ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/નવલકથા, વાસ્તવ અને વાસ્તવવાદ – જયંત ગાડીત, 1938

From Ekatra Wiki
Revision as of 15:33, 3 March 2023 by Kamalthobhani (talk | contribs)
Jump to navigation Jump to search
38. જયંત ગાડીત

(26.11.1938 – 29.5.2009)

38. jayant gadit.jpg
નવલકથા, વાસ્તવ અને વાસ્તવવાદ

યુરોપીય વિચારજગતમાં ‘વાસ્તવ’ અને ‘વાસ્તવવાદ’ સંજ્ઞાઓ ફિલસૂફી અને સાહિત્યવિવેચનમાં વખતોવખત ચર્ચાતી રહી છે. વાસ્તવ વિશેની ચર્ચા આપણને છેક ગ્રીક ફિલસૂફી અને સાહિત્યમાં મળે છે, જ્યારે ‘વાસ્તવવાદ’ વિશેની ચર્ચા યુરોપીય ફિલસૂફીમાં જૂની છે ખરી, પરંતુ સાહિત્યમાં એ સંજ્ઞાનો ઉપયોગ અને તેની ચર્ચા 19મી સદીમાં વિશેષ રૂપે જોવા મળે છે. એટલે સાહિત્ય વિવેચનમાં ‘વાસ્તવવાદ’ સંજ્ઞા અર્વાચીન છે. વાસ્તવ એટલે શું? યુરોપીય ફિલસૂફીમાં એ અંગે એકમતી પ્રવર્તતી નથી. સમયેસમયે એ સંજ્ઞાના અર્થસંકેતો બદલાયા છે અને તેને પરિણામે ‘વાસ્તવવાદ’ સંજ્ઞાના અર્થસંકેતો પણ ફિલસૂફી તેમજ સાહિત્યમાં બદલાયા છે. યુરોપીય સાહિત્યવિવેચનમાં ‘વાસ્તવવાદ’ સંજ્ઞા એટલાબધા સંદર્ભમાં વપરાઈ છે કે કેટલાક વિવેચકોને એમ લાગ્યું કે આ સંજ્ઞા કોઈ ચોક્કસ અર્થનો સંકેત કરવાની ક્ષમતા ગુમાવી બેઠી છે. કેટલાક વિવેચકો એને ઐતિહાસિક સંજ્ઞા તરીકે વાપરવાનો અનુરોધ કરે છે. આપણે નવલકથાના સંદર્ભમાં વાસ્તવ અને વાસ્તવવાદનો પ્રશ્ન વિશેષ વિચારવો છે, પરંતુ આ બે સંજ્ઞાઓ અંગે યુરોપીય ફિલસૂફીમાં થયેલા વિચારોને ભૂમિકા રૂપે જાણવા જરૂરી છે, કારણકે સાહિત્યિક વાસ્તવવાદ પર એની અસર છે. યુરોપીય કળાવિવેચનમાં છેક પ્લેટો-ઍરિસ્ટોટલથી એક પ્રશ્ન સતત ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે કે કળાઓનું માનવજીવનમાં શું મહત્ત્વ છે? સંભવત: આ પ્રશ્ન સહુ પ્રથમ ઉપાડનાર પ્લેટો હતો. આ પ્રશ્ન ઊભો કરતી વખતે કળામાં પ્રતિબિંબિત થતા વિશ્વ અને આપણા અનુભવવિશ્વ વચ્ચે શું સંબંધ છે એ વાત પ્લેટોના મનમાં પડેલી હતી. પ્લેટોના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવ્યો તેના મૂળમાં ‘કળામાત્ર એ જીવનનું અનુકરણ છે’ એ પ્લેટોના સમયે ગ્રીક કળાવિવેચનમાં પ્રચલિત ખ્યાલ રહેલો છે. પ્લેટો પદાર્થને નહીં, પદાર્થની જાતિમાં રહેલા તત્ત્વને આદર્શ અને વાસ્તવિક માને છે. વિશ્વનો દરેક પદાર્થ એ જાતિગત તત્ત્વનું પ્રતિબિંબ છે તથા કળાઓ આ વૈશ્વિક પદાર્થોનું પ્રતિબિંબ છે. પ્રતિબિંબ મિથ્યા છે અને તેથી કળામાત્ર અવાસ્તવિક છે, અસત્ય છે. અહીં જોઈ શકાય છે કે પ્લેટો કળાના વિશ્વ અને બાહ્યવિશ્વ વચ્ચેના સંબંધને વિચારે છે. તેમજ કળાનું વિશ્વ બાહ્યવિશ્વનું પ્રતિબિંબ છે એ ગ્રીક કળાવિવેચનમાં સ્વીકૃત ખ્યાલનો પડઘો પાડે છે. ઍરિસ્ટોટલ પ્લેટોના આ વિચારને પલટાવે છે. કળાનું વિશ્વ વિશ્વના પદાર્થોનું પ્રતિબિંબ જ નથી પાડતું, પરંતુ એ વિશ્વને નવો આકાર આપે છે. એ દ્વારા કળા આપણને વૈશ્વિક પદાર્થોના જાતિગત તત્ત્વથી દૂર નહીં, પરંતુ એની નજીક લઈ જાય છે. ઍરિસ્ટોટલ આ રીતે કળાના વિશ્વને અનુભવના વિશ્વથી જુદુ પાડે છે ખરો, પરંતુ કળાનું વિશ્વ અનુભવવિશ્વના પદાર્થોના જાતિગત તત્ત્વની નજીક લઈ જાય છે એમ કહી એ પણ પદાર્થનું જાતિગત તત્ત્વ જ વાસ્તવિક છે એ ખ્યાલ સ્વીકારતો દેખાય છે. યુરોપીય કાવ્યવિવેચને સાહિત્યનું જીવનમાં શું મહત્ત્વ એ પ્રશ્ન પ્લેટો પછી પણ સતત ઊભો કર્યો છે. એને લીધે કાવ્યનું વિશ્વ અને અનુભવનું વિશ્વ એ બે વચ્ચેના સંબંધની વિચારણા ત્યાં કાવ્યવિવેચનના કેન્દ્રમાં રહી છે. યુરોપીય તત્ત્વજ્ઞાને પદાર્થજગતના સ્વરૂપ અને ચિત્ત દ્વારા એનું જે આકલન થાય છે તે વિશે ઘણો વિચાર કર્યો છે અને એ વિચારણાનો પ્રભાવ કાવ્યવિવેચન પર પડ્યો છે. ભારતીય કાવ્યવિવેચને યુરોપીય કાવ્યવિવેચનની જેમ કળાના જગત અને પદાર્થ જગત વચ્ચેનો સંબંધ ઊંડાણથી તપાસ્યો હોય એવો ખ્યાલ નથી. ભારતીય તત્ત્વજ્ઞાને વ્યક્તિજાતિવાદ, સ્યાદ્વાદ આદિના સંદર્ભમાં ચિત્ત દ્વારા પદાર્થજગતનું આકલન કેવી રીતે થાય છે એનો વિચાર કર્યો છે, પરંતુ એનો કોઈ પ્રભાવ ભારતીય કાવ્યવિવેચન પર પડ્યો હોય એમ દેખાતું નથી. ભારતીય કાવ્યમીમાંસકોએ રસસિદ્ધાંતને તત્ત્વચિંતનની ભૂમિકાએથી સમજાવવાનો સબળ પ્રયાસ કર્યો. એ નિમિત્તે કાવ્યના વિશ્વ અંગે કેટલાક આનુષંગિક ઉલ્લેખો જોવા બેસીએ તો મળી આવે, પરંતુ એ વિષયને ચર્ચાના કેન્દ્રમાં આણી કોઈ આલંકારિકે વિચાર્યો હોય એમ જાણવામાં નથી. કાવ્ય અલૌકિક રસાનુભવ કરાવનાર પદાર્થ છે અને તેથી કાવ્યને રસત્વ અર્પનાર તત્ત્વ કયું એનો વિચાર ભારતીય કાવ્યચિંતકોએ વિશેષ કર્યો છે. ભરતના નાટ્યશાસ્ત્રમાં દેવ-દાનવની કથાના ઉલ્લેખ દ્વારા કળાના વિશ્વ અને પદાર્થવિશ્વ વચ્ચેના સંબંધનો પ્રશ્ન સહેજ ઉદ્ભવેલો દેખાય છે, પરંતુ પાછળથી ભારતીય કાવ્યમીમાંસામાં એ પ્રશ્ન ચર્ચાના કેન્દ્રમાં ક્યારેય ન આવ્યો કારણ કે કળાનું વિશ્વ પદાર્થવિશ્વથી સ્વતંત્ર છે એ વાત ત્યાં સ્વીકૃત બની ગયેલી. પ્લેટોના વિચારોના પ્રભાવને લીધે યુરોપીય તત્ત્વચિંતનમાં ‘વાસ્તવવાદ’ સંજ્ઞા જાતિગત તત્ત્વ એ જ વાસ્તવિક છે એ અર્થના વાચક તરીકે છેક મધ્યયુગ સુધી વપરાતી રહી. એનો ઉપયોગ ‘પદાર્થવિશિષ્ટવાદ’ (nominalism) સંજ્ઞાની વિરોધી સત્તા તરીકે થતો રહ્યો. ‘પદાર્થવિશિષ્ટવાદ’ (nominalism) એમ માને છે કે દરેક પદાર્થનું અલગ અસ્તિત્વ એ જ વાસ્તવિક છે. પદાર્થના જાતિગત તત્ત્વ જેવું કંઈ નથી, ત્યાર પછી ‘વાસ્તવવાદ’ સંજ્ઞાનો અર્થસંકેત બદલાયો અને ‘ભાવનાવાદ’ (idealism) અને ‘અનુભવવાદ’ (empiricism) એ બે સંજ્ઞાઓની વિરોધી સંજ્ઞા તરીકે તેનો ઉપયોગ શરૂ થયો, ભાવનાવાદી અને અનુભવવાદી તત્ત્વચિંતકો માને છે કે ઇન્દ્રિયોથી જે વિશ્વ આપણે અનુભવીએ છીએ તે જ વાસ્તવિક છે. ઇન્દ્રિયાનુભવથી પૃથક્ એવું પદાર્થજગતનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. આ તત્ત્વચિંતનના અતિ પ્રભાવને લીધે પદાર્થના આત્મલક્ષી જ્ઞાન પર વિશેષ ભાર મુકાયો. વાસ્તવવાદી ચિંતકોએ આ બન્ને પ્રકારના ચિંતકોના ખ્યાલનો વિરાધ કર્યો. ઇન્દ્રિયોના આકલનથી ભિન્ન એવું વિશ્વના પદાર્થોનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. એટલું જ નહીં વૈજ્ઞાનિક પદ્ધતિએ વિશ્વના કોઈપણ પદાર્થનું સ્વરૂપ તટસ્થપણે જાણી શકાય છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીં ‘વાસ્તવવાદ’ સંજ્ઞા પોતાના મધ્યયુગીન અર્થ કરતાં ભિન્ન અર્થનો સંકેત કરે છે. યુરોપીય તત્ત્વચિંતનમાં ત્યાર પછી પદાર્થનું સાચું સ્વરૂપ કયું એની તપાસ કરતાં ભિન્ન ભિન્ન મતો વ્યક્ત થયા. ભિન્નભિન્ન વ્યક્તિઓ એકના એક પદાર્થનું જુદું જુદું આકલન કરે ત્યારે પદાર્થનું સાચું સ્વરૂપ કયું. ભિન્ન ભિન્ન વ્યક્તિઓને પ્રતીત થતી પદાર્થની ભિન્નભિન્ન વાસ્તવિકતાઓમાંથી કઈ વાસ્તવિકતા પદાર્થગત છે, કઈ ચિત્તગત છે. તો કઈ સ્થળ-કાળ જેવાં અન્ય પરિબળો પર અવલંબિત છે એ અંગે વાસ્તવવાદી ચિંતકોમાં મતભેદ પ્રવર્તે છે. એમાંથી ‘વસ્તુનિષ્ઠ વાસ્તવવાદ’ (naive realism), ‘નવ્ય વાસ્તવવાદ’ (new realism), ‘વિમર્શાત્મક વાસ્તવવાદ’ (critical realism) વગેરે સંજ્ઞાઓ ઊભી થઈ. આ દરેક વાસ્તવવાદી અભિગમને વાસ્તવ વિશે શું ખ્યાલ છે એ આગળ આપણે જોઈશું. સાહિત્યમાં વાસ્તવના પ્રશ્નને બે રીતે તપાસી શકાય. આ પદાર્થજગત કે વસ્તુજગત સાહિત્યનું પ્રેરક બને છે તેમજ તે સાહિત્યનું ઉપાદાન પણ બને છે. સર્જકને વસ્તુજગતનો જેટલો અને જે પ્રકારનો અનુભવ થાય છે, એની ચેતના એ વસ્તુજગત તરફ જોવાનો જે અભિગમ કેળવે છે તે સમગ્ર એના ચિત્તમાં એ પ્રકારના ભાવો જગાડે છે. એ ભાવોને વ્યક્ત કરવા ફરી પાછો સર્જક આ જ વસ્તુજગતને ઉપાદાન તરીકે લે છે. પરંતુ સાહિત્યના દરેક પ્રકારમાં અનુભવાતું વસ્તુજગત એક જ પ્રકારનું નથી હોતું. કથામૂલક સાહિત્યપ્રકારોમાં અન્ય સાહિત્યપ્રકારોને મુકાબલે વસ્તુજગત વધુ ઘનિષ્ઠ અને સંકુલરૂપવાળું હોય છે અને એ કથામૂલક સાહિત્યપ્રકારોમાંય પ્રગટતું વસ્તુજગત એક જ રૂપવાળું નથી હોતું. મહાકાવ્ય, કથાકાવ્ય, રોમાન્સ, બોધકથા, પરીકથા, નવલકથા એ દરેક સાહિત્યપ્રકારને જોતાં એ સમજાય છે. મહાકાવ્ય, રોમાન્સ, પરીકથામાં કલ્પિત અંશોનું પ્રાબલ્ય વિશેષ હોય છે તો નવલકથા, વાર્તામાં સ્થળ-કાળવિશિષ્ટ ઐતિહાસિક સંદર્ભવાળા વાસ્તવિક જગતના અંશોનું પ્રાબલ્ય વિશેષ હોય છે. શોલ્સ-કેલોગે તેમના ‘Nature of Narrative’ ગ્રંથમાં કથાસાહિત્યમાં પ્રગટ થતી કલ્પિત (fictive) અને અનુભવનિષ્ઠ (empirical) બે વિધાઓ (modes) બતાવી છે. વાસ્તવવાદનો એક સાહિત્યિકવાદ તરીકે જન્મ થયો 19મી સદીમાં. 1856-57નાં વર્ષોમાં ફ્રાન્સમાં એડમન્ડ દુરાંતીએ Realisome નામના એક અલ્પાયુષી મુખપત્રનું સંપાદન કર્યું અને ત્યારથી એક સાહિત્યિક વાદ તરીકે વાસ્તવવાદનો જન્મ થયો. વિજ્ઞાનના વર્ચસ્વે વાસ્તવવાદને કળાના જગતમાં એક પ્રભાવક બળ બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો, નવલકથા, નાટક, વાર્તા, કવિતા એમ લગભગ બધા સાહિત્યપ્રકારો પર આમ તો વાસ્તવવાદનો પ્રભાવ પડ્યો છે, પરંતુ એનો વિશેષ પ્રભાવ પડ્યો નવલકથા પર. વાસ્તવવાદના પ્રભાવ નીચે જે નવલકથાઓ યુરોપીય સાહિત્યમાં ઓગણીસમી સદીમાં રચાઈ તે નવલકથાઓ એક ભિન્ન ટેક્નીક લઈને આવી. ત્યાર પછી પણ ઓગણીસમી સદીની નવલકથાઓ કરતાં જુદીજુદી ટેક્નીકવાળી નવલકથાઓ યુરોપીય સાહિત્યમાં રચાઈ તેની પાછળ ઘણી જગ્યાએ વાસ્તવવાદનો પ્રભાવ કારણભૂત છે. 19મી સદીના વાસ્તવવાદી સર્જકને વાસ્તવ વિશે જે ખ્યાલ હતો તે ખ્યાલ કરતાં વીસમી સદીના વાસ્તવવાદી સર્જકોનો વાસ્તવ વિશેનો ખ્યાલ ભિન્ન હતો. એને કારણે ‘વાસ્તવવાદ’ સંજ્ઞાના અર્થસંકેત બદલાયા એટલું જ નહીં વાસ્તવ તરફ જોવાના વિભિન્ન દૃષ્ટિકોણોએ નવલકથાની ટેક્નીક પર પણ અસર કરી. એટલે હવે ભિન્નભિન્ન પ્રકારના વાસ્તવવાદ અને એ વાસ્તવવાદોેએ નિપજાવેલી નવલકથાની વિભિન્ન ટેક્નીક એની ચર્ચા તરફ આપણે વળીએ. 19મી સદીના મધ્યભાગમાં ફ્રાન્સમાં વાસ્તવવાદનો જન્મ રંગદર્શીતાવાદ (romanticism)ના પ્રતિકારમાંથી થયો. રંગદર્શી સાહિત્યમાં સમાજની અમુક વિશિષ્ટ વર્ગની વ્યક્તિઓના પ્રેમ, શૌર્ય જેવા કેટલાક સીમિત ભાવો વ્યક્ત થતા, સામાન્ય માનવીનું જીવન આલેખાતું તો એ ભાવના અને આદર્શથી રંગાઈને પ્રગટ થતું. વાસ્તવવાદે સાહિત્યને આ સીમિતતા અને ભાવનારંગીપણામાંથી બહાર લાવી વિશાળ માનવજીવનને ઊંડળમાં લીધું. મહાન કે વિશિષ્ટ વ્યક્તિઓના જીવનની મથામણો જ રસનો વિષય બની શકે એવું નથી, સામાન્ય માનવીના જીવનની મથામણો અને મૂંઝવણો પણ કાવ્યના વિષય બની શકે અને એમાંથી પણ ઉત્તમ સાહિત્યનું નિર્માણ થઈ શકે એ બાબત વાસ્તવવાદે બતાવી. સાહિત્યના સૌંદર્યબોધની સીમા વિસ્તારી એ વાસ્તવવાદનું સાહિત્યજગતને મુખ્ય પ્રદાન છે. પરંતુ રંગદર્શીતાવાદ અને વાસ્તવવાદ વચ્ચેનો ભેદ આટલો ઉપરછલ્લો નથી. બન્ને વચ્ચે વસ્તુજગત તરફ જોવાના અભિગમમાં મૂળભૂત ભેદ છે. રંગદર્શીતાવાદ ભાવનાવાદી તત્ત્વચિંતન (idealist metaphysics)થી પ્રભાવિત છે, જ્યારે વાસ્તવવાદ વિજ્ઞાનના વર્ચસ્ને લીધે પ્રભાવક બનેલાં પ્રત્યક્ષવાદ (positivism) અને ઐતિહાસિક નિયતિવાદ (historical determinism)થી પ્રભાવિત છે. ભાવનાવાદી તત્ત્વચિંતન આપણે આગળ જોયું તેમ ચિત્ત દ્વારા જેવું આકલન થાય છે તે જ અનુભવવિશ્વનો સ્વીકાર કરે છે. ચિત્તથી સ્વતંત્ર એવા વસ્તુજગતના પદાર્થોના સ્વતંત્ર અસ્તિત્વનો તે ઇનકાર કરે છે. વાસ્તવવાદ ચિત્તથી અનુભવાતા વસ્તુજગતના પદાર્થોને ચિત્તથી સ્વતંત્ર એવું પોતાનું અલગ અસ્તિત્વ છે એ બાબતનો સ્વીકાર કરે છે. એટલું જ નહીં પ્રત્યક્ષવાદની અસરને લીધે ઓગણીસમી સદીના વાસ્તવવાદી સર્જકો ઇન્દ્રિયપ્રત્યક્ષ વસ્તુજગતનો જ સ્વીકાર કરે છે. સ્વપ્નના, કલ્પનાના કોઈ ઇન્દ્રિયાતીત કે તર્કાતીત વિશ્વનો તેઓ સ્વીકાર કરતા નથી. આ ઇન્દ્રિયપ્રત્યક્ષ વસ્તુજગતને તર્કથી, વૈજ્ઞાનિક પદ્ધતિથી તટસ્થપણે વર્ણવી શકાય છે. એમની વાસ્તવ વિશેની આ સમજને લીધે એમની કૃતિઓનો વાસ્તવવાદ ‘વસ્તુનિષ્ઠ વાસ્તવવાદ’ (naive realism) કહેવાય છે. ભાવનાવાદી તત્ત્વચિંતનનું લક્ષ્ય માનવજીવનના ઉદ્દાત્ત અને કોમળ ગુણો તરફ નજર ફેરવી જીવનની આદર્શ પ્રતિમા પ્રગટ કરવા તરફ છે. વાસ્તવવાદ માનવજીવનની કોઈ આદર્શ પ્રતિમા પ્રગટ કરવાને બદલે એની વાસ્તવિક પ્રતિમા પ્રગટ કરવાનું લક્ષ્ય રાખે છે. ફ્રાન્સના વાસ્તવવાદી સર્જકો પર ઐતિહાસિક નિયતિવાદ (historical determinism)નો પણ પ્રભાવ છે. ઐતિહાસિક નિયતિવાદ માને છે કે મનુષ્ય સ્થળ અને કાળની સીમામાં દૃઢપણે ખૂંપેલો છે. જે જાતિમાં તે જન્મે છે, જે શારીરિક અને માનસિક બંધારણ તે વારસામાં મેળવે છે, જે સમાજમાં જે સમયે તે જીવે છે એ બધાં પરિબળો મનુષ્યના સામાજિક, આર્થિક, રાજકીય કે નૈતિક ખ્યાલો બાંધવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પોતે જે પરિસ્થિતિમાં મુકાયો તે પરિસ્થિતિને પોતે સ્વામી નહીં, પરંતુ દાસ છે, એ પરિસ્થિતિને અતિક્રમવા માટે પોતે અસમર્થ છે. એ ખ્યાલ મનુષ્યને નિરાશ કરે છે. જીવન તરફ જોવાના આ નિરાશાવાદી વલણને લીધે ફ્રેન્ચ વાસ્તવવાદી સર્જકોનું સર્જન પ્રકૃતિવાદ (naturalism)ની નજીક જાય છે. ફ્લોબેર, બાલ્ઝાક, એમિલી ઝોલા એ એગણીસમી સદીના ફ્રેન્ચ નવલકથા સર્જકો આ પ્રકારના વાસ્તવવાદી સર્જકો છે. 19મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિને કારણે યુરોપમાં જે નવો બૂર્ઝવા વર્ગ અસ્તિત્વમાં આવ્યો તે વર્ગનાં મૂલ્યોનું પ્રતિનિધિત્વ નવલકથાએ કર્યું. જીવનનું યથાતથ આલેખન કરવાના આગ્રહને લીધે આ વર્ગના અનેક પ્રશ્નોને નવલકથાએ વાચા આપી. જાહેરમાં જેનું આલેખન અસભ્ય કે નિષિદ્ધ ગણાય એ યૌનસંબંધો અને તેમાંથી જન્મતી વિકૃતિઓ, સામાન્ય માનવીને બાહ્ય પરિબળોને વશ બની કરવું પડતું પોતાની ઇચ્છાનું દમન ને કરવા પડતા કુકર્મો ને ઇત્યાદિનું સાહિત્યમાં આલેખન થયું. વાસ્તવવાદની પ્રતિજ્ઞા તો હતી સત્યને પ્રગટ કરવાની, જીવન છે તેનું આદર્શ કે ભાવનાના રંગો ચઢાવ્યા સિવાય આલેખવાની. પરંતુ એમ કરવા જતાં વાસ્તવવાદી નવલકથાઓએ જીવનની ગંદકી બહાર લાવવાનું કાર્ય કર્યું છે. અલબત્ત વાસ્તવવાદી સર્જકો પર મુકાયેલો આ આક્ષેપ સાવ સાચો નથી. ફ્રેન્ચ વાસ્તવવાદી નવલકથાસર્જકોની કૃતિઓમાં ધર્મ અને નૈતિક મૂલ્યો પરની શ્રદ્ધા વધુ ડગી ગયેલી છે. એટલે મનુષ્યની પરિસ્થિતિ સામે અસહાયતા, મનુષ્યમાં રહેલા પ્રાકૃતિક આવેગો અને એમાંથી પ્રગટ થતી મનુષ્યની પશુતા ફ્રેન્ચ નવલકથાઓમાં વિશેષ વ્યક્ત થઈ છે. પરંતુ અંગ્રેજી નવલકથાઓમાં એવું નથી, જ્યોર્જ એલિયટ જેવી નવલકથાકારે સામાન્ય માનવીના જીવનની વિકૃતિઓ જ નથી આલેખી. મનુષ્યને જેવો છે તેવો સદ્ગુણ-દુર્ગુણ બન્નેથી ભરેલો આલેખ્યો છે. તેણે કહ્યું છે ધર્મગુરુઓ, દેવદૂતો, મહાન યોદ્ધાઓના જીવનના જેટલું જ કોઈ ચરખો કાંતતી, ભોજન કરતી એકલવાઈ વૃદ્ધાનું જીવન આદર, અનુકંપ અને પ્રીતિને પાત્ર છે. સામાન્ય માનવીના જીવનમાં વિકૃતિ સિવાય આદર અને પ્રીતિ જગાડે એવી નૈતિકતા પણ પડેલી હોય છે. ધર્મ અને જીવનનાં નૈતિક મૂલ્યો પરની શ્રદ્ધાથી પ્રેરાયેલી અંગ્રેજી નવલકથાસર્જકોની વાસ્તવ તરફ જોવાની દૃષ્ટિ ફ્રેન્ચ નવલકથાકારોની પ્રકૃતિવાદ (naturalism)થી પ્રભાવિત દૃષ્ટિથી ભિન્ન છે. રશિયામાં તોલ્સ્તોય, દોસ્તોયવસ્કી, ચેખોવ, તુર્જનેવ એ ઓગણીસમી સદીના વાસ્તવવાદી નવલકથાસર્જકોની વાસ્તવ તરફ જોવાની દૃષ્ટિ પણ ફ્રેન્ચ નવલકથાકારો કરતાં જુદી છે. આ રશિયન નવલકથાકારોમાં ખ્રિસ્તી ધર્મનાં મૂલ્યો પરની શ્રદ્ધા અતૂટ છે. મનુષ્ય ઐતિહાસિક ને આનુવંશિક પરિબળોથી બદ્ધ છે એવું સ્વીકાર્યા પછી પણ આ માનવજીવન એ કોઈક વધુ ન્યાયી, ખ્રિસ્તી જીવનમૂલ્યો પર અવલંબિત, સમાજવ્યવસ્થા તરફ ગતિ કરે છે એવી શ્રદ્ધા એમનામાં છે. એટલે આ સર્જકોનો વાસ્તવવાદ ‘ઉન્નતિવાદી વાસ્તવવાદ’ (meleorist realism) તરીકે ઓળખાય છે. ફ્રેન્ચ નવલકથાકારોની નવલકથાઓમાં દેખાતી નિરાશા રશિયન નવલકથાઓમાં જોવા નથી મળતી. નક્કર વાસ્તવિકતા અને જીવન પરની શ્રદ્ધા એ બન્નેનું ઉત્કટ સંયોજન રશિયન નવલકથાઓમાં છે. વાસ્તવવાદી તત્ત્વચિંતનમાં રહેલી vitalist theory માને છે કે મનુષ્ય હમેશાં પોતાની ઇંદ્રિયોથી આ વસ્તુજગતનું આકલન કરીને જ નથી અટકતો. એનું ચિત્ત આ વસ્તુજગતને પોતાને ઇપ્સિત દિશામાં વાળવા માટે પ્રયત્નશીલ પણ બને છે. રશિયન સર્જકોનો વાસ્તવવાદી અભિગમ આ વિચારસરણીને મળતો આવે છે. આજે સામ્યવાદી દેશોમાં પ્રચલિત બનેલા સમાજવાદી વાસ્તવવાદ (socialist realism)નાં મૂળ પણ આ રશિયન વાસ્તવવાદમાં પડેલાં છે. વસ્તુજગત તરફ જોવાને કેટલોક દૃષ્ટિભેદ, આપણે ઉપર જોયો તેવો, ઓગણીસમી સદીના ફ્રેન્ચ, અંગ્રેજ અને રશિયન વાસ્તવવાદી નવલકથાસર્જકોમાં હતો અને તોપણ વસ્તુજગત તરફ જોવાની તેમની દૃષ્ટિમાં કેટલુંક પાયાનું સામ્ય પણ હતું. વ્યક્તિની ચેતનાથી સ્વતંત્ર એવા વસ્તુજગતનો સ્વીકાર, એ વસ્તુજગતનું વૈજ્ઞાનિક તાટસ્થ્યથી આકલન કરી શકાય એવો ખ્યાલ, ભાવનારંગીપણાને બદલે જીવનની નક્કર વાસ્તવિકતા તરફ દૃષ્ટિ, વ્યક્તિના સ્વાતંત્ર્ય પર ઐતિહાસિક અને આનુવંશિક પરિબળોનું નિયંત્રણ આવા ખ્યાલ ઓછાવત્તા અંશે તત્કાલીન પ્રત્યેક વાસ્તવવાદી સર્જક ધરાવે છે. આને પરિણામે 19મી સદીમાં જે વાસ્તવવાદી નવલકથાઓ લખાઈ તેમની ટેક્નીકમાં કેટલુંક સામ્ય દેખાય છે, અને એ ટેક્નીક અઢારમી સદીની નવલકથાની ટેક્નીક કરતાં જુદી છે. પાત્ર કે પ્રસંગનું આલેખન કરતી વખતે સર્જકને સંપૂર્ણ ગેરહાજર રાખી પરલક્ષિતા સિદ્ધ કરવી એ વાસ્તવવાદી સર્જકોનો મુખ્ય આદર્શ રહ્યો છે. પાત્ર કે પ્રસંગનું અતિ સૂક્ષ્મ ને વિગતપ્રચુર આલેખન, પ્રસંગ કે પાત્રને કલ્પનાથી કે સર્જકની અંગત લાગણીથી સહેજ પણ ન રંગવામાં કે એમના પર કોઈપણ પ્રકારનાં ટીકાટિપ્પણ ન કરવાં, પાત્રચિત્તમાં ઊડતાં વિચારો કે લાગણીને જરા પણ આલેખ્યા વગર પાત્રના બાહ્ય વર્તન પરથી જ પાત્રનું વ્યક્તિત્વ ઉપસાવવું, જેવી નિરૂપણની રીતિથી પરલક્ષિતા સિદ્ધ કરવાની મથામણ આ નવલકથાસર્જકોએ કરી છે. આલેખનમાં વૈજ્ઞાનિક જેટલી ચોકસાઈ અને તાટસ્થ્ય કેળવવાના સર્જકના અતિરેકને પરિણામે ઝોલા જેવા સર્જકોની નવલકથાનું વાચન ઘણી વખત નીરસ બની જાય છે. વસ્તુજગતનું યથાતથ આલેખન કરવાના આગ્રહને લીધે નવલકથામાં આકારના સૌષ્ઠવની ઉપેક્ષા, ઘટનામાં ચોક્કસ આદિ, મધ્ય અને અંતનો પરિહાર, સંયોજનમાં કોઈપણ પ્રકારની કૃતિ કર્તાના વિરોધ એ વાસ્તવવાદી નવલકથાસર્જકોનો મુખ્ય આગ્રહ રહ્યો હતો. આકાર અને સંયોજન સિવાય ભાષા પરત્વે પણ વાસ્તવવાદી સર્જકોનો એક ચોક્કસ અભિગમ હતો. વાગ્મિતાના સ્પર્શળાળી અલંકૃત, ભારેખમ શબ્દોવાળી ભાષાનો વાસ્તવવાદી સર્જકો સંપૂર્ણ ઇનકાર કરે છે. સંવેદન વગરની સરળ ભાષાનો એમણે આગ્રહ રાખ્યો, તળ સમાજજીવનના વાસ્તવિક રૂપને પ્રગટ કરવા એમણે સ્લેન્ગ, નિષિદ્ધ પ્રયોગોનો પણ ઉપયોગ કર્યો. આમ ઘટનાસંયોજન, ઘટના ને પાત્રોનું આલેખન તથા ભાષાનો ઉપયોગ એ ત્રણે બાબતોમાં 19મી સદીની વાસ્તવવાદી નવલકથા એની પુરોગામી નવલકથાઓ કરતાં જુદી પડી ગઈ. સામાજિક દસ્તાવેજ બનવા તરફ તેણે ગતિ કરી. ભાવનાના તત્ત્વનો પરિહાર અને વસ્તુજગતને યથાતથ આલેખવા પર 19મી સદીના નવલકથાકારોએ ભલે ગમે તેટલે ભાર મૂક્યો, પરંતુ ભાવના સાથેનો છેડો સાવ તેઓ ફાડી શકાય નહીં. રશિયન નવલકથાઓમાં તો ભાવનાનું તત્ત્વ છે એ આપણે આગળ જોયું, પરંતુ માત્ર રશિયન નવલકથામાં જ નહીં એ સમયની બધી વાસ્તવવાદી નવલકથાઓમાં ભાવનાનું તત્ત્વ કોઈક ને કોઈક રૂપમાં પ્રવેશી ગયું છે. તે રેને વેલેક બતાવ્યું છે કે ‘Type’ પાત્રોનું સર્જન એ લગભગ બધી વાસ્તવવાદી નવલકથાઓનું ધ્યાનપાત્ર લક્ષણ રહ્યું છે. પાત્રની વૈયક્તિક છબી ઉપસાવ્યા પછી પણ એ પાત્રોને સામાજિક આદર્શના નમૂના (social types) બનાવવા તરફ સર્જકોની નજર રહી છે. જીવનની કઠોર ને નગ્ન વાસ્તવિકતાનું આલેખન કર્યા પછી પણ એ વાસ્તવિકતા પ્રત્યે અનુકંપા જાગે એવો ટોન જન્માવવાનું વાસ્તવવાદી સર્જકો ચૂક્યા નથી. એ જ પ્રમાણે સર્જકની દૃષ્ટિથી બિલકુલ રંગાયા વગરનું વસ્તુજગતનું વૈજ્ઞાનિક તાટસ્થ્યથી આલેખન કરવું પણ શક્ય છે કે કેમ એ બાબત બધા વાસ્તવવાદી સર્જકોમાં પૂરી સંમતિ ન હતી... ફ્લોબેર અને મોપાસાં બન્નેએ એમિલી ઝોલાના વિચારોનો વિરોધ આ મુદ્દા પર કર્યાે હતો. સાહિત્યમાં પ્રગટ થતું વસ્તુજગત સર્જકની દૃષ્ટિથી રંગાયેલું જ હોય છે. એટલે ફ્લોબેર તો પોતાને વાસ્તવવાદી સર્જક ગણાવવા તૈયાર જ ન હતો. તેણે પોતાના એક પત્રમાં નોંધ્યું છે, ‘The novel has been nothing but the exposition of the personality of the author.’ મોપાસાંએ બીજી રીતે ઝોલાના ખ્યાલનો વિરોધ કરેલો. વસ્તુજગતનું આકલન વ્યક્તિનું ચિત્ત કરે છે. દરેક વ્યક્તિનાં આંખ, કાન, જીભ કે ત્વચાની વસ્તુજગતનું આકલન કરવાની શક્તિ જુદી જુદી હોય છે. એટલે વસ્તુજગતનું દરેક વ્યક્તિએ કરેલું આકલન એકસરખું નથી હોતું. દરેક સર્જકના ચિત્તમાં તેથી વસ્તુજગતનું જે બિંબ રચાય છે તે એનું આગવું છે અને સર્જકનું કાર્ય પોતાના ચિત્તમાં અંકિત એ બિંબને પૂરી પ્રમાણિકતાથી પ્રગટ કરવાનું છે. એટલે વાસ્તવનાં એક નહીં, અનેક રૂપ હોઈ શકે. મોપાસાંના આ વિચારો પર ભાવનાવાદી તત્ત્વચિંતનનો સ્પષ્ટ પ્રભાવ દેખાય છે, કારણ કે વસ્તુજગતનું આકલન સંપૂર્ણપણે વૈયક્તિક છે એ ભાવનાવાદી તત્ત્વચિંતકોનો દૃઢ ખ્યાલ છે. વસ્તુજગત તરફ જોવાના આ વ્યક્તિલક્ષી દૃષ્ટિકોણનો પ્રભાવ વીસમી સદીની બ્રિટિશ અમેરિકી નવલકથાની ભિન્ન મુદ્રા જન્માવવામાં મહત્ત્વનો બની રહે છે. વીસમી સદીના પ્રારંભમાં ફ્રોઈડના મનોવિજ્ઞાન અને પ્રતીકવાદી કવિઓની કવિતાના પ્રભાવને લીધે યુરોપીય નવલકથામાં 19મી સદીના વાસ્તવવાદનાં વળતાં પાણી થાય છે. રોમેન્ટિક કવિઓની કાવ્યફિલસૂફી અને ક્રોચેના અભિવ્યંજનાવાદના પ્રભાવને કારણે સર્જનમાં ફરી પાછો કલ્પનાશક્તિ અને ચિત્ત પર અંકાતા વસ્તુજગતના બિંબમાં રહેલા વૈયક્તિક તત્ત્વનું મહત્ત્વ વધ્યું. કવિનું કાર્ય વસ્તુજગતનું તટસ્થભાવે અવલોકન કરી તેની પ્રતિછબી પાડવાનું નથી, પરંતુ વસ્તુજગતને પોતાના ચિત્તમાં જન્માવેલા પ્રતિભાવને મૂર્ત કરવાનું છે. માલાર્મેએ 1964માં એક મિત્રને કહેલું, ‘Paint not the thing, but the effect that it produces.’ વીસમી સદીમાં પ્રતીકવાદી કવિઓના આ વિચાર કળાજગતમાં પ્રભાવક બન્યા. અલબત્ત જીવન તરફ જોવાનું ભાવનારંગી વલણ વીસમી સદીના સર્જકોમાં નથી એ વાસ્તવવાદી સર્જકોની અસરનું પરિણામ કહી શકાય. વસ્તુજગતના સંનિકર્ષથી ચિત્તમાં જન્મતા પ્રતિભાવ મધુર ને સુંદર કરતાં વિરૂપ ને ભયાનક વિશેષ હોય છે. વીસમી સદીના સર્જકો પર બીજો પ્રભાવ ફ્રોઈડનો પડ્યો. ફ્રોઈડના મનોવૈજ્ઞાનિક પ્રયોગોએ અચેતન મનનો એક વિશાળ પ્રદેશ સર્જકો સામે ખુલ્લો કર્યો. એટલે વીસમી સદીના સર્જકોનું લક્ષ બાહ્ય વસ્તુજગતને આલેખવા પરથી ખસીને ચૈતસિક વાસ્તવને આલેખવા તરફ વળ્યું, ઇન્દ્રિયોથી અનુભવાતા વસ્તુજગતનો જ સ્વીકાર 19મી સદીના વાસ્તવવાદી સર્જકોએ કરેલો. ઇન્દ્રિયપ્રત્યક્ષ નહીં એવા વાસ્તવનો એમણે સદંતર ઇનકાર કર્યો હતો. તેથી ચૈતસિક વાસ્તવનો તાગ લેવા મથતી વીસમી સદીની નવલકથાઓ 19મી સદીના વાસ્તવવાદના ખ્યાલો મુજબ વાસ્તવવાદી નવલકથાઓ ન કહી શકાય. પરંતુ વાસ્તવ એટલે ઇંદ્રિયપ્રત્યક્ષ વસ્તુજગત જ નહીં, એ વસ્તુજગતના સંનિકર્ષથી સભાન-અભાન ચિત્તમાં ઊઠતાં અનેકાનેક વિચારો, એષણાઓ, ઝંખનાઓ ને લાગણીઓમાંથી બંધાતું વિવિધ રૂપોવાળું મનુષ્યનું સંકુલ મનોવિશ્વ એ પણ એક પ્રકારનું વાસ્તવ છે; એ ચૈતસિક વાસ્તવ છે. એ ચૈતસિક વાસ્તવનું યથાતથ આલેખન કરવાના પુરુષાર્થમાંથી જ જેમ્સ જોયસ, વર્જિનિયા વુલ્ફ કે પ્રુસ્તની નવલકથાઓ જન્મી છે. ‘Ulysses’ ‘Finmegans Wake’ ‘Mrs. Dalloway’ ‘Remembrance of the Things Past’ આ પ્રકારની ચૈતસિક વાસ્તવવાદવાળી નવલકથા છે. અલબત્ત આ સંદર્ભમાં એ ભૂલવા જેવું નથી કે પાત્રના અચેતન માનસનું આલેખન સહુ પ્રથમ દોસ્તોયવસ્કીની નવલકથાઓમાં જોવા મળે છે. 19મી સદીના વાસ્તવવાદી સર્જકો પાત્રના ચિત્તમાં ઊઠતાં વિચારો ને લાગણીઓને આલેખવાના વિરોધી હતા તેથી દોસ્તોયવસ્કીની આ પ્રકારની આલેખનરીતિ એના સમકાલીન વાસ્તવવાદી સર્જકોને પસંદ ન હતી. દોસ્તોયવસ્કીએ આ સંદર્ભમાં પોતાની નવલકથાઓ વિશે કહ્યું છે: ‘They call me psychologist: it is not true. I am merely a realist in the higher sense of the word, that is, I depict all the depths of the human soul,’ દોસ્તાયવસ્કીની નવલકથા પરથી ફ્રોઈડને અચેતન માનસની શોધ સૂઝી અને પછી તેનો પ્રભાવ વીસમી સદીના, આપણે ઉપર જોયા તે, નવલકથાકારો પર પડ્યો. ચૈતસિક વાસ્તવનું આલેખન કરતા નવલકથાકારો સમક્ષ વાસ્તવનો એક જુદો જ પ્રદેશ હતો. અતાર્કિક, વિશૃંખલ, અનેક વિરોધાભાસી વિચારો ને લાગણીઓથી ભરેલો એ પ્રદેશ હતો. એ વાસ્તવને આલેખવા માટે ઓગણીસમી સદીના નવલકથાકારોએ પ્રયાજેલી ટેક્નીક આ સર્જકોને કામ આવે નહીં એ સ્વાભાવિક છે. એટલે આ નવલકથાઓ સાવ ભિન્ન ટેક્નીક લઈને આવે છે. ઘટનાતત્ત્વને સદંતર હ્રાસ, બાહ્ય ઘટનાઓનો ચૈતસિક સંચલનોને સંકોરવા પૂરતો જ ઉપયોગ, ઘટનાના આલેખનમાં કાળક્રમની અવળસવળ, બાહ્ય વસ્તુજગતના સમયફલકનું ખૂબ સંકોસાવું, તર્ક ગમ્ય ભાષાને બદલે પ્રતીકાત્મક, અતાર્કિક, અતિપ્રયત્નથી ગમ્ય બને એવું ભાષાનું બંધારણ વગેરે આ નવલકથાઓની ટેક્નીકનાં કેટલાંક મુખ્ય લક્ષણો છે. પ્રતીકવાદી કવિતાના પ્રભાવને લીધે ભાષાની વ્યંજનાશક્તિનો વધુ આશ્રય અને ચૈતસિક વાસ્તવના આલેખનમાંથી ઊભા થતા સમગ્ર સંદર્ભ ને પ્રતીકાત્મક મૂલ્ય આપી જીવનના કોઈ વ્યાપક સત્યને એમાંથી પ્રગટ કરવાનું વલણ જેમ્સ જોયસની નવલકથાઓમાં જોવા મળે છે. વીસમી સદીની આ નવલકથાઓ કવિતાના પોએટિક્સથી પ્રભાવિત નવલકથાઓ છે. ફ્રાન્ઝ કાફકા, આલ્બેર કામુ, સાર્ત્ર, સેમ્યુઅલ બેકેટ આદિ સર્જકોએ વસ્તુજગતના અનુભવમાંથી નીપજેલા માનવભાવિ અંગેના તત્ત્વજ્ઞાનીય ખ્યાલો, જેવા કે મનુષ્યના જીવનની અસંગતિ, નિર્હેતુકતા, વસ્તુજગત સાથે સંવાદ સાધવામાં મળતી નિષ્ફળતામાંથી જન્મતો અટૂલાપણાનો વિષાદ, માનવી પાસે બચેલી એકમાત્ર મૂડી – સ્વાતંત્ર્ય – નો જીવનની પ્રત્યેક ક્ષણે ઉપયોગ કરી સ્વજીવનને મૂલ્ય અર્પવામાં જ મનુષ્યની સાર્થકતા આદિને કળારૂપ આપતી નવલકથાઓ સર્જી. આ નવલકથાઓમાં રહેલ સમયનિરપેકક્ષ (a-historical) વલણ એનું ધ્યાન ખેચતું લક્ષણ છે. આ નવલકથાઓનો સમગ્ર યુરોપીય સાહિત્ય પર પ્રભાર પડ્યો, તો પણ એની સાથેસાથે બીજા એવા નવલકથાકારોનું સર્જન પણ ચાલું હતું જેમણે નવલકથાના સ્વરૂપમાં રહેલા ઐતિહાસિકતાના લક્ષણને વળગી રહી ઘણી નોંધપાત્ર વાસ્તવવાદી નવલકથાઓનું સર્જન કર્યું. ઘણા બ્રિટિશ-અમેરિકી નવલકથાકારો એ માર્ગે ચાલ્યા. આ સર્જકોની વાસ્તવ તરફ જોવાની દૃષ્ટિ વ્યક્તિલક્ષી છે. અમેરિકી નવલકથાકાર હેન્રી જેમ્સ ‘The Portrait of Lady’ની પ્રસ્તાવનામાં જ્યારે કહે છે કે ‘The house of fiction has in short not one window, but a million’ ત્યારે વસ્તુજગત તરફ જોવાના આ વ્યક્તિલક્ષી અભિગમની જ વાત છે. આ નવલકથાકારોની સમજ મુજબ નવલકથામાં આલેખાતું વસ્તુજગત યથાતથ રૂપે નથી આલેખાતું. સર્જક પોતાને અનુકૂળ એમાં કાંટછાંટ કરે છે. વસ્તુજગતની કોઈ ઘટનાને આલેખતી વખતે સર્જક કેટલીક વિગતો પસંદ કરે છે, કેટલીક છોડી દે છે. કેટલી વિગતોને મહત્ત્વ આપે છે, કેટલીક વિગતો ગૌણ બનાવી દે છે. વિગતોની આ પસંદગી અને કાંટછાંટમાં જ સર્જકનો વસ્તુજગત તરફ જોવાના દૃષ્ટિકોણ પ્રગટ થઈ જાય છે. એટલે વસ્તુજગતના કાઈપણ અંશનાં એક નહીં, અનેક રૂપો શક્ય છે. સર્જકની સામે પોતાની કલ્પનાશક્તિથી વાસ્તવનાં વિવિધ રૂપોને પ્રગટ કરવાનો પડકાર પડેલો છે. તેથી વાસ્તવ એટલે શું એનો જવાબ ફિલસૂફી પાસે નથી, સર્જકો પાસે છે. વાસ્તવ તરફ જોવાનું આ વલણ 19મી સદીના સર્જકોના વાસ્તવ તરફ જોવાના વલણ કરતાં જુદું છે. 19મી સદીમાં વસ્તુજગતના કોઈપણ પદાર્થોનું એક જ રૂપ હોય છે અને વૈજ્ઞાનિક તાટસ્થ્યથી એ રૂપનું યથાતથ આલેખન કરી શકાય છે એવો કંઈક ખ્યાલ હતો. અલબત્ત મોપાસાં જેવા સર્જકોએ આ વ્યાપક ખ્યાલનો સ્વીકાર કર્યો ન હતો. વીસમી સદીના વાસ્તવવાદી સર્જકોના વાસ્તવ વિશેના ખ્યાલ મોપાસાંના વિચારોને વિશેષ મળતા આવે છે. વાસ્તવ તરફ જોવાના આ વ્યક્તિલક્ષી દૃષ્ટિકોણને કારણે આ વાસ્તવવાદીઓ ‘અર્થઘટનાત્મક વાસ્તવવાદ’ (critical realism)ની વિચારસરણીવાળા કહેવાય છે. બીજા વિશ્વયુદ્ધ પછી આઈરીસ, મર્ડોક, એંગસ વિલ્સન, સોલ બેલો, ફિલિપ રોથ, બર્નાડ માલામુડ, આઈ. બી. સીંગર, માર્ક્વીઝ વગેરે યુરોપીય સર્જકો ‘અર્થઘટનાત્મક વાસ્તવવાદ’ની વિચારસરણીથી પ્રભાવિત સર્જકો કહી શકાય. આ સર્જકો વસ્તુ જગતની નક્કર વિગતો આલેખી, વસ્તુજગત સાથે આપણા સામાન્ય અનુભવ સાથે સંવાદી એવું વિશ્વ ખડું કરી નવલકથાનું સર્જન કરે છે એ ખરું, પરંતુ વસ્તુજગતનું પ્રતિબિંબ પાડવું એ એમનું લક્ષ્ય નથી. આ નવલકથાઓમાં આવતી ઘટના કે પાત્રોનાં સંવેદન ઐતિહાસિકતાના રંગે રંગાયેલાં હોય છે એટલા પૂરતાં આપણે એમને વાસ્તવવાદી સર્જકો કહી શકીએ. આ નવલકથાકારો માને છે કે ભલે બહારના વસ્તુજગત સાથે સંવાદી એવું નવલકથાનું વાસ્તવ હોય, પરંતુ એ વાસ્તવ બાહ્ય વસ્તુજગતનો આભાસ જ હોય છે. માઈકલ બૂટરૅ ‘The Novel as research’ લેખમાં કહ્યું કે સોલ બેલોની નવલકથાઓમાંથી પ્રગટતું યહુદીજીવન અમેરિકાના યહુદીજીવનનું કંઈ પ્રતિબિંબ નથી. એવું પ્રતિબિંબ પાડવું એ સર્જકનું કાર્ય પણ નથી. એ નવલકથામાં એક આભાસી વાસ્તવ ખડું કરી સર્જક આપણા વસ્તુજગતના ખ્યાલને વિસ્તારે છે. એટલે નવલકથાના વાસ્તવને એના આકારથી જુદું ન પાડી શકાય. ઘટનાનું વિવિધ રીતે સંયોજન કરી, ભાષાને વિવિધ રીતે પ્રયોજી, પાત્રના ચિત્તના વિવિધ સ્તરો આલેખી વાસ્તવનાં વિવિધ રૂપો આ સર્જકો પ્રગટ કરે છે. ઘણી વખત ફૅન્ટસીનું તત્ત્વ મિશ્રિત કરી એક જુદા પ્રકારનું વાસ્તવ પણ તેઓ નવલકથામાં ખડું કરે છે. એ દ્વારા યંત્ર સંસ્કૃતિના આધુનિક માનવની સંકુલ ચેતના, આધુનિક યુગની સંકુલ વાસ્તવિકતાને પ્રગટ કરવા મથે છે. એમ કરવા જતાં ઘણી વખત પરંપરાગત નવલકથાનો ઢાંચો એને અપર્યાપ્ત લાગે છે. 1965માં જ્હોન હોક્સે કહેલું: ‘I began to write fiction in the assumption that true enemies of the novel were plot, character, setting and theme, and having once abandoned these familiar ways of thinking about fiction, totality of vision or structure was really all that remained.’ ઐતિહાસિકતાના સંદર્ભવાળા સામાજિક વિશ્વ સાથે કામ પાડતી વાસ્તવવાદી નવલકથાઓ 1960 પછી એના અંતિમે non-fiction novel સુધી પહોંચે છે. વિયેતનામ યુદ્ધના પોતાના અંગત અનુભવને આલેખતી નોર્મન મેઈલરની 1968માં પ્રગટ થયેલી ‘The Armies of the Night’ આ પ્રકારની nonfiction novel છે. મેઈલરે પોતાની આ કૃતિને ‘History as a novel – The Novel as History’ કહીને ઓળખાવી છે. પોતાના અંગત અનુભવ સાથે સંબંધિત છતાં આ નવલકથા આત્મકથા નથી કારણ કે આખી ઘટનાને મેઈલરે ત્રીજા પુરુષમાં આલેખી છે. એ રીતે પોતાના સંકુલ વ્યક્તિત્વને, આખી પરિસ્થિતિને અને અન્ય પાત્રોને વક્રતાપૂર્ણ નજરે એ જુએ છે. એને લીધે આખી પરિસ્થિતિને એક નવું પરિમાણ પ્રાપ્ત થાય છે જે આત્મકથામાં શક્યા ન બને. 1960 પછી અમેરિકા-બ્રિટિશ નવલકથામાં વાસ્તવવાદી ભૂમિકાથી ભિન્ન એવું એક બીજું વલણ બળવાન બન્યું છે. સામાજિક વાસ્તવિકતા અને એમાં સંડોવાતા માનવીના જીવનનાં વિવિધ રૂપો આલેખવાને બદલે કેટલાંક સર્જકો રોમાન્સ, ફેન્ટસી આદિનો આશ્રય લઈ સામાજિક વાસ્તવથી દૂર ફંટાતા કલ્પનોત્થ વિશ્વનું નિર્માણ કરતી નવલકથાનું સર્જન કરવા તરફ વળ્યા છે, લોરેન્સ ડરેલની ‘Alexandria Qurtet’, આઈરીસ મર્ડોખની ‘Unicorn’, જ્હોન બાર્થની ‘Giles Goat boy’ આ પ્રકારની નવલકથાઓ છે. રોબર્ટ શોલ્સે આ નવલકથાઓને Fabulators તરીકે ઓળખાવી છે અને ભવિષ્યની નવલકથા માટેની એ સાચી દિશા છે એમ તેમને લાગે છે. આ નવલકથાઓ સામાજિક વાસ્તવિકતાને નહીં, પરંતુ સામાજિક વાસ્તવિકતાની પર રહેલાં વ્યાપક અમૂર્ત સત્યો ને ભાવનાઓને પ્રગટ કરે છે. શોલ્સને લાગે છે કે સામાજિક જીવનની કે વસ્તુજગતની વિગતોને ટી. વી. કે ફિલ્મ જેટલી સૂક્ષ્મતાથી ઝીલી શકે છે તેટલી સૂક્ષ્મતાથી નવલકથા ન ઝીલી શકે. નવલકથાએ એ માધ્યમો સાથે હરીફાઈ કરવાનું છોડી દેવું જોઈએ. એટલે કે વાસ્તવવાદી અભિગમને બદલે કલ્પનોથ અભિગમ ભવિષ્યની નવલકથા માટે વધુ ઉપકારક છે. પરંતુ શોલ્સના આ વિચારો બ્રિટિશ-અમેરિકી વિવેચનમાં સર્વસ્વીકૃત બન્યા નથી. આ પ્રકારની મૂલ્યનિર્દેશક આગાહીઓ હંમેશાં વિવાદપૂર્ણ રહે એ સ્વાભાવિક છે. અને એમાંય વિવેચક આ પ્રકારની આગાહીઓ કરે એને સર્જક ભાગ્યે જ ગાંઠતો હોય છે. વિવેચકોને જ શોલ્સના આ વિચારો સીમિત લાગ્યા છે. ડેવીડ લોજે ‘Novelist at the crossroads’ લેખમાં શોલ્સની માન્યતાનો વિરોધ કર્યો છે. તેણે કહ્યું છે કે વસ્તુજગતની નક્કર વિગતોથી ખચિત એવી સૃષ્ટિનું નવલકથામાં નિર્માણ કરવું એ સહેલી વાત નથી. એ માટે સર્જકે સજ્જતા કેળવવી પડે એટલું જ નહીં વસ્તુજગત પરની પકડ સર્જકને વધુ બળ આપનારી બની રહે. વસ્તુજગતની મજબૂત પકડ સર્જકને ગમે તેવા હવાઈ તરંગો કરતો રોકી શકે. વળી વસ્તુજગતનો પોતાનો કોઈ અનુભવ એમ ને એમ આલેખવાથી એમાંથી નવલકથા નથી બનતી. વસ્તુજગતમાં અનુભવેલી કોઈપણ ઘટનાનું નવલકથામાં એનું પોતાનું આગવું, વસ્તુજગતમાં બનેલી ઘટનાથી સ્વતંત્ર, અસ્તિત્વ ઊભું થાય એવી પ્રતીતિકરતા સર્જકે ઊભી કરવી પડે છે. એવી ઘટના વસ્તુજગતના અનુભવનો વિસ્તાર બની રહે, પોતામાંથી કોઈ મૂલ્ય પ્રગટ કરે એ રીતે સર્જકે એની માવજત કરવી પડે છે. એ માટે સર્જક પાસે ચોક્કસ શિસ્તની અપેક્ષા છે. એટલે વાસ્તવવાદી નવલકથાથી બહુ સુગાવાની જરૂર નથી. બ્રિટિશ-અમેરિકી નવલકથાને ક્ષેત્રે ઊભા થયેલા આ વિવાદમાંથી હવેની યુરોપીય નવલકથા કઈ તરફ ઢળે છે તે તો ભવિષ્યની નવલકથા કહેશે. પણ આ સંદર્ભમાં પ્રસ્તુત વિષયને લગતો એક મુદ્દો આપણે વિચારી લઈએ. નવલકથાકાર વાસ્તવવાદી નવલકથા લખે; રોમાન્સ, રૂપકકથા, પરીકથા કે અતિવાસ્તવવાદી તત્ત્વનો આશ્રય લઈ Fabulators પ્રકારની નવલકથાઓનું સર્જન કરે કે આ બન્ને તત્ત્વોનું મિશ્રણ કરે, પરંતુ આખરે આ કોઈપણ પ્રકારની સૃષ્ટિ નવલકથાકારના કોઈ વ્યાપક અનુભવસત્યને પ્રગટ કરે છે. નવલકથાકાર અનુભવનું એ વ્યાપક સત્ય પોતાની આસપાસ જિવાતા જીવનમાંથી જ પ્રાપ્ત કરે છે. એ સત્યને પ્રગટ કરવા માટે કઈ શૈલીનો આશ્રય લેવો એ સર્જકની પર અવલંબે છે. કોઈ એક જ શૈલીમાંથી ઉત્તમ નવલકથા સર્જાય એ ખ્યાલ એકાંતિક બનવાનો. ફ્રેન્ચ નવલકથાસાહિત્યમાં રોબ-ગ્રિયે, નાતાલી સોરોત જેવા સર્જકો એક ભિન્ન શૈલીની વાસ્તવવાદી નવલકથાઓનું સર્જન કરી રહ્યા છે. આ નવલકથાકારો new realist તરીકે અને એમની નવલકથાઓ anti-novel તરીકે ઓળખાય છે. આ નવલકથાકારોનો વસ્તુજગત તરફ અભિગમ કંઈક phenomenologyના વિચારોથી તેમજ એબ્સર્ડ અને અસ્તિત્વવાદી ચિંતકોના વિચારોથી પ્રભાવિત છે. એટલું જ નહીં એબ્સર્ડ અને અસ્તિત્વવાદી ચિંતકોથી તેઓના વિચારો એક ડગલું આગળ પણ જાય છે. રોબ-ગ્રિયેની વસ્તુજગત તરફ જોવાની દૃષ્ટિ દ્વૈતવાદી છે. એબ્સર્ડ અને અસ્તિત્વવાદી ચિંતકોના વિચારો મુજબ આ જગત સાથે સંવાદ ન સાધી શકવાને પરિણામે મનુષ્ય વિષાદનો, એકલતાનો અનુભવ કરે છે. રોબ-ગ્રિયેને લાગે છે કે આ જગત સાથે એકત્વનો અનુભવ કરવાની મનુષ્યની ઝંખનામાંથી આ ભાવો જન્મે છે. પરંતુ મનુષ્ય એવી એકત્વ પામવાની ઝંખના છોડી દે, આ વસ્તુજગત અને પોતાની વચ્ચેનું દ્વૈત સદાને માટે સ્વીકારી લેતો આ વિષાદમાંથી એ હંમેશને માટે મુક્ત થઈ જાય. આ જગત અર્થપૂર્ણ પણ નથી, અસંગત પણ નથી. એ માત્ર છે. રોબ-ગ્રિયે 19મી સદીના વાસ્તવવાદી સર્જકોના વસ્તુજગત તરફ જોવાના અભિગમને સ્વીકારતો નથી. એ માને છે કે આ સર્જકોએ વસ્તુજગતને પોતાના અર્થથી રંગી વિકૃત કરી નાખ્યું છે. વસ્તુજગતના આકલન વખતે મનુષ્યનું ચિત્ત માનસિક, નૈતિક, આધ્યાત્મિક, ભૌતિક સંસ્કારોથી રંગાયેલું હોય છે, તેથી એ સંસ્કારો વસ્તુજગતના પદાર્થને એના યોગ્ય રૂપમાં પામવામાં મનુષ્યને વ્યવધાનરૂપ બને છે, વસ્તુજગતને પદાર્થ એ સંસ્કારોથી રંગાઈ વ્યક્તિના ચિત્ત સમક્ષ ઉપસ્થિત થાય છે. વસ્તુજગતને આવા કોઈ સંસ્કારથી રંગી નાખ્યા સિવાય એના મૂળ રૂપમાં પ્રગટ કરવું એ પડકાર આજના સર્જક સામે પડ્યો છે. ભવિષ્યની નવલકથા વસ્તુજગતના એવા નક્કર, અપરિવર્તિત, શાશ્વત રૂપને પ્રગટ કરશે ત્યારે વસ્તુજગતના એ પદાર્થો પોતાના પર આરોપવામાં આવેલા અર્થની મજાક ઉડાવશે. એનાથી વસ્તુજગત પર આરોપવામાં આવેલું કૃતક રહસ્યમયતાનું આવરણ પણ દૂર થશે. આ પ્રકારની નવલકથાનાં પાત્રો અનેકવિધ અર્થઘટનોની શક્યતાવાળાં બનશે. મનોવૈજ્ઞાનિક, ધાર્મિક, રાજકીય કે સામાજિક વલણોનું ઉચ્ચારણ એ પાત્રોમાં સંભળાશે તો એ સર્વ તરફની ઉદાસીનતા પણ એમનામાં જોવા મળશે. કોઈપણ પ્રકારના માનવતાવાદનો માનચિત્તનાં ઊંડાં ને ઉન્નત સ્તરોને સ્પર્શે કે એને સ્વીકારવા પ્રેરે એવી કોઈપણ પ્રકારની કરુણાનો તે ઇનકાર કરે છે. આ જગતને કોઈ પૂર્વયોજિત વ્યવસ્થા છે, માનવજીવન એ વ્યવસ્થા તરફ ગતિ કરે છે. એ ખ્યાલો સ્વીકારવાની પણ આ નવલકથા સર્જકો ના પાડે છે. આવા ખ્યાલોમાંથી જન્મેલી રોબ-ગ્રિયે આદિની નવલકથાઓ વસ્તુજગતનું ખૂબ સૂક્ષ્મતાથી વિગતપ્રચુર આલેખન કરે છે. રોબર્ટ શોલ્સે રોબ-ગ્રિયેની આ ટેક્નીક સામે વાંધો ઉઠાવ્યો છે. વસ્તુજગતનું આવું વિગતપૂર્ણ તટસ્થ ચિત્ર નવલકથાકાર કરતાં કૅમેરા વધુ સારી રીતે પ્રગટ કરી શકે. શોલ્સ તો એટલે માને છે કે રોબ-ગ્રિયેએ ફિલ્મમાં આ ટેક્નીકથી નોંધપાત્ર સફળતા મેળવી છે. રોબ-ગ્રિયેના વિચારોનો ભાષાના મુદ્દા પર પણ વિરોધ ઊઠ્યો છે. રોબ-ગ્રિયે માને છે કે કોઈપણ પૂર્વનમૂના વગર એક નવી સૃષ્ટિનું ભાષા દ્વારા સર્જન કરવામાં સર્જનની કસોટી છે. આવી સૃષ્ટિનું નિર્માણ કરવા માટે private language પ્રયોજવાની વાત રોબ-ગ્રિયે કરે છે. એવી ભાષામાં શબ્દો કૃતિના અન્ય શબ્દો સાથે સંબંધ ધરાવી કોઈ અર્થ પ્રગટ કરતા હોય, પરંતુ એ શબ્દો કૃતિની બહારના કોઈ પદાર્થનો સંકેત ન કરતા હોય. ભાષાના ચિંતકો નવ્ય વાસ્તવવાદી સર્જકોની આ વાત સ્વીકારતા નથી. કામિન્સ્કીએ કહ્યું છે કે ભાષાના શબ્દને એ ભાષા બોલનાર સમાજમાંથી અર્થ પ્રાપ્ત થતા હોય છે અને શબ્દનો એ અર્થ જે-તે ભાષાસમાજમાં વસ્તુજગતના કોઈ પદાર્થનો સંકેત કરતો હોય છે. એટલે આવી કોઈ private language સર્જવાની વાત નિષ્ફળ છે. અંતમાં આપણે સમાજવાદી વાસ્તવવાદ (socialist realism)ના પુરસ્કર્તા સર્જકો અને ચિંતકોના વસ્તુજગત તરફ જોવાના અભિગમનો વિચાર કરીએ. અલબત્ત આ સર્જકો-ચિંતકોના વિચારો સમજવા માટે એક સ્વતંત્ર લેખની જરૂર પડે, પરંતુ અહીં આપણે એમની વિચારણાની ભૂમિકામાં પડેલા મુખ્ય મુદ્દાઓને સ્પર્શ કરીએ. સમાજવાદી વાસ્તવવાદની ભૂમિકાની જ્યોર્જ લુકાસે ‘The Meaning of Contemporary Realism’ એ પુસ્તકમાં વિસ્તારથી ચર્ચા કરી છે. એ સિવાય લિયોન ટ્રોટસ્કી અને અન્ય ચિંતકોએ પણ સમાજવાદી વાસ્તવવાદની વિચારણા કરી છે. આગળ આપણે રશિયન વાસ્તવવાદી નવલકથામાંના ‘ઉન્નતિવાદી વાસ્તવવાદ’ (meleorist realism)ની વાત કરી. સમાજવાદી વાસ્તવવાદમાં વસ્તુજગત તરફ જોવાનો અભિગમ પણ ‘ઉન્નતિવાદી વાસ્તવવાદ’ના વિચારો સાથે મળતો આવે છે. કાર્લમાક્સ દૃઢપણે માનતો કે મનુષ્ય પરિસ્થિતિથી માત્ર ઘડાતો જ નથી, પરિસ્થિતિને એ ઘડે પણ છે. મનુષ્યની ચેતનામાં પૂર્ણતા માટેની ઝંખના અવિરત પડેલી છે. પોતાના વર્તમાન જીવનથી વધુ સારા જીવનને કલ્પવું, એવા જીવનને સાકાર કરવા મથવું એ માનવચૈતન્યનો અંશ છે. સમાજવાદી વાસ્તવવાદ માનવપ્રકૃતિની આ ભૂમિકાને સ્વીકારે છે. સમાજવાદી વાસ્તવવાદ માને છે કે દરેક મનુષ્ય સમાજનું અંગ છે. એ ચિંતક હોય, વૈજ્ઞાનિક હોય કે સર્જક હોય, પોતે જે સમાજમાં જીવે છે તે સમાજ પ્રત્યે તેની જવાબદારી છે. કોઈપણ સર્જક પોતે જે સમાજમાં જીવે છે તે સમાજ તરફ પીઠ ન ફેરવી શકે, મનુષ્ય સમાજમાં રહે છે અને પોતાની આસપાસ જે કંઈ બને છે તેનો એ સાક્ષી છે. પોતાની આસપાસનો સમાજ દરેક માનવીના જીવન પ્રત્યેના દૃષ્ટિકોણને ઘડે છે. આ ઐતિહાસિક સંદર્ભથી સર્જકનો કે એ જે પાત્રસૃષ્ટિ ખડી કરે છે તેનો વિચ્છેદ કરવો અનુચિત છે. એટલે આધુનિક યુરોપીય નવલકથામાં દેખાતા a-historical વલણનો તેઓ અસ્વીકાર કરે છે. સર્જકના સર્જનમાંથી પ્રગટ થતા જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ સર્જકને પોતાના જીવનમાં થયેલા અનુભવ પરથી બંધાય છે. આધુનિક યુરોપીય સર્જકોમાં (ફ્રાન્ઝ કાફકા, આલ્બેર કામુ, સેમ્યુઅલ બેકેટ આદિ) અટૂલાપણાનો, શૂન્યતાનો, અસંગતિનો જે સૂર સંભળાય છે તે બૂર્ઝવા સમાજરચનાની નીપજ છે. આ સર્જકોનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ નિરાશાવાદી છે અને નિષેધાત્મક છે. એ કેટલાક બુદ્ધિજીવીઓ અને સંવેદનશીલોના અનુભવની નીપજ છે. એ એક અનુભવ છે, એક દૃષ્ટિકોણ છે, પરંતુ એ અનુભવ સમગ્ર માનવજાતનો એકમાત્ર અનુભવ નથી. સ્થળ અને કાળના પરિમાણમાં શ્વસતું માનવજીવન ઘણું વિશાળ અને અનેક અનુભવોના પુંજથી ભરેલું છે. એટલે મનુષ્યે આવા સીમિત વ્યક્તિઓના અનુભવને સાર્વત્રિક માની એને વશ થવાનું નથી. એ નિરાશાવાદી અને નિષેધાત્મક દૃષ્ટિકોણમાંથી મુક્તિ મેળવવામાં જ માનવજીવનની સાર્થકતા છે. સમાજવાદી ચિંતકો એ સ્વીકારે છે કે કળા માત્ર સમાજનું પ્રતિબિંબ નથી, પરંતુ નિર્માણ છે. એટલે સમાજવાદી વિચારસરણી ધરાવતા સર્જક પાસે તેમની અપેક્ષા એવી છે કે સર્જક પોતાની આસપાસના સમાજજીવનમાં વહેતા પ્રવાહોમાંથી સમાજવાદી સમાજરચના તરફ લઈ જતા મુખ્ય પ્રવાહોને પારખી એમાંથી ભવિષ્યમાં રચાનાર સમાજની કલ્પના કરે. સર્જક એમાંથી માનવસંબંધોની સંકુલ ભાત ઉપસાવી શકે. સમાજવાદી સમાજરચના તરફ લઈ જવામાં અવરોધક બનતાં પરિબળો તરફ પણ તે સૂચન કરી શકે અને એ પરિબળોમાંથી જન્મતી પરિસ્થિતિઓની પણ કલ્પના કરી શકે. સમાજવાદી ચિંતકો ‘અર્થઘટનાત્મક વાસ્તવવાદ’ (critical realism)થી સમાજવાદી વાસ્તવવાદને જુદો પાડે છે. અર્થઘટનાત્મક વાસ્તવવાદમાં સર્જકનો વસ્તુજગત તરફ જોવાના દૃષ્ટિકોણ વ્યક્તિલક્ષી હોય છે. એ દૃષ્ટિકોણને પરિણામે વસ્તુજગતનાં વિવિધ પરિમાણો સાહિત્યકૃતિમાં ઊપસી આવે. પણ આ દૃષ્ટિકોણને સ્વીકારીને ચાલતો સર્જક વસ્તુજગતને છે તેવા સ્વરૂપે સ્વીકારી લે છે. સમાજવાદી વાસ્તવવાદનો પુરસ્કર્તા સર્જક સમાજમાં જે અનેક પરસ્પર વિરોધી પ્રવાહો ગતિશીલ હોય તેમાંથી જે પ્રવાહો સમાજવાદી સમાજ તરફ લઈ જતા હોય તેને આલેખવા તરફ ધ્યાન વિશેષ કેન્દ્રિત કરે. એનું લક્ષ ભવિષ્ય તરફ હોય છે. પોતાની આસપાસના જીવનમાંથી કેવા પ્રકારનો સમાજવાદી સમાજ રચાશે, એ સમાજમાં વ્યક્તિ અને સમાજ વચ્ચે, વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચે કેવા સંબંધોની ભાત ઊપસશે, પ્રગતિશીલ અને પ્રત્યાઘાતી બળો વચ્ચે કેવા પ્રકારના સંઘર્ષો જન્મશે એનું એક કાલ્પનિક ચિત્ર પોતાની કૃતિઓમાં દોરે. આવી નવલકથાઓ એક એવા સમાજનું ચિત્ર આપણી સમક્ષ ઉપસાવે કે જે સમાજ માત્ર કવિકલ્પનાનો બે ઘડી વિલાસ નહીં, પરંતુ એક નક્કર વાસ્તવિકતામાં પરિણમી શકે એવો સમાજ હોય. અર્થઘટનાત્મક વાસ્તવવાદમાં સર્જક પોતાના યુગનું વિવિધ પરિમાણી સંકુલ ચિત્ર આપે, પરંતુ ભવિષ્યની શક્યતાવાળા સમાજનું નહીં. આનો અર્થ એવો નથી કે સમાજવાદી સર્જકે સમાજવાદી સમાજરચનાનાં મૂલ્યોનું ગાણું ગાવાનું છે કે સમાજવાદી ચિંતકોએ કરેલી સમાજની કલ્પના સાથે તાળો મેળવે એવી પોકળ કૃતિઓનું સર્જન કરવાનું છે. લુકાચે કહ્યું છે કે સ્તાલિનના સમયમાં રશિયાની અંદર આ રીતે રચાયેલા સાહિત્યનું ઝાઝું મૂલ્ય વિવેચકો નથી આંકતા. આમ સમાજવાદી સર્જક પર એક મોટી સામાજિક જવાબદારી છે એમ સમાજવાદી ચિંતકો સ્વીકારે છે અને કળાસર્જન અને સૌંદર્યનિર્માણની પ્રવૃત્તિનું સામાજિક મૂલ્ય સ્થાપી આપે છે. આટલી ચર્ચાને અંતે આપણે જોઈ શકીએ છીએ કે વસ્તુજગત તરફ જોવાનો અભિગમ યુરોપીય વિચારજગતમાં સતત બદલાતો રહ્યો છે અને તેથી વાસ્તવ કે વાસ્તવવાદ એટલે શું એનો કોઈ નિશ્ચિત ખ્યાલ આપણે બાંધી શકીએ એવી સ્થિતિ નથી. એનો અર્થ એવો નથી કે ‘વાસ્તવવાદ’ સંજ્ઞાનો ઉપયોગ સાહિત્યવિવેચનમાં અપ્રસ્તુત છે. વસ્તુજગત તરફ જોવાનો અભિગમ જેમ બદલાયો તેમ ‘વાસ્તવવાદ’ સંજ્ઞા વસ્તુજગત તરફ જોવાના એ નવા અભિગમને અનુરૂપ નવો અર્થ સમાવતી આજ સુધી સાહિત્યવિવેચનમાં સજીવ બનીને ટકી રહી છે. નવલકથાનો વસ્તુજગત જોડેનો સંબંધ શરૂઆતથી ઘનિષ્ઠ રહ્યો છે, એટલે વસ્તુજગત તરફ જોવાના ભિન્નભિન્ન અભિગમોએ નવલકથાના સ્વરૂપવિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. અભિવ્યક્તિની અનેક શક્યતાઓને પ્રગટ કરી નવલકથા એક સાહિત્યસ્વરૂપ તરીકે હજી સર્જકોને આકર્ષતી રહી છે. સંદર્ભગ્રંથ: 1. Mimesis - Aurbach Scholes 2. Nature of Narrative – Scholes & Kellog 3. The Gates of Horn – Harry Levin 4. Documents of Modern Realism – Ed: George Barker 5. Realism – Damian Grart 6. The Theory of the Novel – Ed: John Helperin 7. Possibilities – Malcolm Bradbury 8. The Rise of the Novel – Ian Watt 9. The Novelist at Crossroads – David Lodge 10. Concepts of Criticism – Rene Wellek 11. The Meaning of Contemporary Realism – George Lukacs 12. The Modern Tradition – Ed: Ellmann & Fiedelson 13. The Sense of an Ending – Frank Kermode 14. The Novel Today – Ed: Malcolm Bradbury 15. A Hundred Years of Philosophy – John Passmore [‘નવલકથા, વાસ્તવ અને વાસ્તવવાદ’, 1985]