ચિલિકા/કચ્છડો


કચ્છડો

૧-૨-૨૦૦૧
અંજાર નવું અંજાર કાંઈક બચ્યું. જૂનું ભૂંસાયું. પ્રજાસત્તાક દિનની પ્રભાતફેરી કાઢતાં સેંકડો ભૂલકાં દટાયાં. આ જન્મે તો તેમણે કોઈ પાપ નહોતું કર્યું. તો કયા કર્મનું કયા જન્મનું ફળ? પુનર્જન્મમાં માનતી પ્રજા આગલા જન્મનાં પાપો સાથે તાળો મેળવશે, પણ બાળકો તો ગયાં જ. આવા જ કોઈ નિર્દોષ બાળકની પીડા જોઈ દોસ્તોયવસ્કીને થયેલું, ‘જે ઈશ્વર આવા નિર્દોષ-નિષ્પાપ બાળકોને પીડા આપતો હોય તો તેવો ઈશ્વર મંજૂર નથી.’ તે ઈશ્વર હોઈ શકે જ નહીં કે પછી ઈશ્વર પ્રકૃતિની જેમ તટસ્થ નિર્મમ છે? આ તો કુદરતનો ખેલ. પ્રેમાળ કહો કે ઘાતકી તેને કોઈ ફેર નથી પડતો. કોઈ ડૂસકાં તેને કાને નથી પડતાં કારણ તેને કાન જ નથી. કાપડ બજારમાં દુકાનો અડધી પડી. અડધી પડવાના વાંકે ઊભી છે. દુકાનમાંથી માલ કાઢતાં મજૂરોયે કબાટ ખેસવી ખસેડ્યો ને ત્યાં તો પડું પડું થતી દીવાલ ધસવાનો અવાજ, માંડ ભાગ્યા. દીવાલ અંતે પડી. બજાર પાછળનાં ઘરો પડેલાં છે. બેલા, ઈંટ પથ્થર ગારા, ચૂનાનાં મકાનો. ઝાક ક્યાંથી ઝીલે? બજારમાં મુંદ્રા બંદરથી એક્સપૉર્ટનું કામ કરતો જુવાન મળ્યો. અડધા કરોડની ઉઘરાણી સલવાણી છે. રેકર્ડ દબાયું-ખોવાયું છે. દેણદારેય કેવી રીત આપે? તેની પાણીદાર માંજરી આંખમાં છે ચિંતા, ઉજાગરો ને લાચારી. દુકાનમાં દટાયેલા દાદાજી ગુમાવ્યા. આગળ તો બજાર જ બંધ, બજારના રસ્તા પર જ પડેલી દુકાનો ને મકાનોનો કાટમાળ. ચાર-પાંચ ફૂટનો ઊંચો ઢગલો. કોઈ દુકાનદારે કહ્યું, “પાછળની ગલીમાં જ અર્ધદટાયેલા એક શબને કૂતરા ફાડી ખાતા હતા.” કેમ ન ખાય? કૂતરાનેય પેટ છે. તે રાહત રસોડે ક્યાંથી જાય. તેને તો માટી પરમાટી બધું સરખું – ડોજરું ભરાવું જોઈએ. ક્યાંક ક્યાંક બે માળની દુકાનો તોળાયેલી. ચોતરફ જાળીદાર રવેશવાળી એક સરસ બંગલી પડવાની તૈયારીમાં છે. નથી પડ્યું તો પડશે કે પડાશે. જીવને પડીકે બાંધી એક હંગેરિયન તેના ગંધપારખુ કૂતરાને લઈ પાછળની ગલીના કાટમાળમાં ફરી રહ્યો હતો. એક જગ્યાથી વાસ આવી. કૂતરો ત્યાં ગયો. સૂંઘી છાંક છાંક અવાજ કરી માલિકની સાંકળ ખેંચી આગળ ગયો. કેમ જાણે સ્વજન ગુમાવ્યું હોય તેમ પેલાં હંગેરિયન કહે “ડેડ”. જેસલતોરલનું સમાધિમંદિર પડ્યું. સમાધિય ખળભળીને નજીક આવી. ૧૯૫૬ના ધરતીકંપમાં સમાધિઓ થોડી નજીક આવી હતી. આ ધરતીકંપમાં બંને સમાધિઓ ભેગી થઈ ગઈ હોત તો તે હોત “ડુમ્સ ડે – કયામત – પ્રલય.” શિવે જટા ધુણાવી તાંડવ ખેલ્યું હોત. ખેલાશે પણ પછી ક્યારેક. અંજારની બજારમાં ચૉકમાં એક સ્ટેશનવેગન ઊભું રહ્યું. આવ્યા છે ધાબળા પછેડીની રાહત પહોંચાડવા. એક સ્થાનિક માથાભારે માણસ કહે છે, “માલ અહીં ઉતારી અમને આપી દ્યો અમે વહેંચશું.” રોષપૂર્વક બે બે કટકા ગાળો બોલે છે. ટોળું ભેગું થાય છે. આ બધા પીંઢારા, ઓશિયાળાનું ઓળવી જનારા બદમાશો. પોલીસ આવી પહોંચે છે. ગાડીના કાચ ફૂટે, માલની ઝૂંટાઝૂંટી થાય તે પહેલાં રાહતની ગાડી રાહતનો શ્વાસ લઈ પૂરપાટ મારી મૂકે છે. ૧-૨-૨૦૦૧
ગાંધીધામ
પહોળા રોડ સૂના છે. કેટલાંક કૉપ્લેક્સ પડ્યાં છે, તો કેટલાંક ધરબાયાં સમાયાં છે, તો કેટલાંક બેશરમ વિજેતાની જેમ ઊભાં છે. એક સ્ટોરનું ઉપરનું પાટિયું જમીનને અડી ગયું છે. ધરતીકંપની ખળભળેલી પોચી રેતાળ જમીનમાં આખો માળ ઊતરી ગયો છે. હું ફોટો પાડું છું ને દીકરો કૅપ્શન આપે છે “One floor less to climb – હવે એક માળ ઓછો ચડવાનો. પણ માળ હશે તો ને? ચડનારા હશે તો ને? ચડનારા ઘણા ઊતરી ગયો છે ધરતીમાં – સીતાની જેમ નહીં કબરના મુડદાની જેમ – આ મુડદાંને તો બહાર કાઢવાં પડશે. માવજી સાવલા હેમખેમ છે તેવા ભુજથી સમાચાર હતા. દુકાને જઈએ છીએ પણ દુકાને તો નથી. ઘરે છે. અમને ઉતાવળ છે ભચાઉ જવાની. તેમનો દીકરો કહે છે, “અહીં સુધી આવ્યા છો તો મળતા જાવ. ઘર નજીક જ છે.” હાશ. ઘરે છે. ઉતાવળ છે એટલે ફળિયામાં ખાટલો ઢાળી બેસીએ છીએ. માવજીભાઈ અને તેમનાં પત્નીને 56નો અંજારનો ધરતીકંપ યાદ છે. પણ આ ધરતીકંપ તો બધું ભુલાવી દે તેવો. તેમણે કહ્યું, “ધરતી પર જે વીતે છે તેનું વેર ધરતીએ વાળ્યું છે. કેટલા ઉપાડી લીધા માણસે. કેટલા અત્યાચાર કર્યા છે. હવે માણસ કાંઈક સમજે તો?” આ પણ ધરતીકંપનું એક લૉજિક વિજ્ઞાનના પાયા પર ભલે ઊભું ન હોય. એક શ્રદ્ધા અને ન્યાયના પાયા પર ઊભું છે. તૂટી ઠરડાઈ-મરડાઈ બેસી પડેલા કોમર્સિયલ કૉમ્પ્લેક્સના સ્લેબના મોટા મોટા ટુકડાઓ ક્રેઇનના ઊંટિયાથી ઊંચકાઈ ડંપરમાં ભરાય છે. ચારેકોર જે.સી.બી. ક્રેઇનની ને ડંપરની ધણધણાટી. શું હિટલરના શાસનમાં પૅરિસ, બર્લીન કે બીજાં નગરોની દશા આવી જ હશે? માનવસંબંધો ય ખુલ્લાં પડ્યાં છે તેની બધી સંકુલતા સમેત અનેક કાળા, ભૂખરા, લાલ, લીલા રંગો દેખાય છે. કોઈ લોહીની કશી જ સગાઈ વગર પરથમ પહેલાં મસ્તક મૂકી યાહોમ કરી ઝંપલાવી ફસાયેલાને બહાર કાઢે છે. કોઈ પંડ બચાવવા સગી પત્ની, સગી માને અંદર મૂકી ભાગ્યા છે. કોઈ સંતાનને બચાવવા જતાં અંદર ધરબાયા છે, તો કોઈએ બચાવી છે પોતાની જાતને... Everything is fair in love and war. અહીં તો બંને છે. કશાં ત્રાજવાં લઈ જોખવા ન બેસવું. જજમેન્ટ ન દેવું. અહીં તો માણસે, નર્યા માણસે જે કર્યું તે બધું વ્યાજબી. ભૂજ, ભચાઉ, અંજારમાં ઠેર ઠેર કામુના આઉટસાઇડરો ઘૂમે છે. પોતાના જ નગરમાં પોતાના ઘરમાં આઉટસાઇડર. આઉટસાઇડરના નાયકની જેમ સ્વજનના મૃત્યુની વાત સ્વસ્થતાથી નિર્મમ રીતે કહી શકે છે. કારણ મૃત્યુ એ એક એકાંતિક અંગત ઘટના નથી રહી. એણે સામૂહિક સાર્વત્રિક રૂપ ધારણ કર્યું છે. બધું બૂઠું થઈ ગયું છે. વેદના-સંવેદના બધું. આંખ સૂકી છે, જીભ લુખ્ખી. ચગદાયેલી ચેતના ફરી સળવળે ત્યારે સાચી. શહેર કરતાં ગામડાના માણસો વધુ સાબૂત લાગે છે. પૂર્વજન્મ અને વિધાતાના લેખમાં માનનારી પ્રજાએ વિધિનો આ ખેલ ‘જેવા અમારા ભાગ’ કહી સ્વીકારી લીધો છે – જેમ આપણે “જેવા તેમના ભાયગ” કહીને. ૧-ર-૨૦૦૧
ભચાઉ
કાલે કદાચ આ સ્થળ વિશે એમ પણ લખવું પડે કે જૂના ભચાઉ બસસ્ટૅન્ડના પરિચિત રસ્તે આવીએ છીએ પણ બસસ્ટેન્ડ ક્યાં? શોધ્યું ન જડે. આ ઘર ક્યાં? આ ઑફિસ ક્યાં? તેમ પૂછવાનું રહેવા દો. અહીં તો આ શેરી, આ બજાર ક્યાં. આ શહેર ક્યાં તેવા સવાલો છે. નજરે ન જોઈએ ત્યાં સુધી ભેજામાં ન ઊતરે કે બે બે માળ ધરતીકંપમાં ગરક થઈ શકે, ભુખાવળી ધરતી ગળી ગઈ. નીચે ઊતરતા માણસો ક્યાં ફસાયા હશે? નીચે દબાયા-દટાયા પહેલાં નીકળી શક્યા હશે? ચોક વચ્ચે જ વિદેશી સ્નીફર ડૉગ્ઝના પાંજરાં છે. પાણી અને પંખાથી ઠંડા. કૂતરા છે જાતજાતના રૂછાવાળા, સુંવાળા, રાતા ચળકતા, કાળા બિહામણા. યુધિષ્ઠિર સ્વર્ગ સુધી લઈ ગયા તેનો બદલો વાળવા છેક યુરોપથી કચ્છ ઊતરી આવ્યા છે. પાંચ-છ દિવસ પછીય દટાયેલાઓની ભસીને ભાળ આપે છે. કોણ ક્યારે કામ આવે તે ક્યાં કશું કહી શકાય છે? અમે ગામવાસીઓને સ્મશાનનું પૂછીએ છીએ. તેઓ શો જવાબ આપે? હવે તો ઠેર ઠેર સ્મશાન. લત્તામાંથી, શેરીમાંથી, આસપાસના વિસ્તારોમાંથી નીકળેલી લાશોને રસ્તા વચ્ચે જ ચિતા ખડકી દાહ દેવાય છે. ભચાઉમાંથી ઠેર ઠેર ધુમાડો ઉપર ઊઠે છે. નિરાકાર આકાશ ભણી. બસ-સ્ટેશન પાસે તૂટી ગયેલી દુકાનોમાંથી માલિકો વસ્તુઓની લારીઓ ભરે છે. એક જુવાન ખુરશી પર બેઠો છે. આસપાસ અમારા જેવા આગંતુકોનું ટોળું. તે રોષ અને ઉત્તેજનામાં બોલ્યા કરે છે. સન્નિપાત ઊપડ્યો હોય તેમ. “કેટલી બચપણની જુવાનીની યાદો છે આ ભચાઉ સાથે. અત્યારે જુવો છો ને ભચાઉની દશા? રાતે ભુતાવળ જીવતી થાય છે, અવાજો આવે છે. ચિચિયારીઓ ને ડૂસકાં. દિમાગ કહે છે આ બધું જૂઠું છે. કાંઈ નથી પણ દિલ માનતું નથી. રાતે તો લાઇટ નહીં ને ભુતાવળ ભરેલું ભચાઉ બિહામણું લાગે. થાય કે હમણાં ફાટી પડાશે. પણ કઠણ કરમ ને કઠણ કાળજાના કે આ બધું જોવા જીવતાં રહ્યાં. તેની કરોડોની ફૅક્ટરી. વીમાની મુદત શરૂ થાય તે પહેલાં જ કડડભૂસ. પરદેશથી મશીનરી આવી'તી. હવે તો તેય શરમ વગર રાહત રસોડે જમે છે. આ ગામમાં ફરી રહેશો? તેના જવાબમાં કહે છે, “હવે કેમ કરી રહેવાય! મારી જિંદગીમાં હવે મને ક્યારેય કરાર નહીં વળે, ક્યારેય નહીં. તમે આવો છો ને પૂછો છો તો સારું લાગે છે. દિમાગ હળવું થાય છે. નહીંતર તો ગાંડા થઈ જવાય ગાંડા. આ વાડિયુંવાળાઓએ બોર ઊંડા ઉતારી ઉતારીને જમીનને ચારણી જેવી કરી નાખી, ચૂસી લીધી. પછી જમીન બદલો ન વાળે? પણ ઈ તો બધાં વાડિયુંવાળા વાડિયુંમાં જલસા કરે છે, હેરાન તો અમારે થાવાનું છે ને? ભગવાન ઈમને માફ નહીં કરે.” ઉપર સૂરજનો તાપ. ટ્રૅક્ટરની ટ્રોલીની છાયામાં એક ત્રસ્ત યુગલ હાથ દઈ બેઠું છે. જતું-આવતું કોઈ મળે તો કેટલા ગયા કેટલા જીવ્યાનો તાળો મેળવે છે. લાચાર આ માણસોને નિરાંતે બેસવા કોણ દે? આસપાસ માણસો કુતૂહલથી વીંટળાઈ વળે છે. પૂછે છે ક્યાં જશો? ઝલમલતી આંખે બહેન કહે છે, “જાય ક્યાં? સગાંને ત્યાં કેટલા દિવસ કાઢવા?” ભાઈ કહે છે, “સગાંવ મુંબઈ છે પણ ત્યાં ક્યાં સમાઈએ? ત્યાં તો જાતાંવેંત જ દૂધની કોથળીનો હિસાબ શરૂ થઈ જાય છે.” બજારો ફેંદાયેલી પડી છે. ચોરેચૌટે ચિતા. ક્યાંક તો તૂટેલા ઘરના રસોડામાં જ દાહ. એક બહુમાળીના તો બે માળ ધરતી ગળી ગયેલી. કોઈ કોઈ જગ્યાએ આર.એસ.એસ.ના કાર્યકરો બેઠા છે. રાખનો નાનકડો ઢગલો થઈ ગયેલી ચિતામાં થોડો અગ્નિ છે. અસ્થિફૂલ પણ હશે. પણ એકઠા કરનારું કોઈ નથી. પાસે છે લાકડા ને કેરોસીનના ડબલા. અંગ અંગ છૂટી પડતી લાશનો અંતિમ વિસામો, તેમનું જ ઘર. મિસ વર્લ્ડ, મિસ યુનિવર્સ, બોડી બિલ્ડિંગ, કામણગારા દેહનું કામણ ઢોળાઈ ગયું છે. અહીં છે માનવકાયાનું જુદું જ દર્શન. ફૂલેલી, ઉઝરડાયેલી, વિરૂપ, વિકૃત, ભયાવહ ગંધાતી લાશો. ભચાઉની સૂની શેરીમાં અમારા બુટનો ભયાવહ અવાજ ગાજે છે. મિલિટ્રીના કમાન્ડર મળ્યા. કહે, “પાંચ દિવસથી અહીં જ કાટમાળ ખસેડી જીવતા માણસોને બહાર કાઢવાની કામગીરીમાં છીએ. સામાન્ય રીતે મારવા માટે તાલીમ પામેલા અહીં બચાવની કામગીરીમાં છે. કોઈ જીવતું મળી આવે તો દિવસનો થાક, ઉજાગરો ભૂલી ખુશ થઈ જાય છે. પગમાં નવું જોમ આવે છે.” ભચાઉને અડીને આવેલી ટેકરી પર ચડી મારે તૂટેલા ભચાઉને જોવું હતું. ગઢ તરફ જવાની શેરીઓનો કાટમાળ ચડતો-ઊતરતો લગભગ ગામની બહાર સુધી પહોચું છું. ટેકરીને ગઢ હવે થોડે જ દૂર. એક શેરી વટાવું તેટલી જ વાર. પણ ‘અંગના તો પરબત ભયા’ છેલ્લી શેરી દટાયેલી. કાટમાળનો ઊંચો ટેકરો. હું પાછો ફરું છું. એક શેરીમાં ઢાળેલા ખાટલા પર એક રાતું કૂતરું ચિતામાંથી ખેંચી લાવેલા માંસચોટેલા હાડકાનો ટુકડો ચાટી રહ્યું છે. મને જુગુપ્સા થઈ. હાથમાં તૂટેલી ઈંટ લઈ મારવા ગયો પણ પથ્થર ફેંકતા ફેંકી ન દઈ, નીચે મૂકી દઉં છું. કૂતરાનો શો વાંક? ભચાઉના પાદરમાં થિયેટર આખું પડી ગયું છે. બચી છે માત્ર પડદાની દીવાલ, થિયેટર હવે ઓપનએર થિયેટર. પડદા પર નહીં પણ પડદાની ચારે તરફ ચાલી રહ્યું છે ભયાનક, ખોફનાક ને કરુણ ચલચિત્ર. ચલચિત્રોની ફ્રેઇમ ફ્રીઝ થઈ ગઈ છે. ભારતીય નાટ્યપરંપરા અને હિંદી ફિલ્મોની જેમ અંત સુખાંત હશે કે ગ્રીક ટ્રૅજેડીની જેમ દુખાંત? ભચાઉની કથા આગળ ચાલે ત્યારે ખબર પડે.