ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ

એઓ જ્ઞાતિએ પ્રશ્નોરા બ્રાહ્મણ; વતની ભાવનગરના અને જન્મ પણ ત્યાંજ સંવત્ ૧૯૩૯ના કાર્તિક શુદ એકમ–નવા બેસતા વર્ષે–થયો હતો. એમના પિતાનું નામ કાલિદાસ છોટાલાલ ભટ્ટ અને માતાનું નામ આદિબ્હેન હીરાલાલ પંડ્યા છે. એઓએ ભાવનગરમાં જ બધું શિક્ષણ લીધેલું. સન ૧૮૯૯માં મેટ્રીક થયા પછી શામળદાસ કૉલેજમાં તેઓ જોડાયલા. સન ૧૯૦૩માં બી. એ.ની પરીક્ષા વેદાન્ત અને અંગ્રેજી સાહિત્ય ઐચ્છિક વિષય લઈને પાસ કરી હતી. એમ. એ.માં એમનો ઐચ્છિક વિષય શાંકરવેદાન્ત અને અંગ્રેજી સાહિત્ય હતો અને તે ડીગ્રી સન ૧૯૮૭માં લીધી, તે પછી તેઓએ કેળવણી ખાતા તરફથી એસ. ટી. સી. ડી.નો ડિપ્લોમા મેળવ્યો હતો. સન ૧૯૦૮માં એમની નિમણુંક ભાવનગરની શામળદાસ કૉલેજમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે થઈ હતી; પણ ચાલુ શિક્ષણપદ્ધતિ ખામી ભરેલી અને અપૂર્ણ જણાવાથી, તેમ તેમાં ધાર્મિક સંસ્કાર પોષવાને કંઈ પણ વ્યવસ્થા વા યોજના નહિ હોવાથી તેમનું મન તે પરથી ઉઠી ગયલું; અને જેમણે એમના જીવન પર પ્રબળ અસર કરેલી અને એમના ધાર્મિક જીવનનો વિકાસ કરેલો એવા જાણીતા આચાર્ય શ્રીમન્ નથુરામ શર્માની સહાનુભૂતિ અને સક્રિય સહાયતા મેળવી, સન ૧૯૧૦માં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની શરૂઆત કરેલી. તે કાર્ય માટે એમણે પોતાની અધ્યાપક તરીકેની માનવાળી જગો છોડી દઈ, સદરહુ સેવાકાર્ય એક જીવનકર્ત્તવ્ય તરીકે સ્વીકાર્યું; અને તે પાછળ એમનો ભોગ–સ્વાર્પણ–ખચિત્ એમના માટે અત્યંત માનની લાગણી તેમ પૂજ્ય ભાવ પ્રકટ કરે છે.

તે પછી એ સંસ્થા એમના નેતૃત્વ નીચે ફૂલીફાલી છે; તે એક કેળવણીની પ્રયોગશાળા થઈ પડી છે; અને એ સંસ્થામાં થતું કાર્ય નવી કેળવણી પ્રવૃત્તિનું એક કેન્દ્ર બની રહી, તેની અસર અને પ્રભાવ સમસ્ત ગુજરાત પર પડતો રહ્યો છે, તેનો યશ વાસ્તવિક રીતે એમને અને એમના સાથીઓને ઘટે છે.

દક્ષિણામૂર્તિ ભવન એક સ્વતંત્ર શિક્ષણસંસ્થા છે. તે ગુજરાત વિદ્યાપીઠ સાથે નિકટ સંબંધ ધરાવે છે, જેના તેઓ એક વખતે વાઇસ ચાન્સેલર–કુલનાયક હતા. દક્ષિણામૂર્તિ ભવનના ગૃહપતિ તરીકે એમને જે અનુભવ થયલા, તેથી પ્રેરાઈને એમણે છાત્રાલય પ્રવૃત્તિ આરંભેલી; અને તેના અંગે એક માસિક પત્રિકા “છાત્રાલય”ના નામે કાઢે છે. વળી કેળવણી વિચાર અને સિદ્ધાંતોના પ્રચાર અર્થે નિકળતું એમનું ‘દક્ષિણામૂર્તિ’ ત્રિમાસિક ખરેખર અજોડ છે; અને એનું મૂલ્ય આપણો શિક્ષકવર્ગ અને અને શિક્ષિતવર્ગ ધીમે ધીમે સમજતો થયો છે, એ આપણા ભાવિ ઉદયનું એક શુભ ચિહ્ન છે.

આ બધા વ્યવસાય સાથે, એઓ વિદ્યાર્થીઓને કેવાં પુસ્તકોની જરૂર હોય છે, તે બરાબર સમજી લઇને પોતાનો બચત સમય લેખનકાર્યમાં ગાળે છે; અને એમણે એ રીતે લખેલાં પુસ્તકો નીચે મુજબ છે:

સંસ્કૃત પ્રથમ પુસ્તક ઇ. સ. ૧૯૧૯
આપણા દેશનો ઇતિહાસ ભા. ૧ ”  ૧૯૧૯
સંસ્કૃત દ્વિતીય પુસ્તક ”  ૧૯૨૦
આપણા દેશનો ઇતિહાસ ભા. ૨ ”  ૧૯૨૦
સંસ્કૃત પરિચય પદ્ધતિ ”  ૧૯૧૦
હઝરત મોહમ્મદ પયગમ્બર ”  ૧૯૨૦
છાત્રાલય કમિશનનો અહેવાલ ”  ૧૯૨૭
હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ ”  ૧૯૨૮
સુતપુત્ર કર્ણ ”  ૧૯૨૯
પાંચાલી ”  ૧૯૩૦