ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/શિવપ્રસાદ દલપતરામ પંડિત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શિવપ્રસાદ દલપતરામ પંડિત

એઓ જાતે વિસલનગરા નાગર બ્રાહ્મણ (ગૃહસ્થ વિભાગના) છે. એમનો જન્મ અમદાવાદમાં તા. ૧૫મી ઓગસ્ટ ૧૮૮૫ને દિને થયો હતો. એમના પિતાનું નામ દલપતરામ હીમતરામ પંડિત અને માતાનું નામ મણિબ્હેન છે. એમના પિતા રાજપૂતાનામાં કોટારાજ્યમાં મ્હોટા અધિકાર ઉપર હતા અને ત્યાં એમણે એકનિષ્ઠા તથા પ્રમાણિકપણે રાજ્યની સેવા કરી, જકાત, બાગ, તથા કારખાનાના ખાતાંઓને સુવાસ્થિત પાયા ઉપર મૂક્યાં હતાં. કોટામાંજ લગભગ ૪૩ વર્ષની વયે એમના પિતાને ટાંગામાં બેસીને ફરવા જતાં અકસ્માત ઇજા થઈ અને ત્હેને પરિણામે તેમનું મૃત્યુ નીપજ્યું. શિવપ્રસાદની ઉંમર એ સમયે દોઢેક વર્ષની હતી.

પિતાના મૃત્યુ પછી એમને ઉછેરવાનો ભાર એમનાં અપર માતુશ્રી સ્વર્ગસ્થ જમનાબાએ પોતાના ઉપર લીધો. એ સાવકી માતાનો પુત્ર પ્રત્યે પ્રેમ અનન્ય અને અસાધારણ હતો. એટલે સુધી કે એમનાં જન્મદાતા માતૃશ્રી હયાત હોવા છતાં અપર માતાએ જ તેમને સ્તનપાન કરાવ્યું હતું. એ માતાની અસર એમના જીવન ઉપર ઘણી થઈ છે, અને એમના ઉપકારોનું સ્મરણ કરીને એમણે પોતાની પ્રથમ કૃતિ ‘મૈત્રેયી’ એમને સમર્પણ કરી છે.

પિતાનું મૃત્યુ થતાં એમનું કુટુંબ અમદાવાદ આવ્યું અને શિવપ્રસાદે સરકારી મિડલ સ્કૂલ તથા હાઈસ્કૂલમાં અંગ્રેજી અભ્યાસ કર્યો. ઈ. સ. ૧૯૦૨માં યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ તથા ઈ. સ. ૧૯૦૩માં મેટ્રીક્યુલેશનની પરીક્ષા પાસ કરી. એમણે થોડો સમય અજમેરની ગવર્નમેન્ટ કોલેજ તથા મુંબઈની વિલ્સન કોલેજમાં અભ્યાસ કર્યો, એ અરસામાં એમનું કોટા જવું થયું અને ત્યાંજ નોકરી કરવાની ઇચ્છા થતાં ઈ. સ. ૧૯૦૪થી ત્યાં નોકરીમાં જોડાયા. નિશાળમાં ભણતા હતા તે સમયે સ્વ. છોટુભાઇ શંકરજી દેસાઈ તમે અમદાવાદ હાઈસ્કૂલના હેડમાસ્તર ખા. બા. એદલજી દોરાબજી તલાટીના નૈતિક ઉપદેશોની એમના ઉપર સચોટ અસર થઈ હતી. એ ઉપદેશોને પરિણામે તેઓ અમલદાર તરીકેની નોકરીમાં અનેક લાલચોમાંથી બચ્યા છે. પચીસ રૂપિયાના માસિક પગારથી શરૂ કરી તેઓ પોતાની પ્રામાણિકતા તથા સત્યપરાયણતાને લીધે એસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ એક્સાઈઝના હોદ્દા સુધી પહોંચ્યા છે.

ન્હાનપણથી એમને સામાજિક સુધારા અને સાહિત્ય માટે અત્યંત પ્રીતિ હતી. પ્રાર્થના સમાજમાં સ્વર્ગસ્થ રમણભાઈના ધર્મોપદેશ એમને ઘણા હૃદયગ્રાહી લાગતા. ડૉ. હરિપ્રસાદ તથા રા. રમણીક મહેતા સાથે અમદાવાદમાં હતા ત્યાં લગી, પ્રાર્થના સમાજમાં લગભગ નિયમિત હાજરી આપતા. ધાર્મિક વલણ એમનું ઐકેશ્વરવાદી હોવાથી મહર્ષિ દયાનંદ સરસ્વતી, રાજર્ષિ રામમોહનરાય અને મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર માટે એમને બહુ પૂજ્ય બુદ્ધિ છે.

સાહિત્યની અને સંસાર સુધારાની એમના જીવનપર ઉંડી અસર થયલી છે. સુધારક વિચારના હોઈને જ્ઞાતિ ઉત્કર્ષ અર્થે ઘણા સમયથી તેઓ ભારે પરિશ્રમ સેવે છે; અને પોતાની જ્ઞાતિનો મોટો સમૂહ જે ઉત્તર હિંદમાં વસે છે, તેમના નિકટ પરિચય અને સહવાસમાં આવી પરસ્પર જ્ઞાતિ સંબંધ દૃઢ કરી વિકસાવ્યો છે; એટલે સુધી કે પોતે પોતાની બીજી પુત્રીને મથુરામાં એક કેળવાયેલા ગ્રેજ્યુએટ સાથે પરણાવી છે અને પોતાનું બીજું લગ્ન સુરતમાં કર્યું હતું. એમનો સુધારો સાચો, વ્યવહારૂ અને સમભાવી છે; અને પોતે વિચાર પ્રમાણે વર્તન કરે છે, એ તેની વિશેષ મહત્તા છે.

એજ પ્રમાણે સાહિત્યમાં એમની સેવા પ્રશંસનિય કહી શકાય.

એમનો પ્રિય વિષય જીવનચરિત્ર છે; અને એ વિષયમાં ગુજરાતીમાં જેટલું વાચન સાહિત્ય એમણે પૂરું પાડ્યું છે, એટલું સ્વ. નારાયણ સિવાય બીજા કોઇએ આપ્યું હોય એવું અમારા જાણવામાં નથી.

વિશેષમાં એમનું ઇંગ્રેજી જ્ઞાન સારૂં છે. તે ઉપરાંત પરદેશ સેવવાથી હિન્દી અને બંગાળીમાં પણ નિપુણતા પ્રાપ્ત કરેલી છે, તેથી કેટલાંક સારા ગ્રંથો એ ભાષાઓમાંથી ગુજરાતીમાં ઉતારવા શક્તિમાન થયેલા છે; અને તે ગ્રંથો બોધપ્રદ અને ઉંચી કોટીના છે, એમ કહેવું જોઈએ. ખાસ કરીને સ્ત્રીઓ માટે વાચનસાહિત્ય આપીતે એમણે સ્ત્રીવર્ગની વિશેષ સેવા કરી છે. “ભારતનાં સ્ત્રીરત્નો”ના ત્રણ મોટા પુસ્તકો સાથે એમનું નામ સદા જોડાયેલું રહેશે. એ ગ્રન્થનો હિન્દી ભાષામાં પણ અનુવાદ થયો છે.

ભારતવર્ષના મહાન પુરુષોના જીવન ચરિત્રનો એક મ્હોટો ગ્રન્થ અનેક ભાગોમાં લખવાનો એમનો અભિલાષ છે અને એની કેટલીક તૈયારી પણ એમણે કરી રાખી છે.

એમના ગ્રંથોની યાદી:

૧ મૈત્રેયી [પંડિત સીતાનાથ તત્ત્વભૂષણનાં ગ્રંથો પરથી] સન ૧૯૦૮
૨ દેવી અધોર કામિની સન ૧૯૧૦
[શ્રીયુત અમૃતલાલ ગુપ્તના બંગાળી લેખનો અનુવાદ.]
૩ પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું જીવનચરિત્ર સન ૧૯૧૧
૪ ભારતનાં સ્ત્રીરત્નો ભા. ૧ સન ૧૯૧૨
ભા. ૨ સન
ભા. ૩ સન ૧૯૧૩
૭ આનંદીબાઈ જોશીનું જીવનચરિત્ર સન ૧૯૧૨
[પ્રો. સખારામ દેઉસ્કરના બંગાળી ગ્રંથનો તરજુમો.]
૮ કથા ગુચ્છ સન ૧૯૧૨
[જૂદા જૂદા બંગાળી લેખકોની ટુંકી વાર્તાઓ.]
૯ ભારતના સન્ત પુરુષો ભા. ૧ સન ૧૯૧૩
૧૦ ભારતની દેવીઓ સન ૧૯૧૪
૧૧ દેશબંધુ ચિત્તરંજનદાસ સન ૧૯૨૧
૧૨ આદર્શ દૃષ્ટાંતમાળા ભા. ૧ સન ૧૯૨૫
૧૩ ભા. ૨ ૧૯૨૮
૧૪ મહાન સાધ્વીઓ ૧૯૩૦