ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/નવ્ય ઇતિહાસવાદ – જયેશ ભોગાયતા, 1954

From Ekatra Wiki
Revision as of 15:38, 3 March 2023 by Kamalthobhani (talk | contribs)
Jump to navigation Jump to search
49. જયેશ ભોગાયતા

(17.4.1954)

49.ayesh bhogayata.jpg
નવ્ય ઇતિહાસવાદ: પરિચય

નવ્યઇતિહાસવાદી સ્વીકારતો નથી, કારણ કે ઇતિહાસનાં પાયાનાં તથ્યોને સ્પષ્ટ કરવાં શક્ય નથી. જેમ કે જવાહરલાલ નહેરુ આપણા પ્રથમ વડા પ્રધાન હતાં કે ગાંધીજીની હત્યા 30મી જાન્યુઆરી 1948માં થઈ હતી આ બે ઇતિહાસનાં પાયારૂપ તથ્યોનો અર્થ નવ્યઇતિહાસવાદી આપણી સમજની ભૂમિકા સ્પષ્ટ કરશે, કેવી રીતે, કયા સંજોગોમાં કે કયાં સ્પર્ધાત્મક પરિબળો અને વિચારધારાઓના સંઘર્ષ વચ્ચે ઉપરની બે તથ્યમૂલક ઘટના ઘટી તેની તપાસ કરે છે. વડા પ્રધાન થવાની કે હત્યાની ઘટના ઘટી તેની પાછળની સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક અગ્રિમતાઓનું સ્વરૂપ કેવું હતું તેનું અર્થઘટન કરશે. નવ્યઇતિહાસવાદને મન તથ્યનું નહિ પણ અર્થઘટનનું મહત્ત્વ છે. કોઈ પણ ઘટના કે કૃતિની અસ્તિત્વમાં આવવા પાછળનાં સર્વે સાંસ્કૃતિક પરિબળોની ભૂમિકા જાણવી પડે. જેમ કે પંડિતયુગમાં પરસ્પરથી ભિન્ન સાહિત્યિક વિભાવના ધરાવતી ‘સરસ્વતીચંદ્ર’ અને ‘ભદ્રંભદ્ર’ શા માટે અસ્તિત્વમાં આવી? આ બે નવલકથાઓના અસ્તિત્વમાં આવવા પાછળનાં પરિબળોનું અર્થઘટન કરવું અનિવાર્ય છે. જુદી જુદી કથાસામગ્રી અને જુદી જુદી નિરૂપણ પદ્ધતિઓ ધરાવતી નવલકથાઓને માત્ર રૈખિક ગતિમાં વિકાસશીલ દર્શાવી દેવાથી નવલકથાસાહિત્યનો ઇતિહાસ બની જતો નથી. ક્રમિકતા અને વિકાસનો ખ્યાલ કૃતિની સ્વરૂપગત વ્યાવર્તકતાનું અર્થઘટન કરી શકે નહિ. નવ્યઇતિહાસવાદી એવું સ્થાપિત નહિ કરે કે ધૂમકેતુ અને દ્વિરેફની વાર્તાઓ વચ્ચે ભેદ છે, પરંતુ બંને વાર્તાકારોની વાર્તાઓના અસ્તિત્વમાં આવવા પાછળનાં સર્વે પરિબળોની ભૂમિકા જાણીને બંને વચ્ચેનો ભેદ નહિ પણ બંનેની સ્વાયત્તતાનું રક્ષણ કરશે. તેથી નવ્યઇતિહાસવાદીને શું હતું, કેવું હતું, પરિબળોનું સ્વરૂપ કેવું હતું તેમાં રસ છે. પરસ્પર વિરોધી વિચારધારાઓએ ઘટના કે કૃતિને કેવી રીતે ઘડી તેમાં રસ છે. એ જ રીતે નહેરુની વડાપ્રધાન થવાની ઘટનાનું કે ગાંધીજીની હત્યાની ઘટનાનું જુદાં જુદાં માધ્યમોએ કેવી રીતે અર્થઘટન કર્યું તે અર્થઘટનના દસ્તાવેજોનું વાચન કરવામાં રસ છે. પરંપરાગત ઇતિહાસકાર એવું માને છે કે તે તથ્યોને બહાર લાવે છે અને તે તથ્યોને જે પદ્ધતિએ અને જે સંદર્ભમાં બહાર લાવે છે તેનો સ્વીકાર પણ થાય અને અસ્વીકાર પણ થાય. તેથી નવ્યઇતિહાસવાદીને તથ્યોના પ્રતિનિધાનમાં રસ નથી પણ તેનાં વિવિધ અર્થઘટનોમાં રસ છે. તેઓ વસ્તુલક્ષી વિશ્લેષણની અશક્યતામાં માને છે(impossibility of objective analysis). બીજી વ્યક્તિઓની જેમ ઇતિહાસકારો વિશિષ્ટ સ્થળ-કાળમાં જીવતા હોય છે, તેમના વર્તમાન અને ભૂતકાળની ઘટનાઓ વિશેનાં દૃષ્ટિબિંદુઓ પાછળ અગણિત અસંપ્રજ્ઞાત અને સંપ્રજ્ઞાત સંચલનોની પ્રભાવકતા હોય છે તેમ જ ઇતિહાસકારના તેમના પોતાના સાંસ્કૃતિક સંદર્ભથી દૃષ્ટિબિંદુનું નિર્માણ પામે છે. તેઓ શું સાચું છે, શું ખોટું છે, સંસ્કારિતા શું છે અને અસંસ્કારિતા શું છે, ઉપયોગી શું છે અને બિનઉપયોગી શું છે, જેવાં તેમનાં પોતાનાં દૃષ્ટિબિંદુનો પ્રભાવ ઘટનાઓના અર્થઘટનમાં જોવા મળે છે. પરંપરાગત ઇતિહાસવાદ એવું માનતો હતો કે ઇતિહાસ વિકાસશીલ હોય છે. આ ‘વિકાસશીલ’ની વિભાવના દ્વારા ‘આદિમ જાતિ’ કે ‘સ્થાનિક જાતિ’ને સુસંસ્કૃત પ્રજાની સંસ્કૃતિઓ કરતાં નિમ્ન દરજ્જાની ગણવામાં આવતી હતી. તેને કારણે પ્રાચીન, આદિવાસીઓની સંસ્કૃતિઓનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું. આદિવાસીઓની સંસ્કૃતિને નિયમો વગરની, અંધશ્રદ્ધાળુ અને આચારવિચાર વગરની ગણવામાં આવતી હતી. પરંપરાગત ઇતિહાસવાદની દૃષ્ટિથી ઇતિહાસનું ભરોસાપાત્ર અર્થઘટન કરવામાં બીજી મુશ્કેલીઓ પણ છે. ઇતિહાસને તેની પોતાની સંકુલતા છે. ઇતિહાસ એટલે માત્ર ઘટનાઓની રૈખિક ગતિ એ ભૂમિકાએ તેનું સંકુલ સ્વરૂપ પામી શકાશે નહિ. ઇતિહાસના કોઈ એક નિશ્ચિત તબક્કે સંસ્કૃતિ કેટલાંક ક્ષેત્રોમાં વિકાસ કરતી હોય છે તો બીજાં ક્ષેત્રોમાં સમાંતરે અવગતિ પણ પામતી હોય છે. પ્રગતિ અને અવગતિ સમાંતર રીતે ઘટતી હોય છે. અને કોઈ પણ બે ઇતિહાસકારો એ બાબત અસંમત હોવાના કે કયાં પરિબળો પ્રગતિનું નિર્માણ કરે છે અને કયાં પરિબળો પ્રગતિને અવરોધક છે. આમાં પાયાના મતભેદો હોવાના. પણ નવ્યઇતિહાસવાદને આ પાયાના મતભેદો સામે વંધો નથી. તે તો આ મતભેદો પાછળની ભૂમિકાને સમજવા માટે તત્પર છે. નવ્યઇતિહાસવાદમાં કોઈ એક વાદ, વિચારધારા કે અભિગમનું આધિપત્ય સ્થાપવાની વાત જ અસ્થાને છે. પરંપરાગત ઇતિહાસકારો માને છે તેમ ઇતિહાસ સાતત્યપૂર્વક ભવિષ્ય તરફ ગતિ કરતો નથી. ખરેખર તો ઇતિહાસ અનેક પ્રકારની ગતિમયતા દર્શાવતા નૃત્યની ભંગિ જેવો છે. તે કોઈ એક ક્ષણે કોઈ નવા માર્ગની શોધમાં હોય છે તે કોઈ અન્ય ક્ષણે તેનું ખાસ કોઈ પ્રયોજન કે ધ્યેય ન પણ હોય. જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે તેને માટે ખરેખર કારણો હોવાનાં, પણ નવ્યઇતિહાસવાદ એવું માને છે કે ઘટના પાછળનાં કારણરૂપ પરિબળો સંકુલ, અવિશ્લેષ્ય અને અનેક કેન્દ્રી હોય છે. કોઈ એક ઘટના વિશે કોઈ એક નિશ્ચિતતાથી ચીલાચાલુ વિધાનો કરવાથી ઘટનાનું સંકુલ સ્વરૂપ ઓળખી શકાતું નથી. કાર્યકારણ એ કાર્યથી કારણની એકતરફી પ્રક્રિયા કે માર્ગ નથી. કોઈ પણ ઘટના તે પછી ભલેને રાજકીય ચૂંટણીની હોય કે બાળકોના કાર્ટૂન શોની હોય પણ તે જેમ સંસ્કૃતિની નીપજ છે તેમ વળતરરૂપે તે સંસ્કૃતિ પર પ્રભાવ પણ પાડે છે. બધી જ ઘટનાઓ સંસ્કૃતિ વડે આકાર પામે છે અને સંસ્કૃતિને આકાર આપે છે. આપણી આત્મલક્ષીતા સંસ્કૃતિ વડે ઘડાય છે અને તે (આત્મલક્ષીતા) સંસ્કૃતિને ઘડે છે. નવ્યઇતિહાસવાદીઓ માને છે કે આપણી વૈયક્તિક પ્રતિભા એ માત્ર સમાજની જ નીપજ નથી, એ જ રીતે તે (વૈયક્તિક પ્રતિભા) આપણી વ્યક્તિગત ઓળખ અને સાંસ્કૃતિક પર્યાવરણ કે પરિસ્થિતિનું પરિણામ બને છે, તે પરસ્પરને ઘડે છે, પ્રગટ કરે છે અને વ્યાખ્યાયિત કરે છે. તેઓનો સંબંધ અરસપરસ રીતે રચનાત્મક હોય છે, એકબીજાને ઘડે છે. તેથી જૂની વિચારણા પ્રમાણે વ્યક્તિની અડગતા કે મુક્ત ઇચ્છાની વિભાવનાને સ્થિર કરવી શક્ય નથી, કારણ કે તેનો સ્વીકાર કરવાથી ખોટા પ્રશ્ન પર ધ્યાન કેન્દ્રિત થાય છે. ‘શું મનુષ્યની ઓળખ સામાજિક પરિબળો વડે પ્રેરિત હોય છે?’ કે ‘શું માનવીય અસ્તિત્વ મુક્ત છે?’ – આ પ્રકારના પ્રશ્નોના ઉત્તરો નવ્યઇતિહાસવાદ આપવાનું ટાળે છે અથવા તો આપી શકતો નથી, કારણ કે આ પ્રકારના પ્રશ્નો બે વિકલ્પો વચ્ચેથી કોઈ એકની પસંદગી કરવા માટે દબાણ ઊભું કરે છે. હકીકતમાં બે વિકલ્પો સંપૂર્ણપણે એકબીજાથી જુદા હોતા નથી. તેથી નવ્યઇતિહાસવાદની પ્રશ્ન પૂછવાની રીત આ પ્રકારની છે: ‘એવી કઈ કઈ પ્રક્રિયાઓ છે કે જેનાથી વ્યક્તિગત ઓળખ કે આત્મસંજ્ઞા અને સાંસ્કૃતિક-સામાજિક પરિબળો જેવાં કે રાજકીય, શૈક્ષણિક, કાયદાકીય, ધાર્મિક સંસ્થાઓ અને વિચારધારાઓ પરસ્પરને સર્જે છે, બઢતી આપે છે અથવા પરસ્પરને બદલે છે. દરેક સમાજ સંસ્કૃતિક સીમાઓના કાર્યક્ષેત્રમાં રહીને વ્યક્તિગત વિચાર અને કાર્યનું નિયંત્રણ કરતો હોય છે તો સમાંતરે વ્યક્તિને વિચાર અને કાર્યનું નિયંત્રણ કરતો હોય છે તો સમાંતરે વ્યક્તિને વિચાર કરવા માટે અને કાર્ય કરવા માટે ટેકો આપે છે. (નિયંત્રણ અને મુક્તિની એક સમાંતર પ્રક્રિયા વડે વ્યક્તિનું ઘડતર થતું હોય છે, આ વાત સાહિત્યકૃતિના સર્જન પાછળની સમાંતર પ્રક્રિયાઓ જાણવામાં ઉપયોગી થઈ શકે તેવી છે, સમાજમાં ક્યારેય એકપક્ષી વ્યવહાર હોતો નથી. જે સમાજ એક તરફ સ્ત્રીનું દમન કરે છે તો બીજી બાજુ સમાંતરે સ્ત્રીની સ્વતંત્રતા માટે કે મુક્તિ માટે આંદોલનો કરે છે. દમન અને મુક્તિ એક સમાંતર સ્તરે ચાલતી પ્રક્રિયા છે. Constrain and Freedom - ક્રમિક નહીં, સમાંતર. નારીવાદી કે દલિતવાદી આંદોલનકારો આ દમન અને મુક્તિની સમાંતરતા વાંચશે તો તેમની ઇતિહાસવાચનની ફળશ્રુતિ જુદા સ્વરૂપની હશે. નવ્યઇતિહાસવાદ કોઈ પણ એકાંગીપણાને સ્વીકારતો નથી. સાહિત્યકૃતિ કે સાહિત્યકારના મૂલ્યાંકનમાં નવ્યઇતિહાસવાદી વાચનદૃષ્ટિનો વિનિયોગ નવાં તાજગીપૂર્ણ પરિણામો લાવી શકે છે.)’ આપણી આત્મલક્ષીતા(subjectivity) એ જીવનપર્યંત ચાલુ રહેનારી પ્રક્રિયા છે, તે આપણી ગતિશીલતા સાથે બાંધછોડ કરતા રહેવાની પ્રક્રિયા છે. આપણે જે સ્થળે, જે સમયે, જે સમાજમાં જીવીએ છીએ ત્યાં સભાનપણે કે અભાનપણે સ્વતંત્રતા અને બંધન સાથે બાંધછોડ કરતા રહીએ છીએ. આ ‘બાંધછોડ’નું યુગ્મ જ આપણી સાચી ઓળખ છે. (‘બાંધછોડ’ના યુગ્મને નૈતિક ભૂમિકાએ સમજવું શક્ય નથી.) આમ નવ્યઇતિહાસવાદીઓના મતે સત્તા માત્ર રાજકીય અને સામાજિક-આર્થિક બંધારણનાં ઉચ્ચ સ્થાનોએથી જ પ્રસરતી નથી. મિશેલ ફૂકોના મત પ્રમાણે, સત્તા બધી જ દિશાઓ તરફ ગતિ કરતી હોય છે, પ્રસરતી હોય છે, સમાજના બધા જ સ્તરોમાંથી અને બધા જ સ્તરો તરફ! કાયમને માટે તેની આવી જ પ્રક્રિયા હોય છે. સત્તાનો પ્રસાર અનેક વિનિમયો વડે થતી ક્યારેય અંત ન પામતી એક જીવંત પ્રક્રિયા છે. ખરીદી-વેચાણ, કર, કલ્યાણ, જુગાર, ચોરી કરવાની જુદી જુદી રીતો દ્વારા સત્તાનું પ્રસારણ થાય છે. વિનિમયી કે અરસપરસ લેવડદેવડ એ એક સામાજિક ભાષા છે, જે વિશિષ્ટ સ્થળ-કાળ પ્રમાણે વિશિષ્ટ સાંસ્કૃતિક પરિસ્થિતિ દ્વારા આકાર પામે છે. મિશેલ ફૂકો તેને ‘Bartering Discourse’ કહે છે. આ દૃષ્ટિકોણ માનવીય અનુભવને સમજવા માટેની એક વિશિષ્ટ દૃષ્ટિનું નિર્માણ કરે છે. નૈતિક કે મૂલ્યવાચી દૃષ્ટિબિંદુઓ સામાજિક ભાષાના ભીતરમાં પ્રવેશવા માટે સક્ષમ બની શકતાં નથી, કારણ કે તે વાચન શરૂ કરે છે તે ક્ષણથી જ જેનું વાચન કરવાનું છે તેને વિશેનું ગૃહીત સ્વીકારી લેતું હોય છે. માનવીય અનુભવનું અપરોક્ષ વાચન કરવા માટે વાચકે નૈતિક વલણો કે મૂલ્યવાચી આગ્રહોને મુલતવી રાખવાં પડે. (આ બહુસંસ્કૃતિના વાસ્તવને ઓળખવા માટે જાણે કે Naked iની જરૂર છે.) આપણે ત્યાં આધુનિક વિજ્ઞાનો, માનવસ્વતંત્રતા, ગોરી પ્રજાનું આધિપત્ય, પર્યાવરણ તરફની સભાનતા, વિવિધ ધર્મોમાં જોવા મળતા ધાર્મિક દુરાગ્રહો કે સાંપ્રદાયિક ઝનૂન – આવા અને આના જેવા બીજા ડિસ્કોર્સ પણ અસ્તિત્વમાં છે. અભિગમોમાં મનોવિશ્લેષણાત્મક, માર્ક્સવાદી, નારીવાદી, દલિતવાદી, ભાવકકેન્દ્રી વગેરેને પણ ડિસ્કોર્સ કહી શકાય. કોઈ પણ વિચારધારાની સત્તા કે શક્તિના પ્રસારણને ‘ડિસ્કોર્સ’ કહી શકાય. નવ્યઇતિહાસના મતે ડિસ્કોર્સ પોતે સામાજિક સત્તાની સંકુલ એવી સાંસ્કૃતિક ગતિશીલતાને વ્યક્ત કરી શકે નહિ, કારણ કે યુગને મૉનોલિથિક ચેતના નથી હોતી, મૉનોલિથિક એટલે નક્કર કે દૃઢ એવી ચેતના. (સાહિત્યના ઇતિહાસલેખકની યુગવિભાજન કરવાની પદ્ધતિ આ ભૂમિકાએ તો બિનકાર્યક્ષમ બની રહે તેથી ઇતિહાસગ્રંથોનું નિર્માણ કરનારની સાહિત્યિક સંસ્થાઓએ આ મૉનોલિથિક વિભાવનાની મર્યાદાઓ પ્રમાણવી પડે. એક જ યુગમાં બીજા યુગોનું સમાંતર અસ્તિત્વ હોય છે. તેથી સાહિત્યના ઇતિહાસની જડ ચુસ્ત યુગવિભાજનની કારિકા યુગનું વાચન કરવામાં આંશિક રીતે સફળ થઈ શકે.) નવ્યઇતિહાસવાદીઓએ ‘ઇતિહાસ’, ‘સત્તા’, ‘યુગચેતના’ જેવી એક તરફી સંજ્ઞાઓને બહુતરફી બનાવી છે, બહુસંવાદી બનાવી છે. કોઈ એક જ ચાવીથી સંસ્કૃતિનાં બધાં જ પરિમાણો ખોલી શકાતાં નથી. ડિસ્કોર્સીસ વચ્ચે ગતિશીલ, અસ્થિર આંતરક્રિયા થતી હોય છે. તેઓ પ્રવાહી સ્થિતિમાં, ઓવરલેપિંગની સ્થિતિમાં અને પરસ્પરની સાથે સ્પર્ધાની સ્થિતિમાં હોય છે (સત્તાના વિનિમયોની આપ-લે). કોઈ પણ ડિસ્કોર્સ કાયમી નથી હોતો. જે પક્ષ સત્તામાં હોય છે તેને માટે ડિસ્કોર્સ પ્રેરકબળ બને છે અને જે પક્ષ સત્તામાં નથી – એટલે કે વિરોધ પક્ષને – તેને સત્તા માટે ઉશ્કેરે છે. વ્યક્તિ અને સમાજ વચ્ચેનો સંબંધ પરસ્પરને ઘડનારો હોય છે. માનવસમાજ ક્યારેય પણ માત્ર દમનકારી સમાજનો ભોગ બનતો નથી, કારણ કે ભોગ બનનારો સમાજ સત્તાધીશનો વિરોધ કરવા માટે વ્યક્તિગત જીવનમાં અને જાહેર જીવનમાં નવા નવા રસ્તાઓની શોધ કરી લેતો હોય છે. (એ જ રીતે શોષિત પણ કાયમ શોષિત રહેતો નથી. તે પણ શોષકની ભૂમિકામાં આવી શકે.) સરમુખત્યાર પણ પોતાની બધી જ સત્તા એક જ સ્વરૂપમાં વાપરતો નથી પણ પોતાના વર્ચસ્ને ટકાવી રાખવા માટે પોતાની સત્તાનો અનેક ડિસ્કોર્સીસમાં પ્રસાર કરાવે છે. ધર્મ, વિજ્ઞાન, ફૅશન, કાયદો, સાંસ્કૃતિક મેળાવડાઓ, પરિયોજનાઓ વગેરેમાં તેની સત્તાનું પ્રસારણ હોય છે. આ સત્તાપ્રસારણમાં તેમને સમૂહમાધ્યમોની જરૂર પડે છે. સમાચારપત્રો, ટીવી, રેડિયો, જાહેર સ્થળોએ મુકાતાં મોટાં કટ આઉટસ, સૂત્રો, ભાષણોની વીડિયો ટેપ, પત્રિકાઓ, જીવનચરિત્રો કે ફિલ્મો, નાટકો, પુસ્તકો – આ બધાં સત્તાપ્રસારણનાં સમૂહમાધ્યમો દ્વારા સરમુખત્યાર પ્રજાની ચેતનામાં પ્રસરતો પ્રસરતો પ્રજાચેતનાને મૂર્ચ્છિત કરી નાખે છે અને પોતાના શાસન માટે મૂર્ચ્છિત ઘેટાંસમૂહો વધારતો રહે છે (આ ભૂમિકાએ આયોનેસ્કોનું ‘રિહ્નોસર્સ’ નાટક કેટલું પ્રસ્તુત છે! સત્તાધીશની ‘સત્તાપ્રસારણની સંકુલ ગતિવિધિ જાણ્યા વિના આ પ્રકારની ઍબ્સર્ડ નાટ્યકૃતિ લખી શકાશે નહિ.’) જુદી જુદી સંસ્કૃતિમાં ‘સત્ય’, ‘કુદરતી’ કે ‘સામાન્ય’ વિશેની વ્યાખ્યાઓમાં મૂળગત ભેદો હોય છે, જેમ કે જુદી જુદી સંસ્કૃતિમાં જુદી જુદી ભૂમિકાએ ‘સજાતીયતા’ની વ્યાખ્યા કરવામાં આવી છે. કોઈ સંસ્કૃતિ તેને વિકૃતિ ગણે છે, કોઈ સંસ્કૃતિ અપરાધ ગણે છે, કોઈ સંસ્કૃતિ તેને સામાન્ય અને પ્રશંસનીય ગણે છે. મિશેલ ફૂકોએ દર્શાવ્યું છે તે મુજબ સાધુતા, અપરાધીપણું, કામવાસનાના વિનિપાતો કે વિકૃતિઓ – વગેરે સમાજનાં ઘટકો છે. આ ઘટકો પર પોતાનાં નિયંત્રણો લાદીને સત્તાધારી પક્ષ પોતાની સત્તા ટકાવી રાખે છે. નવ્યઇતિહાસવાદીઓ ઐતિહાસિક બનાવોની નોંધોને કે સામગ્રીને કથાસાહિત્યની જેમ વાંચે છે. ઇતિહાસના લેખનકારો સભાનપણે તેમના કથનકેન્દ્ર પ્રમાણે અનિવાર્ય રીતે પક્ષિલ(biased) હોય છે. તેમનું ઇતિહાસલેખન પક્ષિલ કથનકેન્દ્રથી ગ્રસ્ત હોય છે. જોકે પક્ષિલ કથનકેન્દ્ર ધરાવનાર ઇતિહાસકાર પોતાને ‘તટસ્થ’ માને છે. ખરેખર તો ઇતિહાસકારો પક્ષિલતાઓ વડે પોતાની ‘કથાઓને’ નિયંત્રણમાં રાખી શકે છે. કોઈ પણ ઐતિહાસિક વિશ્લેષણ વસ્તુલક્ષી રહી શકે નહિ. સાંસ્કૃતિક સંકુલતાઓને વસ્તુલક્ષીતા સંપૂર્ણપણે રજૂ કરી શકે નહિ. ઇતિહાસને ‘રૈખિક’, ‘કાર્યકારણ’ કે ‘વિકાસશીલ’માની લેવાથી તેની સંકુલતાનો હ્રાસ થઈ શકે છે. આપણે કોઈ ઐતિહાસિક ઘટના, પદાર્થ કે વ્યક્તિને તે જે પોતાના સમયની ડિસ્કોર્સીસની જાળથી ગૂંથાયેલી હોય છે તે જાળથી તેને જુદી પાડીને સમજી શકીએ નહિ. તેના સમય સાથે જોડાયેલા અનેક ‘અર્થો’થી અલગ પાડીને તેને ઓળખી શકાશે નહિ. આપણે જેમજેમ તેને વધુને વધુ તેના પરિવેશથી એકલો પાડીને જોવાનો પ્રયત્ન કરીએ છીએ તેમતેમ તેને આપણે આપણા સ્થળ-કાળ પ્રમાણે જોવાનો પ્રયત્ન કરીશું અને એનું અર્થઘટન આપણાં દૃષ્ટિબિંદુઓથી નિયંત્રિત બનશે. નવ્યઇતિહાસવાદીઓએ દર્શાવેલી ઇતિહાસવાદની મર્યાદાઓ જાણ્યા પછી તરત પ્રશ્ન એ થવાનો કે ‘ઇતિહાસ’, ‘વ્યક્તિ’ કે ‘માનવસંસ્કૃતિ’નું વાચન કરવા માટે કયા પ્રકારનો અભિગમ વિકસાવવો જોઈએ, કયા પ્રકારની વિશ્લેષણપદ્ધતિ વિકસાવવી જોઈએ. આનો ઉત્તર એ છે કે નવ્યઇતિહાસવાદી માનવીય ભાષા અને અનુભવ વિશેની વિઘટનશીલ આંતરદૃષ્ટિનો સમાવેશ કરીને ‘વાચન’ કરવાનું સૂચવે છે. તેઓ ઇતિહાસ અને સાહિત્ય વચ્ચેના પરંપરાગત વિરોધનું વિઘટન કરે છે. Fact અને Fiction સંજ્ઞા વચ્ચેના ભેદનું નિરસન ઇચ્છે છે. નવ્યઇતિહાસવાદી ઇતિહાસને એક ‘પાઠ’ ગણે છે. તેથી જેમ સાહિત્યના અર્થઘટનકારો કૃતિનું અર્થઘટન કરે છે તે પદ્ધતિએ જ ઇતિહાસનું પણ અર્થઘટન કરવું જોઈએ. તેઓ સાહિત્યિક રચનાને સાંસ્કૃતિક સંરચના ગણે છે. સાહિત્યકૃતિનું નવ્યઇતિહાસવાદની ભૂમિકાએ વાચન કરવાથી ‘ડિસ્કોર્સીસ’ના (કૃતિમાંના) આંતરસંબંધો, આંતરવિરોધો અને આંતરસંવાદો પ્રગટ થઈ શકશે. (‘સરસ્વતીચંદ્ર’ નવલકથાનું નવ્યઇતિહાસવાદીની ભૂમિકાએ વાચન કરવાથી તેમાં રહેલાં ‘ડિસ્કોર્સીસ’નાં સ્વરૂપો જાણી શકાય. હવે માત્ર કૃતિની ‘કલાત્મકતા’ના માપદંડથી મુલવણી કરવાની પદ્ધતિ નહીં ચાલે, કારણ કે તેમાં એકાંગીપણું છે! કોઈ એક જ માપદંડની સત્તાનો અંત લાવી દેવાથી અન્ય માપદંડોને પણ પ્રવેશ મળી શકે છે.) કૃતિ એક અર્થમાં તો સામાજિક અર્થોની એક ગૂંથાતી જાળ છે, જે જાળમાં તે પોતે જે સ્થળ-કાળમાં ગૂંથાતી હોય છે તે પણ તેમાં ગૂંથાતાં જાય છે. કૃતિ અને સ્થળ-કાળનું અદ્વૈત અને તેમાંથી સર્જાતી અર્થનિષ્પત્તિનું વાચન કરવા માટે નવ્યઇતિહાસવાદ નિરપેક્ષ દૃષ્ટિનો પ્રસાદ આપે છે. સંસ્કૃતિ કે કૃતિની સ્વસ્થાપના કરવાને બદલે કૃતિની અસ્તિત્વમાં આવવાની સર્વે શરતોનું વાચન કરવાનું શીખવે છે. નવ્યઇતિહાસવાદ સાંસ્કૃતિક વિવેચનની પદ્ધતિનો પણ ખ્યાલ દર્શાવે છે. નવ્યઇતિહાસવાદે આપેલી વાચનદૃષ્ટિના નિર્માણમાં સૂક્ષ્મ રીતે પ્રતિભાસમીમાંસા અને ચૈતન્યવાદી અભિગમનાં પાયાનાં ગૃહીતો સક્રિય રહ્યાં જણાય છે. ‘મુખ્ય પ્રવાહ’ અને ‘હાંસિયો’ એવાં ભેદમૂલક પ્રતિમાનોનો હ્રાસ કરવાથી સંસ્કૃતિની સંકુલતાઓ વિશેષ પ્રકાશમાં આવી શકે. નવ્યઇતિહાસવાદના આગમન પૂર્વેના બે મહત્ત્વના કૃતિવાચનના અભિગમોમાં ઐતિહાસિક - તુલનાત્મક અભિગમ અને રૂપરચનાવાદનું વર્ચસ્વ હતું. ઐતિહાસિક - તુલનાત્મક અભિગમ ધરાવનાર અભ્યાસી ઇતિહાસની સામગ્રીનો અભ્યાસ કરે છે. લેખકનું જીવન, લેખકના સર્જન વિશેનાં ખ્યાલો અને પ્રયોજનો, લેખકના લેખનકાર્યનો સાંસ્કૃતિક સંદર્ભ કે યુગચેતના - જેવી સામગ્રીનું વાચન કરતો હતો, અને એ રીતે ઇતિહાસની સામગ્રીઓ અને કૃતિ વચ્ચેના યાંત્રિક કે પ્રભાવમૂલક સંબંધની કારિકાઓથી લેખકને યુગનું સંતાન કે યુગમૂર્તિ ગણતા હતા. ને તેમાં પણ ખાસ કરીને લેખકની નીતિમત્તા અને આદર્શપરાયણતા કેન્દ્રમાં રહેતી હતી. તેથી ભાવનાવાદનું વર્ચસ્વ સ્થપાતું હતું. ઐતિહાસિક-તુલનાત્મક અભિગમ ધરાવનાર અભ્યાસી મોટે ભાગે ઇતિહાસે ઘડી આપેલી અર્થઘટનની સીમાની બહાર જતો નથી. રૂપરચનાવાદી કે આકારવાદી અભિગમ ધરાવનાર અભ્યાસીએ ઐતિહાસિક -તુલનાત્મક અભિગમનાં ગૃહીતોને સ્વીકાર્યા નહિ. તે ઇતિહાસનો અસ્વીકાર કરે છે, કારણ કે સાહિત્યકૃતિ સમયાતીત(timeless), સ્વયં પર્યાપ્ત(self-sufficient) છે, તેથી કૃતિના સઘન અભ્યાસ માટે લેખક સાથે જોડાયેલી તમામ ઐતિહાસિકતાઓને બહાર રાખે છે.   પરંતુ ઈ.સ. 1970ના વર્ષની આસપાસ પ્રવેશેલો નવ્યઇતિહાસવાદ કૃતિને હાંસિયામાં મૂકનાર ઇતિહાસવાદ અને ઇતિહાસને હાંસિયામાં મૂકનાર નવ્યવિવેચન, બંનેનાં ગૃહીતોને પડકારે છે. પરંપરાગત ઇતિહાસકારો માને છે તેમ સાહિત્યકૃતિની રચના લેખકના પ્રયોજનથી કે યુગચેતના વડે થતી નથી એ જ રીતે સાહિત્યકૃતિ એ માત્ર સ્વયં પર્યાપ્ત કળાપદાર્થ નથી કે જે સ્થળ અને સમય સંદર્ભથી નિરપેક્ષ હોય. નવ્યઇતિહાસવાદ માને છે કે સાહિત્યકૃતિ અને સાંસ્કૃતિક સંરચના છે કે જે આપણને કૃતિ જે સ્થળ/કાળમાં રચાઈ હોય તે સમયની જુદી જુદી વિચારધારાઓ અને પરંપરાઓ વચ્ચેના આંતરવ્યવહારો, સામાજિક અર્થોનાં વિવિધ જાળાંઓ વિશે જાણકારી આપે છે. કૃતિને અસ્તિત્વમાં લાવનારી વિવિધ વિચારધારાઓ અને સામાજિક અર્થોના સંકુલ જાળાને ઉકેલવાનું કામ અભ્યાસીનું છે. કૃતિ એક સંકુલ જાળ છે. એક નહિ પણ જુદી જુદી, પરસ્પરથી વિરોધી માન્યતાઓનો પરિચય આપે છે. જેમ કે ‘પંડિતયુગ’નો એક પાઠ તરીકે અભ્યાસ કરવા માટે અનેક સૂરાવલિઓ અને અનેક પ્રવાહો વચ્ચેના આંતરવિરોધો અને આંતરસંવાદોથી નિર્મિત બહુસંવાદીય ભાતનું વાચન કરવું જરૂરી છે. તેથી પંડિતયુગના એકમાત્ર વિવેચક તરીકે બ.ક.ઠાકોરની કાવ્યભાવનાના ઘડતરમાં ગૂંથાયેલા અનેક સંવાદી/ વિસંવાદી સૂરોનું એકચિત્ત શ્રવણ કરવાથી અન્ય વિવેચકની પણ ભાગીદારી જોઈ શકાય. નવ્યઇતિહાસવાદ સાહિત્યકૃતિને પણ સામાજિક અર્થનો ઉત્પાદક ગણાવે છે. સાહિત્યકૃતિ જેમ પોતે અનેક સાંસ્કૃતિક પરિબળોનું પરિણામ છે તેમ કૃતિ પોતે પણ એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરિબળ બને છે. આ ભૂમિકાએ કાન્તનાં ખંડકાવ્યો અને ઊર્મિકાવ્યોનું વાચન કરવાથી કાન્ત પર પ્રભાવ પાડનારાં અંગત, કૌટુમ્બિક, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક પરિબળો અને સમાંતરે કાન્તનાં ખંડકાવ્યો અને ઊર્મિકાવ્યોએ સાહિત્યપ્રદેશ અને સામાજિક-સાંસ્કૃતિક પ્રદેશ પર ઊભી કરેલી અસરોનું વિશ્લેષણ થઈ શકે. માનવસંસ્કૃતિએ જુદી જુદી ઐતિહાસિક ક્ષણોએ કેવી કેવી રીતે ચિંતન કર્યું એ ચિંતનપદ્ધતિમાં નવ્યઇતિહાસવાદને રસ છે. ઇતિહાસની કોઈ એક ક્ષણે ખરેખર શું બન્યું હતું તેના વિશે સંપૂર્ણ શક્ય નથી હોતું, પરંતુ જે કંઈ બન્યું તેમાં પ્રજા જે રીતે જોડાઈ તે જાણી શકીએ. ઐતિહાસિક ઘટના સાથે પ્રજાની સંડોવણી, પ્રતિસાદ કે પ્રતિભાવનું સ્વરૂપ કેવું હતું તે જાણી શકાય. પ્રજાએ વિવિધ માધ્યમમાં રજૂ કરેલાં ઘટનાનાં અર્થઘટનોને જાણી શકાય. નવ્યઇતિહાસવાદને પ્રજાએ કરેલાં વિવિધ અર્થઘટનોનું અર્થઘટન કરવામાં રસ છે, વિવિધ અર્થઘટનો પાછળ રહેલાં આંતરવિરોધી અને આંતરસંવાદી બળોની સક્રિયતાને સમજવામાં રસ છે, અને એ દ્વારા માનવસંસ્કૃતિની અનેક પરિમાણી બહુલતાનું ઉદ્ઘાટન કરવામાં રસ છે. એ ઉદ્ઘાટન પણ એક સંદેશ છે જેમાં વાચન પણ છે અને વાચ્યાર્થ પણ છે.

(અહીં મેં નવ્યઇતિહાસવાદનો માત્ર પરિચય આપવાનો પ્રયત્ન કર્યો છે. ફરી તક મળશે ત્યારે બે-ત્રણ મહત્ત્વની ગુજરાતી કૃતિઓનું નવ્યઇતિહાસવાદે બક્ષેલી વાચનદૃષ્ટિથી વાચન રજૂ કરીશ. અત્યારે તો માત્ર અભિગમો વચ્ચેની સ્પર્ધાની ભ્રામકતા ઓછી કરી શકું તો પણ બસ છે. જોકે આપણા નિષ્ઠાવાન અભ્યાસીઓના પ્રકાશિત ગ્રંથોમાં આ ‘બહુસંવાદ’ની પીઠિકા તો ક્યારનીયે રચાઈ ચૂકી છે પણ તેનું સઘન વાચન કરવાનું બાકી છે એ દિશામાં કાર્ય કરવા માટે એક લાંબા ગાળાનું આયોજન થવું ઘટે. એ આયોજનમાં એક ડગલું પણ ભરી શકીશ તો આનંદ થશે. ખરેખર તો સર્જનાત્મક કૃતિઓની જેમ વિવેચનાત્મક સામગ્રીનું પણ કથાસાહિત્યની જેમ વાચન કરવાનું આયોજન થઈ શકે જેનાથી વિવેચકનાં સ્થિર અને ગતિશીલ કથનકેન્દ્રો તેમ જ વિવિધ સૂરોને જાણી શકાય.) સંદર્ભ: 1. નવ્યઇતિહાસવાદ: પ્રશાંત દવે. અનુઆધુનિકતાવાદ: સં. ચન્દ્રકાન્ત ટોપીવાળા. પ્ર. આ. 1993 2. New Historicism and Cultural Materialism: John Branigan st. Martin’s Press. New york, 1998 3. Critical Theory Today - A user-Friendly guide: Lois Tyson, 1999 [‘વાચનવ્યાપર’, 2011]