૂપેજ બહાર કાહાડિયે તો તે અલાપને કદાપિ સાધારણ અર્થમાં કવિતા કહિયે તો ચાલે, પણ વિશેષ અર્થમાં નહી. અલાપને અથવા સુંદર મધુર અવાજને જ માત્ર ભાષાકવિતા પ્રકરણમાં કવિતા નથી કહેતા. ત્યારે ભાષા કવિતા તે શું? પિંગળ પ્રવેશમાં લખ્યા મુજબ શું અક્ષર માત્રાના નિયમવાળી જ ભાષાને કવિતા કહેવી?

દોહોરો—અક્ષર માત્રા નિમ ગણી, રચવો શબ્દસમાસ.
તે કવિતા નર્મદ કહે, છંદ વૃત્ત સુખ આસ. 1

ના; કવિતા ગદ્યને વિષે પણ હોય છે. ગદ્યમાં લખનારા મોટા કવિ હતા, છે ને થરો. માટે હવે ભાષા કવિતા (પછી ગદ્યમાં હોય કે પદ્યમાં હોય) કોને કહેવી? ઘણા ખરા સંસ્કૃત ભણેલાના સમજ્યા પ્રમાણે અને તેવા જ અર્થમાં પ્રતાપરુદ્ર નામના અલંકારના ગ્રંથમાં લખ્યા પ્રમાણે, એમ છે કે,

श्लोक- गुणालंकारसहितौ शब्दार्थौ दोषावर्जितौै-
गद्यपद्योभयमयं काव्यं काव्यविदो विदु: ।।1।।

અર્થશ:—શબ્દ ને અર્થ જેમાં દોપવનાના છે અને જેમાં શબ્દાલંકાર ને અર્થાલંકાર સારા છે તેને કાવ્ય કહેવું, પછી તે ગદ્ય હોય કે પદ્ય હોય. આ વ્યાખ્યામાં કવિતા શું છે એ સમજાવ્યું નથી, પણ કવિતાનાં સાધનો કહ્યાં છે. કેટલાંએક લખાણ ઉપર પ્રમાણેનાં હોય છે, ને તેમાં કવિતા તથી હોતી, ત્યારે કવિતા તે શું? જે વાક્યમાંથી લખનાર, વાંચનાર, બોલનાર અને સાંભળનારને રસ ઉત્પન્ન થાય છે તે વાક્યને કવિતા કહેવી. વિશ્વનાથ કવિરાજકૃત સાહિત્યદર્પણ નામનો ગ્રંથ, જે સને 1850-53 માં બંગાલામાં છપાયલો છે, તેમાં કવિતાતી વ્યાખ્યા નીચે પ્રમાણે આપે છે.

‘वाक्यरसात्मकं काव्यम्’

વાક્યરૂપી શરીરમાં જે રસરૂપી જીવ છે તે કવિતા. આ રીતે તો કવિતાની પરીક્ષા એટલીજ કે, તે ખુશ કરતી અને અસર કરતી જોઈયે. ત્યારે હવે કવિતામાં શું છે કે જે આપણું મન હરણ કરે છે? શું તેનો રાગ? એમ જો હોય તો સઘળા જ કવિતા કરે ને સરખા દરજ્જાના કવિ થઈ શકે. પણ ટાઇપ ગોઠવીને ગ્યાલી ભરે છે તે ગ્રંથકર્ત્તા કહેવાતા નથી. કવિતા તેજ છે કે જે ગુપ્ત રીતે અસર કરતી રીતે આપણાં મનની સાથે વાતો કરે છે, જે આપણી પરોપકાર બુદ્ધી અને દયાને જાગતી કરે છે, જે પ્રીતિના જોસ્સાને બહાર કહાડે છે, જે આપણી લાગણીઓને કેળવીને લાયક કરે છે, જે પડતી દશામાં દલાસો, ચડતીમાં ક્ષમા અતે જીંદગાનીમાં નાના પ્રકારનાં નિર્મળ સુખ આપે છે. વસ્તુઓને અને બનાવોને જેવા હોય તેવા જ રંગમાં ચિતરી બતાવવામાં કે પછી ગમે તે રીતે તેને કવિ પોતાના તર્કના પ્રદેશમાં લઈ જઈને જેવો રંગ આપો તેવા રંગથી ચિતરી બતાવવામાં—(બેમાંથી કેઈ રીતની કવિતા કીધાથી) કવિને માન છે? સારા સારા વિદ્વાન એમ કહે છે કે કવિતાનું મુખ્ય તાકવું આનંદ તરફ છે, માટે જે જે અલૌકિક વર્ણન અને વાર્તાથી આશ્ચર્ય અને ખુશી ઉપજે, તે તે વર્ણન અને વાર્તા ઉપયોગમાં આવવી જોઈયે. એવું કંઈ જરૂરનું નથી કે, વસ્તુઓ આશ્ચર્ય ઉપજાવે તેવી જોઈયે, તે ગમે તેવી હોય પણ તેને જે તર્કથી વણાયલું ને રંગાયલું વસ્ત્ર પેરાવવું, તે તર્ક અલૌકિક જોઈયે ખરો. એક વિદ્વાત કહે છે કે જેવું કુદરતમાં હોય તેવું ચિતરી બતાવવું; એટલું જ નહીં પણ તેની સાથે કર્મ અને બિનાઓને આશ્ચર્યકારક અને ફેરફારવાળી અને નવાઈ જેવી રીતથી બતાવવાં જોઈયે. બન્યું તે જ ન બતાવવું, પણ જે ભવિષ્યમાં બની શકે તે બતાવવું, એ કવિનું કામ છે. સંસ્કૃત વિદ્વાનો કહે છે કે, તે કવિતા સારી જાણવી જે નવા તર્કને ઉત્પન્ન કરે છે, ને એ રીતે મનને નવા નવા તુરંગોથી પ્રફુલ્લિત કરે છે. ઇતિહાસ કરતાં કવિતા ઘણી ગંભીર અને તત્વવેત્તા છે. ઇતિહાસમાં તુટક તુટક બીનાઓ (જેમાં કાળ, જગા, હકીકત, કારણ ને કાર્ય હોય છે તે) સીવાય બીજો કાંઈ સંબંધ નથી. ઇતિહાસ થોડાને લગતી વાતની જાણ કરે છે, પણ કવિતા માણસમાત્રને લગતી વાતની જાણ કરે છે. ઇતિહાસ અપૂર્ણ છે, થોડા વખતનેજ અને ક્ટલીએક બાબતો જે ફરી ભાએગે થવાની બનવાની હોય તે વિષે બોલે છે; પણ કવિતા પૂર્ણ ને સઘળા કાળને સારુ છે; અને જે જે કારણ અને કાર્ય માણસ જાતના સ્વભાવમાં ને સ્વભાવથી નિપજવાનાં છે, તે સર્વનો અંકુર કવિતામાં લખાયલો હોય છે. હાઝીલીટ નામનો વિદ્વાન કહે છે કે, કોઈ પણ પદાર્થની અને બનાવની તેનાં તેજીપણાએ કરીને આપણાં મનમાં જે સ્વાભાવિક છાપ પડે છે અને જેથી (વગર વિચારે આપોઆપ અથવા ઇચ્છાએ) તર્ક અને જોસ્સા ઝપ જાગી ઉઠી કામે વળગે છે અને પછી સાત્વિક ભાવે સામાનાં સુખ દુ:ખ આપણને લાગે છે, અને એથી પછી અવાજ, અથવા શબ્દનું જે નીમસર નિકળવું થાય છે, તે છાપનું નામ કવિતા. કવિતામાં બે વાનાં જોઇયે: વિષય અને રચના. વિષયસંબંધી તો સારીપેઠે બોલાયું છે, ને રચનાને માટે એવું કંઈ જરૂરનું નથી કે આવી રીતે તે કરવી જોઈયે. બેકન કરીને એક વિદ્વાન થઈ ગયો છે તેણે ગદ્યમાં લખ્યું છે તો પણ તેની ભાષા ઘણી મધુરી છે, અને કેટલીક નીમવાળી કવિતાને પણ કોરણે બેસાડે છે. બીજા ઘણાઓએ તેમ કીધું છે. કવિતાની રચના કરવામાં છેલ્લો દસકત સરખો લાવવાની કંઈ જરૂર નથી. સંસ્કૃતમાં અનુપ્રાસ આણવાની ચાલ અસલ થોડીજ હતી. તેમ પ્રાસ ને અલંકારથી કવિતાને ગુંચવી નાખવાંનું પ્રથમ થોડું હતું, પણ નવીન ગ્રંથકારોએ વધારી દીધું છે. તેઓનું જોઈને હિંદુસ્તાની કવિ શિખ્યા. તેઆએ તો પ્રાસ ને અનુપ્રાસ ને અલંકારપર ઘણુંજ ધ્યાન દેવા માંડ્યું. એટલું કે જેની કવિતા થોડા લોક મશ્કેલીથી વાંચે તે મોટો પંડિત કેહેવાય. ગુજરાતીમાં પણ જેમ રચના ઉપર લક્ષ વધારે હોય છે તે કવિતા રસવાળી કહેવાય છે. ફક્ત સારી રચના ઉપરથી કવન સારું ને જે કોઈ પારકાની કીધેલી કવિતા ઝટ લેઈને સમજાવે (પછી ખરી કે ખોટી રીતે) ને રાગડો કહાડે તે ખબરદાર કવિ. એ પ્રમાણે કવિ કવિતાની ગુજરાતીઓમાં પરીક્ષા થાય છે. એ જોઈને હમને આશ્ચર્ય લાગે છે. હવે ઉત્તમ કવિ તે કોણ, તે વિષે હાઝીલીટનું મત નીચે ટાંકિયે છૈયે.—જે કવી કુદરત સંબંધી આપણા વિચારને બેહદ પ્રૌૈઢત્વ આપે છે અથવા દીલના જોસ્સાને બેહદ જોર આપે છે તે. જેનો તર્ક જબરો, જેનો પ્રીતિનો આવેશ શ્રેષ્ઠ, જેનું ઈશ્વરી સૌંદર્યવિષે રસજ્ઞાન ઉત્કંઠિત, અતે માણસજાતનાં દીલમાં જે જે વિકારો ઉત્પન્ન થાય છે તેનો જે અંતરજામી, તે ઉત્તમ કવિ જાણવો. ખુબસુરતી, શક્તિ અને જોસ્સાનાં તત્ત્વો જે પોતાની છાતીમાં રમે છે, તેણે કરીને દુનિયામાં જે જે સુંદર, મહત તથા ગંભીર છે અને પોતપોતાના સાદા ભારમાં છે તેઓને પોતાના જણે છે—(સર્વનું જેને રસજ્ઞાન છે) તે ઉત્તમ કવિ સમજવો. તેની કવિતા એવી હોય છે કે તે સર્વ માણસોની ઇંદ્રિયોને, વિચારોને અને તેઓના દીલને અસર કરતી રીતે ખરેખરી માલૂમ પડ્યા વગર રહેતી નથી. જાણે કે તે પોતાનાં મનના ઉંડા સાચા અને કુદરતને સામ્ય એવા વિચારથી કુદરતના જીવ જોડે જ વ્યવહાર રાખતો હોયની, તે પ્રમાણે સઘળાં ઠેકાણાંઓનાં અને સઘળા વખતનાં સઘળા માણસોની લાગણીઓને પોતાની લાગણી સાથે મેળવી દેવી (એક કરવી), તેઓને (ભવિષ્યને) આગળથી જાણવી અને લખી રાખવી, પોતાના વાંચનારા સાંભળનારાઓનામાં પણુ તેવી જ અસર કરવી, અને ટુંકામાં કુદરતનું સંપૂર્ણ રસજ્ઞાન મેળવી તે પ્રમાણે કહાડી બતાવવું, એ ઉત્તમ કવિનું કામ છે. સાચા અને મોટા કવિનાં મનમાં ઈશ્વરી લીલાનો અનુરાગ એ મુખ્ય વસ્તુ છે ને પોતાની સ્તુતિ સંબંધી વાત છેલ્લી છે અથવા નથી. જે કવિ અને બૈરી પોતાને વિષે વિચારે છે તે ઠગાય છે.’ કવિતા, એક વાત ઉપરથી બીજીને સુઝાડે છે અને ખુશીની સાથે સાર વસ્તુની દીલમાં સારીપેઠે અસર કરે છે. વળી એક શ્લોક નીચે પ્રમાણે કહે છે.

श्लोक-कंकिवेस्तस्य काव्येन कंकांडेन घनुप्मत:।
परस्यहृदये लग्नं न निहं तिचयच्छिर:।।

અર્થ:—જે કવિતાથી પારકાનું હૈયું ભેદાયું નહીં—જે કવિતાથી સામાને અસર ન થઈ, અને જે તીરે સામાનું ડોકું ન ઉરાડ્યું, તો તેવી કવિતા કવિએ કીધી તો તે શા કામની તથા તેથી શું? અને તેવું તીર ધતુષ ધરનારે માર્યું તો તે શા કામનું તથા તેથી શું? તેવી કવિતા ન કરવી અને તેવું તીર ન મારવું એ વધારે સારું છે. પ્રસંગવના કવિતાકળી ખીલતી નથી એમ ઉપર જણાવ્યું છે, ત્યારે હિંદુસ્તાનમાં અને હિંદુઓમાં શા પ્રસંગ હતા, જેથી હિંદુઓને કવિતા કરવાનું મન થયું તે વિષે:— હરેક દેશનો ભાષા વિદ્યાસંબંધી પહેલો યત્ન કવિતારૂપે હોય છે. સારું નરસું સમજવું એ મોટું કામ છે, પણ શરીરના ઉપર બહાર અંદરની વસ્તુઓની છાપ વહેલી પડે છે. મતની બીજી શક્તિ કામ કરવાને પાથણામાંથી ઉઠે છે, તે સહુની અગાઉ તર્કશક્તિએ પોણું કામ પાર કર્યું હેય છે. સૃષ્ટિનું સૌંદર્ય અને અદ્ભુતતા માણસની નજરે પ્રથમ પડે છે, કાયદા કરવા ને શાસ્ત્રો બનાવવાં એ પછવાડેનાં કામો છે. કવિ અસલ છે એમ કહ્યા વગર ચાલતું નથી. બીજી સઘળી બાબતો પછી છે, પણ કવિતા પ્રથમ છે. નવા જન્મેલાની નજરે પહેલવહેલાં, આકાશ ને તે માંહેના સૂર્ય, ચંદ્ર, તારા પડે છે, ત્યારે આહાહા! તેઓને કેટલી ખુશી થતી હશે??? શું ભય અને આશ્ચર્ય નહીં લાગતાં હોય! ડુંગર, નદી, ઝાડ, વગેરે સૃષ્ટિની વસ્તુઓ કોેઈપણ સ્થિતિનાં માણસનાં દીલને અસર કરવાને શું શક્તિવાન્ નથી? બ્રહ્મનાં ભુવનોની રચનાથી આપણાં હૈયામાં પ્રીતિ, આનંદ, અને માન આપવાની બુદ્ધિ નથી ઉત્પન્ન થતી? જ્યારે એ સર્વ ઉપર આપણી તર્કશક્તિ અમલ ચલાવે છે, ત્યારે તેનો પરિણામ, ઉશ્કેરાયલાં રસજ્ઞાનનું નિ:સારણ થાય છે. અને તેથી પરમેશ્વરની સ્તુતીનાં ગીત આપોઆપ દીલના ઉભરામાં નિકળી જાય છે. તર્કશક્તિ એટલી તો તપી ગયેલી હોય છે કે તે વ્યાકરણ અને કોશની કંઈ પરવા રાખતી નથી. પ્રથમની કવિતામાં છંદભેદ થોડા જ દિસે છે, ને ઘણી સ્વતંત્ર (કોઈ નીમથી બંધાયલી નહીં) હોઈને સરસ છે, ને જેની મધુરતા ટાપટીપથી કીધેલી કવિતામાં થોડી જ આવે છે. ગાયન પહેલું કે કવિતા પહેલી? આ સવાલના જવાબ દેવો કઠણ છે. પણ એટલું કે તે બંનેનો પરસ્પરે ઘણો સંબંધ છે. તેઓને એક માની બે બે’ન કહિયે તો ચાલે ખરું. જે ગાયન[2] છે, તે ઘણું કરીને કવન હોયા વગર રહેનાર નહીં, અને જે કવન છે તે તો ગાયન થવું જ જોઈયે. હવે હિંદુસ્તાન જેવા દેશમાં જાંહાં હિમાલય, વિંધ્યાચળ ને સહ્યાદ્રિ સરખા પર્વત; ગંગા, જમના ને સિંધુ સરખી નદીઓના પ્રદેશ, પ્રીતિપાત્ર ક્ષેત્રો, મોટાં મોટાં અરણ્યો, મોર આદિ ગાતાં પક્ષીઓ, કસળ મોગરા જેવાં ફુલો, એ સહુ હિંદુઆનાં દીલમાં અસર કીધાવગર કેમ રહ્યાં હશે? અને ટુંકામાં—

નર્મછંદ.—સુરંગ જંબુદ્વીપમાં, સુરંગ ભર્તખંડમાં,
સુરંગ ઉષ્ણ થંડમાં, સુરંગ આઠ જામ છે.
તરુ ફુલો ફળો લતા, સુધાન્યથી ઘણી મતા,
વનસ્પતી તણી છતા, રસાળ ભૂમિ ધામ છે.
ગિરી નદી સરેવરાં, સુ ધાતુ ખાણુ દેહરાં,
ગુફા ઘણી મઠો ઘરાં, રસીક રમ્ય કામ છે.
મનૂ સહુ સુસંગના, સ પંખિ પંચ રંગનાં,
પશૂ બહુજ બંગનાં, સુરંગ બ્રહ્મનામ છે.

આવાં સુરંગી હિંદુસ્તાને માણસનાં દીલમાં અસર ન કરી હોય? અલબતાં પ્રથમના લોક ઉપર ઘણીજ કરેલી અને તેઓએ જોેસમાં ને જોસમાં વાણી કહાડી અને લખી. અને તેઓના વિચારના ફાંટા એવી તો મધુરી ને જોસવાળી છટામાં લખાયલા છે કે બેહદ ને જેથી પછી પિંગળ, અલંકાર ને રસ એ સઘળાના નિયમ નિકળ્યા. ભાષા હોય તો પછી વ્યાકરણ થાય. તેમ પ્રથમ જ્યારે બ્રાહ્મણોનાં મનમાં એ સઘળી વાત હતી ને તે બહાર નીકળી, ત્યારે પછી કેટલાક જણે તેમાંથી નીમ જોઈને શાસ્ત્રો બનાવ્યાં. સન 1856 નાં બુદ્ધિવર્ધકમાં ઉખાહરણ વિષયમાં હમે લખ્યું છે કે, પ્રથમના કવિઓના વિષય મન, માયા અને મહેશ્વર હતા. તેઆએ ઈશ્વરકૃત પદાર્થોંની અને તેના કર્ત્તાની તરફ મન દોડાવ્યું હતું. વેદમાં અગ્નિ, વાયુ, રુદ્ર અને સોમવલ્લીપાલો એને જ ગજાવ્યા છે. વેદની કવિતાના નીમ તેની કવિતા જેમ સાદી ને શુદ્ધ છે, તેમ સાદા ને શુદ્ધ છે. વેદમાં, ઘણું કરીને ગાયત્રી, અનુષ્ટુપ અને બીજા એવા સરળ છંદો જોવામાં આવે છે, વેદમાં, ઉદાત્ત, અનુદાત્ત ને સ્વરિત વગેરે સ્વર છે, તે અક્ષરને નીમી આપેલું જ જોર આપવા સારુ છે. ચાર વેદમાં સામવેદ છે તેમાં ઉદ્ગાત છે. ગાયનથીજ ઈશ્વરને રીઝવવા એમ છે. તેમ વેદની ઋચામાં ઋષિ, છંદ ને દેવતા લખેલા હોયછે, તે ઉપરથી સમજાય છે કે ફલાણો ઋષિ ફલાણા છંદે ફલાણા દેવતાની સ્તુતિ કરે છે. સંસ્કૃત કવિતાનો પહેલો યુગ તે તે જ. સ્મૃતિ, પુરાણ, ઇતિહાસ, તંત્ર, (શિવ પાર્વતીનો સંવાદ) વગેરે ગ્રંથો સંસ્કૃત કવિતાના બીજા યુગમાં નીકળ્યા સમજવા. આ કવિતાની ભાષા વેદકવિતાની ભાષાને થોડી ઘણી મળે છે, ને સેહેલી છે. પણ પછી જે કવિઓ થયા (જેને ત્રીજો અથવા છેલ્લો યુગ કહીએ તો ચાલે) તેઓએ બાહ્યાંતરલાપિકા, હદ વગરતા ઉત્પ્રેક્ષાદિ અલંકાર, લાટાનુપ્રાસ અને યમકાનુપ્રાસ વગેરે ડંફાણ કહાડીને કવિતાભાષાની રચનાને અઘરી કરી મુકી. રામાયણ ને મહાભારત એ બીજા યુગની કવિતા છે. રઘુ, કુમાર, માઘ, નૈષધ અને કિરાતાર્જુની, જગન્નાથકૃત રસગંગાધર, ભાનુદત્તની રસમંજરી ને રસતરંગીણી, રુદ્રભટ્ટનું શંૃગારતિલક, દંડીનો કાવ્યાદર્શ, વામન આચાર્યની કાવ્યાલંકાર- વૃત્તિ, જયદેવના ચંદ્રાલોક વગેરે સાહિત્યશાસ્ત્ર નીકળ્યાં, તે સહુ ત્રીજા યુગમાં. એ ત્રીજા યુગમાં વખાણવા લાએક વિક્રમ ભોજની વખતમાં કેટલાએક કવિઓ સારા થઈ ગયા છે. તેમાં કાળીદાસ, ભવભૂતી ને દંડી એ મુખ્ય છે. કાળીદાસના કીધેલા ગ્રંથ સરસ, સેહેલા અને ઉપમા અલંકારથી ભરેલા છે. એના કીધેલા મુખ્ય ગ્રંથો નીચે પ્રમાણે—રઘુકાવ્ય, કુમારકાવ્ય, ઋતુવર્ણન, શંકુતલા, વિક્રમોર્વશી અને નલોદય. ત્રીજા યુગમાં જે વિષયો લખાયા છે, તે સઘળા બીજા યુગનાજ છે, પણ ભાષા જુદી તરેહના છે. રસ ઉપરથી સારી નરસી કવિતા કહેવાય છે. માત્ર અવાજ અથવા સામ્ય હોય તે નકામું; તોપણ કવિતામાં રરસ આણવાને તે સામ્ય જોઈએ ખરું. હિંદુસ્તાનની કવિતાના મુખ્ય ગ્રંથો કિયા છે, તેની ટીપ અમદાવાદમાં છપાતાં બુદ્ધિપ્રકાશમાં આવેલી છે. તેમાં ઘણો ખરો વિવય સંસ્કૃત ઉપરથી જ લીધેલો છે. પ્રાકૃત ભાષામાં માત્ર બ્રીજ ને હિંદુસ્તાની જ કવિતા પ્રકરણમાં ખેડાયલી છે. જે ભાષા રાજા બોલતા હોય, તે ભાષા વધારે ખેડાય. રજપુત અને મોગલ રાજાઓના આશ્રયતળે હિંદુસ્તાની કવિતભાષા સારી ખેડાયલી છે. પેશવાના વખતમાં મરેઠી ભાષામાં મોરોપંત, વામન, મુકુંદરાજ, તુકારામ વગેરે સારા સારા કવિઓ થઈ ગયા છે. રાજાઓ કવિઓને કેવું ઉત્તેજન આપતા, તે વિષે એક દાખલો લખીએ છૈએ. એવું કહેવાય છે કે ભોજરાજા જે કોઈ નવી કવિતા લાવતું તેને લાખ રૂપિયા આપતો, પણ કોઈ છેતરી ન જાય, તેને માટે તેણે કેટલાક વિદ્વાનોને દરબારમાં રાખ્યા હતા, જેઓ નવા કવિની કવિતા જૂની છે છકે નવી તે તપાસતા. થોડે દહાડે તેઓ એવા તો ચતુર થઈ ગયા ને શિઘ્રપાઠશક્તિથી અનુકૂળ થયા કે, પછી જે કોઈ નવું કવન કરી લાવતું ને ભણી બતાવતું તો તે જ વેળા પેલા વિદ્વાનો તેનું તેજ એકજ વખત સાંભળીને ફરીથી ભણી બતાવતા ને કહેતા કે જે નવું કવન હોય તો હમને આવડે કેમ? એ રીતે તેએ બીજા લોકને છેતરતા, કોઈને વિસ્મય લાગશે કે એવી યાદ દાસ્ત હોયજ નહિ. પણ હજી આ કાળે કેટલાક દક્ષણીઓમાં પુરુષો છે કે, જેઆ એક વખત વાંચી જઈને પછી તે જોયા વગર બોલેબોલ બોલી જાય છે. સ્મરણશક્તિના અદ્ભુત દાખલા ઘણા જોવામાં આવે છે. ભોજની કચેરીના પંડીતો એવા કાબેલ હશે એમાં કંઈ શક લાવવા જેવું નથી. આવા કાબેલ પંડિતોનાં માથાનો પણ એક કવિ નીકળ્યો. તેણે નવું કવન કીધું તેમાં લખ્યું કે, હે રાજા! તમારા બાપ પાસે મારા લાખ રૂપિયા લેહેણા છે. હવે આ વાત જે સભાના પંડિતો બોલત તો લેહેણું સાબીત થાત, માટે તેઓ બોલ્યા નહીં, ને તેથી રાજાની કબુલાત પ્રમાણે તેને લાખ રૂપિયા મળ્યા. પણ હવે બસ; સંસ્કૃત કવિતા વિષે બોલવાની શી જરૂર છે! સંસ્કૃતમાં કાંઈ બાકી રહ્યું નથી. જેટલું ને જેવું જોઇએ તેટલું ને તેવું લખાયું છે, ને હવે હિંદુઓમાંથી કોઈ નવો પેદા થઈ વ્યાસ, વાલ્મિક અને કાળીદાસનું માન મેળવે એવી તો આશા રાખવી એ મૂર્ખાઈ છે. કદાપી કોઈ જર્મન તેવા નીકળે ને પાતાના દેશના રીવાજ સંબંધી સંસ્કૃતમાં સારા ગ્રંથ, કરે, ઈશ્વરની ઇચ્છા હોય તો કોઈ અહિંયા પણ નીકળે ને ખુણાખુણામાં સંતાઈ રહેલી બાબતને પાછી જાગતી કરે, પણ હાલના વખતનું સ્વરૂપ જોતાં દેખાય છે કે, કોઈ હિંદુ સંસ્કૃતમાં કરીને ખરાં કરશે નહીં. તોપણ જે આપણા બાપદાદાએ લખેલું છે, તે સમજવાનું અને તેવું પ્રાકૃત કરવાનું ઘણું બાકી છે, માટે જેઓની બુદ્ધિનું કવિતા તરફ વલણ હોય તેઓએ પ્રાકૃતમાં કવિતા કરવી. બીજી પ્રાકૃત ભાષા મુકી દઈને હમે હમારા ગુજરાતી ભાઈઓને ભલામણ કરીયેછ કે, ગુજરાતીમાં હજી ઉત્તમ જાતની કવિતા થોડી બનેલી છે, માટે તેવી કવિતા કરવા તરફ શોખિલાએ મન લગાડવું, પણ આજકાલ ગુજરાતી ભાઈઓ પોતાનીની ભાષાને ઘણી નજીવી અને તુચ્છ ગણે છે. ગુજરાતી તો સેહેલી છે, એ તો આવડે જ છે, એમ તેઓ કહેછે. પણ રાતદહાડો ગુજરાતી લખતાં વાચતાં રહેછે. તેઓને અને ઇંગ્રેજી ભણેલાને પણ લાગેછે કે, હજી ગુજરાતીમાં હમારે શિખવાનું ઘણું બાકી છે. પારકી ભાષામાં કવન કરવું ઘણું અઘરું છે, ને તેમ કરવા જતાં પણ તે ભાષાની જે વિશેષ રુઢી છે તે કંઈ ઉપર ઉપરની ભાષા જાણેથી માલમ પડતી નથી. માટે સહુ જણાઓએ પોતાની સ્વભાષામાં કવિતા કરવી, એજ સારી વાત છે. ઘણા એમ સમજે છે કે સંસ્કૃત, ઈંગ્રેજી અને હિંદુસ્તાનીમાં કવિતા કરે તેને મોટું માન છે તે ગુજરાતીમાં કરે તેનું થોડું છે. પણ એમ સમજનારાઓ મોટી ભુલમાં પડેછે. જેમાં જેનો ઘણો અભ્યાસ. તેમાં તે સારી કવિતા કરે. સંસ્કૃત ભણેલાથી ગુજરાતીમાં કવિતા ઘણી સારી થવાની નહીં. માટે જે ભાષાનો જેને ઘણો અભ્યાસ છે, તે ભાષામાં તેણે કવિતા કરવી, ને ગુજરાતી ભાઈઓ પોતાની ભાષા સમજતા નથી, તેઓ હિંદુસ્તાની ભાષા સમજવાનું ડોળ બતાવી તેમાં કવિતા કરે છે તેથી તે હસવા જેવું થાય છે; માટે ઘણી વાતમાં હાથ ને ઘાલી આપણા ગુજરાતી ભાઈઓએ પોતાની સ્વભાષામાં ઉમદા કવિતા બનાવવી. કોઈએ હમને સવાલ પુછ્યો કે ઘેરઘેર અંગ્રેજી ભણવાની ઇન્તેઝારી થઈ રહી છે ને ગુજરાતી તરફ થોડા લોકનુંજ વલણ છે, ને કેટલાએક (ઘણાજ થોડા) અંગ્રેજી ભણી રહ્યા પછી ગુજરાતીમાં લખવાને મન કરે છે, ત્યારે હવે ગુજરાતીમાં સારા કવિઓ કેમ નીકળશે? હમે જવાબ દીધો કે વાત બનવી મુશ્કેલ છે ખરી ને અંગ્રેજી ભણેલા કેટલાએક શખસો ગુજરાતી ભાષા સુધારવાને યત્ન કરશે પણ તેઓથી ઉમર ગયા પછી સારી કવિતા થવી મુશ્કેલ. કેટલીક વિદ્યા છે તે ખરેખર અભ્યાસ કરેથીજ આવડે છે; માત્ર સમજણ લીધે નથી આવડતી. ને તેમ કવિતા રાગની પણ ન્હાનપણથી થોડી. ઘણી ઓળખ રાખી મુકવી જોઈયે, ને પ્રસંગ આવ્યો કે તરત ઝડપી લેવો. પ્રસંગ ગયેથી કવિતા સારી થનાર નથી. કાઈ કહે કે આટલી કવિતા કરી આપ, ને બીજો કહે કે લાવ હું કરી આપુંછું. તો આવી રીતની કવિતા કરનારે કવિનું નામ મેળવવાને મ્હોંડું ધોઈ આવવું જોઈયે. કવિતા જેને વશ છે તે કવિ નથી, જે કવિતાને વશ છે તે કવિ હોય ખરો, ત્યારે હવે ગુજરાતીમાં સારી કવિતા કોનાથી બની શકે તેમ છે? જેઓ ગુજરાતી ભાષામાં જ રાત દિવસ રમણ કરવાને ઇચ્છે છે અને તેમાં પ્રસંગે પ્રસંગે સંસ્કૃત અંગ્રેજીને જોય છે અને વ્યવહાર કુશળ ઘણા છે ને સત્સંગતમાં ફરે છે તેઆ ગુજરાતીમાં સારી કવિતા કરી શકશે. બાકી બીજાઓથી થવી હમને અસંભવિત લાગે છે. તેમાં આ સમયમાં પેટને માટે સહુ ફાંફાં મારે છે, માટે જે સ્વૈચ્છિક લાગણીવાળા ગરીબ હશે, તે અથવા શ્રીમંત હશે, તે (ઘણા જ થોડા) સારી કવિતા કરી શકશે. હમણાના ગુજરાતીઓ કવિતાની ખુબી તો કંઈજ સમજતા નથી; ફક્ત રાગડાથી જ મોહીત થઈ જાય છે. ગુજરાતી કવિતા વિષે વધારે કોઈ બીજે પ્રસંગે બોલીશું. કેટલાક ગરબડીઆ બહુ શ્રુત કવિ એવા હોય છે કે, સભામાં વાણીની છટાથી જેવું તેવું ગટરપટર ખોલી દિગ્વિજયી છું એમ દેખડાવે છે, એવા લોકોને સભાના મૂર્ખ લોકો માન આપે છે. પણ તે માન ઘણી વાર ટકતું નથી. માટે એવી શિઘ્ર કવિતા કરવાને ઉગતા કવિઓએ થોડો લોભ રાખવો. ઉતાવળું સારું બનાવવું એ મોટી વાત છે, પણ ધીમે ધીમે કરતાં જે પછી ઉતાવલું કરવા જાણીયે છૈયે તે ઘણીવારનું અને સારું હોય છે. ઉગતા અને બલ્કે સઘળા કવિઆએ આગળથી પોતાના વિચાર સાદી ઇબારતમાં વાદયુક્ત ને રસયુક્ત લખવા. ને પછી તેમાંની મતલબ થોડે થોડે જુક્તિથી અલંકારાદિ શંૃગારસહિત કવિતામાં ઉતારવી. આમ હમારે ભલામણ કરવાનું કારણ એ કે, કવિતા કરતાં કરતાં ઘણી વખત ધારેલા વિચાર ભુલી જવાય છે, ને પછી તે શોધવા તરફ, નવા વિચાર તરફ અને રચના તરફ જોઈએ તેવું મન દેવાતું નથી. બીજું, રચનાને મરડી મચેડીને પ્રાસથી સારી કરવાની ખટપટમાં ન પડવું. જેટલું સ્વાભાવિક નીકળે તેટલું કહાડવું ને તેમાં જે મજા છે તે તાણીતુસીને આણ્યામાં નથી. શબ્દને માટે ગુજરાતી ભાષાના જુના કવિઓનાં પુસ્તકો વાંચવાં. કેટલાક કવિઆની કવિતા મધુરી અને શબ્દ રૂપે વ્હેતી હોય છે, પણ તે કવિની સ્વાભાવિક, વાણી નઠારી હોય છે, ને કેટલીક કવિતા થડકતી હોય છે પણ કવિની વાણીથી તે ખોડ બોલવા વેળા ઢંકાઈ જાય છે. પણ જેણે ગાયનનો થોડો ઘણો અભ્યાસ કીધો હોય છે, તેની બાની (પછી રચના કે બોલી) સારી જ હોય છે. અસલની કવિતામાં વ્યાકરણદોષ અને અધ્યાહાર ઘણો હોય છે, માટે તે વાતમાં સંભાળ લેવી. જેમ બને તેમ અક્ષરછંદ કવિતા કરવાની ઉગતી પ્રજાની વૃત્તિ થાય તો સારું, કેટલાક જુવાન છોકરાઓને કવિતાનો શોખ થાય છે ને તેઓ પોતાનો વખત જોડવામાં કહાડે છે, પણ ભણેલા નથી એટલે તેઓના વિચારમાં કવિતા હોતી નથી; માટે એવા જુવાનોએ પ્રથમ પોતાનું વિદ્યાજ્ઞાન, વ્યવહારજ્ઞાન અને રસજ્ઞાન વધારવું ને પછી એ કામ માથે લેવું, બાકી અધવચ રહ્યાથી સઘળાં કામમાં તેઓ ગફલત કરશે; માટે બેહેતર છે કે આગળથી હરેક વાતનો પુખ્ત વિચાર કરીને કામ આરંભવું. હમે હમારી આ ગ્રંથમાં લખવાની હદની બહાર બહુ ગયા છૈયે, ને કવિતા વિષે લખવાનું તો બહુ છે, માટે હવે આ પ્રસંગે તો કવિતાથી લાભાલાભ શા થાય છે, તે વિષે થોડામાં બોલીને આ બાબત બંધ રાખીશું. પ્રથમ ગેરફાયદાવિષે—બિહારી સતસૈમાં લખે છે કે:

દુહો.—તંત્રીનાદ કબિત્તરસ, સરસ રાગ રતિ રંગ,
  અનબૂડે બૂડે તરે, જે બુડે સબ અંગ. 1

જે અધુરા હોય છે તે બુડે છે ને પૂરા હોય છે તે તરે છે. કવિત રાગ શિખ્યા ને પછી શૃંગારરસને સોબતી કીધો અને પછી નીતિને વિસારી દીધી તો પછી મૂર્ખાઈ અને હાનિમાં કંઈ બાકીજ નહીં. અધુરા આદમી, નાણાં કહડાવવાને કવિતા ઘેર ઘેર ભસે છે, કેટલાક સ્ત્રીઓને જ સારુ ભમે છે તથા તેમાં રમે છે ને લાલાજીને નામે ઓળખાય છે અને નફીકરા સાંડની પેઠે પોતાનું એક મંડળ કરીને તેનીજ સાથે ક્રીડામાં દિવસ પૂરા કરે છે. ટુંકામાં તેની દશા ઘણી શોકપાત્ર થાય છે. અંતે તે રંડીબાજીમાં ગરક થઈ રઝળીરઝળીને પણ (તેનાં રસજ્ઞાન પ્રમાણે) આનંદમાં દીવસ ગુજારી મરણને તાબે થાય છે. કવિતા શિખવાનું ફળ મૂરખ થવાનું નથી, પણ ડાહ્યાં થવાનું છે. માટે સદ્વસ્તુને છોડી અસદ્ વસ્તુ તરફ ઉગતા કવિઓએ મન લગાડવુંજ નહીં. આહા હા! કવિતાથી કેટલા લાભો અને મનરંજન થયાં છે, તેનું દુરાચરણીઓને કંઈ ભાન નથી. કવિતાના લાભ અમૂલ્ય છે. કવિતા કંઈ નઠારી વસ્તુ નથી. કવિતા ઈશ્વરપ્રણિત છે, તે નઠારી હોયજ નહીં. એકની એક વસ્તુ લોકો પોતપોતાની શકિત પ્રમાણે જુદી જુદી રીતે જોય છે ને તેથી કોઈનામાં સારી અસર થાય છે ને કોઈનામાં નઠારી,

દોહોરો.—કવિતાના ભણવા થકી, મન રંજન બહુ થાય;
નીતિવાત મનમાં ઠસે, દુર્ગુણ નાસી જાય. 1

કવિતા કહેવી છે તો કે:—

गितिवृत्त.-‘‘गुणगणपूर्णा तरुणी सरसा सालंकृति: साघुसूक्ति:-
मनोमिरासा रामा चित्तं नो नो जहाति कवितेव ।।1।।

આ ગીતિમાં સ્ત્રીને કવિતાની ઉપમા આપી છે. જે પ્રમાણે ગુણ, અલંકાર અને રસયુક્ત મધુરી તરુણી (અસર કરે તેવી) અને મનને રંજન કરે તેવી કવિતા આપણા ચિત્તને હરણ કરે છે, તે પ્રમાણ જુવાની વગેરે ગુણોથી ભરેલી સ્ત્રી ચિત્તને હરણ કરે છે. કવિતા ન હોત તો સદ્ગુણ, પ્રીતિ, સ્વદેશાભિમાન, મિત્રાઈ એની શી દશા થાત? આ સુંદર રમણીય જગતનો દેખાવ કેવો થાત? આ દુનિયાનાં દુ:ખ અને મોતનાં ભયની વખત આપણે દેલાસો કાંથી મળત? અને મુઆ પછી આપણે શી ઉમેદ રાખત? કવિતાથી સઘળી વસ્તુ પ્રીતિમય થઈ રહે છે. જે ખોડવાળું છે તેને તે શોભીતું કરે છે, ને જે સુંદર છે તેને વધારે સુંદર કરે છે, જે ગુણો એક બીજાના શત્રુ છે તેને મીલનસારી કરાવે છે. કવિ જેમ બીજાઓને સુખ દીલસા, સદ્ગુણ અને કીર્તિ આપનાર છે, તેમ તે પણ જાતે સુખી તે સંતોષી હોવો જોઈયે, કવિએ પોતાની કીર્તિની તરફ નજર ને લોકના કહેવા તરફ કાન ન. ધરવા. તેણે તો પોતાનાં મનના ઉભરા કહાડ્યા કરવા ને જોવું કે કુદરતને મળતા આવે છે કે નહીં. વિલાતમાં લોકનાં સાંભળવાથી ઘણા કવિ હૈયા શોકે મરી. ગયા છે. તેમ મોટા કવિઓએ, ઉગતાઓને હિંમત આપી સારો રસ્તો બતાવવો. કવિઓ આટલાસારુ કવિતા કરે છે એમ કહેવામાં તેઓને હદમાં રાખ્યા જેવું થાય છે. પણ સંસ્કૃત કવિઓને જુદાં જુદાં ફળ મળ્યાં, તે ઉપરથી તે ફળને કારણ કહી દંડી કવિ નીચે પ્રમાણે બોલે છે. અર્થ:—કેટલાક યશનેસારુ, કેટલાક દ્રવ્યનેસારુ, કેટલાક વ્યવહાર જણવા સારુ, કેટલાક કલ્યાણનેસારુ, કેટલાક મનનાં સમાધાન અને મુક્તિમાટે અને કેટલાક કાવ્ય નાટકનો મનોરંજક ઉપદેશ લેવાનેસારુ કવિતા કરે છે. એક વિદ્વાન કહે છે કે કવિતા એ એવો હુન્નર છે કે, જે પોતાની મધુરી પ્રેરણાથી અણઘડ, નિર્દય અને પથ્થર જેવી છાતીનાં માણસમાં પણ ધર્મ નીતિનું રસજ્ઞાન કરાવે છે. મીલટન પણ કહે છે કે, આહાહા! ઈશ્વરી અને મનુષ્યકૃત વસ્તુઓમાં આપણે કવિતાના કેવો ધર્મી, યશસ્વી અને ઉત્સાહી ઉપયોગ કરી શકીએ છૈયે. કવિતાનો કેટલાએક જણ નઠારો ઉપયોગ કરે, તેમાં કવિતાના શો દોષ? કવિનો રસ કવિને જ માલમ છે એમ નથી. મોટા મોટા રાજદરબારે બેસનારા અમીર વજીરોને અને શૂરા લડનારાઓને પણ કવિતાએ પોતાને વશ કર્યા છે શિકંદર બાદશાહને વિષે એમ કહેવાય છે કે તે હોમર નામના ઉત્તમ કવિની ચોપડી રૂપાની પેટીમાં લઈ લઈને સઘળે ફરતો હતો, અને રાતે તેને પોતાના ઓસીકા તળે મુકતો હતો. આપણા રજપુત ભાટોમાં ચંદકવિની બરાબરી કોણ કરી શકનાર છે? કેટલાક હારેલા રાજાઓ વીરરસનાં કવિતો સાંભળી ઘોડા ઉપર ચડીને ફતેહ કરી આવેલા છે. જગતનો ફેરફાર સઘળો કવિતા ઉપર આધાર રાખે છે. જે વેળા બ્રહ્મભજન કવિતામાં રાગરૂપે થાય છે, તે વખત રુવે રુવે આનંદ આનદ વ્યાપી રેહે છે. ત્રિવિક્રમાનંદ કરીને બ્રહ્મમાર્ગી એક બાવો થઈ ગયો છે, તેનાં બનાવેલાં પદે અને તે પદના ગાનાર સુરતના વીજીઆનંદ નામના ગળીઆરાએ (ત્રિવિક્રમાનંદના ચેલાએ) સુરતના ઘણા ખરા લોકને બ્રહ્મની લેહ લગાડી હતી. વલ્લભમાર્ગની બઢતી થઈ તેનું કારણ એ કે તેમાં સરસ કવિતા છે. સાહિત્યશાસ્ત્રનો ભંડાર એ પંથમાં છે. પણ બાળકને હાથ તરવાર આવ્યા જેવું થયું છે. સુરદાસાદિ અષ્ટસખા, બિહારીલાલ, એ સઘળા કોણ હતા? કવિઓ. કવિના કીધેલા જસ રાજ્ય કચેરીમાં છે, રણક્ષેત્રમાં છે, શ્રીમંતમાં છે, ગરીબમાં છે, ઘરબહાર છે ને ઘરમાંહે છે. કવિતા ઠામઠામ વ્યાપી રહી છે. કવિતાથી દીલાસા મળે છે ને કવિતાથી નઠારા મારગ છોડાય છે તથા સતસંગ થાય છે. કવિતા જેવો મિત્ર કોણ છે? એનાથી જેવો ઘા રુઝાય છે તેવો કોઈ ઓસડથી રુઝાતો નથી. કહોતો હસાવે, કહોતો રોવાડે, કહોતો ગુસ્સો આણે, કોહોતો બ્હીવડાવે. સઘળા ગુણસંપન્ન કવિતા જેવી વસ્તુ મળવી મુશ્કેલ, અહિં નાના પ્રકારનાં નિર્મળાં સુખ ભોગવાવી પરલોકને વિષે સમજ આપનાર પણ તેજ છે. કવિતા વિષે જેટલું બોલીયે તેટલું થોડું છે, વિત્યાતના સઘળું ખોટું. જેને વિત્યું હોય તેને ખખર પડે કે આટલું ને આવું સુખ થાય છે. કવિતાનું સુખ અલૌકિક છે. સંસારની ઉષ્ણતામાં કવિતાચંદ્ર મનને શાંત કરે છે. કવિતાની મઝા ને લ્હેજત જુદી જ છે. કવિતા જગતનો પ્રાણ છે. સર્વ લોકોએ કવિતાની અવગણના ન કરી, તેની મધુરી પ્રસાદી લેવાસારુ તેની ખરા ભાવે ભક્તિ કરવી. 1858
[‘નર્મગદ્ય’, 1865]

ગુજરાતીઓ ભણેલા નહી તેથી તેઓના કવિતા સંબંધી વિચાર જાણીતી અને પુરાણોની વાત રાગડામાં મુકેલી એટલોજ છે. એમ જોઈ અને કવિ દલપતરામ સરખાના વિચાર પણ સાધારણ જાણીતી વાતને સમજ પડે તેવી રીતે સારી રચનામાં મુકવી, અને કંઈ કંઈ તર્ક અલંકારથી ઘણું કરીને હસવું આવે તેવી સણગારવી, અને ગદ્યમાં કવિતા હોયજ નહી–પ્રાસ મળે તેજ કવિતા એટલોજ છે એ જોઈ – એ ખોટા ને અધુરા વિચારો જોઈ ઉપલો વિષય 1858 ના સપટેમ્બરના બુદ્ધિવર્ધક ગ્રંથમાં છાપી પ્રગટ કર્યો હતો.—1914 ના ભાદરવામાં. એમાં કેટલાએક મહારા પોતાના, કેટલાએક અંગ્રેજ વિદ્વાનના, અને કેટલાએક સંસ્કૃત વિદ્વાનોના વિચાર છે. અર્થાત્, એવા જુદા જુદા વિચારોને નિબંધમાં એકઠા કીધેલા છે, માટે, મેં મારા નિબંધને મિશ્ર એવી સંજ્ઞા રાખી છે.

  • જે અલાપવાળું એટલે ખાલી ગાયન છે તે સાધારણ અર્થવાળી કવિતા કહેવાય ને વિચારવાળું (ભરેલું) ગાયન છે તે તો કવિતા છેજ.