ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/રસ – રસિકલાલ પરીખ, 1897

From Ekatra Wiki
Revision as of 11:25, 5 March 2023 by Kamalthobhani (talk | contribs)
Jump to navigation Jump to search


10. રસિકલાલ પરીખ

(20.8.1897 – 1.11.1982)

10. RASIKLAL PARIKH.jpg
રસ

‘રસ’ શબ્દનો પ્રયોગ સંસ્કૃત ભાષા જેટલો જૂનો છે. તેનો મૂળ અર્થ તો ‘પાણી’, ‘પ્રવાહી પદાર્થ’ એવો છે. આ પછી સ્વાદ લેતી વખતે અથવા સ્વાદની આકાંક્ષાએ મોઢામાં પાણી વળે છે માટે તે માટે પણ રસ શબ્દ વપરાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ જ્યારે પાંચ ગ્રહણ થતા વિશિષ્ટ વિષયોનો વિચાર થયો ત્યારે જિહ્વાગ્રાહ્ય વિષયને ‘રસ’ કહ્યો, એટલે કે ગન્ધ સ્પર્શ આદિ પાંચ ગુણોમાંનો તે એક ગુણ થયો. આ મૂળ પ્રયોગોમાંથી ઉપચારથી ‘રસ’ શબ્દનો પ્રયોગ કાવ્ય અને કલાના ક્ષેત્રમાં આવ્યો હોય એમ લાગે છે. અન્નનો સ્વાદ લેતી વખતે મોઢામાં જે પાણી વળે છે, તે સમયે જે એક નિર્વૃત્તિ, તૃપ્તિ અને એથી સંતોષ કે આનંદ થાય છે તેથી એ શબ્દ કાવ્ય અને કલાના સેવનથી ઉત્પન્ન થતી નિર્વૃતિ, તૃપ્તિ કે આનંદને માટે વપરાયો હશે. આ ગમે તેમ હોય તો પણ ખાવાપીવાના વ્યવહારમાંથી તે કાવ્યકલાના વ્યવહારમાં આવ્યો છે તેનાં પ્રમાણો કાવ્યમીમાંસકોએ ‘રસ’ને સમજવા પીણાનું દૃષ્ટાન્ત આપ્યું છે તે ઉપરથી, તથા ‘ચર્વણા’ ‘ચાવવું’ એ શબ્દનો રસના અનુભવના સંબંધમાં ઉપયોગ કર્યો છે તેમાંથી, મળે છે. પણ આ ઉપરથી કોઈએ એમ ન માનવું કે રસના સૂક્ષ્મ આન્તરિક અનુભવમાં અને સ્થૂલ ખાવાના રસમાં બહુ સામ્ય છે. કાવ્ય અને કલાના કયા અનુભવને ‘રસવાળા’ અથવા ‘રસ’ ઉત્પન્ન કરનાર કહેવામાં આવે છે એ પ્રશ્ન ઉપર હું આવું છું. આપણા ગુજરાતી વિવેચનસાહિત્યમાં આ શબ્દના ઉપયોગમાંથી તાત્પર્યં કાઢવું હોય તો ‘જે કાંઈ ગમે છે’, ‘જે સુંદર લાગે છે’, ‘જે રમણીય છે’, તે રસવાળું છે એવું એવું નીકળે, અને આ ખોટું નથી. જે વિવિધ – વિચિત્ર – અંશોથી સંઘટિત અનુભવ (Complex of experience)ને પ્રાચીનોએ ‘રસ’ સંજ્ઞા આપી છે તેનો આ લાક્ષણિક ધર્મ છે. ‘રસ’ના અનુભવમાં આનંદ, સૌંદર્ય, રમણીયતાનો અનુભવ છે; એ ન હોય તો તે અનુભવ રસ ન કહેવાય – પણ જે કાંઈ આનંદ આપે છે, જે કાંઈ સુંદર છે, જે કાંઈ રમણીય છે, તે બધાને ‘રસ’ની સંજ્ઞા અપાતી નથી. પ્રાચીનોએ કાવ્યનું અને અતિદેશથી કલામાત્રનું પરમ પ્રયોજન આનન્દ માન્યું છે. આ આનંદ સાથે તેને ચારુ અથવા સુંદર કહ્યા છે. કાવ્યની અંદર આ ચારુતા સાધનાર ઘણા ધર્મો મનાયા છે. તે બધા રસ કહેવાતા નથી. શ્રીમાન અભિનવગુપ્ત ‘ધ્વન્યાલોક’ની ટીકામાં પૂર્વપક્ષ મૂકતાં આ વાત સ્પષ્ટ રીતે મૂકે છે: चारुत्वप्रतीतिस्तहिं काव्यस्यास्मा स्यात् इति तदङ्गीकुर्म एव – તો ચારુત્વની પ્રતીતિ એ કાવ્યનો આત્મા થાય એ વાત અમે સ્વીકારીએ છીએ’ અને આની પહેલાં ધ્વનિ સામેના પૂર્વપક્ષ મૂકતાં કહે છે કે तथापि द्विविधं चारुत्वम् - स्वरूपामात्रनिष्ठम्, संघटनाश्रितं च। तत्र शब्दानां स्वरूपमात्रकृतं चारुत्वं शब्दालंकारेभ्य:, संघटनाश्रितं तु श दगुणेभ्य:- एवमर्थैनां चारुत्वं स्वरूपमात्रनिष्ठमुपमादिभ्य:- संघटनापर्यवस्सिं त्वर्थगुणेभ्य इति। ચારુત્વ બે પ્રકારનું છે. એક સ્વરૂપમાત્ર ઉપર આધાર રાખતું, અને બીજુ સંઘટના, રચનાવિશેષ, ઉપર આધાર રાખતું. આમાં શબ્દાલંકાર, અર્થાલંકાર, શબ્દગુણો, અર્થગુણો, રીતિઓ આદિ આવી જાય છે.’ તાત્પર્ય કે અલંકાર, રીતિ આદિ પણ ચારુત્વનાં નિષ્પાદક ગણાયાં છે. વામન તો ‘काव्यं ग्राह्यमलंकारात्’ અને ‘सौन्दर्यमलंकार:’ એમ કહી કાવ્યનું સૌન્દર્ય દોષના ત્યાગ તથા ગુણ અને અલંકારોના સ્વીકાર ઉપર આધાર રાખે છે એમ કહે છે. તાત્પર્ય કે પ્રાચીન પરંપરા પ્રમાણે સૌના મતે સૌન્દર્ય અને રસ બન્ને સરખાં વ્યાપક નથી; જ્યાં રસ હોય ત્યાં સૌન્દર્ય હોય, પણ જ્યાં સૌન્દર્ય હોય ત્યાં ‘રસ’ હોય એમ સૌને અભિપ્રેત નથી. એટલે કે આજે આપણે સૌન્દર્ય અને રસને ઘણી વાર પર્યાયો માની વાપરીએ છીએ તે પરંપરા પ્રમાણે યુક્ત નથી. ત્યારે કાવ્ય અથવા ઇતર કલાના કયા અનુભવને ‘રસ’ સંજ્ઞા આપી શકાય? ‘રસ’ની પ્રથમ શાસ્ત્રીય ચર્ચા ભારત નાટ્યશાસ્ત્રમાં મળે છે. તેમાં પણ પૂર્વેના કેટલાક શ્લોકો તથા આર્યાઓ ટાંકી છે એ ઉપરથી નાટ્યશાસ્ત્ર પહેલાંથી આ વિષયની ચર્ચા થતી હશે. આ ઉપરથી એમ પણ માનવાને કારણ મળે છે કે ‘રસ’ની ચર્ચા પ્રથમ નાટકોને અંગે ઉત્પન્ન થઈ હશે. ઘણી વાર એ રસો નાટ્યરસો પણ કહેવાય છે. ભરતમાં જે ઉલ્લેખો છે તે ઉપરથી આપણે કહી શકીએ કે ‘રસ’ એ કેવળ નાટકનો જ વિષય નથી, કાવ્યનો પણ વિષય છે. અને પછીના ગ્રન્થો જેવા કે શિલ્પરત્ન, ભોજસમરાંગણ સૂત્ર, વિષ્ણુધર્મોત્તર પુરાણ, સંગીતરત્નાકર આદિ ઉપરથી સમજાય છે કે રસ એ ચિત્ર, મૂર્તિ, સંગીત આદિનો પણ વિષય છે. આમ છતાં ‘રસ’નો જે સ્પષ્ટ અને વિપુલ અનુભવ નાટક આદિમાં થયો હશે તે અપેક્ષાએ બીજી કલાઓમાં ઓછો હશે, તેથી નાટકના સંબંધમાં એની પ્રથમ ચર્ચા થાય એ સ્વાભાવિક છે. આટલું પ્રાસંગિક જણાવી હું પાછો મુખ્ય મુદ્દા ઉપર આવું છું. કાવ્યના કયા અનુભવને ‘રસ’ એવી સંજ્ઞા આપવામાં આવે છે? ભરત અનેક સ્થળે કહે છે કે स्थायिनो भावा रसत्वमाप्नुवन्ति। અથવા एवमेते स्थायिभावा रससंज्ञा: प्रत्यवगन्तव्या:- स्थायी भावो रसनाम लभते। અથવા આગળ જઈ ધનંજય કહે છે તે પ્રમાણે स्थायी भावो रस: स्मृत:। સ્થાયી ભાવ રસ કહેવાય છે. સ્થાયી ભાવ એટલે શું? ભરત આઠ અને આગળ જઈ એક ઉમેરી નવ સ્થાયી ભાવો ગણાવે છે रतिर्हासश्च शोकश्च क्रोधत्साहौ भयं तथा-जुगुप्सा विस्मयश्चेति स्थायिभावा: प्रकीतिर्ता:। રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા અને વિસ્મય આ આઠ સ્થાયી ભાવો છે. આ સ્થાયી ભાવો રસ કહેવાય છે. એટલે કે રતિ સ્થાયી ભાવ શંૃગાર, હાસ હાસ્ય, શોક કરુણ, ક્રોધ રૌદ્ર, ઉત્સાહ વીર, ભય ભયાનક, જુગુપ્સા બીભત્સ અને વિસ્મય અદ્ભુત રસ કહેવાય છે. કાવ્ય અથવા કલા જ્યારે આ રતિ, શોક આદિ સ્થાયી ભાવોનો અનુભવ કરાવે છે ત્યારે તે શૃંગારાદિ રસનો અનુભવ કરાવે છે એવી માન્યતા છે. અને આ રસનો અનુભવ કરાવતું કાવ્ય, ધનિક કહે છે તે પ્રમાણે ઉપચારથી, રસવાળું કાવ્ય કહેવાય છે. સ્થાયી ભાવોનો અનુભવ તે રસ કહેવાય છે. તે રસ શા માટે કહેવાય છે તો ભરત કહે છે કે ‘आस्वाद्यत्वात्’, સ્વાદ આવતો હોવાથી. જેમ અન્નના સેવનથી પ્રત્યક્ષ તૃપ્તિનો અનુભવ થાય છે, તેમ તે તે સ્થાયી ભાવનો સાક્ષાત્ અનુભવ થતાં એક જાતની નિર્વૃતિ, તૃપ્તિ, આનંદ, સ્વાદ આવે છે, માટે તે રસ કહેવાય છે. પણ અત્યાર સુધી મેં આપની સમક્ષ ભરતને અભિપ્રેત રસનું લક્ષણ, સમજવાની સરળતા ખાતર, આખું મૂક્યું નથી. ફક્ત એમાંથી બે અંશો મૂક્યા છે. એક એ કે રસાનુભવ એ સ્થાયી ભાવનો અનુભવ છે, અને બીજું એ કે તે અનુભવ આસ્વાદ આવે એ રીતે થાય છે. આને સંક્ષેપમાં હું એ રીતે મૂકું છું કે કાવ્ય અથવા કલામાં સ્થાયી ભાવનો આસ્વાદ તે રસાનુભવ- એટલે કે કાવ્ય અથવા કલા જ્યારે કાઈ પણ મુખ્ય લાગણીનો સ્પષ્ટ રીતે અથવા ઉત્કટ રીતે અનુભવ કરાવે ત્યારે તે કાવ્ય રસ ઉત્પન્ન કરે છે એમ કહેવાય. પણ હવે એ પ્રશ્ન થશે કે કાવ્ય અથવા કલામાં મુખ્ય લાગણી અથવા સ્થાયી ભાવનો અનુભવ થવો એટલે શું? વ્યવહારમાં તે તે પ્રસંગો તે તે લાગણીઓ – તે તે ભાવોને આપણામાં ઉત્પન્ન કરે છે તે તેમના સહજ કાર્યકારણના સંબંધબળથી કરે છે. કાવ્યમાં કેવી રીતે સ્થાયી ભાવનો અનુભવ થાય છે? આનો ઉત્તર ભરત એક સૂત્રથી આપે છે. विभावानुभावव्यभिचारिसंयोगाद्रसनिष्पत्ति: આ સૂત્રની ભટ્ટ લોલ્લટથી અભિનવગુપ્ત સુધી અનેક રસજ્ઞ વિવેચકોએ બહુ ઝીણવટથી ચર્ચા કરી છે, અને રસના સંઘટિત અનુભવની વિવિધ બાજુઓ બતાવી છે. હમણાં હું આપની સમક્ષ ભરતના પોતાના પૂર્વાપર ઉલ્લેખોથી એ સૂત્રનો અર્થ મૂકવા પ્રયત્ન કરું છું. વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવોના સંયોગથી રસનિષ્પત્તિ થાય છે એ સૂત્રનો સરળ અર્થ છે. આપ સૌને વિભાવ આદિ શબ્દોના અર્થ જાણીતા છે, પણ સમજવાની સરળતા ખાતર આપની સમક્ષ તે મૂકું છું. ભરત કહે છે: विभावो नाम विज्ञानार्थः વિભાવ એટલે વિશેષરૂપે જાણવું તે; અને પછી વિભાવના પર્યાય તરીકે કારણ, નિમિત્ત, હેતુ એ ત્રણ શબ્દો આપે છે. એટલે કે જે જ્ઞાનનો હેતુ છે તે વિભાવ; એટલે કે તે તે સ્થાયી ભાવના જ્ઞાનનો હેતુ તેને સ્થાયી વિભાવ જેમકે પરચેષ્ટાનું અનુકરણ આદિ હાસ સ્થાયી ભાવનું જ્ઞાન કરાવે છે માટે હાસનો વિભાવ. જે અનુભવ કરાવે છે તે અનુભાવ એટલે કે તે તે સ્થાયી ભાવના પરિણામ અથવા કાર્યરૂપ ચેષ્ટાઓ-જેમ કે ખડખડાટ હસવું તે હાસ સ્થાયી ભાવનો અનુભવ કરાવે છે. અને વ્યભિચારી ભાવ એટલે કે તે તે સ્થાયી ભાવની સાથે જે અનેક ક્ષણાવસ્થાયી ભાવો આવી આવીને મુખ્ય ભાવને પોષીને ચાલ્યા જાય તે. મમ્મટના શબ્દોમાં મૂકીએ તો ‘લોકમાં એટલે કે વ્યવહારમાં રત્યાદિ સ્થાયી ભાવોનાં જે કારણો, કાર્યો અને સહકારીઓ છે તે નાટક અને કાવ્યમાં હોય ત્યારે અનુક્રમે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી કહેવાય છે.’ એટલે કે વ્યવહારમાં જ્યારે કોઈ પણ રતિ, શોક, ક્રોધ આદિ મુખ્ય લાગણી ઉત્પન્ન થાય છે ત્યારે જે સામગ્રી હોય છે તેવી જ સામગ્રી કાવ્ય, નાટકો આદિ કલાઓમાં હોય છે. અને વ્યવહારમાં જેમ તે તે સામગ્રી પૂરતા પ્રમાણમાં ઉપસ્થિત થતાં તે તે લાગણીનો પૂરેપૂરો અનુભવ થાય છે તેમ કાવ્યમાં અને નાટકમાં પણ, ભરત કહે છે, વિભાવ અનુભાવ અને વ્યભિચારીના સંયોગથી રસનિષ્પત્તિ થાય છે. એટલે મહાકાવ્ય અથવા મુક્તકના કવિઓ શબ્દો દ્વારા આ ત્રિવિધ સામગ્રી એકઠી કરે ત્યારે, અને નટો વાચિક આંગિક આદિ અભિનયો દ્વારા આ ત્રિવિધ સામગ્રી એકઠી કરે ત્યારે, રસ નિષ્પત્તિ થાય છે. આવી અનેક વસ્તુઓમાંથી એક સ્વાદવાળો રસ કેવી રીતે ઉત્પન્ન થાય તે સમજાવવા અનેક ચીજો મેળવી તૈયાર કરેલા શરબત કે પીણાનું ભરત દૃષ્ટાંત આપે છે; એ જેવી રીતે આસ્વાદ આપે છે તેવી રીતે જ વિભાવાદિ મળી રસની નિષ્પત્તિ કરે છે. આ સૂત્રમાં જો કે સ્થાયી ભાવ શબ્દ આવતો નથી પણ એના ઉપરના વિવેચનમાં સ્થાયી શબ્દ નાટ્યશાસ્ત્રમાં વાપરેલો છે. यथा हि गुडादिभिर्द्रव्यै-र्व्यंजनौषधिभिश्च षाडवादयो रसा निर्वर्तन्ते तथा नानाभावोपगता अपि स्थायिनो भावा रसत्वमाप्नुवन्ति- જેમ ગોળ વગેરે પદાર્થોથી અને સુરકો બનાવવાની વનસ્પતિઓથી ષાડવ આદિ રસો થાય છે, તેમ વિવિધ ભાવોથી એટલે કે વિભાવાદિથી ઉપગત સ્થાયી ભાવો રસત્વને પામે છે. તાત્પર્ય કે રસનિષ્પત્તિ એટલે કે સ્થાયી ભાવોનો આસ્વાદ વિભાવાદિના સંયોગથી થાય છે. આગળ જતાં સાતમા અધ્યાયમાં ભરત કહે છે કે: एवमेते काव्यरसाभिव्यक्तिहेतव एकोनपं चाशद्भावा: प्रत्यवगन्तव्या:- एभ्यश्च सामान्यगुणयोगेन रसा निष्पद्यन्ते। આ રીતે આઠ સ્થાયી ભાવ, તેત્રીશ વ્યભિચારી ભાવ અને આઠ સાત્ત્વિક ભાવ રસની અભિવ્યક્તિના હેતુઓ સમજવા. આમના સામાન્ય ગુણયોગથી રસો નિષ્પન્ન થાય છે.’ પણ આમ કહેતાં પ્રધાનગૌણનો ભેદ જતો રહે છે. તે જતો ન રહે માટે ભરત આગળ ચર્ચા ઉઠાવે છે કે જો કાવ્યાર્થને આશ્રિત વિભાવ અને અનુભાવથી વ્યંજિત ઓગણપચાશ ભાવોના સામાન્ય ગુણયોગથી રસનિષ્પત્તિ થાય છે તો સ્થાયી ભાવો જ રસત્વને પામે છે એમ શા માટે? ઉત્તરમાં સામાન્ય માણસો અને રાજાઓનું દૃષ્ટાન્ત આપી જણાવે છે કે સ્થાયી ભાવો મુખ્ય છે, અને બીજા તેને આશ્રિત છે. विभावानुभावव्यभिचारिपरिवृत: स्थायीभावो रसनाम लभते। આ કથનો ઉપરથી ભરતનું રસ વિષે આ પ્રમાણે કાંઈક તાત્પર્ય કાઢી શકીએ. રસ એ સ્થાયી ભાવોનો આસ્વાદ છે અને સ્થાયી ભાવોનો આસ્વાદ લેતી વખતે सुमनस: प्रक्षका: हर्षादींश्चाधिगचन्छन्ति સહૃદય પ્રેક્ષકો હર્ષાદિ પામે છે. આનું નામ રસનિષ્પત્તિ. આ રસનિષ્પત્તિ કાવ્ય અને નાટક દ્વારા વિભાવાદિના સંયોગથી થાય છે. એટલે કે કાવ્યો અને બીજી કલાઓ પોતપોતાના ઉપાદાન દ્વારા એવી સામગ્રી રજૂ કરે કે ચિત્તમાં રહેલી મુખ્ય લાગણીઓ સ્પષ્ટ રીતે, ઉત્કટ રીતે સંવેદનમાં આવે, આસ્વાદમાં આવે, ત્યારે તે કાવ્ય અને કલાઓનો અનુભવ રસમય કહેવાય છે, અને કાવ્ય ઉપચારથી રસવાળું અથવા સરસ કહેવાય છે. રસના આ સાદા દેખાતા વર્ણનમાં વિચાર કરતાં ઘણા પ્રશ્નો ઉત્પન્ન થાય છે. ભટ્ટ લોેલ્લટથી શ્રીમાન અભિનવગુપ્ત સુધી ટીકાકારોએ આ પ્રશ્નો ચર્ચી રસાનુભવની વિવિધ બાજુઓ રજૂ કરી છે એ મેં પહેલાં જણાવ્યું, તેમ આજે આપણને પણ જે અનેક પ્રશ્નો ઉત્પન્ન થાય છે, જેવા કે કાવ્ય આનન્દ ઉત્પન્ન કરે છે એ આનન્દનો શો અર્થ? કોઈ પણ લાગણીનો સાક્ષાત્કાર એ શી રીતે આનન્દમય છે? વ્યવહારમાં એમ હમેશાં બનતું નથી. વળી વિભાવાદિથી આપણા ચિત્તમાં શી રીતે સ્થાયી ભાવ આસ્વાદ્ય થાય છે, કઈ માનસિક ક્રિયાથી કવિનાં વર્ણનો ઉપરથી આપણને રસાસ્વાદ થાય છે, અને રતિ આદિ સ્થાયી ભાવોનો આપણે આસ્વાદ કરીએ છીએ એટલે શું, તે સમયે ચિત્તમાં શું થાય છે, ઇત્યાદિ પ્રશ્નોનો પણ કેટલેક અંશે ઉત્તર મળે છે. આજે આપણી પાસે ભટ્ટ લોલ્લટ આદિના ગ્રંથો નથી પણ અભિનવગુપ્તે પૂર્વપક્ષરૂપે એ બધાનાં મન્તવ્યો નાટ્યશાસ્ત્રની ટીકામાં તથા ધ્વન્યાલોકની ટીકામાં આપ્યાં છે. આ બધા ઉપરથી ભટ્ટ લોલ્લટ આદિ સંબંધે વિચારો બાંધવા તે અયોગ્ય ગણાય. પણ તે પૂર્વપક્ષમાંથી કેટલાક પ્રશ્નો ઉત્પન્ન થાય છે તે વિચારવા જેવા છે. આમાંથી થોડાક પ્રશ્નો લઈએ. આપણે પહેલાં જોયું કે વ્યવહારમાં અમુક બનાવો આપણામાં અમુક લાગણીઓ ઉત્પન્ન કરે છે; આ લાગણીઓ ઉત્પન્ન થતાં આપણામાં અમુક બાહ્ય વિકારો થાય છે; અને અમુક મુખ્ય લાગણી સાથે બીજી અનેક નાની મોટી લાગણીઓ અનુભવમાં આવી ચાલી જાય છે. વ્યવહારની આ સ્થિતિના અનુભવનો જ કાવ્ય અથવા કલા ઉપયોગ કરે છે, પણ પ્રશ્ન એ છે કે વ્યવહારમાં આપણી લાગણીઓ અને તેના ઉત્પન્ન કરનારમાં કાર્યકારણનો સંબંધ છે તેમ જ એ લાગણીઓથી થતા વિકારો વચ્ચે પણ તેવો જ સંબંધ છે. આ કાર્યકારણના બળથી વ્યવહારમાં આપણે લાગણીઓ અનુભવીએ છીએ. હવે કાવ્ય અથવા કલામાં આપણને કયા સંબંધબળથી લાગણીઓનો અનુભવ થાય છે, અને આ અનુભવ હમેશાં આનન્દમય શાથી છે? ભરતે ઉત્તર આપ્યો કે વિભાવાદિના સંયોગથી સ્થાયીભાવનો આસ્વાદ થાય છે, એટલે કે રસનિષ્પત્તિ થાય છે. કાવ્યાદિના સેવનથી આ અનુભવ થાય છે, એટલું જ એનાથી આપણે સમજી શકીએ છીએ. પણ એ શી રીતે થાય છે તે વિષે ભરતમાંથી આપણને બહુ જાણવા મળતું નથી. કાવ્યાદિના સેવનથી રસાસ્વાદનો અનુભવ થાય છે, તેમાં એક બાબત તો સ્પષ્ટ રીતે સમજાય છે કે લાગણીનો નામનિર્દેશ કરવાથી એટલે કે આ રતિ છે, કે આ ક્રોધ છે એમ કહેવાથી આપણામાં તે તે લાગણીનો અનુભવ થતો નથી. અભિનવગુપ્ત કહે છે તે પ્રમાણે લાગણીનો અનુભવ પોતે સીધી રીતે શબ્દથી થતો નથી. વ્યવહારમાં જેમ અમુક બનાવ બનતાં શોક આદિ લાગણીનો અનુભવ બીજાને કેવળ વાણી દ્વારા જણાવી શકતો નથી તેમ કાવ્યમાં પણ ન બની શકે. વ્યવહારમાં પૂર્વે કહ્યું તેમ સાક્ષાત્ કાર્યકારણનો સંબંધ આ અનુભવ કરાવી શકે છે. તેમ શબ્દાર્થમય કાવ્ય કયા સંબંધથી રસાનુભવ કરાવી શકે છે એ ગવેષણાનો વિષય બને છે; અને સાથે જ સ્થાયી ભાવનો અનુભવ કોના વિષે કલ્પવો એ પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે. ઉદાહરણ તરીકે શાકુન્તલ નાટક લઈએ. એમાં દુષ્યન્ત અને શકુન્તલામાં પરસ્પર રતિ થતી દેખાય છે. આને આપણે જોઈએ છીએ અથવા વાંચીએ છીએ ત્યારે આપણને આનન્દ થાય છે. આપણે કહીશું કે શાકુન્તલ શૃંગારરસપ્રધાન નાટક છે. શાથી? કારણ કે એ નાટકમાં આપણને શૃંગારરસનો અનુભવ થાય છે. આનો શો અર્થ? તો ભટ્ટ લોલ્લટ કહે છે કે રસ તે મુખ્યપણે દુષ્યન્ત-શકુન્તલાને થાય છે, એટલે કે રતિના સ્થાયી ભાવનો અનુભવ તેમનામાં ઉત્પન્ન થાય છે. જેમ વ્યવહારમાં સુંદર સ્ત્રીપુરુષ, યોગ્યતા હોય તો, એકબીજામાં આકર્ષણ ઉત્પન્ન કરે છે તેમ નાટકમાં દુષ્યન્ત-શકુન્તલા એકબીજામાં આકર્ષણ ઉત્પન્ન કરે છે. એટલે પરસ્પર રતિનો સ્થાયીભાવ દુષ્યન્ત – શકુન્તલા ઉત્પન્ન કરે છે, માટે તે પરસ્પરના વિભાવ છે; કારણ દુષ્યન્તને શકુન્તલાનું જ્ઞાન થતાં અને શકુન્તલાને દુષ્યન્તનું જ્ઞાન થતાં એકબીજા વચ્ચે રતિ ઉત્પન્ન થયા પછી દુષ્યન્તનું અમુક જાતનું વર્તન, ઉદાહરણ તરીકે શકુન્તલા ઊઠે છે ત્યારે તેના મનને તેની પછવાડે જવાની ઇચ્છા થાય છે ઇત્યાદિ, અથવા શકુન્તલા કાંટો વાગ્યો કે ડાળમાં વલ્કલ ભરાઈ ગયું એ બ્હાને દુષ્યન્ત તરફ વળી જુએ છે એ, અનુભાવ થયો; કારણ કે તે ચેષ્ટાઓ તેમનામાં રતિભાવ પેદા થયો છે તેનો અનુભવ કરાવે છે, એટલે કે પ્રતીતિ કરાવે છે. આ પછી એમને હર્ષગ્લાનિ આદિ થાય છે અને એ બધા વ્યભિચારી ભાવો તેમની રતિને પુષ્ટ કરે છે. એ રીતે પ્રથમ ત્રણ અંકમાં તેઓ રતિભાવનો પુષ્ટ સ્વરૂપમાં આસ્વાદ લે છે, એટલે કે તે શૃંગારરસનો અનુભવ કરે છે. આ રીતે મુખ્ય વૃત્તિથી દુષ્યન્ત – શકુન્તલામાં વિભાવાદિથી રતિ સ્થાયી ભાવનો આસ્વાદ ઉત્પન્ન થાય છે; અને નટો તેમને રૂપિત કરતા હોવાથી અનુસંધાનના બળથી નટોમાં એ રસ દેખાય છે. સામાજિક અથવા ભાવકને, દુષ્યન્ત – શકુન્તલાને અથવા તેમની ભૂમિકાવાળા નટોને આમ થાય છે એટલે પ્રતીતિ થાય છે; અને એમાંથી એને આનંદ આવે છે. આ ભટ્ટ લોલ્લટનો ઉત્પત્તિ અને પ્રતીતિવાદ. હેમચંદ્ર કાવ્યાનુશાસનના વિવેકમાં અભિનવગુપ્તની ટીકાનું અવતરણ આપતાં આ મતનો સાર આ રીતે મૂકે છે. આ ઉત્પત્તિ અને પ્રતીતિવાદનો શ્રી શંકુક વિરોધ કરે છે. દુષ્યન્ત - શકુન્તલાને થતા રતિના આસ્વાદની પ્રતીતિથી સામાજિકને શી રીતે આનન્દ થાય? એમને શી રીતે રસનિષ્પત્તિ થાય? વળી વ્યવહારની જેમ કાવ્યાદિમાં વિભાવાદિ અને સ્થાયી ભાવ વચ્ચે કારણકાર્યનો સંબંધ માનવામાં આવે તો જેમ વ્યવહારમાં કાર્ય ઉત્પન્ન થયા પછી કારણ ન હોય તો પણ કાર્ય ટકી શકે છે, એમ વિભાવાદિ ન હોય તો પણ સ્થાયી ભાવની પ્રતીતિ થવી જોઈએ. પણ એમ બનતું નથી, વિભાવાદિ હોય એટલો વખત જ સ્થાયી ભાવનો અનુભવ રહે છે, તે જતો રહેતાં સ્થાયી ભાવનો અનુભવ પણ જતો રહે છે. માટે લૌકિક કાર્યકારણ સંબંધ અહીં ઘટી શકે નહિ. શ્રી શંકુકનો પોતાનો મત એવો છે કે રસ ઉત્પત્તિરૂપ નથી, પણ અનુકરણરૂપ છે. એટલે કે તે મૂળ પ્રકૃતિ દુષ્યન્તાદિમાં જે સ્થાયી ભાવ હોય તેનું અનુકરણ નટ કરે છે; અને તેથી નટમાં અનુકરણરૂપ રસ છે. નટો કૃત્રિમ વિભાવાદિ વડે મૂલ પ્રકૃતિ દુષ્યન્તાદિના સ્થાયી ભાવનું અનુકરણ કરે છે. આ વિભાવો જો કે કૃત્રિમ છે તો પણ કાવ્યના બળથી અને નટની પોતાની કળાથી તે કૃત્રિમ લાગતા નથી; અને નટોની અંદર આપણે વિભાવાદિનો સંયોગ જોઈએ છીએ તેથી લિંગબળથી, એટલે કે જ્યાં આવા વિભાવાદિ હોય ત્યાં આવો રસ હોય એવા લિંગબળથી, આપણે નટને વિષે રસનું અનુમાન કરીએ છીએ; એટલે કે વિભાવાદિના સંયોગ એ અવગમક અને રસનિષ્પત્તિ એ અવગમ્ય છે; અને રસનિષ્પત્તિનો અર્થ રસની અનુમિતિ છે, પણ અહીંયાં શંકા થાય કે બીજાં અનુમાનોમાં વાસ્તવિક રીતે એક સ્થાને ધૂમ જોઈએ તા ત્યાં અગ્નિનું અનુમાન કરીએ છીએ, તો શું અહીંયાં આપણે નટોમાં જે વિભાવાદિનો સંયોગ જોઈએ છીએ તેને વાસ્તવિક માનવો; એટલે કે તેઓને દુષ્યન્ત-શકુન્તલા માનવાં? તેઓ જ્યારે પોતાને હર્ષ શોક થાય છે એમ કહે છે ત્યારે એમને એમ ખરેખર થાય છે એમ માનવું? અને એમ જો ન માનીએ તો લિંગની અવાસ્તવિકતાથી અનુમાન કેવી રીતે થાય? આના ઉત્તરમાં શ્રી શંકુક કહે છે કે એમ માનવાની જરૂર નથી. નટ એ દુષ્યન્ત છે કે નહિ, તે સુખી છે કે નહિ; અથવા એના જેવો છે એ જાતનું અહીંયાં જ્ઞાન જ થતું નથી; એટલે કે નટને દુષ્યન્તાદિ માનવાની ચિતવૃત્તિ સમ્યક્, મિથ્યા, સંશય, કે સાદૃશ્ય જ્ઞાનરૂપ નથી. પણ ચિત્રના ઘોડાને જેમ ઘોડો માનીએ છીએ તે ન્યાયે નટોને રામસીતાદિ માનવાનાં છે; અને એ જે કાંઈ કહે છે, કરે છે તે બધું પણ એ ન્યાયે સ્વીકારી લેવાનું છે. આજના શબ્દોમાં કહીએ તો એ કાલ્પનિક સ્થિતિને સાચી માની લઈ તેમના વિષે આપણે રસનું અનુમાન કરવાનું છે. આ અનુમાન કરવામાં સામાજિક કે ભાવકને શી રીતે આનન્દ આવે? તે હેમચન્દ્ર અભિનવની ટીકાના આ ભાગને મૂળ કરતાં વધારે સ્પષ્ટ કરતાં કહે છે કે જેમ બીજાને કોઈક સુંદર ફળ ચાવતો જોઈ તે અમુક ફળ ખાય છે એવું અનુમાન કરતાં જેમ આપણા મોઢામાં પાણી વળે છે, તેમ વસ્તુના સૌન્દના બળથી નટ વિષે અનુમાન કરતાં સામાજિકોને આસ્વાદ આવે છે. સંક્ષપમાં, ચિત્રતુરગન્યાયથી નટાને વિષે વાસ્તવિકતા કલ્પી લઈ તેઓમાં અમુક રસ થયો એવું આનન્દદાયક સામાજિકોને અનુમાન થાય છે. આથી શ્રી શંકુકનું એવું તાત્પર્ય થયું કે રતિ સ્થાયી ભાવનું અનુકરણ તે શૃંગાર, ઉત્સાહનું અનુકરણ તે વીર, ઇત્યાદિ. શ્રી શંકુકના આ અનુકૃતિ અને અનુમિતિવાદનું ભટ્ટ તોત જેને અભિનવગુપ્ત ‘ઉપાધ્યાય’ કહે છે તે ખંડન કરે છે. રસ કે સ્થાયી ભાવની અનુકૃતિ છે એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે પ્રશ્ન થાય છે કે નટમાં એવું શું જોઈએ છીએ કે જેથી એને રત્યાદિ સ્થાયી ભાવની અનુકૃતિ કહીએ? નટનું શરીર, તેનો વેશ, તેના અભિનયો આદિ કાંઈ રત્યાદિનું અનુકરણ નથી; કારણ કે તે બધું જડ છે જ્યારે રત્યાદિ ચિત્તવૃત્તિરૂપ છે, તે બધું ચક્ષુગ્રાહ્ય છે જ્યારે ચિત્તવૃત્તિરૂપ રત્યાદિ મનોગ્રાહ્ય છે, અભિનયો આદિ નટના છે, જ્યારે રત્યાદિ બીજા કોઈના છે. આથી નટમાં કાંઈ એવું દેખાતું નથી કે જેથી તેના વિષે સ્થાયી ભાવના અનુકરણનું અનુમાન કરી શકાય. વળી જોે એ દુષ્યન્તાદિ બીજી વ્યક્તિઓના સ્થાયી ભાવનું અનુકરણ કરે છે, તો પ્રશ્ન થશે કે એમના સ્થાયી ભાવનું એને (અથવા એના કવિને) ક્યાંથી જ્ઞાન થયું કે જેથી તે તેનું અનુકરણ કરે? હવે જો એમ માનીએ કે નટ પોતાની ચિત્તવૃત્તિનું અનુકરણ કરે છે અને તે ઉપરથી આપણે રત્યાદિ સ્થાયી ભાવોનું અનુમાન કરવાનું છે તો પછી અનુકરણ ક્યાં રહ્યું? એના અનુભાવો ઉપરથી એના રત્યાદિ સ્થાયી ભાવોનું અનુમાન થયું, નહિ કે રત્યાદિ સ્થાયી ભાવોના અનુકરણનું અનુમાન થયું, અને જો એમ કહેવામાં આવે કે નટોના વિભાવાદિ એમના વાસ્તવિક નથી પણ તેમના અનુકાર્યના છે, તો પછી નટો માટે એ વિભાવાદિ કૃત્રિમ થયા; અને કૃત્રિમ તરીકે વિચક્ષણ સામાજિકો એને સમજે એટલે નટના વિષે રત્યાદિનું અનુમાન શી રીતે કરે? અને મૂઢ લોકો જે કૃત્રિમને સાચા માની લે તેમને તો ખરેખર નટના પાતાના રત્યાદિના જ સૂચક લાગે. વળી અનુમિતિથી આનન્દ આવે નહિ, પ્રત્યક્ષ અનુભવથી જ આનન્દ આવે, આસ્વાદ આવે, એ લોકપ્રસિદ્ધિનો પણ વિરોધ થાય છે. ભટ્ટ તોત અભિનવગુપ્તના ગુરુ હોઈ તેમણે તેમનો મત આપ્યો નથી, કદાચિત્ તોતનો મત જ પોતાનો હશે એટલે નહિ આપ્યો હોય. ભટ્ટ નાયક કહે છે રસ પ્રતીત પણ થતો નથી, ઉત્પન્ન પણ થતો નથી અને અભિવ્યક્ત પણ થતો નથી; પણ રસનો ભોગ થાય છે. એટલે કે રસનિષ્પત્તિનો અર્થ રસનો ભોગ છે. રસ જો પ્રતીત થાય તો કાં તો પ્રેક્ષકને પોતાને ઉદ્દેશીને થાય અથવા નટ આદિ બીજાને ઉદ્દેશીને થાય. પોતા માટે તે હોઈ શકે નહિ, કારણ કોઈ પણ પ્રેક્ષક સીતા કે શકુન્તલા આદિને પોતાના સ્થાયી ભાવના વિભાવ તરીકે ગણી શકે નહિ, તેમજ શબ્દપ્રમાણ કે અનુમાનથી પણ રસની પ્રતીતિ કરી શકે નહિ. જેમ વ્યવહારમાં પ્રત્યક્ષ કોઈ દમ્પતીને ક્રીડા કરતાં જોઈ માણસને તેના સંસ્કાર પ્રમાણે લજ્જા, જુગુપ્સા કે સ્પૃહા થાય, તેમ શબ્દ કે અનુમાનથી પણ જ્ઞાન કરવા જતાં થાય. હવે જો બીજાને ઉદ્દેશીને પ્રતીતિ થાય તો પ્રેક્ષક તટસ્થ રહે. નટાદિને શંૃગારાદિની પ્રતીતિ થાય તેમાં પ્રેક્ષકને શું? માટે અનુભવ સ્મૃતિ આદિની જેમ રસની પ્રતીતિ માનવી યોગ્ય નથી. ઉત્પત્તિ અને અભિવ્યક્તિને થોડા ફેરફાર સાથે એના એ દોષો લાગશે. આથી ભટ્ટ નાયક રસનિષ્પત્તિની જુદી પ્રક્રિયા કલ્પે છે. ‘ધ્વન્યાલોક’ના લોચનમાં અભિનવગુપ્ત કહે છે તે પ્રમાણે ભટ્ટ નાયક રસનિષ્પત્તિ માટે ત્રણ સ્થિતિ સ્વીકારે છે. ‘કાવ્યમય શબ્દના ત્રણ અંશ છે. પ્રથમ અભિધાયકત્વ. આનાથી કાવ્યશબ્દનો અર્થ સમજાય છે. બીજો ભાવકત્વ. કાવ્યનો આ ભાવકત્વવ્યાપાર વિભાવાદિને સાધારણ બનાવે છે, એટલે કે દુષ્યન્તાદિની રતિ તે રતિત્વ સામાન્ય બની જાય છે. આમ થતાં ચિત્ત સ્થાયીથી ભાવિત એટલે કે વ્યાપ્ત થાય છે અને આ રીતે સ્થાયી ભાવિત થતાં તેનો ભોગ અથવા આસ્વાદ થાય છે. આ ભોગનો અંશ તે કાવ્યશબ્દનો ત્રીજો અંશ. આ ત્રીજા અંશમાં આનન્દનો સાક્ષાત્કાર થાય છે. ભટ્ટ નાયક કહે છે કે ‘કાવ્યમાં દોષોના અભાવથી અને ગુણ અને અલંકારના સદ્ભાવથી અને નાટકમાં ચતુર્વિધ અભિનયથી નિબિડ મોહને દૂર કરી નાખે એવા અભિધાથી બીજા અંશરૂપ ભાવકત્વવ્યાપારથી વ્યાપ્ત થતો રસ ભોગ વડે ભોગવાય છે. આ ભોગવ્યાપાર ચિત્તના બીજા વ્યાપાર, જેવા કે અનુભવ, સ્મૃતિ, આદિથી વિલક્ષણ છે, તે સત્ત્વની અતિશયતાથી પ્રકાશ આનન્દમય નિજ સંવિત્ જેવો છે, અને છતાં રજસ્ અને તમસ્ હોવાથી કાં તો દ્રવરૂપ, કાં તો વિસ્તારરૂપ, કાં તો વિકાસરૂપ બને છે; અને એ ભોગમાં જે આસ્વાદ આવે છે તે યોગીઓને જે પરબ્રહ્મનો આસ્વાદ આવે છે તેના જેવા છે.’ ભટ્ટ નાયકની આ પ્રક્રિયા સામે શ્રીમાન અભિનવગુપ્તાચાર્ય વાંધો લે છે. તેમનું કહેવું એમ છે કે જે આ ત્રણ વ્યાપાર કલ્પ્યા છે અને છેવટનાને બધાં જ્ઞાનથી તદ્દન વિલક્ષણ માની ભોગ સંજ્ઞા આપી છે તેનો કાંઈ અર્થ નથી. તેઓ કહે છે: ‘પ્રતીત્યાદિથી ભિન્ન સંસારમાં ભોગ શું છે તે અમે જાણતા નથી. જો એ ભોગને ‘રસના’ એવું નામ આપો તો તે પણ પ્રતિપત્તિ જ છે! એટલે કે એક જાતની પ્રતીતિ છે; ફ્ક્ત એ જાતની પ્રતિપત્તિના ઉપાય સાધારણ ઉપાયો કરતાં જુદા છે, માટે ભલે એને નામાન્તર આપવું હોય તો આપો. બાકી ભોગ એ પણ એક જાતની પ્રતીતિ છે. અને નિષ્પત્તિ અને અભિવ્યક્તિ બન્નેનો ત્યાગ કરશો તો કાં તો રસ નિત્ય વિદ્યમાન માનવો પડશે અને કાં તો રસનો અભાવ માનવો પડશે, અને જે વસ્તુ અપ્રતીત છે તે વ્યવહારયોગ્ય નથી. અને જો એમ કહેશો કે રસની પ્રતીતિ તેનું ભોગીકરણ છે. અને તે દ્રુત્યાદિસ્વરૂપ છે તો ભલે તે એમ હોય. પણ શા માટે દ્રુતિ, વિસ્તાર, અને વિકાસ એ ત્રણ જ એનાં સ્વરૂપો; જેટલા રસ છે તેટલી તેમની રસાત્મક પ્રતીતિઓ ભોગીકરણ સ્વભાવવાળી કલ્પવી જોઈએ, ઇત્યાદિ.’ આ પ્રમાણે ભટ્ટ નાયકની પ્રક્રિયાનો ત્યાગ કરી અભિનવગુપ્ત વિસ્તારથી પોતાનો મત આપે છે. અભિનવગુપ્તાચાર્યનો મત ‘ધ્વન્યાલોક’ ઉપરની ટીકામાંથી તથા નાટ્યશાસ્ત્રની ટીકામાંથી મળે છે. અભિનવગુપ્ત કહે છે કે રસ એ કાવ્યનો અર્થ છે. હવે કાવ્યના શબ્દોના તથા નટના અભિનયોના સીધા વિષય વિભાગ, અનુભાવ તે વ્યભિચારી ભાવ છે. આ તેમના વાચ્યાર્થ છે. આ વાચ્યાર્થ સમજાયા પછી વ્યંજનાના બળથી વ્યંગ્યાર્થ સમજાય છે. આ વ્યંગ્યાર્થ પણ કાવ્યશબ્દનો જ છે. આ કાવ્યના વ્યંગ્યાર્થથી સ્થાયી ભાવની પ્રતીતિ થાય છે અને એ પ્રતીતિની ચર્વણા થતાં રસાસ્વાદ આવે છે. આ રીતે રસ એ કાવ્યાર્થ છે; એટલે કે કાવ્યનું સેવન સાક્ષાત રીતે રસમાં પર્યવસાન પામે છે. હવે આ રસ કેવી રીતે થાય છે તે જોઈએ. સૌથી પ્રથમ એ ધ્યાનમાં રાખવાનું છે કે દરેક માણસને રસનો અનુભવ થતો નથી. તેને માટે જ્ઞાનની યોગ્યતા તથા વાસના જોઈએ છે. अधिकारीचात्र विमलप्रतिभानशालिहृदय:। મીમાંસકો અને વૈયાકરણોમાં આવી વાસનાનો અભાવ માનેલો હોવાથી તેમને રસનો અનુભવ થતો નથી એમ ઉપહાસ કરેલો છે. સહૃદયમાં આ યોગ્યતા હોય છે. સહૃદયને લૌકિક કારણો, કાર્યો તથા સહકારીથી જે સ્થાયી ભાવ પેદા થાય છે તેનો ઘણો અનુભવ હોય છે. એટલો બધો અનુભવ હોય છે કે તેને જોતાંની સાથે સ્થાયી ભાવનું અનુમાન કરી લે છે, એટલે કે તે સ્થાયી ભાવના અનુમાનમાં પટુ હોય છે. આ પટુતા તેને કાવ્યાર્થમાં આવતા વિભાવાદિ ઉપરથી એકદમ તે તે સ્થાયી ભાવનું અનુમાન કરી લેવામાં મદદ કરે છે. ખરી રીતે જોતાં કાવ્યાદિમાં જ્યારે સ્થાયી ભાવનું ભાન થાય છે ત્યારે એમાં વ્યવહારનું વાસ્તવિક લિંગના જ્ઞાન ઉપર આધાર રાખતું વાસ્તવિક અનુમાન નથી. ફક્ત એ માનસિક ક્રિયા અનુમાનને મળતી છે એમ માનવાનું છે. ભાવાર્થ એટલો છે કે વ્યવહારમાં એ પ્રમાણે અનુમાન કરવા ટેવાયેલો સહૃદય ભાવક કાવ્યમાં એ સ્થાયી ભાવો કલ્પી લે છે કાવ્યમાં વર્ણન પામેલી તે તે વસ્તુઓ પોતાના સૌંદર્યબળથી ચિત્તને રંગી દે છે, અને તેથી જ તેમને કાવ્યમાં લૌકિક કારણકાર્યાદિની સંજ્ઞા ન આપતાં વિભાવાદિની સંજ્ઞા આપવામાં આવે છે. આ રીતે વિભાવાદિથી સ્થાયી ભાવનું ભાન થતાં તેમાં સ્થાયી ભાવનું જ પ્રધાન પદ રહે છે, વિભાવ-અનુભાવ અને વ્યભિચારીનું ભાન ગૌણ રૂપે રહે છે. આ રીતે તે બધા એટલે કે વિભાવ, અનુભાવ, વ્યભિચારી તથા સ્થાયી બધા મળીને સામાજિકની બુદ્ધિમાં સંયોગ પામે છે, એટલે કે સમ્યગ્ યોગ અથવા સંબંધ અથવા ઐકાર્ગ્ર્ય પામે છે. આ રીતે ચારે સંયોગો પામી રસને અલૌકિક નિર્વિઘ્ન સંવેદનરૂપ ચર્વણાનો વિષય બનાવે છે. આ રસ એ કોઈ સિદ્ધસ્વભાવ વસ્તુ નથી, પણ ચર્વ્યમાણ થવાપણામાં જ રસનું રસત્વ છે. તે તાત્કાલિક એટલે કે ચર્વણા ચાલે એટલા કાળ સુધી ચાલે છે, ચર્વણાના કાળથી વધારે કાળનું અવલંબન કરી શકતો નથી. અને આ રીતે રસ એ સ્થાયી ભાવથી વિલક્ષણ છે. રસ એ વ્યવહારના સ્થાયી ભાવના અનુભવથી જુદી જાતનો અનુભવ છે એમાં અભિનવગુપ્તના મતની નવીનતા રહેલી છે. શંકુકાદિની જેમ, વિભાવાદિથી પ્રતીત થતા સ્થાયી ભાવનો આસ્વાદ આવતો હોવાથી સ્થાયી ભાવ જ રસ છે એમ એમનું માનવું નથી. સ્થાયીની પ્રતીતિ પહેલી થાય છે, નહિ કે રસની, ફક્ત અમુક ઔચિત્યથી જ એમ કહ્યું છે કે સ્થાયી રસ છે; અને તે ઔચિત્ય એ જાતનું છે કે એ સ્થાયીનાં જે કારણાદિ તરીકે પ્રસિદ્ધ છે તે વિભાવાદિ તરીકે ચર્વણમાં ઉપયોગી થાય છે. લૌકિક ચિત્તવૃત્તિના અનુમાનમાં શી રસતા હોય? માટે રસાસ્વાદ અલૌકિક ચમત્કારાત્મક છે અને સ્મૃતિ-અનુમાનાદિ લૌકિક સંવેદનથી જુદા પ્રકારનો છે. તે આ રીતે: लौकिकैनानुमानेन संस्कृत: प्रमदादिनं ता’स्थ्येन प्रतिपद्यते, अपि तु हृदयंसंवादात्मकसहृदयत्वचालात् पूर्णीभविष्यद्रसास्वादांकुरीभावेन अनुमानस्मृत्यादिसोपानमनारुह्यैव तन्मयीभावो िात ार्वणाप्राणतया- લૌકિક અનુમાનના સંસ્કારવાળા તાટસ્થ્યથી પ્રમાદાદિની પ્રતિપત્તિ કરતો નથી, પણ હૃદયસંવાદરૂપ સહૃદયત્વના બળથી પૂર્ણ થનાર રસાસ્વાદના અંકુરરૂપે, અનુમાન-સ્મૃતિ આદિ પગથિયા ઉપર ચડ્યા વિના જ તન્મય થવારૂપ ઉચિત ચર્વણના પ્રાણ તરીકે પ્રતિપત્તિ કરે છે. આ ચર્વણા સ્મૃતિ ન હોઈ શકે, તેમ જ લૌકિક પ્રત્યયાદિ પ્રમાણ પણ ન હોઈ શકે. પણ अलौकिकभावादिसंयोग ालोपनीतैवेयंचर्वणा - આ ચર્વણા અલૌકિક વિભાવાદિના સંયોગબળથી નિષ્પન્ન થએલી છે. અને આથી તે પ્રત્યક્ષ અનુમાનાદિ લૌકિક પ્રમાણોથી ઉત્પન્ન થતા રતિ આદિના બોધથી વધી જાય છે. એટલું જ નહિ પણ સાધારણ અને અસાધારણ યોગીઓના આનન્દૈરઘનાનુભવથી પણ ચડી જાય છે: કારણ કે એ બધામાં અનેક કારણોથી સૌન્દર્યનો વિરહ એટલે અભાવ છે: सौन्दर्यविरहात्. આ ચર્વણમાં વિભાવાદિના સાધારણ્યના બળથી પોતાની રત્યાદિની ઉચિત વાસના જાગતાં તેના આવેશથી કાઈ વિઘ્નો જાગતાં નથી. આ રીતે વિભાવાદિ નથી રસની નિષ્પત્તિ એટલે કે ઉત્પત્તિના હેતુ, કે નથી તેની જ્ઞપ્તિના હેતુ, કારણ કે જ્ઞપ્તિહેતુ સિદ્ધ વસ્તુનું જ્ઞાન કરાવે છે; જ્યારે રસ કોઈ સિદ્ધભૂત પ્રમેય નથી, પણ એ વિભાવાદિમય છે. આ ચર્વણોપયોગી વિભાવાદિ વ્યવહાર અલૌકિક છે, અને બીજે ક્યાંઈ આવો વ્યવહાર નથી એ તેનું દૂષણ નથી પણ ભૂષણ છે; જેમ શરબતનો સ્વાદ તેના કોઈ ઘટક દ્રવ્યમાં હોતો નથી તેમ આમાં પણ છે. સૂત્રમાં જે નિષ્પત્તિ કહી છે તે રસની નહિ પણ ચર્વણાની સમજવાની છે; અને એ ચર્વણાની નિષ્પત્તિથી રસની નિષ્પત્તિ થાય છે એ રીતે રસની નિષ્પત્તિ સમજો તો વાંધો નથી. આ રસના અથવા ચર્વણા એ પ્રમાણવ્યાપાર નથી, તેમ કારક વ્યાપાર પણ નથી, આથી તે કાંઈ અપ્રામાણિક ઠરતી નથી; કારણ કે તે સ્વસંવેદનસિદ્ધ છે; આથી તે બોધ જ્ઞાનરૂપ છે. ફક્ત બીજા લૌકિક જ્ઞાનોનાં ઉપાયોથી જેમ વિભાવાદિ વિલક્ષણ છે તેમ વિભાવાદિથી નિષ્પન્ન થતી રસના પણ વિલક્ષણ છે. तेन विभावादि संयोगाद्रसना यतो निष्पद्यते, ततस्तथाविधरसनागोचरो लोकोत्तरोटर्ळ्थो रस: – એ સૂત્રનું તાત્પર્ય છે. અભિનવગુપ્તના રસવિચારમાં હજી બે બાબતો સમજવાની રહે છે. પ્રથમ તો એ કે દુષ્યન્ત-શકુન્તલાની રતિરૂપે જે ભાસે છે તેની સામાજિકની પ્રતીતિ કેવા સ્વરૂપની છે અને તેની ચર્વણા શી રીતે આનન્દમય છે? અભિનવગુપ્ત કહે છે વિભાવાદિના પરિશીલનથી, કાવ્યના સૌન્દર્ય-બળથી અને સહૃદયની યોગ્યતાથી સ્થાયી ભાવ સાધારણીકૃત થાય છે. ભટ્ટ નાયકે કાવ્યશબ્દનો ભાવનાત્મક જે વ્યાપાર માન્યો છે તેથી દુષ્યન્ત-શકુન્તલાની રતિ તેમની રતિ તરીકે નહિ પણ રતિત્વના સામાન્યરૂપે ભાસે છે. એ જ મત અભિનવગુપ્તને બરાબર ઇષ્ટ છે કે નહિ તે સ્પષ્ટ થતું નથી. પણ અભિનવગુપ્ત એ શબ્દ વાપરે છે અને તેનો અર્થ એ રીતે સ્પષ્ટ કરે છે કે સ્થાયી ભાવ પોતાનો કે બીજાનો કે અમુક કોઈ એક વ્યક્તિના તરીકે નથી ભાસતો, એટલું જ નહિ પણ વિભાવાદિના અર્થમાં આવતા દેશકાલના ઉલ્લેખો પણ ગલિત થઈ જાય છે, અને એ રીતે દેશકાલ તથા અમુક વ્યક્તિના બંધન સિવાય અમર્યાદિત — અબાધિત રૂપે સ્ફુરે છે. આ રીતે સ્ફુરવું તે રસનો એક આવશ્યક અંશ છે. ઉદાહરણ તરીકે અભિનવગુપ્ત કાલિદાસના શાકુન્તલમાંથી ग्रीवाभंगाभिरामम्Ãનો શ્લોક તથા ‘કુમારસંભવ’ના બે શ્લોકો લે છે. આમાંના પહેલા શ્લોકથી કેવી રીતે રસ થાય છે તેની પ્રક્રિયા તેઓ સમજાવે છે. ग्रीवाभंगाभिरामम्Ã એ શ્લોકનો અર્ત સમજાઈ રહ્યા પછી મનમાં આખી એક પ્રતીતિનો સાક્ષાત્કાર થાય છે. એ માનસી પ્રતીતિમાં મૃગગત ભયનું આપણને ભાન થાય છે. પણ આ માનસી પ્રતીતિના મૃગ કાઈ મૃગવિશેષ નથી, અને તેથી તે બ્હીનેલો છે એ અર્થમાં જે ત્રાસ છે તે અમુક દેશકાલમાં રહેલી મૃગવ્યક્તિનો ત્રાસ છે એમ નહિ પણ દેશકાલાદિથી અમર્યાદિત ભયરૂપે ભાસે છે. આ ભયનું ભાન ‘આ બ્હીનેલો છે, કે શત્રુ, મિત્ર અથવા તટસ્થ બ્હીનેલો છે’ ઇત્યાદિ પ્રતીતિઓ કરતાં, જુદું છે. આ પ્રતીતિઓમાં અંગત દુ:ખ, સુખથી ઉત્પન્ન થતી સ્વીકાર, ત્યાગ, આદિરૂપ બુદ્ધિનાં વિઘ્નો હોય છે; જ્યારે આ કાવ્યથી ઉત્પન્ન થતી ભયની પ્રતીતિમાં આવું કોઈ વિઘ્ન હોતું નથી; અને તેથી આ નિર્વિઘ્ન પ્રતીતિથી જાણે સાક્ષાત્ હૃદયમાં ભોગવાતો – પ્રવેશ કરતો, આંખો આગળ સ્ફુરતો ભયાનક રસ ગ્રહણ કરાય છે. આ ક્રિયાને અભિનવગુપ્ત સાધારણીકરણ કહે છે. આ જાતની પ્રતીતિમાં પોતાની જાત છુપાઈ જતી નથી તેમ જ વિશેષ રૂપે ઉલ્લિખિત પણ થતી નથી, તેમ બીજા વિશે છે, આથી આ સાધારણ્ય પરિમિત નથી પણ વિતત-વિસ્તૃત-વ્યાપક છે; તેને તેઓ ધૂમાગ્નિના વ્યાપ્તિગ્રહ જોડે સરખાવે છે. એ સંબંધ જેમ દેશકાલ અને વ્યક્તિથી અમર્યાદિત રીતે સૌથી ગ્રહણ કરાય છે તેમ આ મૃગગત ભયનું સાધારણ સ્વરૂપ યોગ્ય સહૃદયોથી ગ્રહણ કરાય છે. બન્નેનો તફાવત અહીંયાં અભિનવગુપ્તે બતાવ્યો નથી, પણ એ કહેવું જોઈએ કે આ સાધારણ્યનો અનુભવ સાક્ષાત્કારરૂપ છે, જ્યારે વ્યાપ્તિગ્રહ પરોક્ષ જ્ઞાન છે. નટ આદિ જે સામગ્રી હોય છે તે આ સાક્ષાત્કારને પોષવા માટે છે; જેમાં વ્યવહારની દેશ, કાલ, વ્યક્તિ આદિનો વાસ્તવિક મર્યાદાઓ ન હોવાથી સાધારણીભાવ ખૂબ પુષ્ટ થાય છે. અભિનવગુપ્ત કહે છે કે सर्वथा तावदेषास्थि प्रतीतिरास्वादत्मा यस्यां रतिरेव भाति तत एव विशेषान्तरानुपहितत्वात् सा रसनीया सती न लौकिकी, न मिथ्या, नानिर्वा या, न लौकिकतुल्या, न तदारोपादि पापि- તેથી સર્વથા આવી એક પ્રતીતિ છે જેમાં કેવળ રતિનું ભાન થાય છે, અને તે પછી તેમાં બીજા વિશેષો નહિ હોવાથી તે રતિ રસનીય થાય છે; અને આમ થતી તે પ્રતીતિ લૌકિક પણ નથી, મિથ્થા પણ નથી, અનિર્વાચ્ય પણ નથી, લૌકિકતુલ્ય પણ નથી અને લોકના આરોપરૂપ પણ નથી! આમ છતાં બીજાઓએ એના વિશે કરેલા નિર્દેશો અમુક અમુક દૃષ્ટિએ ઘટાવી શકાય છે. તેનામાં દેશકાલાદિનું નિયન્ત્રણ નથી માટે તેને સ્થાયી ભાવની ઉપયયાવસ્થા કહો, તે અમુકને અનુગમે છે, અનુસરે છે, માટે તેને અનુકાર કહો, વિજ્ઞાનવાદનું અવલંબન કરી એમ કહો કે બધું વિજ્ઞાનરૂપ હોવાથી તે પ્રતીતિ સામગ્રીરૂપ છે, ગમે તે કહો, પણ રસનું સ્વરૂપ આ છે કે सर्वथा रसनात्मकवीतविघ्नप्रतीतंग्रािह्यो भाव एव रस: રસ સર્વથા આસ્વાદરૂપ નિર્વિઘ્ન પ્રતીતિથી ગ્રહણ થતો ભાવ છે. આ રીતે સાધારણ્યના સિદ્ધાન્તથી સામાજિકને કેવા રૂપમાં સ્થાયી ભાવની પ્રતીતિ થાય છે તે બતાવી તે કેવી રીતે આસ્વાદ્ય થાય છે તે સમજાવે છે. રસને ગ્રહણ કરતી પ્રતીતિને અનેક વાર નિર્વિઘ્ન વિશેષણ લગાડ્યું છે. આ વિઘ્નો તે આપણી સાધારણ જ્ઞાનક્રિયાનાં વિઘ્નો અથવા મર્યાદાઓ છે. આવાં સાત વિઘ્નો અભિનવગુપ્તે જણાવ્યાં છે. પહેલું સંભાવના ન થઈ શકે એવું હોય, એટલે કે પ્રતિપત્તિમાં અયોગ્યતા લાગે એટલે બુદ્ધિ તેમાં ઠરી શકે જ નહિ. સ્વ અને પરના નિયમથી દેશકાલની મર્યાદા એ બીજું અને ત્રીજું, અંગત સુખાદિની વિવશતા એ ચોથું. પાંચમું પ્રતીતિના ઉપાયોના વૈકલ્યથી અસ્ફુટતા, એટલે કે કવિએ અથવા નાટકકારે પ્રતીતિ બરાબર થાય તે માટે પૂરતી સામગ્રી ન મૂકી હોય તથા સ્ફુટ રીતે પ્રતીતિ ન થવી તે. અને સાતમું સંશયયોગ. આ સાતે વિઘ્નોને અભિનવગુપ્તે વિસ્તારથી સમજાવ્યાં છે. આમાંનાં કેટલાંક કવિ અને કલાકારની આવડત ઓછી હોય એના લીધે થાય છે અને બીજાં અંગત સુખાદિની ભાવનાથી પર જવાની ભાવકની અશક્તિને લીધે છે. રસ ત્યારે જ થાય કે જ્યારે આમાંનું એક પણ વિઘ્ન ન હોય. આ પ્રમાણે વિઘ્નરહિત પ્રતીતિ થવી એ જ પરમ આનન્દ, ચમત્કાર આદિ સંજ્ઞા પામે છે. लोके सकलविघ्नविनिर्मुक्ता संवित्तिरेवचमत्कारनिवेंशरसनास्वादनभोगसमापत्ति-लयविश्रान्त्यादिश दैरभिधीयते? આ નિર્વિઘ્ન સંવિત્તિ ઉત્પન્ન કરવી એ વિભાવાદિનું કામ છે. એ રીતે વિભાવાદિ કલ્પવા એમાં કવિની પ્રતિભા છે એટલું આપણે ઉમેરીએ. આ જાતની શ્રીમાન અભિનવગુપ્ત આદિની રસની કલ્પના છે. ભરતની કલ્પનાથી એ વિરોધી છે એમ નથી, પણ ભરતના વિચારબીજને લઈ પોતપોતાના કાવ્યાસ્વાદના અનુભવની ઝીણવટથી પરીક્ષા કરી તે વિચારબીજનો તેમણે વિકાસ કર્યો છે. આગળ ભટ્ટ લોલ્લટ આદિના જે વિચારો આપ્યા છે તેનું પછી પછીના વિચારકે ખંડન કર્યું છે. પણ મને લાગે છે એમાં ઘણી વાર અન્યાય થઈ ગયો છે. પ્રત્યેકની ‘રસને’ સમજાવતી દૃષ્ટિ જુદી છે, અને તે દૃષ્ટિઓ ખોટી છે એમ નહિ કહી શકાય. આ ઉપરાંત લોલ્લટાદિ અમુક અમુક દર્શનના અનુયાયી છે એટલા માટે તે દર્શનની પ્રક્રિયાઓથી તેઓએ રસનું નિરૂપણ કર્યું છે. હું અત્યારે આપની સમક્ષ એ દાર્શનિક પ્રક્રિયા મૂકવા પ્રયત્ન નહિ કરું, પણ પ્રત્યેકની દૃષ્ટિમાં કાવ્યાનુભવની કઈ કઈ બાજુએ આવી છે તે બતાવવા પ્રયત્ન કરીશ. મીમાંસક ભટ્ટ લોલ્લટે એમ કહ્યું કે વિભાવાદિ કારણ છે અને રસનિષ્પત્તિ એ કાર્ય છે. આમ કહ્યું ત્યારે એની દૃષ્ટિ કોઈ કાવ્ય અથવા નાટકમાં શું થાય છે, કવિ એ બધા સંબંધો કેવી રીતે મૂકે છે, તે બતાવવાની હોવી જોઈએ, વ્યવહારમાં અથવા લોકવૃત્તમાં જે કારણકાર્યનો સંબંધ છે તે સંબંધ જ કવિને નાટક અથવા કાવ્યમાં મૂકવો પડે છે; દુષ્યન્ત-શકુન્તલામાં જે પરસ્પર રતિ થાય છે તેની પ્રક્રિયા વ્યવહારમાં સ્ત્રી પુરુષ વચ્ચે જે રીતે રતિ થાય છે તે હોય એ સ્વાભાવિક છે. એ રસનિષ્પત્તિનો અર્થ નાટકનાં પાત્રોના ક્ષેત્રમાં લઈ કાર્ય-કારણનો સંબધ ભટ્ટ લોલ્લટે લીધો છે એમાં કાંઈ અવાસ્તવિક લાગતું નથી. ભાવક આ બધું જુએ છે ને પ્રસન્ન થાય છે. એ કેવી રીતે પ્રસન્ન થાય છે, તે પ્રક્રિયા લોલ્લટના જે વિચારો મૂક્યા છે તેમાં આપી નથી. એ વિષયમાં એના કાંઈ વિચારો હશે કે નહિ તે આપણે જાણતા નથી. નૈયાયિક ભટ્ટ શંકુક વાસ્તવિકતાનો પ્રશ્ન ઉત્પન્ન કરે છે, નાટકકાવ્યની કાલ્પનિક સૃષ્ટિની પ્રકૃતિરૂપ વાસ્તવિક સૃષ્ટિ કલ્પી નાટકકાવ્યની સૃષ્ટિને અનુકરણરૂપ માને છે. આ અનુકરણ, વ્યવહારના કાર્ય-કારણના સંબંધનું અનુકરણ હોય એ માટે ભટ્ટ શંકુકે વાંધો લેવો ન ઘટે. વ્યવહારમાં જેમ અમુક બનાવ બનતાં અમુક લાગણીઓ ઉત્પન્ન થાય છે તેમ અનુકરણથી નાટકાદિમાં બને છે, ભાવકને જે નાટકનાં પાત્રોમાં સ્થાયી ભાવની પ્રતીતિ થાય છે તેમાં લોકમાં એવું જોયેલું હોય એ લિંગબળથી થતું અનુમાન મુખ્ય રીતે કામ કરે છે. અલબત્ત આ વાસ્તવિક નથી એમ ચિત્રતુરગન્યાય સ્વીકારી શંકુક કબૂલ કરે છે, પણ એક વાર એ કાલ્પનિક સ્થિતિ સ્વીકાર્યા પછી અનુમાનની ક્રિયાથી ભાવક બધું સમજી લે એમાં ખાસ અનૌચિત્ય નથી. સાંખ્યવાદી ભટ્ટ નાયકની દૃષ્ટિ ભાવકના અનુભવ ઉપર છે. ભાવકની કલ્પના આગળ જે સૃષ્ટિ ખડી થાય છે તેમાંથી એ ભાગ આસ્વાદ કેવી રીતે લે છે એ બતાવવાની છે. કવિએ કાર્યકારણનો સંબંધ જાણી તેના અનુકરણરૂપ સૃષ્ટિ રજૂ કરી તેની સાથે ભટ્ટ નાયકને લેવાદેવા નથી. એનો ભોગ કેમ થાય છે એ એનો પ્રશ્ન છે, હવે ભોગ શક્ય થાય તે માટે તેઓ ભાવનાવ્યાપાર કલ્પે છે. આથી દુષ્યન્ત-શકુન્તલાની રતિ તેને રતિત્વરૂપે ભાસે છે, અને સત્ત્વોદ્રેકની સ્થિતિમાં તેનો ભોગ થાય છે. એ કલ્પના આગળ રજૂ થતી સૃષ્ટિ સત્ત્વ, રજસ્, તમસ્, એમ ત્રૈગુણ્યોદ્ભવ છે; પણ તેનું ભાન ભાવકના નિર્મળ સત્ત્વને થતું હોવાથી તે આનંદ આપે છે. પ્રત્યભિજ્ઞાદર્શનવાદી અભિનવગુપ્તની દૃષ્ટિ પણ ભાવકના અનુભવ ઉપર છે. તે ભોગ જેવી નવી સંજ્ઞા સ્વીકારવા તૈયાર નથી. તે રસને સંવેદન અથવા સંવિત્તિ જ ગણવા માગે છે; જેમ બીજા અનુભવો પણ સંવેદનરૂપ છે તેમ રસ પણ સંવેદનરૂપ જ છે. આમ છતાં રસની આખી પ્રક્રિયાને અલૌકિક ગણવા તરફ એમનું ખાસ વલણ છે. આત્માનું એ અલૌકિક સંવેદન છે; બીજાં સંવેદનો અને એમાં ખાસ તફાવત એ છે કે ‘રસ’ એ સૌન્દર્યસહિત છે, જ્યારે પ્રમાણાદિનાં અને ધાર્મિક ધ્યાનનાં સંવેદનો સૌન્દર્યરહિત છે. ભટ્ટ નાયક દુષ્યન્ત-શકુન્તલાની રતિને રતિત્વ-સામાન્ય માની ભોગવે છે; અભિનવગુપ્તની કલ્પના સાધારણ્યની છે. એટલે કે દુષ્યન્ત-શકુન્તલા આદિ સાથે રતિનો સંબંધ હોવાથી એ રતિ તેના અલૌકિક સ્વરૂપમાં આપણને ભાસે છે, આખી સૃષ્ટિ કાલ્પનિક હોવાથી એમાં કોઈ વ્યક્તિ કે દેશ કે કાલની મર્યાદા રહેતી નથી તેથી તેનામાં સાધારણ્ય આવે છે; એના અનુભવમાં આપણે વ્યવહારની મર્યાદાઓની પાર જઈ ભાવનું નિર્વિઘ્ન રીતે સ્વરૂપ અનુભવીએ છીએ. કવિ જે વિભાવાદિ મૂકે છે તેનું પ્રયોજન આપણામાં આ સ્થિતિ ઉત્પન્ન કરવાનું હોય છે. ભાવકની આ ગ્રહણ કરવાની માનસિક પ્રક્રિયામાં અભિનવગુપ્ત અનુમાનાદિ સ્વીકારી લે છે, એટલે શંકુકના તથ્યાંશનું ગ્રહણ થઈ જાય છે. અભિનવગુપ્તે જે સાત વિઘ્નો ગણાવ્યાં છે તે દૂર પણ ત્યારે જ થઈ શકે કે જ્યારે કવિ જે સૃષ્ટિ રજૂ કરે છે તેમાં વ્યવહારમાં ગ્રહણ થતો કાર્ય-કારણનો સંબંધ હોય. એટલે મારું નમ્રપણે એમ માનવું છે કે રસની આખી કલ્પનામાં આ બધા મતોને સ્થાન છે, અને અભિનવગુપ્ત પણ તેનો સ્વીકાર કરે છે. અભિનવગુપ્તની પોતાની રસની કલ્પના – સાધારણીકૃત સ્થાયી ભાવનું નિર્વિઘ્ન પ્રતીતિથી ગ્રહણ – એ સૌથી સમૃદ્ધ છે એ કહેવાની જરૂર નથી. એ ઉપરથી આપણે એમ ફલિત કરી શકીએ કે મર્યાદાથી બંધાયેલા માણસનું ચિત્ત મુક્ત થઈ રસાનુભવમાં અમર્યાદિત સ્થાયી ભાવના અન્તરાય વિનાના સંવેદનનો આહ્લાદ લઈ શકે છે એ એક એવું પરમ સૌભાગ્ય છે. [‘આનંદમીમાંસા’, 1963]