ચિલિકા/ભુંસાઈ


ભુંસાઈ છે કચ્છની ભાતીગળ ભાત

કચ્છ ન જવાયું તો ચાલીસ-બેતાલીસ વરસો સુધી ન જવાયું ને જવાનું થયું ત્યારે પાંચેક વરસમાં સાતેક વાર જવાનું થયું. દરેક વખતે કચ્છ તેનું નવું રૂપ દેખાડે. પહેલાં ભુજ, ભુજની ગલીઓ, પ્રાગમહેલ, આયનામહેલ, કચ્છ મ્યુઝિયમ, પછીથી કેરાનું શિવમંદિર, માંડવીનો ભૂરો દરિયો, રેતાળ સ્વચ્છ કાંઠો, મુંદ્રાની લીલી નાઘેર, કડલા બંદર, હજી હમણાં જ છેલ્લી યાત્રા હતી પરેશ, કીર્તિભાઈ ખત્રી અને સંગીતકાર વનરાજ ભાટિયા સાથે. નલિયા જખૌ, જખૌના કાંઠે ચેરિયાના ટાપુઓ, બન્નીના હુડકો, ભુંગા ને કાળા ડુંગરની. મારા ચિત્તમાં કચ્છ હળવે હળવે ઝીણા કચ્છી ભરતની જેમ રંગીન ભાત ઉપસાવતું હતું. અનેક નવાં નવાં રૂપો ખોલતું કચ્છ; તેની સૂકી ધરા વશીકરણ કરતી બોલાવતી હતી. મનના કોઈ ખૂણે ઇચ્છા પણ રહ્યા કરે કે કચ્છ-ભુજમાં બદલી થાય તો કચ્છનું ઘણું જે વિલાતું જાય છે તેને સાચવવામાં મારું યોગદાન આપી શકું. એવામાં આ ધરતીકંપ. ચિત્તમાં ગૂંથાયેલી રંગીન ભાતીગળ ભાતને વીંખી નાખતો ધરતીકંપ. મનમાં ને મનમાં જેને અંગત માનવા લાગ્યો હતો તે પ્રદેશ તેની દુર્દશાને લીધે જગત આખાના ચર્ચાના ચકડોળે ચડી જાહેર થઈ ગયો. ભારતના ખૂણે પડેલો એક ઉપેક્ષિત અદ્ભુત પ્રદેશ જાણે માધ્યમોના નકશાના કેન્દ્રમાં આવી ગયો, પણ મને ખબર છે કે જેમ ભૂકંપનું એપિસેન્ટર ખસતું જાય છે તેમ લાગણીનો ઉભરો શમ્ય માધ્યમોનું કેન્દ્ર પણ ખસતું જશે અને કચ્છ તો પીડાતું, અંતરિયાળ, એકલવાયું થઈ જશે. સનસનાટી શમી ગયે માધ્યમોય ધીમે ધીમે મોં ફેરવી લેશે અને કચ્છ થાળે પડશે તે પહેલાં માધ્યમો-ચૅનલોએ ઉચાળા ભરી લીધા હશે. ભૂકંપના અનુભવ અને વિનાશકતાના સમાચાર પછી તરત જ આકાશવાણી રાજકોટે પ્રસારણની કામગીરી ગોઠવી. ભુજ કેન્દ્ર પોતે ઘણું ક્ષતિગ્રસ્ત હતું. સ્ટુડિયો અને ક્વાર્ટરને ખાસું નુકસાન હતું. બે કર્મચારી તો પોતાના જ ઘરમાં દટાયા તો કર્મચારીનાં કેટલાંય સગાંએ કાટમાળ વચાળે સમાધિ લીધી. ઘાયલ અવસ્થામાંય ભુજ કેન્દ્ર તેની ફરજ બજાવતું રહ્યું. ટેલિફોન લાઇનો તો તરત જ ઠપ્પ થઈ ગયેલી. આવા સમયે પ્રસારણના માધ્યમથી બંને કેન્દ્રે સંપર્ક સ્થાપ્યો અને ભજનાં ઘણાં બુલેટિન રાજકોટ પરથી રિલે કર્યાં. સૌરાષ્ટ્રના ભૂકંપગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જઈ તેના પ્રસારણનું આયોજન કર્યું. ર૬મીથી જ રાજકોટ આકાશવાણીએ દિવસ-રાત પ્રસારણ ચાલુ રાખ્યું. કચ્છ આખું જ્યારે ઘર ગામની બહાર આવી ગયું હતું, રાતના અંધારામાં ઊચક જીવે લોકો ખુલ્લામાં પડ્યા હતા ત્યારે માહિતી, સમાચાર, હૂંફ અને હિંમત આપતું એક જ માધ્યમ લોકોની પડખે રહ્યું. અમારો ભુજ કેંદ્રનો સ્ટાફ પણ વિપદામાં હતો. બધાં કૉલોનીના કમ્પાઉંડમાં ખુલ્લામાં હતાં. તે સમયે અમારા સાથીઓને મદદ કરવા આકાશવાણી, રાજકોટની ટીમ ૩૦મી જાન્યુઆરીએ બપોરે તેલ, લોટ, ડુંગળી, બટેટા, તાડપત્રી, ટોર્ચથી માંડી બંધાણીઓ માટે સિગારેટ, બીડી, ગુટકા, તમાકુ, સુધ્ધાં લઈને નીકળી. કચ્છના અસરગ્રસ્તોનું રેકર્ડિંગ કરવાનો મુખ્ય ઉદ્દેશ તો હતો જ. રાજકોટની બહાર જતાં જ રસ્તામાં ઠેર ઠેર રાહત લઈ જતાં વાહનો દેખાયાં. ભરૂચ, સુરત, વલસાડ, સાબરકાંઠા જેવાં દૂરનાં અને સૌરાષ્ટ્રનાં નાનાંમોટાં ગામનાં વાહનો સામે મળ્યાં. લોકોમાંથી સ્વયંભૂ સાદ ઊઠ્યો છે. આંખ ભીની થઈ જાય તેવું દૃશ્ય. માણસ, ઉત્ક્રાંતિમાં Survival of the fittest – જે જીતે તે જીવે એવી સંઘર્ષની ભાવના, સ્પર્ધાની ભાવનાથી જ ટક્યો છે તેવું નથી. માણસમાં બીજા દુ:ખી અને પીડિત-નબળા માણસને મદદ કરવાની, સહકાર આપવાની Philanthropic instinctથી પણ ટકી રહ્યો છે; વિકાસ કરી શક્યો છે, તેની પ્રતીતિ થઈ. મોરબી બાયપાસથી આગળ વધી માળિયા પહોંચતાં જ સાંજ ઢળી ચૂકેલી. સૂરજબારીના પુલ પાસે વાહનોની કતારો લાગેલી. વારાફરતી લાઇન ખૂલે ને વાહનોનો અલસ અજગર-રેલો આગળ વધે. તારાજીનાં તાંડવ, મૃત્યુના ખોફથી વાતાવરણમાં જ ગંભીરતા હતી. સાંજના પ્રકાશમાં સૂરજબારીની ખાડીનાં પાણી કેસરી થઈ ચળકતાં હતાં. કાંઠે રેશમી કાદવમાં લહેરિયાની ભાત હતી – ભૂકંપ સાથે તેને કોઈ લેવાદેવા ન હતી. હવે ઊતરશે રાતનાં અંધારાં અને ઉપર ચળકશે ચોથનો ચંદ્ર, તારાઓ, નક્ષત્રો, નિર્મમ એ બધા આકાશી ગ્રહો. સૂરજબારીના પુલ વટાવ્યે રસ્તામાં વાહનોની હેડલાઇટના પ્રકાશમાં દેખાયા રસ્તા પરના ઢાબા-હોટલોનાં તૂટેલાં મકાનો. અમને ખબર હતી કે ભયાનક વિભીષિકાનું આ તો માત્ર ટ્રેલર હતું. ઠેરઠેરથી વાહનોનો કાફલો. સામખિયાળીથી ભળ્યો રાધનપુરનો ટ્રાફિક. ભચાઉ આવતાં તો ટ્રાફિક જામ. રસ્તા પર મોબાઇલ દવાખાનાં. ભચાઉની બહાર રાહત છાવણીઓ, મોટા તપેલામાં ખદબદતી દાળ ને ખીચડી, ખુલ્લા પટમાં તંબુમાં શરૂ થયેલી હૉસ્પિટલ, સ્ટ્રેચરમાં લવાતા દરદીઓ, પાણીના પાઉચ અને ડિસ્પોઝેબલ કપમાં ચા આપી જતા, ખાખી ચડ્ડી પહેરેલા આર.એસ.એસ.ના કાર્યકરો. સહેજ ટ્રાફિક આગળ ચાલે ને ફરી સ્થિર. અમનેય કોઈ નાસ્તાનાં પૅકેટ ને ચાના કપ આપવા આવ્યા. અમે તો રાહત પહોંચાડવા આવ્યા છીએ, લેવા નહીં. છતાં આવા સમયે ગરમાગરમ ચાની ચુસ્કી લેવાનું મન થઈ જાય અને અમે ચા લઈ લઈએ. અહીં કોઈ ઓળખાણ કે શરમ નથી. ભચાઉના ત્રિભેટે રસ્તા પર જ પરદેશથી આવેલાં કપડાંના ઢગલા દેખાયા. બેચાર જણા પોતાનાં માપનાં ગમતાં કપડાં ફંફોસતા હતા. પણ એ તો પુરુષો. બહેનોનું શું? ચણિયો, ઓઢણી, સાડલો, કમખો પહેરતી બહેનો સ્કર્ટ, ગાઉન, પંજાબી, ફ્રૉક થોડી પહેરવાની? મેલાંઘેલાં ફાટેલાં કપડાં પહેરવાનું પસંદ કરશે પણ આ ફૅશનેબલ કપડાં તો નહીં જ પહેરે. સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વગર અપાતી – વેડફાતી મદદનો આ એક દાખલો. અંધારામાં ભચાઉ કળાતું ન હતું. લોકો કહે છે કે આખું નગર પડી ગયું છે. ઊભા રહ્યાં છે ભેંકાર ભીંતડાં. અમે ટ્રાફિક જામવાળો ગાંધીધામ-અંજારનો રસ્તો છોડી દૂધઈવાળો રસ્તો લીધો. ભચાઉને સીમાડે આવેલી સોસાયટીઓ, સરકારી ગેસ્ટહાઉસના તૂટેલા સ્લેબો, પડેલી ભીંતો, હેડલાઇટની રોશનીમાં દેખાયાં અને પછી સરિયામ રસ્તો. આગળ ક્યાંક ગામડા પાસે અગ્નિની મોટી જવાળા પ્રગટેલી જોઈ. ગાડી ઊભી રાખી. આશંકા હતી કે રખે એ ચિતાનો અગ્નિ હોય. કોહવાયેલી લાશને રાતે જ અવલમંઝિલે પહોંચાડતાં હોય. ના, તેવું નથી. પડેલાં મકાનને લીધે કોઈ ઓથ-હૂંફ ન હોવાથી બેચાર જણ માઘની ટાઢથી બચવા લાકડાનું તાપણું કરી તાપી રહ્યાં હતાં. ગામમાં કોઈ ઘરે સાજું નથી. હજી આંચકાઓ આવ્યા કરે છે. ધરતીનો છેડો કહેવાતું ઘર હવે નથી રહ્યું અને રહ્યું છે તો તેમાં વસવા જેવું નથી રહ્યું. ર૬મી જાન્યુઆરી હતી તેથી છોકરાઓ સ્કૂલમાં હતા. પડેલી સ્કૂલમાંથી બચ્યાં એટલાં બચ્યાં ને બાકી ધરબાયાં. નાના એવા ગામમાંય હજી કાટમાળ નીચેથી મૃતદેહો નીકળ્યા કરે છે. માઘની ઠંડીમાં અંધારું ચીરતી અમારી ગાડી ચાલી જાય છે. રાત્રે નવેક વાગેય શુક્ર તેનો આછો પ્રકાશ પાથરી રહ્યો છે, આ આખી ઘટના સાથે કોઈ લેવાદેવા ન હોય તેમ આકાશની બારીમાંથી નીચે જોયા કરે છે. અમારે પહોંચવાનું હતું ભુજમાં, અમારી રેડિયો કૉલોનીમાં. દસેક વાગે ત્યાં પહોંચીએ છીએ. અમારા સાથીઓ થોડીઘણી ઘરવખરી સાથે કમ્પાઉન્ડમાં, તંબુમાં છે. મોટા સૂકા થડના તાપણાથી બધાં તાપી રહ્યાં છે. બે ક્વાર્ટરની આખી સીડી ધરાશાયી થઈ ગઈ છે ને છજાં તૂટ્યાં છે – બીજું ખાસ નુકસાન નથી પણ ઘરમાં મોટી મોટી તિરાડો અને આંચકાઓ ચાલુ જ છે. કોઈનામાં હિંમત નથી કે ઘરમાં રહે. રાતે આવા સમયે અમને આવેલાં જોઈ પિયરિયાં આવ્યાં હોય તેમ ખુશ. સાથે લાવેલા તે સીધું-સામાન ગાડીમાંથી ઉતારીએ છીએ. લેવાનો તેમને આનંદ નથી તો સંકોચ પણ નથી. પરિસ્થિતિ જ એવી છે. બીડી-તમાકુના બંધાણી તો સાથે લાવેલાં સિગારેટ, ગુટકા-બીડીથી ખુશખુશ. જમવાનું તો રાહત રસોડામાંથીય મળી જાય; પણ તમાકુ? સાથીઓને મળી તેમની કથની સાંભળી અમે રાતવાસો કરવા કૂકમાં જઈએ છીએ. ગામ ખળભળી ગયેલું છે પણ અમારું ટ્રાંસમીટર સાબૂત છે. અમારે ય અહીં ખુલ્લામાં જ સૂવાનું છે. સુનીલ ફોલ્ડિંગ તંબુ લાવ્યો છે ને પાંચ મિનિટમાં તો તંબુ તૈયાર. સ્લીપિંગ બૅગમાં ઘૂસવા છતાંય ટાઢ વાય છે. રાતે બાજુમાં જ સૂતેલો હિતેશ જાગી જાય છે ને મને જગાડીને કહે છે, ‘ધરતીકંપ’ ત્યાં તો આંચકો જાણે કાંઈ બન્યું નથી તેમ શમી જાય છે. થીજવતી ઠંડીમાંય ઊંઘ આવી જાય છે. સવારે ખબર પડે છે કે પારો પાંચ ડિગ્રી સુધી નીચે ગયેલો. ખુલ્લામાં આવી રીતે સૂવાનો આ મારો પહેલો અનુભવ. અમારે તો આવો અનુભવ બે જ દિવસ લેવાનો છે. શેખી મારવા, તેને સાહસિક કે રોમાંચક પણ કહી શકાય, પણ અહીંના લોકોને તો આમ જ દિવસો-મહિનાઓ કાઢવાના છે. ભુજ, મરૂસ્થળે મઢેલા મોતી જેવું ભુજ રોળાઈ ગયું છે. આકાશવાણી પાસે આવેલો ટાઉન હૉલ આખો બેસી ગયો છે. કાટમાળના ઢગલા પર ચડેલી બે-ચાર સાજી નફ્ફટ લાલ ખુરસીઓ આ વિભીષિકા જોઈ રહી છે. અહીંથી નજીક જ છે ગોકુલ કૉપ્લેક્સ, સાત-આઠ માળનું રહેણાક કૉપ્લેક્સ પડીને બે માળ જેટલું થઈ ગયું છે. પીળા ટોપી પહેરેલા માણસો સ્લેબ તોડવાનું કામ કરી રહ્યા છે. ડાયનૉસોર જેવું જે.સી.બી. મશીન ભયાનક અવાજ કરતું તેના રાક્ષસી જડબામાં તૂટેલા સ્લેબના – દીવાલોના ટુકડા-ઈંટ-ઢેખાળા તેના ડાચામાં ભરી ડોક ફેરવી, બીજી તરફ ઢગલો કરી રહ્યું છે. આસપાસ ટોળું જામ્યું છે. ફ્લૅટના બચેલા રહીશો તેમનાં સગાંવહાલાંના મૃતદેહો બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા છે. આંખમાં પીડા, ચિંતા અને ઊંઘ દેખાય છે. કેટલાક તો પાંચમા દિવસેય કોઈ જીવતું નીકળશે તે આશામાં છે. પણ એવું નસીબ કોઈક ભાગ્યવાનનું જ છે. પાસે ટોળામાં કોઈ જુવાનનો રોષભર્યો ઊંચો અવાજ સંભળાય છે. કોઈ તેને વારીને પાસે બેસાડે છે. નીચું માથું રાખી એ જુવાન ધ્રુસકે ધ્રુસકે રોઈ પડે છે. ‘પણ મારી માનું શબ મારે ન લેવું?' તેવું કાંઈક સંભળાય છે. તેની વેદનાનો મલાજો રાખી હું દૂર જ ઊભો છું. રેકર્ડિંગ તો અસ્થાને જ ગણાય, કોઈનો ઝઘડવાનો અવાજ વાતાવરણમાં ઉત્તેજના જગાડે છે. તૂટેલા ફ્લૅટમાંથી કચડાયેલો ડબ્બો થઈ ગયેલા કબાટમાંથી નીકળતી વસ્તુઓ માટે કોઈ ઝઘડી રહ્યું છે. આ કૉમ્પ્લેક્સમાંથી જ એક માજી ત્રણ દિવસ પછી જીવતાં મળ્યાં હતાં. પાસેની સોસાયટીના પ્લૉટમાં તંબુમાં રહે છે. ઊની આંચ નથી આવી. ફસડાયેલા ફલેટમાં સુરક્ષિત ખૂણામાં ફસાઈ ગયેલાં. ત્રણ રાત નવકારમંત્ર જપતાં કાઢી છે. શરીર પર ઉઝરડો સુધ્ધાં નથી, પણ મગજનું સંતુલન ગયું છે. ધરતીકંપ થયો હતો તેવું ય યાદ નથી. કોઈ દેવી કોપાયમાન થઈ અને ત્રણ શબ્દનો મંત્ર ભણી ઢેખાળા મારતી રહી ને ખૂણામાં ભરાયેલાં માજી દેવીને વીનવતાં નવકારમંત્ર ભણતાં રહ્યાં છે. વિક્ષિપ્ત મનોદશામાં આવું જ બબડ્યા કરે છે. પુત્રવધૂ ને પૌત્રી દટાયાં છે પણ માજીને મન તો તેઓ માંડવી ગયાં છે ને હમણાં જ આવશે-તેમ કહ્યા કરે છે. આ તરફ ગોકુલ કૉમ્પ્લેક્સમાંથી મૃતદેહો કાઢવાનું ઑપરેશન ચાલુ જ છે. કાટમાળને જાળવીને ખસેડાતાં વાળનો ગુચ્છો, ગાઉનનું કપડું ને પંજાબી પહેરેલો હાથ દેખાય છે. દુર્ગંધથી બચવા મોં પર રૂમાલ બાંધેલા મિલિટરીના જવાનો ને આર.એસ.એસ.ના કાર્યકરો ત્યાં પહોંચી જાય છે, હળવેથી ઈંટ-ઢેખાળાનો મલબો ખસેડી મૃતદેહને પગથી ઢસડે છે. લથડબથડ ઢળતું શબ નીચે ખેંચાય છે, ડોક વળી જાય છે, માથું ક્યાંક સલવાય છે ને ખસેડી ફરી ઢસડવામાં આવે છે. નીચે આવે છે ત્રણ ત્રણ મહિલાઓના મૃતદેહ. મૃતદેહ કહેવરાવવાનું ગૌરવ ગુમાવી દીધું છે. હવે તો શબ કે લાશ. શબ ઓળખાય તેવાં નથી રહ્યાં. પહેરેલાં કપડાં કે ઘરેણાં પરથી ઓળખ થાય છે ને વાતાવરણમાં ફરી વળે છે તીવ્ર દુર્ગંધ અને હૈયાફાટ આક્રંદ. તડકામાં અર્ધનગ્ન શબ પર ચાદર ઓઢાડાય છે અને ટીંગાટોળી કરી ચાદરમાં મુકાય છે. હવે જશે સીધી સ્મશાન ભણી. છેલ્લું પાણી પીધું તે જ તેમનું ગંગાજળ. બહાર સોસાયટી વિસ્તારમાં તો કાંઈક બચ્યું છે, જૂનું ભુજ તો લગભગ સાફ. સ્થાનિક મિત્રો કહે છે ૨૬મીએ તો ગામમાં ગરાય તેવું ન હતું. ઠેર ઠેર દબાયેલાઓનો કણસવાનો, ચિત્કારવાનો અવાજ ને મદદનો પોકાર, બચાવી શકાય તેવી સ્થિતિ નહીં, લાઇટ તો હતી નહીં. રાતે ગામ આખું ભૂતિયું ભેંકાર, જીવતું સામું મળે તોય ફાટી પડાય. – અમે ભીડગેટથી ગામમાં પ્રવેશ કર્યો. ઐતિહાસિક સ્મારક જેવો એ કલાત્મક દરવાજો અડધો પડી ગયેલો. દરવાજાની દીવાલના પથ્થરો ખરી પડતાં અંદરની ઈંટો દેખાય. દાણાપીઠ, સોની બજાર, મુખ્ય બજાર, શાક માર્કિટ બધું ઊભેલું, પણ પડવાના વાંકે. ઘરો તો કેટલાંય ધ્વસ્ત, સેકંડ વર્લ્ડવૉરમાં જર્મન બૉંબમારામાં ધ્વસ્ત થયેલાં નગરોના ફોટા જોયેલા તે યાદ આવી ગયા. ફસડાઈ પડેલી શેરીઓમાં આઠ-દસ ફૂટ ઊંચા ઈંટ-પથ્થરોના ઢગલા પડ્યા છે. કોઈ ઠેકાણે માખીઓ બણબણે છે. કૂતરું સૂંઘતું આંટા મારે છે – નક્કી નીચે શબ હશે – માણસનું, બકરીનું કે કૂતરાનું – તે તો બહાર નીકળે ખબર. તોળાઈ રહેલી પડું પડું થતી શેરીઓ, બજારોમાં અમે ફરીએ છીએ. ઘર-દુકાનના માલિકો ઘરવખરી લેવા આવ્યા છે. આ ક્ષણે જો જોરદાર આંચકો આવે તો અમેય ધરબાઈ જઈએ. એ ક્ષણે જ વિચાર આવે છે કે ટ્રેઇન્ડ કૂતરાંની ટોળી લઈ આવેલી તુર્કી, ઇઝરાયલી કે પોલેન્ડની ટીમો આવા જ જોખમી કાટમાળ વચ્ચે ફરી રહી છે. કૂતરો તેની ઘ્રાણશક્તિથી સૂંઘીને મૃતદેહની કે જીવંત વ્યક્તિની ભાળ આપે છે અને એ પછી સિફતપૂર્વક આરંભાય છે રેસ્ક્યુ ઑપરેશન. એ ક્ષણે જ જો આંચકો આવે તો તેય ધરબાઈ જાય. જે લોકોને આ દેશ-પ્રદેશ કે લોકો સાથે કાંઈ લેવાદેવા નથી તે આવું જોખમ વહોરીને અહીંયાં ફરતા હોય તો મારે મારા જીવતરની ચિંતા કરી તેને બથાવીને ફરવાનું? સૂનકારભર્યા ભુજની ગલીઓમાં ઈંટ, ચૂનો, રેતી, પથ્થરની કરચો કચડાવાનો અવાજ આ શેરીઓને વધુ ભેંકાર બનાવે છે. થોડી વાર પહેલાં દાણાપીઠની દુકાનમાંથી જે મજૂરનું મડદું નીકળ્યું હતું ને જેને ચોક વચ્ચે કપડું ઓઢાડી રાખ્યું હતું તેની પાસે જ એક ગલૂડિયું હૂંફ લેવા ટૂંટિયું વાળીને પડ્યું છે. સ્વામીનારાયણ મંદિર પાસે એક ગલીમાં તૂટેલા ઘરમાંથી આર.એસ.એસ.ના કાર્યકરો મૃતદેહ કાઢવાની જહેમતમાં પડ્યા છે. પાવડો-કોદાળીથી ધીરે ધીરે કાટમાળ ખોદી મૃતદેહની નજીક પહોંચી રહ્યા છે. પાછળ ઢગલો થઈને પડેલા ઘરની વચ્ચે એક મૃતદેહ છે – તેવી ભાળ મળે છે. ઘરની ભીંતો ઘરમાં ફસડાઈ પડી છે... કયું રસોડું, કયો રૂમ – કાંઈ કળાતું નથી, કાટમાળમાં હાથ લાગતી વસ્તુ પરથી એ રસોડું હશે કે રૂમ તેનો અંદાજ આવે છે. ઊંચો ઢગલો ઠેકી જાતને સાચવતો, કેમેરાને સંભાળતો કુતૂહલવશ હુંય ત્યાં જઈ ચડું છું. દસબાર વરસની ઉંમરના બે છોકરા ત્યાં ઊભા છે. હું દટાયેલા મડદાને જોવા ને ફોટા પાડવા ઉપર ચડ્યો છું. પેલા છોકરાને પૂછું છું, “ક્યાં છે શબ?” ચૂનો, ઈંટના ઢગલા વચ્ચે ઍલ્યુમિનિયમના મોટા તપેલાને બતાવીને કહે છે: “એની નીચે.” હું કહું છું જરા નીચે ઊતરી તપેલું ઊંચું કરી દઈશ? મારે ફોટો પાડવો છે. છોકરાએ પહેલાં તો ના પાડી. કહે, “પેલા આર.એસ.એસ.ના છોકરાને બોલાવો... ઈ તપેલું ઊંચું કરી દેશે.” પછી તો હું જ નીચે ઊતરી તપેલું ઊંચું કરું છું તો દેખાય છે સાત-આઠ વરસના બાળકનું માથું ને છાતીનો ભાગ. ડોક આખી મરડાઈને ફરી ગઈ છે. છાતીના ભાગની ઉપર આવી ગયો છે માથાનો પાછળનો ભાગ. પેલા છોકરાને પૂછું છું, “તમારે કાંઈ થાય?” દસ વરસનો છોકરો કહે, “ઈ મારો નાનો ભાઈ સે. મા પણ અંદર જ દટાણી સે!” મને ફોટોગ્રાફ લીધાની શરમ આવે છે. ગુનાહિત ભાવ સાથે હું કાટમાળમાંથી રસ્તો કાઢતો નીચે ઊતરું છું. આગળ જ છે પ્રાગમહેલ ને આયનામહેલ. પ્રાગમહેલની દોઢીના દરવાજા ઉપરનું નગારાખાનું ધ્વસ્ત છે. નગારાં પહેલાં ગયાં ને પછી નગારાખાનું. કિરમજી કથ્થાઈ પથ્થરોનો બનેલો ઇટાલિયન બાંધણીવાળો પ્રાગમહેલ પડ્યો નથી પણ ખળભળી, ઉઝરડાઈને ઊભો છે. સામે દેખાય છે આયનામહેલ. પરસાળ તૂટી છે. ઝરૂખા અડધા તૂટ્યા છે, અડધા ઊભા છે. કચ્છ જો સહુથી વધુ નુકસાન વેઠશે તો કચ્છે ગુમાવેલા હજારો માણસોનું અને પડી ગયેલા સેંકડો મંદિરો, મહેલો, કિલ્લાઓ અને પ્રાચીન સ્થાપત્યોનું. સરકાર અને બીજી સંસ્થાઓ એજન્સીઓની મદદથી ઘરો ઊભાં થશે. નગરો પણ ફરી નકશામાં સ્થાન પામશે, પણ આ પ્રાચીન સ્થાપત્યો? તે તો ગયાં તે ગયાં જ. પ્રાગમહેલ અને આયનામહેલને પહેલાં જોયો હતો તેની સ્મૃતિ ફરી તાજી થાય છે ને સાથે સાથે આ દૃશ્ય તો આંખ સામે છે. આંખનુંય શું નસીબ છે! અમને કેરાના બારસો વરસ જૂના પ્રાચીન શિવમંદિરની ચિંતા થઈ. કેરા ભુજથી બહુ દૂર નથી. એક સમયે કેરાકોટ એ લાખા ફુલાણીની રાજધાની હતી. મુંદ્રા રોડ તરફ અમે નીકળ્યા. ભુજનાં દૃશ્યો આઘાતજનક હતાં. ભુજથી બહાર જવાય ને ભારે મન થોડું હળવું થાય તેવો આશય પણ છે. રસ્તામાં આવે છે બળદિયા ગામ. ગામમાં નુકસાન છે પણ ભુજ જેવું નહીં. કેટલાંક જૂનાં મકાનો પડ્યાં છે પણ નવાં સાબૂત છે. કચ્છના એન.આર.આઈ. કચ્છીઓએ બનાવેલા. સાંજ ઢળવા આવી છે. શિયાળાના નરમ તડકાનો હાથ સૂકાં લુખ્ખાં ખેતરો પર, ક્યાંક ઊભેલાં ઘઉં, રજકાના પાક પર અને કચ્છની ભગ્ન, વિક્ષિપ્ત ધરતી પર પડેલો છે – એક શાતા લાગે છે. મનમાં ઉત્કંઠા નથી, આશંકિત તાલાવેલી છે. શિવમંદિર ત્રણેક વર્ષ પહેલાં જોયેલું. ત્યારે તો ગર્ભગૃહનું પડખું ન હતું. ત્રણ પડખાં સાબૂત હતાં. મંડપ તો ત્યારેય પડેલો જ હતો. અત્યારે સાવ ઢગલો થઈ પડ્યું હશે? ૧૮૧૯ના ભયાનક ધરતીકંપે મંદિરને કોઈ વિધર્મીથી ય ખરાબ રીતે તોડી પાડેલું. કુદરતને ક્યાં નીતિ કે ધર્મ છે! એ સામ્યવાદીને મન તો બધું સરખું. આવા વિચાર ચાલતા હતા ત્યાં તો દૂરથી ભગ્ન મંદિરનું શિખર દેખાયું. હાશકારો થયો. મંદિરના કેટલાક મોટા પથ્થરો ખળભળીને પડ્યા છે તોય મંદિર હજી સાબૂત છે. પાછળનો ભાગ તો લગભગ સારો છે, પાસેના ગઢની દીવાલ ધસી પડીને કાટમાળનો, પથ્થર-ચૂનાનો ઢગલો થઈ ગઈ છે. સિમેન્ટ-ચૂના વગરનું આ મંદિર ખંડિત છે પણ ઊભું છે. હજારેક વરસ જૂના આ શિવમંદિરની શૈલી રાજસેનક કહેવાય છે તેવું આર્કિયોલૉજિકલ વિભાગના પાટિયા પર લખેલું છે. શિખરસંલગ્ન, ગવાક્ષયુક્ત ત્રિકોણાકાર ઉદ્ગમ તેની વિશેષતા છે. લયાન્વિત વલ્લરીખચિત શિખરનો આવો નમૂનો અન્યત્ર જોયો નથી. ઢાંકીસાહેબને આ મંદિરના કુશળ સમાચાર આપીશ. કાળ તો ખેરવવા, ખેસવવા, તોડવા, ભૂંસવાનું કામ કરવાનો જ. ધરતીકંપ આવે ત્યારે ત્વરિત ગતિએ, નહીંતર ધીમેધીમે. આ બધું પડીને પાદર થઈ જાય તે પહેલાં ફરી ઊભું ન કરાય? આવો કલાત્મક પ્રાચીન વારસો વિશ્વમાં અન્યત્ર ક્યાંય નથી તો આપણા જેવી ઉપેક્ષા, વિમુખતા પણ ક્યાંય નહીં હોય. ધૂમકેતુની ‘વિનિપાત’ વાર્તામાં સોમેશ્વર શાસ્ત્રી, મુદ્રારાક્ષસનો શ્લોક ટાંકી સાચું જ કહે છે કે, ‘પડે છે ત્યારે સઘળું પડે છે’ અને-રાણકદેવી માફક ‘મા પડ, મા પડ મારા આધાર આ ચોસલાં કોણ ચડાવશે, ગયો ચડાવણહાર’ એમ કહેનાર અને ચોસલાં ચડાવનાર પણ કોઈ નથી. આમાં રોવું, તો કોનું રોવું – કેટલું રોવું? રણમાંય આ અરણ્યરુદન કોઈ સાંભળશે? ફરી મનમાં ગ્લાનિ-અજંપો. હવે ફરી ભુજ તરફ. રસ્તામાં ચડતા- ઊતરતા ઢોળાવોવાળા મનોરમ રસ્તાઓ, ટેકરીઓના લુખ્ખા ઢોળાવોની લયરેખાઓ. અમે ફરી આવીએ છીએ ભુજની ભાગોળે. અહીં વિશાળ પ્રાંગણમાં ઇઝરાયલ મિલિટરીએ આઠ-દસ વિશાળ ટેન્ટમાં હૉસ્પિટલ શરૂ કરી છે. આ આખો વિસ્તાર ઇઝરાયલ મિલિટરીની સુરક્ષામાં છે. કડક બંદોબસ્ત છે. પ્રવેશનિષેધ નહીં પણ પ્રવેશ અનુમતિથી અને તે પણ સિક્યોરિટી ચેકિંગ પછી જ. છતાં ક્યાંય તુમાખી કે ભય-આતંક નહીં. આસપાસનાં ગામોમાંથી અને ભુજમાંથી દરદીઓ ઝોળીમાં કે સ્ટ્રેચરમાં ઠલવાયા કરે છે. અમારું પણ આઇડેન્ટિટી કાર્ડ જોયું અને પછી પ્રવેશ આપ્યો. બહાર સિક્યૉરિટીવાળા મોબાઇલ દ્વારા સતત અંદરના સંપર્કમાં. અમદાવાદનો એક યહૂદી છોકરો હિબ્રુમાં સૂચના આપતો હતો. ત્યાંની મીડિયા યુનિટની યહૂદી રમણી આવી અને અમને ઍટેન્ડ કર્યા. જોઈતી માહિતી આપી અને હૉસ્પિટલના વૉર્ડોની મુલાકાતે અમારી સાથે આવી અને ડૉક્ટરો સાથે ય અમને મુલાકાત ગોઠવી આપી. અમને ક્યાંય રેઢા ન મૂક્યા. આવી જ આકસ્મિક કુદરતની આફતમાં તેઓ તુર્કી, આફ્રિકા પણ જઈ આવ્યા છે. મેં તેની સાથે હિટલરના આતંકની, પોલેન્ડના ઓશવીચ, ટેબલીંકાના કૅમ્પની, તલઅવીવમાં ‘હોલોકોસ્ટ મ્યુઝિયમ’ની વાત છેડી પણ તેને મન તેનું મહત્ત્વ ન હતું. એ દુ:ખદ સમય યાતનાભર્યો તોય ભૂતકાળ હતો, ઇતિહાસ હતો. તેમની નજર છે વર્તમાન અને ભાવિ ભણી. કચ્છના સંદર્ભમાં પણ આ મનોદશા સાચી પડે તેવી આશા જાગી. ઇઝરાયલના આ યહૂદી ડૉક્ટરોને કચ્છના કણસાટ સાથે શી લેવાદેવા-તેવો પ્રશ્ન થતો નથી. કારણ; અત્યારે તો અહીં બધાં માત્ર માણસો છે. એક માણસ બીજા પીડિત માણસોને મદદ કરે તેની નવાઈ ન હોય. એક આશા જાગે છે કચ્છ માટે અને માણસજાત માટે. ભલે ઠગારી હોય પણ આશા તો છે. રાત ઢળી ચૂકી છે. ભુજ અંધકારમાં, પીડામાં, કણસાટમાં ઢબૂરાયું છે. અમારેય લુસલુસ ખાઈ સૂઈ જવાનું છે ને સવારે અંજાર-ગાંધીધામ-ભચાઉ ભણી પ્રયાણ કરવાનું છે.