ચિત્રકૂટના ઘાટ પર/નિરાલંબ નજર

નિરાલંબ નજર

સદ્ગત કથાકાર પન્નાલાલ પટેલને ઘેર જવાનું હમણાં થયું. એમના ઘરે શ્રીઅરવિંદ અને શ્રીમાતાજીની છબી આગળ તાજાં પારિજાતનાં પુષ્પો ધરેલાં હતાં. પારિજાત તો સ્વર્ગના નંદનવનનું પુષ્પ છે. કથા છે કે, એકવાર ત્રિવિશ્વયાત્રી નારદ સ્વર્ગના એ ફૂલ સાથે દ્વારિકામાં શ્રીકૃષ્ણને મળવા આવ્યા, અને એ ફૂલ એમને ધર્યું. કદાચ શ્રીકૃષ્ણની ચેતનામાં પ્રાક્લીલાવતારની સ્મૃતિઓ સળવળી ઊઠી હોય. તેમણે એ ફૂલ રાણી રુકમણિને આપ્યું. સ્વર્ગના ફૂલની મહેક કંઈ છૂપી રહે? સત્યભામા ત્યાં આવી પહોંચ્યાં. કદાચ નારદની એવી મસ્તીભરી ઈચ્છા પણ હશે. ફૂલ એક જ હતું અને અત્યારે તે રુક્મણિના હાથમાં હતું. સત્યભામાએ રૂસણું લીધું. ‘મારે પણ આ ફૂલ જોઈએ જ.’ સ્વર્ગનું ફૂલ અહીં ક્યાંથી લાવવું? શ્રીકૃષ્ણે નારદ સામે જોયું અને એમની આંખોમાં છૂપી સ્મિતરેખા જોઈ સમજી ગયા કે, નારદને સત્યભામા અને રુક્મણિ વચ્ચે વિવાદ સર્જી મારી કફોડી હાલત કરવી છે. સત્યભામાને સમજાવવાના બધા જ પ્રયત્નો વ્યર્થ. શ્રીકૃષ્ણે રુક્મણિને સ્વર્ગમાંથી આવેલું એક માત્ર પારિજાત પુષ્પ આપ્યું – તેમાં તો રક્મણિ પ્રત્યેનો પતિનો પક્ષપાત પ્રકટ થયો – એ દુઃખ પારિજાત ન મળ્યા કરતાં મોટું હતું. એટલે પોતાની હઠ જારી રાખી. છેવટે શ્રીકૃષ્ણે સ્વર્ગમાંથી માત્ર પુષ્પ નહીં એ પારિજાતતરુનું જ હરણ કરી લઈ આવ્યા – ધરતી પર. ત્યારથી આ દિવ્ય પુષ્પ આ મર્ત્ય ધરા પર પોતાની સ્વર્ગીય નજાકત જાળવી આપણને પોતાની એ પવિત્ર સૌરભથી પ્રસન્ન કરે છે. આજે શ્રીઅરવિંદ અને શ્રી માતાજી સમક્ષ ધરાયેલાં એ પુષ્પો મનને પ્રસન્ન કરી ગયાં.

શ્રાવણનો મહિનો આવે એટલે પારિજાતનાં પુષ્પો પ્રકટવા માંડે. મોડી રાતે ઊઘડવાનું શરૂ થાય અને સવારે તો આખું તરુ કેસરી ડાંડલીવાળાં જેતપુષ્પોથી જેટલું ભરાયું હોય, એટલું ક્યારામાં ગરેલાં તાજાં ફૂલોથીય શોભતું હોય. નાની વયે સ્વર્ગવાસી થનાર આપણા એક આશાસ્પદ કવિ ગોવિંદ સ્વામીએ પારિજાત-ફૂલોથી મધુર વિકલતા અનુભવી લખેલું :

આંગણે મારે જોબનગીતો ગાતાં પારિજાત,

ફૂલ કટોરે સૌરભ વેરી, બહેકાવી મૂકે રાત.

મારે ત્યાં કહેવી કોને વાત?

સવારમાં પારિજાત થોડાં સૌમ્ય બને છે, બહેકાવતાં નથી. ટાગોરને તો એવું લાગે છે કે, પારિજાતનાં ગરેલાં ફૂલો શું છે? એ તો ‘નયનભુલાનો’ નયનને મુગ્ધ કરનાર પ્રિયતમ પ્રભુના આગમનનો સંકેત છે. હૃદય ખોલીને એ જુએ છે કે, પારિજાત તરુની નીચે પાસપાસે ગરેલાં ફૂલોનો ઢગલેઢગલામાં ઝાકળભીના ઘાસ ઉપર અરૂણ જેવાં લાલ ચરણો મૂકતાં મૂકતાં એ. નયનોને ભોળવનાર પ્રિય આવે છે. ટાગોરને પારિજાતનાં એ ગરેલાં ફૂલોમાં પ્રિયની પગલીઓ દેખાઈ.

યુનિવર્સિટી કેમ્પસ પરનું જે ઘર અમે થોડાં વરસ રાખેલું તેના નાના આંગણમાં બોરસલ્લી અને પારિજાત વાવેલાં. નાનકડા પારિજાત નીચે એટલાં બધાં ફૂલો ગરી પડતાં કે સાચે જ પ્રભુની પગલીઓની ટાગોરની કલ્પના ખરી લાગે. બહુ જ કોમળ પારિજાત. થોડીવારમાં જ પાંખડીઓ મ્લાન થવા લાગે.

શ્રાવણના આ પારિજાતની વાત કરતો અહીં સુધી પહોંચ્યો છું, ત્યાં તો બાજુ એક ખેતરવા દૂરની રાજપૂત બોર્ડિંગના કોટની ધારેથી કુહાડીના ટચકા સંભળાય છે અને પારિજાતની વાત હવે કહી શકવાનો મૂડ ખોઈ બેસું છું. કુહાડીના હમણાં શરૂ થયેલા ટચકા છેલ્લી ચાર-પાંચ સવાર પડે કે તે પછી થોડીવારમાં જ સાંભળવા મળે છે.

પહેલે દિવસે ટચકા શરૂ થયા, ને જોયું તો બોર્ડિંગના કોટની ધારે ઊગેલા ઘેઘૂર લીમડાની ઉપરની ડાળીઓ ટચકેટકે કંપી રહી હતી. મને થયું કે, દર ત્રણ-ચાર ચોમાસે આ ઘટાદાર લીમડાઓને થોડા ફસલી નાખવામાં આવે છે, તેમ આ વખતે પણ હશે. પણ આ તો ઉપરની ડાળીઓ કાપી, પછી કુહાડા છેક લીમડાના થડ ઉપરના ચોકા સુધી કાપતા આવ્યા.

સાંજ સુધીમાં તો બે બૂઠાં પાંખા સાથેનું માત્ર કબંધ જ ઊભું રહ્યું. એક આખા વૃક્ષના વિસ્તારનો શૂન્યાવકાશ એ દિશામાં નજર પડતાં કોઈ સ્વજનના જવાથી અનુભવાતી રિક્તતાની જેમ નજરને સૂનમૂન કરી દેતો હતો. પછી તો અવશિષ્ટ થડ પણ અદૃશ્ય થઈ ગયું. મને થયું કે, આ ઘેઘૂર લીમડો નજીકની ઈમારતને હાનિ પહોંચાડશે એ ભયે બોર્ડિંગવાળાએ દૂર કરાવ્યો હશે. પણ બીજે દિવસે બીજા લીમડાનો વારો શરૂ થયો. ઉપરથી છોલાતું આવતું જતું હતું ઝાડ. કોઈના એકએક અંગનો વિચ્છેદ કરતા જઈ, એને મરણને ઘાટ ઉતારતા જતા હોય એમ લીમડાની એકએક ડાળી કપાતી જતી હતી. હું આખો દિવસ અસહાય બની ટચકા સાંભળતો રહ્યો. વળી, પાછો બીજા એક લીમડાનો શૂન્યાવકાશ સર્જાયો.

આ લીમડા છેલ્લા ત્રણ દાયકાના અમારા એક રીતના પાડોશીઓ હતા. અમે અહીં રહેવા આવ્યા તે પહેલાંના અહીંના અધિવાસીઓ હતા, બચપણથી લીમડાની નિકટ ઊછરેલા મને આ નગરમાં પરિચિત નજરથી એ જાણે જોતા હતા. ચોમાસામાં પવનના સૂસવાટા સાથે વરસાદ પડતો હોય ત્યારે આ લીમડાઓની કેટલી નિકટની હાજરી અનુભવાતી. ચાંદની રાતમાં સ્તબ્ધ લીમડાઓ સાથે જનાન્તિકે નીરવ વાતો થતી. આ લીમડાને કારણે કેટલાં બધાં પંખીઓ આવતાં. કોયલના સામસામે સાદ પ્રતિસાદ આ લીમડાની ઘેઘૂર ઘટામાંથી ગુંજી રહેતા. સમડીઓએ એમાં માળા બાંધેલા, તેથી સ્તબ્ધ બપોરે સમડીનું ગાન (!) પણ વાતાવરણને ભરી દેતું. રાત્રે કાકકૂલના કેટલાક સભ્યો ત્યાં રહી પડતા. ઘુવડના અવાજો પણ ત્યાંથી સાંભળ્યા છે. અમારે માટે આ લીમડા લીલીછમ એવી પશ્ચિમ દિશાની ચંચલ દીવાલ સમા હતા. કેટલાં પંખીઓ એ સાંજે પોતાના માળાની શોધમાં ચક્કર લગાવતાં રહ્યાં હશે!

બે લીમડા જતાં જાણે બે સ્વજન એક સાથે ઊઠી ગયા. એ દિશામાં નજર જઈને પાછી પડે છે કે ઊભા થયેલા શૂન્યાવકાશમાં ભળી જાય છે તે કળાતું નથી. નીચે પગથિયું છે એમ માની પગ મૂકવા જઈએ અને પછી પાતાળ સુધી પગથિયું ન હોય! એકાએક અન્ અંત પાતાળલોકમાં પડતા જવાની નજરની અનુભૂતિ છે.

રાત્રે બાલ્કનીમાં આવીને જોયું : હવે દૂરની પથ્થરની ઈમારતો જાણે મને અનાવૃત્ત અવસ્થામાં જોઈ જતી હતી. ડ્રાઈવ-ઈન રોડ પરના કોલાહલ કરતાં જતાં વાહનોનો ઘોંઘાટ કશાય અંતરાય વિના મારા સુધી પહોંચતો હતો. છેક છેવાડે પોતાના બે સાથીઓના અંગવિચ્છેદ અને પછીની ક્રૂર કતલનો સાક્ષી એક લીમડો કદાચ પોતાના અંતનું અનુમાન કરી સ્તબ્ધ હતો. મને સાર્ત્રની ‘દીવાલ’ વાત યાદ આવી. એક ઓરડીમાં કેદ કરાયેલી વ્યક્તિઓમાંથી એક પછી એકની ત્યાંથી લઈ જઈને હત્યા થતી હતી. ગોળી છૂટવાના અવાજ સાંભળી ઓરડામાં પોતાના આવા વારાની રાહ જોતી વ્યક્તિઓની અસ્તિત્વવાદી વ્યથા આ લીમડાને નહીં થતી હોય! એ જરા દૂર હતો. મકાનો વચ્ચે અંતરાયરૂપ પણ નહોતો. કંઈ નહીં તો, એ એક તો બચી જશે એમ હું માનતો રહ્યો.

આજે સવારે શ્રી અરવિંદ અને શ્રીમાતાજીની છબી આગળ જોયેલાં પારિજાતનાં ફૂલોની યાદ લઈ એ દિવ્ય પુષ્પની વાત કરતો હતો. ને ટચકા સંભળાવા શરૂ થયા : થડથડ…થડથડ.

તો હવે આ ત્રીજો જણ પણ…

ઊભો થઈ કંપતા પગે બાલ્કનીમાં આવું છું – આશા રહિત આશા લઈને – કદાચ હજી એ લીમડાને જોવા પામીશ. પણ એ આખી નૈઋત્ય દિશા શૂન્ય છે.

નિરાલંબ નજર હવે કોના ખભે ઢળે?

[૯-૯-૯૬]