ચિલિકા/કાલીજાઈ


કાલીજાઈ પાસે સૌભાગ્ય

કાલીજાઈ અહીંની દેવી. આસપાસના ભાવિકોનું આસ્થાકેંદ્ર કાલીજાઈ ટાપુ. કાલીજાઈ દેવીની કથા કંઈક આવી છે : નવોઢા કાલીજાઈ તેના પિતાને ઘરેથી – ચિલિકાના એક ટાપુ પરથી હોડીમાં બેસી પતિને ઘેર જઈ રહી હતી. અચાનક જ તોફાન ઊમટ્યું ને કાલીજાઈને ડુબાડી ગયું. કોડભરી કાલીજાઈ પ્રેત થઈ નાવિકોને કનડતી, ભૂત-ભડકો થઈ દેખાતી. લોકોએ જે ટાપુ પર ખરાબે ચડી હોડી ભાંગી હતી ત્યાં તેને દેવી તરીકે સ્થાપી અને તે કલ્યાણકારી થઈ આજેય પૂજાય છે. સેંકડો ભાવિકો હોડીમાં આ નાનકડા ટાપુ પર આવે, કાલીજાઈને ચૂડીચુંદડી ચડાવે, શ્રીફળ વધેરે ને સ્ત્રીઓ અખંડસૌભાગ્યની કામના કરે. કાલીજાઈ દેવીને બકરાનો ભોગ ચડે પણ અહીંની એક વિશિષ્ટતા હતી કે અજબલિને, અર્પવાને બદલે એક જમાનામાં ટાપુ પર જીવતાં છોડી મૂકવામાં આવતાં. નાના એવા ટાપુમાં ભૂખ્યાં રહી, ચિલિકાનું ખારું-ભાંભરું પાણી પીને તરસ્યાં બકરાં તરફડીને મરી જતાં. હવે અહીં ચડાવેલા બકરાને ફરી વેચી દેવાની વ્યવસ્થા થઈ છે. તરાપા પર કવિસંમેલન યોજાયું ત્યારે જ કાલીજાઈ જવાનો પ્લાન હતો જે પાર ન પડ્યો, પણ અંદરની ઇચ્છા નક્કર હતી તે પાર પડી જ. મન હતું તે માળવે જવાયું. સમાચાર મળ્યા કે અહીં જંગલખાતાની એક બોટની વ્યવસ્થા થઈ છે અને મર્યાદિત સંખ્યામાં જ સવારે ૬-૩૦ વાગે નીકળવાનું છે. વધુ ગિરદી થઈ જાય તો પોતાનું પત્તું કપાઈ જાય તે આશંકાએ બધાંએ ઝાઝી જાહેરાત ન કરી. ખાંખત હતી તેથી સવારે ઊઠી જવાયું. સારું થયું. ચિલિકા પરનું પ્રભાત જોવા મળ્યું. નીકળવાનો તો છેક આઠ વાગ્યે મેળ પડ્યો. જવામાં સાથે ગંભીર માનુષી ઇંદિરા દાસ અને કન્નડ કવયિત્રી ઊછળતી બિનધાસ્ત છોકરી જેવી મમતા સાથે હતી. સિગારેટ પીવે, ધરે પણ ખરી! ફિલ્મી ગાયનના રવાડે ચડ્યા પછી તેને શુંય સૂઝ્યું કે તેણીએ ગિરીશ કર્નાડના નાગમંડલ'નું કન્નડ ગીત ઉપાડ્યું, સમજાય નહીં પણ પગને થિરકાવી દે તેવું ગીત. લૉન્ચ પાણી કાપતી જતી હતી, પાછળ લહેરિયાં લેતું પાણી સંધાતું જતું હતું. રસ્તામાં (અહીં જળમાં રસ્તો કેવો? છતાં ક્યાંક પહોંચવું છે એટલે એ જળપથનેય રસ્તો જ કહેવો પડે) ગલ-પક્ષીઓ, ડૂબકી-બતકો અને ટર્ન-પક્ષીઓ જળઝૂલે હીંચકતાં ઊડતાં તરંગ પર સવાર થતાં દેખાયાં. ઉન્મુક્ત નીલરાશિનો અને એવા જ ઉદ્ધત પવનનો બધાંને છાક ચડ્યો હતો. લાંગર્યા ટાપુ પર. અહીં પણ ચા, નાસ્તાના સ્ટૉલ, પ્રસાદ-ચૂડીચુંદડી ને પ્રસાધનોના સ્ટૉલ. નાનકડું મંદિર, બહાર સ્ટોરમાં લાલ હિંગળોક રંગની ચળકતી બંગડીઓ જોઈ ખરીદવા લલચાયો. પત્ની તો હતી નહીં, માપની ચૂડી લેવી કેવી રીતે? પાસે જ ઊભી હતી ગંભીરા ઇંદિરા દાસ. ઊંચી દેહયષ્ટિ, ગોળ શાલીન નમણો ચહેરો. મેં કહ્યું, “મેરી પત્ની કે લિયે લે જાના હૈ, નાપ કે લિયે આપ પહનકે દેખ સકતી હૈ?' અચાનક જ હસતો ચહેરો ગંભીર થઈ ઉદાસ થઈ ગયો. ચહેરા પરથી જાણે નૂર ઊડી ગયું. તરડાયેલા અવાજે મને વિનંતી કરી, “મુજે ચૂડી મત પહનાઈયે, પ્લીઝ મૈં નહીં પહન સકૂંગી.” મારી વિનંતીના આજીજીભર્યા અનાદરથી હું ભોઠો પડ્યો. થયું મારી માગણીનો જુદો અર્થ તો નહીં કર્યો હોય? ના, ના. તેમ હોય તો અવાજમાં આવી ભાવુકતા ન હોય. તેના અંતરંગ પર ઠેસ તો નહીં પહોંચાડી હોય? એ તો તરત જ ચાલી ગઈ હતી. હું ચૂડી ન ખરીદી શક્યો. ખડગ-ખપ્પરધારિણી, લપકતી જીભવાળી મા કાલીજાઈને પગે લાગવામાંય ગર્ભગૃહમાં ગિરદી હતી. હમણાં જ શ્રદ્ધાળુઓનાં ઝુંડ લઈ આવતી હોડી લાંગરી હતી. દર્શન કરી બહાર નીકળ્યો. ફરી મન ચૂડી લેવા લલચાયું. સ્ટોલ પાસે ગયો ને ભાવ પૂછ્યો, ત્યાં જ એ ગંભીરા નારી ઇંદિરા દાસ પાસે આવી. મેં તરત જ માફી માગતાં કહ્યું, “અનજાને મેં કોઈ ગુસ્તાખી હો ગઈ હો તો માફ કરના” તેનો ચહેરો જોઈ તે વખતે એક અમંગળ વિચાર મનમાં આવી ગયેલો. દુર્ભાગ્યે એમ જ હતું. ઇંદિરા માત્ર એટલું જ બોલી. “કોઈ બાત નહિ. વિધવા કે હાથકી પહની હુઈ ચૂડી કો શગુન નહીં માનતે. ભાભીજી કે સુહાગ કે લિયે મૈંને મના કી.” હું તો નર્યો હતપ્રભ પૂછ્યું, “કિતને સાલ હુએ.” તે બોલી, “દસ સાલ. કૅન્સર થા.” ઇંદિરાની અત્યારે ઉંમર માંડ સાડત્રીસ-આડત્રીસ હોય. તે સમયે માત્ર અઠ્યાવીસ! તેના વ્યક્તિત્વમાં રહેલી સાદાઈ, ચોખ્ખું કપાળ, ચહેરા પરની ગંભીરતા — બધાંનો તાળો મળી ગયો. એક અજાણ નારી મારા દીર્ઘાયુની કામના કરી રહી હતી. મારાથી વધારે વાત ન થઈ શકી, જરૂર પણ ન હતી. આંખે ડબડબા ભરાઈ આવી. વળતી યાત્રામાં, એ પ્રસંગનો, ઇંદિરાના એકાકી જીવનનો ભાર મનમાં હતો. વળતાંય ગીતો ગવાતાં હતાં પણ તે ગીતો અડી ન શક્યાં. મનના ભારને ઉવેખ્યો નહીં, સુખદ હતો. નક્કી આ નારી તેના અલ્પ લગ્નજીવનમાં અપાર સ્નેહ પામી હશે અને એણે પણ અપાર સ્નેહ આપ્યો હશે. બે દિવસ પછી ઉડિયા કવિ સદાશિવ દાસ સાથે આ વાત નીકળતાં ઇંદિરાની પ્રેમકથની કહી. રૂઢિચુસ્ત બ્રાહ્મણની દીકરી. ભણતાં ભણતાં મુસ્લિમના પ્રેમમાં પડી ને પરણી. વિરોધ ન ઊઠે તો જ નવાઈ. બાપને તો કારમો આઘાત. પિયરના દરવાજા બંધ. સાસરામાં ઘણી સમજણ. પતિએ અને સસરાએ ધર્મપરિવર્તન કરાવ્યું નથી. લગ્ન પછીનાં થોડાં વરસોમાં જ પતિને કૅન્સર થયું ને પતિના ગુજરી ગયા પછી પણ મુસ્લિમ સસરાને ઘરે હિંદુ સ્ત્રી તરીકે રહે છે. ઉડિયા સાહિત્યની અધ્યાપિકા છે. બે દીકરીઓ છે. પિતાને ઘરે આવે-જાય પણ એકમેકની ઓથ તો સસરાની જ. જેમ્સ જોઇસની વાર્તા ‘ધ ડેડ’ યાદ આવી-જીવતા પતિ કરતાંય વરસો પહેલાંનો મૃત પ્રેમી સ્મૃતિમાં, મનમાં વધુ જીવતો રહ્યો છે. ઇંદિરાને કહેવાનું મન થઈ આવ્યું, “બહેન, ચાંદલો કર, ચૂડી પહેર, તારો પતિ તારામાં ભરપૂર જીવે છે.”