ચિલિકા/પાનખર


પાનખર પર્ણમંદિર અને ચન્દ્રકવિ

આહવામાં પહાડી પર ગેસ્ટ હાઉસની અગાશી પર સૂર્યનું અભિવાદન કરવા, તેનું અભિવાદન ઝીલવા આવ્યો છું. સાગ, સાદડનાં વૃક્ષો પર પાન નથી. શુષ્ક શાખા-પ્રશાખા. મંજરીની ડૂંખો અને શુષ્ક ફલ મૌન ઊભાં છે. એક પાછળ એક સ્થિર થઈ ગયેલા ઊંચા તરંગ જેવા નીલા-લીલા પર્વતો વાદળોની ધૂસરતામાં ખોવાયા છે. વૃક્ષોમાં પાન નથી. તેથી તે ઊભાં છે શાંત સ્તબ્ધ. પાંદડાંઓની એ નાચતી રેખાઓ, ફરફરતી ધ્વજરેખાઓની ખોટ વૃક્ષોએ અનેક બંકિમ અંગભંગિમાં નાચતાં થડ, ડાળ-ટગડાળ શાખા-પ્રશાખાથી પૂરી પાડી છે. દરેક વૃક્ષોના વાંકવળાંકો લય કે રેખાઓ અલગ. મનેય ઉમાશંકરની જેમ થાય છે કે ‘ચિત્રકાર ન હોવાનો આટલો અફસોસ ક્યારેય ન હતો.’ જમીનમાંથી જ એક નર્તન ન ફૂટી નીકળ્યું હોય! વચ્ચે ખીણમાં કૂકડિયા કુંભારનો ખીણની ગુહાને ગજવતો ગંભીર અવાજ સંભળાયો. ત્યાં તો વળી ચૂપ થઈ ગયેલો બપૈયો ફરી બોલ્યો. પિવ પી… પિવ પી… પિવ પી… અકથ્ય વેદનાના ઉપાડથી ઊંચે સ્વરે શરૂ કરેલું તેનું વિરહગાન પિ… પિયુ… પિ… પિયુ… પર ઠરી ફરી જંગલમાં શમી ગયું. બપૈયાના આ અવાજને સાહિત્ય લોકસાહિત્યમાં વિરહભાવ સાથે કેમ જોડ્યો હશે તે સમજાય છે. એ અવાજમાં એક કરુણતા વિહ્વળતા અને આર્જવતા છે. નાચતી ફુત્કી અને બુલબુલના આનંદટહુકા ચાલુ જ છે. કાળા કાગડાઓનો અવાજ પણ સવારનો મલાજો પાળવા નરમ બન્યો છે, આ સવારના નરમ વન-તડકામાં તેના કા… કા… અવાજમાં લગરીકેય કર્કશતા નથી. નાનકડી કાબરોનો ઉત્સાહ માતો નથી. તે જાતજાતના અવાજો કાઢી એનામાં ઘૂમરાતા અવ્યક્તને વ્યક્ત કરે છે, જે મારા માટે તો પાછું અવ્યક્ત જ રહે છે. આ પક્ષીઓની બોલી જાણી શક્યા હોત તો આપણે અત્યારે એક-બે ભાવોનું જ આરોપણ કરીએ છીએ તેને બદલે પંખીઓનો આખો ભાવલોક ખૂલ્યો હોત. અહીં સવારમાં જાણે પંખસ્વરનું મલમલી વસ્ત્ર વણાઈ રહ્યું છે. કાબર-કાગડાના સ્વરોના તાણાવાણામાં બપૈયા, બુલબુલ ફુત્કીના સ્વરબુટ્ટાઓ, સૂરવેલિઓ ભરાયા કરે છે. રેસ્ટહાઉસની પાછળ પગીની ઓરડીના આંગણામાં પાંજરામાં પોપટ એક જ સ્વરે પઢ્યા કરે છે. ‘પોપટ પઢો’ બહારના વનપંખી બોલે છે, ટહુકે છે ચહેકે છે અને આ પોપટ બોલતો નથી, પઢે છે. ગોળ લાલ આંખ મીંચતો તે જોઈ રહે છે સામે વન તરફ. એક વન તેની સામે છે, એક વન તેની અંદર. ઉપર ઝળૂંબેલા વાદળમાં ક્યાંક છીંડું પડ્યું છે. દૂર ડુંગર પર તેજના એ ટુકડામાં વનનો એ ભાગ જાણે કૅમેરાના ફિલ્ડમાં ફોકસ કર્યાે હોય અથવા તો રંગમંચ પર કોઈ વિસ્તારમાં પ્રકાશવર્તુળથી ફોકસ કર્યું હોય તેવું લાગે છે. આ ફિલ્ડનાં વૃક્ષોની રેખાએ રેખાએ સ્પષ્ટ કળાય છે. આજુબાજુ વાદળછાયો ભાગ હજી ધૂંધળો જ છે. હવામાં સૂકાં પાંદડાંની અને ઘાસની એક Organic ગંધ છે. અચાનક વાદળો થોડા વિખેરાયા અને નરમ સુવર્ણ તડકામાં સાગનાં, સાદડના ઝાંખર-સોટા ચળકી ઊઠ્યા. થડનો કરકરો સુભગ સ્પર્શ પ્રત્યક્ષ થયો. અત્યાર સુધી ધુમ્મસે આ ટેક્સચર સપાટીને એકરૂપ કરી નાખી હતી તે બધું સ્પષ્ટ થયું. પાનખરનું આ જંગલ જોઈને બુસોનું હાઇકુ યાદ આવ્યુંઃ ‘પ્રવેશ્યો નહીં પણ આદરમાં ઊભો રહ્યો બહાર પાનખર પર્ણમંદિર.’ સામાન્ય રીતે ભક્તિ, આદરથી આપણે મંદિરમાં પ્રવેશ કરીએ પણ આ પાનખરનું જંગલ. ખરેલાં પાંદડાંઓનું પર્ણમંદિર – અંદર જાવ તો શાંતિ અળપાઈ જાય. માટે જ તો કવિ આદરમાં બહાર જ ઊભા રહ્યા. આજે બુદ્ધપૂર્ણિમા છે. પૂર્ણિમા સાથે શ્રાવણી પૂનમ, શરદ પૂનમ, ચૈત્રી પૂનમ જેવાં વિશેષણો જોડાય તે ગમે છે, પણ કોઈ વ્યક્તિ કે અવતાર તેની સાથે જોડાય તે જચતું નથી. બુદ્ધનો જન્મ, નિર્વાણ અને સંબોધિપ્રાપ્તિ આ જ દિવસે થઈ તેથી તેની સાથે આપણે બુદ્ધને જોડ્યા. જોકે વૈશાખના આ પૂર્ણચન્દ્રને તેની કશી જ પડી નથી. રાત્રે ફરી રેસ્ટહાઉસની અગાસી પર સવારે સૂર્યના આમંત્રણથી ઉપર આવ્યો હતો, સાંજે અસ્તાચળના આકાશે બોલાવ્યો હતો, અત્યારે રાત્રે ચન્દ્રે નિમંત્રણ આપ્યું છે. એક બાજુ છે આહવા – ‘નાનેરું ગામ શ્રમથી જરા વિરમ્યું લગાર.’ સ્ટ્રીટ લાઇટોના ચોકીપહેરામાં સૂતેલું ગામ અને બીજી તરફ સહ્યાદ્રિની ગિરિમાળા. નજીકના સાગના ઝાડનાં રેખાચિત્રો ખીણમાં ઊમટેલી ધૂંધળાશની પશ્ચાદ્ભૂમાં દેખાય છે. આ સમયે બધું એકસાથે રમણીય અને રહસ્યમય થઈ ગયું છે. ‘પરણ પરની કીડીય ધરે શી રમણીયતા’ના આ વાતાવરણમાં કોણ રોમૅન્ટિક ન થઈ જાય! દૂર સાપુતારાની ટેકરી દેખાય છે. આમ તો પર્વત છે, પણ અહીંથી દૂરથી તે ટેકરી જેવી જ લાગે છે. ત્યાં એક લાઇટ ટમટમે છે. પહાડના ઢોળાવો ઊતરતી બસ-મોટરનું એક મૌન પ્રકાશટપકું દેખાય ને અલોપ થઈ જાય છે ને પર્વતના કોઈ બીજા વળાંકે ફરી દેખાય છે. કોઈ એમ કહીશ કે પૂર્ણિમાના આ ચન્દ્રે બધા જ તારાઓનું તેજ હરી લીધું છે. હું તો એમ કહીશ કે ચન્દ્રે બધા તારા, ગ્રહો, નિહારિકાઓનું તેજ સંચિત કર્યું છે. ચન્દ્ર પૂરેપૂરો ખીલેલો હોય ત્યારે આકાશના આ મહાપટનું મહત્ત્વ પણ ગૌણ થઈ જાય. ઉપર નીરખી રહેવાય રૂપેરી ચન્દ્રને અને નીચે રસેલી, નવેસરથી રચેલી ચન્દ્રદ્યૌત પૃથ્વીને. અગાસી પર સાથે સાથીદાર ટ્રાંઝિસ્ટરને લાવ્યો છું. મીટર સહેજ ફેરવતાં ખીણમાં રેલાય છે. ગીતો, સમાચારો, સિમ્ફનીઓ, અરબસ્તાનની જિપ્સી ધૂનો, ગઝલો, ગંભીર ઘેરા આલાપો. સ્ફૂર્તતાનો… અચાનક વીણા સહસ્રબુદ્ધેનો આભોગી પકડાયો. ટ્રાંઝિસ્ટરનો અવાજ થોડો મોટો કરી આભોગીનો આલાપ વનમાં, ખીણમાં રેલાવા દઉં છું. વીણા સહસ્રબુદ્ધે ધન્ય થઈ ગઈ. અને આહવાની આ ખીણ પણ. ગઈ કાલે જ વઘઈથી આહવાના રસ્તે રાત્રે આવ્યો હતો ત્યારે ચાંદનીમાં રસાયેલું વન જોયું હતું. ચન્દ્રને મેં પહાડે પહાડે, વને વને, વૃક્ષે વૃક્ષે, ડાળીએ ડાળીએ, વાંસના ઝુંડે ઝુંડે ટાંગ્યો હતો. તેને સાગના થડની પાછળ, પર્વતની ધાર પર, વાંસના ઝુંડ પાછળ, નદીના સ્થિર જળમાં ઝિલાયેલો જોયો હતો. ક્ષીણ જળરેખા ચાંદનીના પ્રકાશમાં ચળકે છે. આખી બસમાંથી એક હું જ એ પર્વતો પાછળ દોડતા ચન્દ્રને જોઉં છું. કદાચ આ ક્ષણે, આ પૃથ્વી પર એક હું જ તેને જોઈ રહ્યો હોઉં તેવું બને. ‘ડૉ. ઝિવાગો’ ફિલ્મમાં યુદ્ધકેદીઓને હીંચકતી ટ્રેનમાં ખસેડતા હોય છે. શ્વાસ લેવાનીય જગ્યા નહીં. બધે થપ્પીની જેમ ખડકેલા કેદીઓ. સાઇબીરિયાના બરફ-છવાયેલાં જંગલો-મેદાનોમાંથી ટ્રેન પસાર થાય છે. ટ્રેનની અંદર છે દોજખ, બહાર છે બરફ પર રસળતી ચાંદની. આવી સ્થિતિમાંય ડૉ. યુરી ઝિવાગોએ ટ્રેનની એક નાનકડી બારીમાંથી ચન્દ્ર સાથે ગોઠડી માંડી છે. નરી શુદ્ધ કવિતાની કોટિનું એ દૃશ્ય યાદ આવી ગયું અને યાદ આવ્યા જાપાની હાઇકુ –

ચન્દ્રકવિ

‘મારી સાથે પર્વતની ભેખડ પર એક બીજો કવિ સાથે મહેમાન આ ગ્રીષ્મનો ચન્દ્ર.’ – ક્યોરાઈ

વાદળો
વાદળો

‘સમય સમયસર આવે છે વાદળો ચન્દ્રદર્શનથી ક્લાંત આંખોનો થાક હરવા.’ – બાશો