ચિત્રકૂટના ઘાટ પર/ગુડ મોર્નિંગ કે જય શ્રીકૃષ્ણ?

ગુડ મોર્નિંગ કે જય શ્રીકૃષ્ણ?

સભ્યતા અને સંસ્કૃતિ (સિવિલિઝેશન ઍન્ડ કલ્ચર) સંજ્ઞાઓની વ્યાખ્યા એકબીજીને બાદ કરીને થઈ શકે એમ નથી. ક્યારેક તો સભ્યતા અને સંસ્કૃતિ પર્યાય તરીકે પણ વપરાય છે. હું આ બન્ને સંજ્ઞાઓની વ્યાખ્યા અને બન્ને વચ્ચેના ભેદની મીમાંસા કરવાની ગંભીર જવાબદારીથી આ ક્ષણે તો મુક્ત રહેવા ઇચ્છું છું, પણ સભ્યતા કહો કે સંસ્કૃતિ – એક દેશ કે એક પ્રજાની આગવી ઓળખ એણે વિકસાવેલી સંસ્કૃતિ, એટલે કે એક વિશિષ્ટ જીવનરીતિ, જીવનદર્શનથી થઈ શકે.

એ રીતે ભારતીય સંસ્કૃતિ કે ચીની સંસ્કૃતિ કે જાપાની સંસ્કૃતિ – એમ કહીએ છીએ ત્યારે એ પ્રજા કે દેશની કેટલીક લાક્ષણિકતાઓનું એક ચિત્ર આપણા મનમાં ઊભું થાય છે. આ પૂર્વની સંસ્કૃતિઓને વિરોધે જ્યારે આપણે ‘પાશ્ચાત્ય સંસ્કૃતિ’ એમ કહીએ છીએ ત્યારે પણ એક વિભિન્ન પ્રકારની જીવનપ્રણાલિનો બોધ અભિપ્રેત હોય છે. આ બધી અલગઅલગ સંસ્કૃતિઓ એકબીજાથી અસ્પષ્ટ રહીને ખીલી છે એવું નથી, ઊલટાનું એકબીજાના સંપર્કથી અને સંઘર્ષથી અને સમન્વયથી બનતી અને બદલાતી રહી છે.

પૃથ્વીના ગોળા ઉપર નજર કરતાં જોઈએ છીએ કે એ ખંડો અને રાજકીય એકમોરૂપ અનેક દેશોમાં એ વિભાજિત છે. એ બધાં અસંખ્ય એકમોને પોતાની આગવી સંસ્કૃતિ છે, ભાષા છે, સાહિત્ય છે, ધર્મો છે. આવી વિવિધતા એ પૃથ્વીની વિશિષ્ટતા છે.

પણ જ્યારથી ‘ગ્લોબલાઈઝેશન’ (વૈશ્વીકરણ કે ભૂખંડીકરણ)ની પ્રક્રિયા વેગથી શરૂ થઈ છે અને આખા વિશ્વના આ ભિન્ન ખંડો કે એકમો મળી એક ‘વિશ્વગ્રામ’ (ગ્લોબલ વિલેજ) બની રહ્યાં છે, ત્યારે પેલી ભેદવાચક રેખાઓ અને રંગોની પ્રાસંગિકતા કેટલી રહેશે એવા પ્રશ્નો થવા માંડ્યા છે.

ગ્લોબલાઈઝેશનની આ પ્રક્રિયામાં પ્રચંડ વેગ લાવનાર દૂરદર્શન જેવાં સમૂહ માધ્યમો પેલી ભેદરેખાઓ ભૂંસી રહ્યાં છે. દૂરદર્શનની ચેનલ એક ઉપરથી હજી તો હું ગુજરાતના એક ગામડાના ઘરમાં કોઈ નિરક્ષર દંપતી સાથે વાર્તાલાપ કરતા ખબરપત્રીને જોતો હોઉં, ત્યાં બીજી, ત્રીજી કે ચોથી ચેનલ પર તો દુનિયાને બીજે ખૂણે પણ પહોંચી જાઉં. ‘ડિસકવરી’ ચેનલ પર પાછો અજાણ્યા ભૂખંડો જોતો હોઉં. સ્ટારપ્લસ કે એમ ટીવી, ઝી ટીવી કે એટીએન – ચેનલની ચાંપ બદલાય ને મારી નજર આગળ આખી દુનિયા આવતી જાય – જાણે મારા દીવાનખાનામાં.

એથી ક્યારેક, ક્યારેક નહિ અનેકવાર ભય લાગે છે કે હવે આપણે કોઈ ‘એક’ – ‘યુનિવર્સલ’ એવી દુનિયાભણી ધસી રહ્યા છીએ. કદાચ એક જ ભાષા પ્રભાવી રહેશે – અંગ્રેજી. કદાચ એક જ સંસ્કૃતિ પ્રભાવી રહેશે – પાશ્ચાત્ય. પાશ્ચાત્ય સંજ્ઞા અમેરિકા-યુરોપે વિકસાવેલી ‘સંસ્કૃતિ’ના નિર્દેશરૂપે છે.

પછી ભલે હજુ અફઘાનિસ્તાનના તાલીબાનો શરિયતના નિયમને અનુસરી બે પ્રેમીઓને પથ્થર મારી, મારી નાખવાની શિક્ષા ફરમાવે. અંગ્રેજીમાં એક શબ્દ છે – ઑનસ્લોટ – એટલે કે જોરદાર હલ્લો કે આક્રમણ. પાશ્ચાત્ય સંસ્કૃતિના ઑનસ્લોટમાં ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓની આગવી ઓળખની ભેદક રેખાઓ લુપ્ત થતી જશે આ ગ્લોબલાઈઝેનથી. તો પછી ‘ગ્લોબલાઈઝેન એન્ડ કલ્ચર’ – વૈશ્વીકરણ અને સંસ્કૃતિની વાત કરવી જરૂરી બની જાય છે.

આપણે આપણી ભારતીય સંસ્કૃતિની રક્ષા કરી શકીશું કે પછી ગ્લોબલાઈઝેશનના ઑનસ્લોટમાં ચહેરા વગરના બની જઈશું? ગ્લોબલાઈઝેશન – મોડર્નાઝેશન એટલે વેસ્ટર્નાઈઝેશન – પાશ્ચાત્યીકરણ જેવા સમીકરણને અગંભીર રીતે લઈ શકીશું નહિ.

માઈકલ જેકસનના ગાંડિયા સંગીતની ધૂનોના પ્રભાવે કરીને રવિશંકરની સિતાર માત્ર કેટલાક ‘સંગીતજ્ઞો’ના વર્તુળમાં જ બજતી રહેશે? માઈકલ જેકસન જે દિવસોમાં પોતાનો કાર્યક્રમ આપવા આવ્યા, ત્યારે આ આખો દેશ એક પ્રકારના સંક્રામક જેકસન તાવમાં જે રીતે ઉન્મત્ત થઈ ઊઠ્યો હતો – એ જોઈને તો એવું જ લાગે છે.

આપણે વેગથી ધસી રહ્યા છીએ – જે કંઈ પશ્ચિમનું છે – તેની ભણી.

પછી એ પશ્ચિમની ભાષા હોય, સંગીત હોય, સાહિત્ય હોય. ફિલ્મ હોય કે વેશપરિધાન હોય. શું પશ્ચિમ એ પ્રગતિ અને સંસ્કૃતિની અગ્રગામી દિશા છે કે જેથી દરેક બાબતમાં આપણે પશ્ચિમને અનુસરી રહ્યા છીએ! આ પ્રક્રિયા ઓગણીસમી સદીથી આમ તો આરંભાઈ છે, પણ આ ગ્લોબલાઈઝેશને તો એને અમર્યાદ વેગ આપ્યો છે.

આપણે – આપણા કરતાં આપણી યુવાન પેઢી કેટલી ઝડપથી બદલાઈ રહી છે! યુવાન પેઢીની શી વાત, શિશુપેઢી એથીય ઝડપથી ગ્લોબલાઈઝેશનના પ્રભાવ તળે દૂરદર્શન જેવા દૃશ્ય માધ્યમોથી બદલાઈ રહી છે. એ બદલાવાની દિશા છે ‘પશ્ચિમ’, ‘પશ્ચિમ’ અને ‘પશ્ચિમ!’

આ ‘પશ્ચિમ’ શબ્દ ત્રણ વખત લખાઈ ગયા પછી જાણે હું સભાન થઈ ગયો. આજે સવારે નરસિંહ મહેતાનાં સુંદર કંઠે ગવાયેલાં પ્રભાતિયાં સાંભળીને પણ હું કેવા વિચારવમળમાં ગર્ક થતો જાઉં છું? હું વાત તો કંઈ બીજી કરવાનો હતો. તો પછી આ ગ્લોબલાઈઝેશન અને સંસ્કૃતિ? અને આપણી ભારતીય સંસ્કૃતિ ને એવી બધી ગૂંચમાં કેમ અટવાઈ ગયો છું?

આ વિચારવમળ કે ગૂંચ તો કદાચ આ સવારનાં નથી, અનેક સમયથી છે.

પણ આજ સવારે ઊઠી, તૈયાર થઈ મારા પૌત્ર મૌલિકે મને કહ્યું: ‘દાદા, ગુડ મોર્નિંગ!’ એને પ્રત્યુત્તરમાં કહ્યું : ‘ગુડ મોર્નિંગ.’ મૌલિક એની દાદી તરફ વળીને બોલ્યો: ‘જયશ્રી કૃષ્ણ, બા.’ અને એની બાએ કહ્યું હતું : ‘જેસીકૃષ્ણ.’

આ ‘ગુડ મોર્નિંગ’ અને ‘જયશ્રી કૃષ્ણ’ આ બે અભિવાદનો તો મૌલિકના લગભગ રોજના કાર્યક્રમ પ્રમાણેનાં હતાં. પણ આ સવારે એ બે અભિવાદનો વચ્ચે મારા ચિત્તમાં એક દ્વંદ્વ શરૂ થઈ ગયું છે, અને એમાંથી જ આ સભ્યતા-સંસ્કૃતિ-ગ્લોબલાઈઝેશન અને ભારતીય સંસ્કૃતિ પરના પાશ્ચાત્ય ઑનસ્લોટ – આક્રમણ ના વિચારથી જે વ્યગ્રતા અનુભવતો આવતો હતો તે બહાર આવી ગઈ અને મેં એક ગંભીર ચિંતકની જેમ લાંબી ભૂમિકાથી શરૂઆત કરી.

મારો તો સીધો સવાલ હતો – અને તે મને પોતાને હતો : ‘ગુડ મોર્નિંગ’ કે ‘જયશ્રી કૃષ્ણ?’ હજી હમણાં પાંચમા વર્ષમાં પ્રવેશતાં અને આખા જગતને વિસ્મયથી જોતા મારા પૌત્ર મૌલિકને હું ‘કીડી અને કબૂતર’ની વાત કરું, એની સાથે ‘અડકોદડકો દહીં દડૂકો’ની રમત રમું કે પછી દૂરદર્શન પરનાં કાર્ટૂનની દુનિયામાં એને ખોવાયેલો રહેવા દઉં કે કોઈ પાશ્ચાત્ય સંગીતની ભારતીય અનુકૃતિ જેવા સંગીતની ધૂનના લયમાં કુશળતાથી નાચ કરતો જોઈ એને વાહવાહ આપું?

હા, એ દૂરદર્શન પર ‘શ્રીકૃષ્ણ’ની શ્રેણી પણ જુએ છે અને કાર્ટૂન શ્રેણી પણ. હજી તો છેક શિશુ કહેવાય, પણ આજનાં ઘણાંખરાં શિશુ સમયથી પણ આગળ રહેતાં હોય છે. એમને ખબર છે કેટલા વાગ્યે કઈ ચેનલ પર કાર્ટૂન આવે છે.

ક્યારેક ચિડાઈને હું પૂછું : ‘આખો સમય શું કાર્ટૂન જોયા કરે છે? તને એ અંગ્રેજીમાં બોલે છે, તે સમજાય છે?’ એણે સામેથી પૂછ્યું : ‘તમને સમજાય છે?’ – અને પાછો એ જોવામાં ડૂબી જાય છે.

દેશમાં લાખો-કરોડો શિશુ મૌલિકો છે. તેમનાં માબાપને કે દાદા દાદીઓને પણ મારી જેમ જ પ્રશ્નો થતા હશે. હમણાં થોડા દિવસ પર મિત્ર રઘુવીર ચૌધરીને ત્યાં અમેરિકા વસતા એક મિત્ર મધુસૂદન કાપડિયા આવેલા. રઘુવીર પોતાને ત્યાં આવેલા નિરંજન ભગત, લાભશંકર ઠાકર, નલિન રાવળ વગેરે સાહિત્યકાર મિત્રો અનેક ગુજરાતી લેખકોની પ્રસંગકથાઓમાં લીન હતા. ત્યાં રઘુવીરનો પૌત્ર મંદાર નિશાળેથી આવ્યો અને આવતાંવેત રિમોટ કન્ટ્રોલથી ટીવી શરૂ કરી પોતાની પ્રિય શ્રેણી જોવા લાગ્યો. શ્રી રઘુવીર જેવા દાદાની વિનવણીઓ પણ કામ ન આવી. શિશુ ચિત્ત પર પડી રહેલો આ પાશ્ચાત્ય એજન્સીઓનો પ્રભાવ કેટલો દૂરગામી રહેવાનો. તેની કલ્પના આપણને ચિંતિત કરે છે. મૌલિક કે મંદાર તો માત્ર એમના કરોડો સમવયસ્કોના પ્રતિનિધિ છે. એ શિશુઓથી માંડી, કિશોર, કુમાર કે યુવાવયના છોકરા-છોકરીઓની રૂચિ ગ્લોબલાઈઝેશનની થઈ રહેલી પ્રક્રિયા વચ્ચે ઘડાઈ રહે છે અને એની દિશા છે, વિદેશી સંસ્કૃતિ ભણી.

પણ પછી કોઈ પ્રશ્ન કરશે કે, એકવાર ગ્લોબલાઈઝેશન થઈ જાય, પછી દેશ શું અને વિદેશ શું?

મારી વ્યગ્રતાનું કારણ આવો પ્રશ્ન છે : દેશ શું અને વિદેશ શું? કેમકે દેશ દેશ છે. પણ એ પોતાની અલગ અસ્મિતા સાથે ટકી રહેશે ખરો?

[૨૯-૧૨-’૯૬]