ચૂંદડી ભાગ 1/18.માંડવડે રે કાંઈ ઢાળોને બાજોઠી (માંડવા સમયે)


18

બહેનનાં તેડાં તો બીજી બે-ત્રણ શૈલીએ વર્ણવાયાં છે. ઝૂલતો ને ડોલતો નવો ઢાળ માતાના મુખમાંથી રેલાય છે. બાજોઠી ઢળાવી, ચોમેર કંકાવટી મેલાવી, જોશી પાસે પુત્રીની કંકોતરી લખાવતી માતા ગાય છે; ઘણાં વર્ષે પહેલી જ વાર ભાઈ મોટો થઈને બહેનને સાસર-ગૃહે જાય છે. પરણ્યા પૂર્વે છેક જ નાની વયનો ભાઈ દીઠેલો તેથી બહેન ઓળખી શકતી નથી.

માંડવડે રે કાંઈ ઢાળોને બાજોઠી
કે ફરતી મેલોને કંકાવટી.

તેડાવો રે મારે જાણાપરના જોશી
કે આજે મારે લખવી છે કંકોતરી.

બંધાવો રે મારે…ભાઈને છેડે
કે જાય બેન…બા ઘરે નોતરે.

બેની રે તમે સૂતાં છો કે જાગો?
તમારે મૈયર પગરણ આદર્યાં.

વીરા રે તમે કિયા શે’રથી આવ્યા
કે કિયે શે’ર તમારાં બેસણાં.

બેની રે હું તો… શે’રથી આવ્યો
કે… શે’ર અમારાં બેસણાં.

વીરા રે તમે કેસર કેરા બેટા
કે કઈ બાઈ માતા ઉદર વસ્યા!

બેની રે હું તો… ભાઈનો બેટો
કે… બાઈ માતા ઉદર વસ્યો.

બેની રે મારી ગરથલિયાની ઘેલી
કે આંગણે આવ્યો રે વીર નો ઓળખ્યો!

વીરા રે મને છોરૂડે હરવાળી રે
વાછરું વાળતાં વીર નો ઓળખ્યો.

વીરા રે મેં તો ઘોડિયે ને પારણે દીઠા
કે રથઘોડલીએ વીર નો ઓળખ્યો.

વીરા રે મેં તો ઝબલે ને ટોપીએ દીઠા,
કે પાઘડી પોશાકે વીર નો ઓળખ્યો.

આગળ રે મારા… ભાઈના ઘોડા
કે પડઘી વાગે ને ધરતી ધમધમે.

વચ્ચે રે મારે બેનડબાના માફા
કે ઈંડાં ઝળકે રે સોના તણાં

વાંસે રે મારે જમાઈ કામઠિયો
કે કામઠ તાણે ને કોષો ખડખડે.