ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/રામમોહનરાય જસવંતરાય દેસાઈ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રામમોહનરાવ (ઉર્ફ બિન્દુભાઈ) જસવંતરાય દેસાઈ

એઓ વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિના (ગૃહસ્થ વિભાગના) છે; અને એમનો જન્મ તા. ૨૫મી સપ્ટેમ્બર ૧૮૭૩માં અમદાવાદમાં થયો હતો. તેઓ પંચમહાલમાં હાલોલના જમીનદાર છે પણ સામાન્ય રીતે અમદાવાદમાં વસે છે. એમનાં માતુશ્રીનું નામ જામબા બહેન છે. એમણે કૉલેજની ઉંચી કેળવણી લીધેલી નથી પણ ખાનગી અભ્યાસથી પોતાનું વાચન ખૂબ વધારેલું છે; અને કેટલોક સમય હાઇકોર્ટ પ્લીડરની પરીક્ષા માટે કાયદાનો અભ્યાસ પણ કર્યો હતો. સન ૧૯૦૪માં તેઓ ન્યાય–જ્યુડિશિયલ ખાતામાં જોડાયેલા પણ ત્યાં ઝાઝો વખત રહેલા નહિ. પરંતુ ઘરના સુખી હોઈ એમનું ઘણુંખરું જીવન સાહિત્યના અભ્યાસ અને લેખનકાર્યમાં પસાર થયેલું છે. સન ૧૯૦૯થી ૧૯૧૧ સુધી ‘ગુજરાતી પંચ’ના સહતંત્રી તરીકે જવાબદારી સ્વીકારેલી પણ એ પત્ર સાથેનો તેમનો સમ્બન્ધ તો શરૂઆતથી લગભગ છે. લેખો, કાવ્યો વગેરે લખવાનું સન ૧૮૯૧થી આરંભેલું. એમનું પ્રથમ કાવ્ય ‘બુદ્ધિપ્રકાશ’માં છપાયું હતું. તે કાળનાં અમદાવાદનાં ઘણાં ખરાં માસિકો તથા પત્રો જેમકે, આર્યવત્સલ (૧૮૯૪–૯૫)–(માસિક, પાછળથી પાક્ષિક) વિદ્યુત નાગર ઉદય (૧૮૯૫–૯૭, વ્યાપાર અને ઉદ્યોગ (પાક્ષિક), વાર્તા વારિધિ (માસિક) (૧૮૯૭–૧૯૦૦), રાજપત્રિકા (સાપ્તાહિક) (૧૯૦૧–૦૨), વિનોદિની (માસિક) (૧૯૦૩), વગેરે સાથે એમનો તન્ત્રી સંબંધ હતો અને તેમાં ઘણીવાર લેખો, કાવ્યો, નવલકથાઓ, વાર્તા, વગેરે લખી મોકલતા; પણ ‘સુંદરી સુબોધ’ના તંત્રી તરીકે તેઓ વધુ જાણીતા થયેલા છે. આ પ્રમાણે પત્રકારિત્વ સાથે એમનો સંબંધ બહુ ગાઢ અને જુનો છે; અને ઉપર જણાવેલાંમાંથી કેટલાંક પત્રો એવાં માલુમ પડી આવશે કે જેનાં નામ સુદ્ધાંત (જે તેમના પ્રકાશન સમયમાં પ્રસિદ્ધ હતાં તે આજ) ઘણાંની જાણમાંયે નહિ હોય.

સન ૧૮૯૨માં એમણે બીજા મિત્રો સાથે અમદાવાદમાં બંધુસમાજ નામનું મંડળ કાઢેલું (જે હાલની અનેક બન્ધુ સમાજોમાં આદિ સંસ્થા છે અને) જે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં કાયમ યાદગાર રહેશે; કેમકે તેમાંના સભ્યો જેવા કે, ભોગીન્દ્રરાવ દિવેટિયા, શિવુભાઈ દુર્કાળ, ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ, તથા રામમોહનરાય વગેરેએ ગુજરાતી સાહિત્યમાં રસ લઈ તેમજ તેનો અભ્યાસ કરી, અને લેખો, નવલકથાઓ, વાર્ત્તા, કાવ્યો, નિબન્ધો, ઇત્યાદિ લખીને, તેની વૃદ્ધિ અને ખીલવણી માટે પ્રયાસ કરી, સારો ફાળો આપેલો છે; અને ખાસ કરીને ‘સુંદરી સુબોધ’ નામનું સ્ત્રી, ઉપયોગી માસિક કાઢીને લગભગ ૨૦ વર્ષ સુધી સતત ગુજરાતી સ્ત્રીસમાજની અને સાહિત્યની સુંદર સેવા કરેલી છે તે કદી વિસરાશે નહિ. તેનો યશ જો કોઈ એક વ્યક્તિને આપી શકાય તો તેનું માન રામમોહનરાયને ઘટે છે. ‘સુંદરી સુબોધ’ એટલે રામમોહનરાય અથવા બિન્દુભાઇ એટલા બધા તેઓ એની સાથે ઓતપ્રોત થયલાં છે.

એઓ એક કુશળ નવલકથાકાર હોવા ઉપરાંત એક સારા કવિ છે અને એમના કેટલાંક કાવ્યો–રાસો તો સ્ત્રીઓમાં બહુ પ્રેમથી વંચાય અને ગવાય છે. કવિતાની પેઠે ઇતિહાસ પણ એમનો પ્રિય વિષય છે; અને તે વિષયનું એમનું વાચન વિશાળ છે.

એમના લેખોની સંખ્યા મોટી છે; પણ એમનાં પ્રકાશનોમાં ‘યોગિની’ અને ‘બાલા’ હમેશ વંચાશે તથા ‘તરંગાવલિ’, એમનું કાવ્યનું પુસ્તક કાવ્ય રસિકવર્ગ પોતાની વાચનની છાજલી પર જરૂર રાખશે.

એમના લેખો અને ગ્રંથોની યાદીઃ

સતી ગૌરવ–પૂર્વાર્ધ [નવલકથા] સન ૧૮૯૪
ખંભાતનો ખૂની (નવલકથા) [પ્રથમ આવૃત્તિ] સન ૧૮૯૯
બાબર (એક લઘુ ઐતિહાસિક નિબંધ) આશરે સન ૧૮૯૫
ત્રણ રત્નો* (ટુંકી નવલિકાઓ) સન ૧૮૯૭
યોગિની (નવલકથા) (પ્રથમ આવૃત્તિ.) સન ૧૯૦૪
બાલા (નવલકથા) સન ૧૯૧૨
રસિલી વાર્તાઓ ભા. ૧લો (ટૂંકી વાર્તાઓ) (પ્રથમા આવૃત્તિ.) સન ૧૯૦૪
ભા. ૨ જો () સન ૧૯૨૧
તરંગાવલિ (કાવ્યો ગીત–રાસ) સન ૧૯૧૮
વીસમી સદીનું આપણું સ્ત્રી જીવન. સન ૧૯૨૬
મહાકવિ શ્રી ન્હાનાલાલ. સન ૧૯૨૭
બ્રહ્મર્ષિનું મનોરાજ્ય (ગોવર્ધન સ્મારક) (વસન્ત) સન ૧૯૦૮
અમદાવાદનો સંક્ષિપ્ત ઇતિહાસ (અમદાવાદના “જીવનવિકાસ”માં.) સન ૧૯૨૧
_________________________________________________________________
* છેલ્લી વાર્તા શિવાય.