ચૂંદડી ભાગ 1/23.નાહો નાહોને કિયા ભાઈ રે (નાવણ સમયે)


23

આવા ખટમીઠા પરિહાસ વચ્ચે પીઠીનાં મર્દન પૂરાં થાય, ને પછી ખળખળતે જળે દેવરિયાના અંઘોળનો આદર થાય. ગવાયું છે કે જાણે આદિત્ય અને રન્નાદેનું (સૂર્ય અને એની પત્નીનું) યુગલ પોતે જ વીરોને સ્નાન કરાવવા ઊતરે છે. જાણે એને ગંગા–યમુનાના નીરનું નાવણ દેખાય છે.

નાહોને નાહોને કિયા ભાઈ રે
તમારા પાહોલા હેઠ ગંગા વસે રે
ત્યાં બેસી કિયો ભાઈ નાહિયા રે
ત્યાં તો આદિત રાંદલ આવશે રે
આદિત હાથ કચોળડાં રે
રાણી રાંદલ તેલ સંચારશે રે
નાહો નાહોને કિયા ભાઈ રે
તમારા પાહોલા હેઠ જમના વસે રે
ત્યાં બેસી કિયો ભાઈ નાહિયા રે
ત્યાં તો કિયો ભાઈ કેઈ વહુ આવશે રે
કિયા ભાઈ હાથ કચોળડાં રે
રાણી કેઈ વહુ તેલ સંચારશે રે

સૂર્ય–રન્નાદે સરીખી તમારીયે બેલડી બનો, તમારાં અંગનાં ઓજસ પણ એ જેવાં જ ઉઘાડો એવી મંગલ ભાવના આ વિધિ વાટે મહેકી ઊઠે છે. દેહનાં સૌંદર્ય ખીલવવાની ક્રિયામાં પણ વિશુદ્ધિ અને દેવત્વના જ મંગલ નાદ સંભળાય છે. અને નિર્દોષ પરિહાસનો એકાદ સૂર એ આખા વિધિના ગાંભીર્યમાં રૂપાળી ભાત પાડે છે.