ચૂંદડી ભાગ 1/10.ગળિયા ગોળ વહેંચાય રે મેં તો વાર્યા રે… ભાઈ લેરખડા


10

પછી બંનેનાં માવતરોએ વાતોચીતો ચલાવી હશે. અને પોતાનાં બેઉ બાળકોની અંગત પસંદગી પર માબાપની મંજૂરીની મહોર અંકાઈ ગઈ હશે. સગપણ વખતે મીઠો ગોળ વહેંચાયો હશે.

ગળિયા ગોળ વહેંચાય રે
દૂધમાં સાકર ભેળાય રે
આગળ હુતા બે ભાઈ રે
હવે થયા છે વેવાઈ રે
આગળ લડવડતા શેરીએ
હવે વળગ્યા છે વેલડીએ

અને વર–કન્યા બંનેની મોહકતાનાં અન્યોઅન્ય સંતોષનું વિનોદ-ગીત ગવાયું હશે કે,

મેં તો વાર્યા રે…ભાઈ લેરખડા!
તારા સસરાની શેરીએ રમવા ન જઈશ!
તારા કાનમાં કારેલાં દેખશે!
તારા સસરાને રઢ લાગશે!
ઘર પૂછીને માગાં આવશે!
મેં તો વાર્યાં રે કઈ બા લાડકડાં!
તારા સસરાની શેરીમાં રમવા ન જઈશ!
તારો જડાવ અંબોડો દેખશે!
તારી સાસુને રઢ લાગશે!
ઘર પૂછીને માગાં આવશે!

ત્યારથી માંડીને વર–કન્યાની મમતાને કેવી કેવી તરેહે પોષણ મળ્યાં, તેનો આધાર દેતી કશી પણ ઘટના ગીતોમાં ગવાયેલી નથી જડતી. જૂના સમાજના જે રીતરિવાજો આપણને હજુ પણ યાદ આવે છે, તે પરથી આપણને જાણ થાય છે કે એકબીજાં માવતરને ઘેર કોઈ કોઈ ઉત્સવ, અવસર અથવા પર્વ નિમિત્તે વર–કન્યા રમવા-જમવાનું નોતરું પામતાં. પ્રત્યક્ષ પ્રકટપણે મળવું અને ગોષ્ઠી કરવી, એ તો કુલમરજાદની મના હતી. પરંતુ ઓચિંતી દૃષ્ટોદૃષ્ટ તો મળતી; મૂંગી પ્રીતિ મજબૂત બનતી.