ચૂંદડી ભાગ 1/13.લગન બાજોઠી ને મોતીડે જડિયાં (માળા નાખતી વખતે)


13.

ફરી વાર સંદેશો જાય છે; ‘વેગે વહેલો આવ’ એવા આગ્રહ છૂટે છે. પણ માનતંગી વરરાજાને તો વળી નવનવા લાડ સૂઝે છે. ગોરા જાનૈયા રજે ભરાય, ગૌરવરણી જાનડીઓ શામળી પડી જાય, અને પોતાની માળાનાં ફૂલો કરમાય, એ વાતોના એને મીઠા ઉચાટ થાય છે.

લગન બાજોઠી ને મોતીડે જડિયાં
કુંવારી કન્યાએ કાગળ લખી રે મોકલિયા,
વેગે વેલો આવે ચોરાશીના જાયા!
હું કેમ આવું, દાસીની જાઈ!
આડા છે દરિયા ને પાણીડે ભરિયા
તે વચ્ચે વ્હાણ છિપાવો વરરાજા!
ચૈતર વૈશાખના તડકા રે પડશે
ધોરીબળદના પગ રે તળવાશે
ગોરા જાનૈયા રજે ભરાશે!
ગોરી જાનડીઓ શામળી થાશે
ભાઈ રે…ભાઈનાં ફૂલડાં કરમાશે.