ચૂંદડી ભાગ 1/27.સૂરજ ઊગ્યો રે કેવડિયાની ફણશે (પ્રભાતિયું)


27

ત્યાં તો કેવડાની ફણશ સરખાં કિરણો કોળાવતો સૂરજ ઊગ્યો. અને એનું આગમન-સ્તોત્ર ઊપડ્યું :


સૂરજ ઊગ્યો રે કેવડિયાની ફણશે કે વાણલાં ભલે વાયાં રે!
સૂતા જાગો રે વાસુદેવના નંદ કે વાણલાં ભલે વાયાં રે!
સૂતા જાગો રે સુભદ્રા બેનીના વીર કે વાણલાં.
તમ જાગો રે જાગે સહુ દેવ કે વાણલાં.
લેજો લેજો રે દાતણ ને ઝારી કે વાણલાં.
બેસજો બેસજો રે તુલસીને ક્યારે કે વાણલાં.
મુખ લૂજો રે પામરિયુંને છેડે કે વાણલાં.
લેજો લેજો રે શરી રામનાં નામ કે વાણલાં.

ને પછી કોઈ વિનોદ કરવાયોગ્ય સ્વજનને શી રીતે જગાડ્યા!

સૂરજ ઊગ્યો રે કેવડિયાની ફણશે કે વાણલાં.
સૂતા જાગો રે …બાઈના કંથ કે વાણલાં.
લેજો લેજો રે કદકું ને કૂંડું કે વાણલાં.
દાતણ કરજો રે મલ્લાંની મસીદે કે વાણલાં.
મુખ લૂજો રે ધાબળિયુંને છેડે કે વાણલાં.
લેજો લેજો રે અલ્લા બલ્લાનું નામ કે વાણલાં.