ચૂંદડી ભાગ 1/15.પાછલી પછીતે ચાંપલિયો શો મોર્યો


15

પહેલવહેલા જ પગરણને કારણે ઓછી ઓછી થઈ જતી હર્ષઘેલી કન્યાની માતા અથવા વરની માતા અન્ય કયાં કયાં આત્મજનોને તેડાવીને આનંદ પામે છે? જાણે એ બધાં સ્વજનોનું એક ઘટાદાર ચંપાવૃક્ષ બની જાય છે :

પાછલી પછીતે ચાંપલિયો શો માર્યો
થડ થોડે ને ડાળે અત ગણો રે.
પે’લી ડાળે છાયા મારા ઓરડા રે,
બીજી ડાળે રે છાઈ ઓસરી રે.
ત્રીજી ડાળે છાયા મારા ચોક રે,
ચોથી ડાળે છાયો માંડવો રે.
કોણસ આવ્યે કરું શણગાર રે,
કોણસ આવ્યે બેસું ગોઠડી રે!
કોણસ આવ્યે માંડું જાગિયા જાગ રે,
કોણસ આવ્યે રે મારાં ઘર વસે રે!
કોણસ આવ્યે ચોપાટો શી ડોલે રે,
કોણસ આવ્યે રે મારાં ગોત્રજ હસે રે!
કોણસ આવ્યે તોરણ લહેરે જાય રે,
કોણસ આવ્યે રે શેરી રણઝણે રે!
કોણસ આવ્યે માંડવ લહેરે જાય રે,
કોણસ આવ્યે મારાં દિલ હસે રે!

એના ખુલાસા પણ પોતે જ આપી રહી છે. સુસંબદ્ધ ખુલાસા :

સ્વામી આવ્યે કરું શણગાર રે
વીરોજી આવ્યે રે કરું ગોઠડી રે.
દીકરો આવ્યે માંડું જાગિયા જાગ રે,
વહુવારુ આવ્યે મારાં ઘર વસે રે.
નણદોઈ આવ્યે ચોપાટો શી ડોલે રે,
નણદી આવ્યે રે મારાં ગોત્રજ હસે.
જમાઈ આવ્યે તોરણ લહેરે જાય રે,
દીકરી આવ્યે તોરણ લહેરે જાય રે.
સાજન આવ્યે માંડવ લહેરે જાય રે,
કુટુંબ આવ્યે મારાં દિલ હસે રે.