ચિલિકા/ઉપર


ઉપર ધરતી, નીચે ધરતીકંપ




સાંભળો: ઉપર ધરતી, નીચે ધરતીકંપ — યજ્ઞેશ દવે


૨૮મી જાન્યુઆરીએ હુંય આકાશવાણી અમારી ટીમ સાથે હળવદ તાલુકાના છેવાડાના ગામ ટીકર અને રાજકોટ જિલ્લાના માળિયામિંયાણા તરફ નીકળ્યો. રસ્તામાં ટંકારા જેવાં ગામો આવ્યાં. દુકાળથી ભાંગેલાં ગામોને ધરતીકંપે પાટું મારી પાડી નાખેલાં. મોરબી ઉપર તો વીસ-એકવીસ વરસ પછી આ બીજી હોનારત. કેટલાંય જૂનાં ઘરો અને હાઉસિંગ બોર્ડના ફલેટો ધરાશાયી થયેલાં. મજેવડી ગેટ, રજવાડી બાંધણીવાળી જૂની બજાર, જૂનો રાજમહેલ બધાંની રોનક — જાહોજલાલી ચાલી ગયેલી. રાજવીની પ્રેમગાથાના સ્મારક જેવું બેનમુન મણિમંદિર ખળભળી ગયેલું. કાંગરા તટેલા ઝરૂખા પડું પડું. મોરબી ફરી એક વાર ભંગાયું. મોરબીના હાલહવાલ નજર સામે હતા. અમે નીકળ્યા દૂર અંતરિયાળ ગામોની વ્યથા સાંભળવા. મોરબીથી ઉત્તરે નાના રોડે જીપ હંકારી જૂના ઘાટીલા તરફ. આ તરફ આગળ જાવ તેમ વૃક્ષો ઓછાં ને આછાં થતાં જાય. રસ્તામાં કંગાળ ભાંગેલાં ગામડાં આવે. ગામડે ગામડે લોક બહાર વસેલું. બુંગણ, પછેડી, ચાદર, સાડલા, ફાળિયાના રાવટી તંબુ આડશ બનાવીને માઘના પવનમાં સોરવાતાં-સોસવાતાં એકબીજાની ઓથે ઓથે જીવતા માણસો ધરતીકંપથી, ધરતીકંપ પછીના વિનાશથી અને ઠંડીથી થર થર ધ્રૂજતા હતા. એક કાળે મોરબી સ્ટેટની રેલવે જૂના ઘાટીલા જતી. ટ્રેન વરસોથી બંધ છે. પાટાય ઉખેડી નાખ્યા છે. હવે તો લિસોટા રહ્યા છે. આઝાદી પહેલાં સૌરાષ્ટ્રમાં દેશ આખામાં સહુથી સારું રેલવે-નેટવર્ક હતું, આ દેશી રજવાડાના પ્રતાપે. આઝાદી પછી કેટલાય રૂટો બંધ થયા છે, કેટલાય પાટા ઉખેડી નખાયા છે, સુંદર નેટવર્ક વિખાઈ ગયું છે. જૂના ઘાટીલા આવ્યું. અહીં વળતાં થોભવાનો વિચાર કરી જીપ હંકારી ટીકર તરફ – આ વિસ્તારનું સહુથી ધ્વસ્ત છેવાડાનું ગામ. અહીંથી આગળ રણકાંઠો શરૂ થાય. ટીકર પહોંચ્યાં પહેલાં દૂરથી જ ટીકરની તારાજી સામે આવી. ગામ આખું ગામ બહાર, ખેતરમાં, મેદાનમાં, નદીના પટમાં. શેરીઓ તો શેરીઓ શાની કહેવાય? કાટમાળના ઢગલા. ભેંકાર ભીંતડો. બજાર આખી બંધ. બેચાર સાજાસમાં ઘર ઊભાં છે. બાકી તો બહારથી સાજાં દેખાય તેમાંય રહેવાય તેવું નથી. ગામના એક જુવાને સાથે આવી ગામ બતાવ્યું. પડવાનું જોખમ ન હોય તેવાં તૂટેલાં ઘરમાંથી લોકો ઘરવખરી ફંફોસતા, ભેગી કરતા હતા. આવા વિપદકાળેય આ પ્રજાની નર્મવૃત્તિ ગઈ નથી. ઘરવખરી ફંફોસતાં નંબરવાળાં ચશ્માં, કૂકર, ખુરશી, ચા-ખાંડના ડબરા અંબાવતા હતા ત્યાં હાથલારી આવી. ગંગાજળની શીશી લઈને એક જુવાને બીજાને કહ્યું, ‘આલે લે ગંગાજળ, એલા એ પી લે, પી લે બે ઘૂંટડા, પછી પીવું નંઈ’, એમની આ મજાકથી કુદરતની ક્રૂર મજાકનો મને વિચાર આવ્યો ને કંપારી આવી ગઈ. સૂની બજાર, સૂનો રામજી મંદિરનો ચોરો, તિરાડ-તડિયાથી વૃદ્ધ થઈ ગયેલાં જર્જરિત મકાનોની દીવાલો, ઈંટપથ્થરોથી ભરી શેરી વટાવતાં વટાવતાં ગામ સોંસરા નીકળ્યા, પહોળા રેતાળ પટવાળી બ્રાહ્મણી નદીને કાંઠે. ગામ છેવાડાની શેરી બહાર બેચાર કાળાં કપડાંવાળી આધેડ બાઈઓનો રોવાનો અવાજ સંભળાયો. થયું ધરતીકંપથી મરણું થયું હશે ને પરગામથી બાઈઓ કાણે આવી હશે. એ બાઈઓ હળવું આક્રંદ કરી સામેની ડેલીમાં ગઈ. બહાર ઊભેલા ભાઈને પૂછ્યું, ‘કોઈ મરી ગ્યું છે?' તો એ ભાઈ કહે, ‘ગામ તૂટ્યાની ખબર પડતાં પાવૈયાઓ ગામની કાણે આવ્યા છે. આ ડેલી છે ઈ ઈમનો મઠ સે.' મઠમાં અંદર જવાય કે નહીં તે પૂછીને અંદર ગયા, આઠ-દસ પાવૈયા શોકનાં કાળાં કપડાં પહેરી રોતા હતા. એમનું રોણું બનાવટી ન હતું. અંદરની વેદનામાંથી ફૂટેલું હતું. તેમની સાથે વાતો કરી. મઠમાં માતાજીનું સ્થાપન છે. ફળિયામાં ઘણા પાળિયા દેખાય છે, તે પાવૈયાના પાળિયા છે. ગામને બચાવવા શૂરાપૂરા થઈ ખપી ગયેલા. પાવૈયાના મોભીએ કહ્યું, ‘આ ગામનું તોરણ જ પાવૈયાના હાથે બંધાયેલું, અત્યારે તો આ બધા પાર્વયા અમદાવાદ, વીરમગામ, મહેસાણા રહે છે, પણ તેમને દીક્ષા અહીં અપાયેલી. જાતમહેનતે જાતમજૂરીએ આ મઠ ઊભો કર્યો છે. તેનો જીર્ણોદ્ધાર કર્યો છે. આ તેમનું મૂળ થાનક. તેમના ગુરુ અને માતાજી અહીંયાં. તેમનું તો આ ગામ કહેવાય. તેમના ગુરુ સાથે જોડાયેલી કથા કહી. તેમની એક આજ્ઞા છે કે બ્રાહ્મણીની પેલી પાર તમતમારે ફૂલફટાક થઈ ફરો, ઠઠારા કરો પણ બ્રાહ્મણીનો પટ વટાવી ગામમાં આવો તે પહેલાં બધા વાઘા ઉતારી શોકનાં કાળાં કપડાં પહેરવાનાં. તેમનો તો એક પાવૈયો અહીં મર્યો નથી તોય દૂરદૂરથી ગામની કાણે આવ્યા છે. ગામ માટે તેમની આટલી લગન? મને આશ્ચર્ય થયું. મેં પૂછ્યું, ‘ગામનું આટલું તમને લાગી આવે?' તો કહે, ‘અમારે ક્યાં છોકરાં જણવાં છે. ગામની પરજા એ જ અમારી પરજો. અમારા આ ગામને અમે કેવું જોયું છે ને હવે કેવું થઈ ગ્યું. ગામની આ દશા જોવાતી નથ.' મઠના માતાજીને, ફળીના પાળિયાને પગે લાગી, પાવૈયાઓને મોઢે રામરામ કરી મનોમન પ્રણામ કરી અને ગામમાં નીકળ્યા. અમારી પાછળ બે પાવૈયાય ગામની ખબર કાઢવા નીકળ્યા હતા. તૂટેલી ડેલીના કોક ફળિયામાંથી એક ભાભાએ સાદ દીધો. “માશી, આયાં ચા પીતા જાવ.” જવાબમાં “આવું હો ભાઈ” કહી કાળા કપડાંમાં શોકાકુલ દેખાતા બે પાવૈયા શિથિલ ચાલે ગામની તૂટેલી શેરીઓ તરફ વળ્યા. સામાન્ય રીતે રૂક્ષ લાગતા, આપણા માટે ઉપહાસ, વ્યંગ અને હાસ્યનું પાત્ર બનતા પાવૈયાઓનો બીજો જ ચહેરો મેં પહેલી વાર જોયો. ગામની બહાર બ્રાહ્મણીના પટમાં ટ્રૅક્ટરોમાં, તંબુઓ, રાવટીઓમાં કુટુંબો પડ્યાં છે. નિશ્ચિંત છોકરાં પટમાં રમે છે ને મોટેરાઓ માથે હાથ દઈ બેઠા છે. અહીંયાં જ મૂળ ટીકરના રહેવાસી હાલ ભચાઉની હૉસ્પિટલમાં કામ કરતા રસોયા મળ્યા. ધરતીકંપ વખતે ભચાઉ હતા. આંચકો આવ્યો, રસોડાનાં વાસણ ધણધણ્યાં ને પળવારમાં પામી જઈ બહાર ભાગ્યા. ધરતી સૂપડાની જેમ જાણે બધું ઝાટકતી હતી. બહાર નીકળ્યા ને હૉસ્પિટલની ઇમારત પડી. બહાર ઊડી ધૂળની ડમરી. સામેનું કાંઈ સૂઝે નહીં. ડમરી શમી ને જોયું તો ભચાઉ આખું જમીનદોસ્ત ભળાયું. ભૉ ભાળી ગ્યા હોય તેમ ભાગ્યા. ખટારામાં બેસી સામખિયાળી, ત્યાં તો વાહનોની કતાર. ચાલતા સૂરજબારીનો પુલ વટાવી માળિયાના પાટિયે પુગ્યા. ત્યાંથી બે છકડા બદલાવી પોતાના ગામ ટીકર પહોંચ્યા છે. હાશ, પોતાના ગામ. ગામ તો શું કહેવાય. એ ય ખંડેર પણ તોય પોતાનું ગામ ને પોતાના લોક. ભચાઉની દશા જોયા પછી દબાયેલા માણસોની ચિચિયારીઓ સાંભળ્યા પછી બ્રાહ્મણીના સૂકા કાંઠે શાંતિ છે. ફરી ક્યારે ભચાઉ જવાશે? ટીકરમાં શું કરશો તેવા અમારા મનમાં ઊઠતા પ્રશ્નો અસ્થાને હતા. અત્યારે તો એ આઘાતથી જ મૂઢ થઈ ગયા છે. અમારા રેકર્ડિગમાં તેમની ઠંડી વેદના અને ગરમ રોષ ઝિલાયા હતા. ત્યાંથી વળતાં આવ્યા જૂના ઘાટીલા. તેની દશાય બેઠેલી. એક વખત હાંડા જેવું ગામ કહેવાતું. ધરતીકંપે ઠીબડીની જેમ ભાંગી નાખેલું. માણસ તો ફરી ઘડશે ત્યારે. મીડિયા ચૅનલ કે પ્રેસવાળાઓ અહીં આવ્યા હશે. ગામ અચાનક જ જોવાલાયક સ્થળ બની ગયું છે, ગામના દરવાજા પાસે જ એક ભાભાએ ગામની બહારનાં થોડાં સાજાં મકાનો તરફથી અમારી આંખ ખેસવી કહ્યું, ‘ગામ જોવું હોય, કે ફોટા પાડવા હોય તો અંદર જાવ.' તેમની કથાવ્યથા ગરમાગરમ તાજા સમાચારો હૃદયદ્રાવક ફોટાઓ બન્યા હતા. ગામ સંપીલું. ઘરવખરી ચોરઉચક્કા લૂંટી ન જાય તેથી શેરીએ શેરીએ સમિતિ બનાવી જાગરણ કરે છે. રાહતનો માલ આવે તો એક જ જગ્યાએ ઉતરાવી પછી વહેંચીને ખાય છે. સરપંચ પોતેય શાળાના મેદાનમાં પ્લાસ્ટરવાળા પગે ખાટલામાં પડેલા. શાળાના આચાર્યે ગામનું નેતૃત્વ લીધેલું. આવા સંજોગોમાં રસ્તા પર કે રાવટીમાં આવી ગયેલા માણસોએ અમારી ના છતાં પરોણાગત કરી. અમને ધરાર ચા પાયા વગર ન જ જવા દીધા. માળિયામિંયાણાના સુખપર જેવા ગામનો તો સાવ કડુસલો બોલી ગયો. માળિયામાંય નુકસાની જ નુકસાની. કાચાં મકાનો તો લગભગ ગયાં. પાકાં ટક્યાં તેય કૂબડાં, બાંડાં, ઠૂંઠાં, લંગડાં. મુખ્ય રસ્તાઓ બુલડોઝરથી સાફ થતા હતા. નાની ગલીઓમાં તો આવાં મોટાં મશીનો જઈ શકે તેમ નથી. એ શેરીઓ તો પોતે જ ઈંટ-ઢેખાળામાં દટાણી છે. ઘરમાં જ આ ગરીબ મિંયાણાઓની ઘરવાળી, મા, દીકરી કે બાપબેટા દટાયાં છે. ચાર દિવસ પછી વાત કરતી વખતે અવાજ લુખ્ખો અને આંખ સુક્કી થઈ ગઈ છે. અમે ભલે તેમને ચા-ખાંડ, પૂરી, સુખડી કે પ્રાઇમસ, ધાબળાની રાહત નથી પહોંચાડવા આવ્યા, પણ અમારા થકી તેમની વાત લોકો સુધી પહોંચશે તેની જ તેમને રાહત થઈ. ઉઘાડા આભ નીચે રહેતા લોકો ભીંતડાં થઈ ગયેલાં ઘરની યાદને વાગોળતા હતા. સ્થાનિક મુસ્લિમ આગેવાન યુવાને અમારી પાસે સરકારી તંત્રની નિંભરતા માટે અમારી પાસે ઘણો રોષ ઠાલવ્યો, પણ અમારી સાથે ત્યાંના સ્થાનિક અધિકારીઓના રેકર્ડિંગ માટે આવ્યો ત્યારે તેના રોષની ધાર બૂઠી થઈ ગઈ હતી. તેને કદાચ એમ હશે કે અધિકારીઓ સામે રોષ કરીને, તેમનો રોષ વહોરીનેય શું મેળવવાનું છે. જે કાંઈ રાહત મેળવવાની છે તે તો કાયમી તેમની પાસેથી જ ને! અને રહેવાનું તો તેમની સાથે જ છે ને! લડી-ઝઘડીને જાય પણ ક્યાં? અમારે રાજકોટ જવાનો સમય થઈ ગયો હતો. રાત્રે જ કાર્યક્રમ બનાવી રેડિયો પર મૂકવાનો હતો ને સાંજના સાત તો થઈ ગયા હતા. અમને વિચાર આવ્યો કે અમારે તો આ વિસ્તારના લોકોની મુલાકાત-આધારિત કાર્યક્રમ રાત્રે રેડિયો પર વગાડી સાજાસમા અમારા ઘરમાં ગરમાગરમ રસોઈ ખાઈ, ટી.વી.ની ચૅનલો પર ભૂકંપનાં રોમાંચક દૃશ્યો જોઈ, ધાબળો ઓઢી સૂઈ જવાનું છે, જ્યારે તેમના માટે તો એ દિવસો હજી વરસો દૂર છે.