ચાંદરણાં/પવન

From Ekatra Wiki
Revision as of 16:01, 22 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


11. પવન


  • પવન ઊંચા ડુંગર પરના વૃક્ષની જ વધારે કસોટી કરે છે.
  • પવન પોતે રોકાય છે, કોઈ એને ખીલે નથી બાંધતું.
  • સાવ એકલાની સાથે પવન તો હોય છે!
  • ધૂળ પવનને આકાર આપી શકે છે!
  • સ્થિર જ્યોતને ડોલવાનું મન થયું અને હવા આવી!
  • પવન મોઢુંયે નથી બતાવતો અને પીઠ પણ નથી બતાવતો.
  • વૃક્ષોનું મૌન સહન નથી થતું ત્યારે પવન ફૂંકાય છે.
  • હવા તો કેદખાનામાં પણ આઝાદ હોય છે.
  • હવાને આંગળી ચીંધી શકતો હોત તો હું પયગમ્બર બની ગયો હોત!
  • હવાને કેદખાનું ગમતું હોત તો પરપોટા ફૂટત નહીં!
  • પવન પ્રવાસ કરાવે તોયે ધૂળ યાત્રાળુ થતી નથી.
  • પવન આવે તો પોતાનો પરસેવો જ પોતાને ટાઢક આપે છે.
  • હવાને સુગંધનો બોજ લાગતો નથી.
  • પવન ન બોલે પણ પાંદડાથી બોલ્યા વિના ન રહેવાય!
  • આ પવન, છોકરું બહાર નીકળે પછી જ ઝોળી ઝુલાવે છે!
  • સરકારનું ચાલે તો પવન માટે પણ પાસપોર્ટ-વિઝાનો નિયમ કરે!
  • પવન ફરંદો તો સાથે ધૂળ પણ ફરંદી!
  • પીપળાનાં પાન હવાને સત્કારવા તાળી પાડે છે.
  • પરપોટામાં રહેલી હવા એનો શ્વાસ છે.
  • હવા હોય તો જળસપાટી સપાટ નથી રહેતી.
  • માણસ કાંટો થાય તો પવનને પણ ઉઝરડો પાડે!
  • પવન પોતે પાડેલી ભાતને પણ અધ્ધર ઉપાડી જાય...
  • દિશાને ઓવારણાં લેવાં હોય ત્યારે વૃક્ષો ધૂણે છે.
  • હવાને સાદ દેવા અધીર પવન આંધી બને છે.
  • પવન આવે તો ઝાડનો પડછાયો ચાળા પાડે.