ચાંદરણાં/અનિલનાં ચાંદરણાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(+1)
 
(No difference)

Latest revision as of 15:27, 22 April 2024


અનિલનાં ચાંદરણાં


‘ચાંદરણાં’રૂપે લાઘવપૂર્ણ છતાં સોસંરવું ઊતરી જાય એવું ગદ્ય ગુજરાતી સાહિત્યમાં માત્ર અને માત્ર રતિલાલ ‘અનિલ’ પાસેથી જ મળ્યું છે. ન તો અહીં શબ્દરમત છે, ન તો અનિલે શબ્દોના સાથિયા પૂર્યા છે. અર્થવાહી, ગંભીર વાતને સટીક રીતે મૂકી આપતા અનિલ હળવાશને પણ એટલી જ સહજ રીતે આલેખે છે, પણ આ હળવાશ જ્યોતીન્દ્ર દવેના ગોત્રની છે. તમારી ભાવયિત્રી પ્રતિભા એના મર્મને પામવા કસોટીએ ચડી શકે છે. ‘ચાંદરણાં’માં ઘૂંટાઈને ઘટ્ટ બનેલા ગદ્યે અનિલના નિબંધોને લાઘવ બક્ષ્યું છે એવું હું દૃઢપણે માનું છું. એમના નિબંધોમાં ગતકાળના ખોવાયાની પીડા વધુ છે પણ ‘ચાંદરણાં’માં તો અપાર વિષયવૈવિધ્ય છે. અહીં વૈશ્વિક ઋતની સમાંતરે રાજકારણની રોજેરોજની ભવાઈ, સાંપ્રત ઘટનાક્રમ પણ વિષયરૂપે આવેલ છે. સૂર્ય, અંધકાર, પ્રકાશ, પવન, પડછાયો, સુગંધ, મૌન, પ્રેમ વિરહ, ઝાકળ, ધુમાડા જેવા અમૂર્ત વિષયો વિશે અનિલને કેટલું બધું કહેવાનું છે ! ટોળું, ધર્મ, અફવા, ઈશ્વર, નેતા... અનિલની નજરમાંથી કોઈ/કશું જાણે બચ્યું નથી ! રાજકારણ અને તત્કાલીન પરિસ્થિતિ વિશે એમણે સેંકડો ‘મરકલાં’ લખ્યાં છે. જેમાંથી કોઈ પણ કાળખંડમાં પ્રસ્તુત ઠરી શકે તેવાં જ અહીં સમાવ્યાં છે. અનિલે હજારોની સંખ્યામાં ચાંદરણાં લખ્યાં છે. એક ગઝલનો શે’ર ન કહી શકે કે એકાદ નિબંધ પ્રગટ ન કરી શકે એટલો અર્થ આ ‘ચાંદરણાં’માં ભર્યો છે. છે તો એક લીટી પણ ક્યાંક એમાં દઝાડી દેતી એકલતા છે, ક્યાંક જીવનની અનઅર્થકતા છે તો ક્યાંક એમાં જીવનની ફિલસૂફી ઠાંસી ઠાંસીને ભરી છે. પ્રેમ, પવન, મૌન જેવા અમૂર્ત ભાવો ‘ચાંદરણાં’માં કેવા તો મૂર્ત થઈ ઊઠે છે ! ખરેખર જ ગુજરાતી ગદ્યઆકાશમાં ‘અનિલ’નાં આ ‘ચાંદરણાં’ની પોતીકી શોભા અને આભા કાયમ ચમક્યા કરવાની. અનિલ 2013માં અલવિદા કહી ગયા. અહીં રાજકારણ કે નેતા વિશેના કેટલાંય ચાંદરણાં એવાં છે કે શંકા પડે – રખે અનિલ ભવિષ્યવેત્તા હોય !

શરીફા વીજળીવાળા