ચૂંદડી ભાગ 1/28.આલા લીલુડા વાંસ વઢાવો રે (પ્રભાતિયું)


28

એ વિનોદનું વહેણ જરા જાડું બને છે. લગ્ન પર આવેલા જૂના જમાઈરાજોને દાતણ લેવા મોકલ્યા કલ્પાય છે :


આલા લીલુડા વાંસ વઢાવો રે
તેની નાની શી ટોપલી ગુંથાવો રે
ટોપલી આપો બેની…બા વર હાથ રે
ગોલો વેચીસાટીને ઘેર આવ્યો રે
ઓરડે ઊભાં બેનીબા લેખાં લે છે રે

ક્યાં ગયા હતા? બાપડો ખુલાસો કરે છે :

તમારા દાદાને ઘેર હતા વીવા રે
અરધી રાતનાં દળણાં દળાવ્યાં રે
પાછળી રાતનાં પાણીડાં ભરાવ્યાં રે
સૂરજ ઊગ્યો ને દાતણિયાં નખાવ્યાં રે
પોર દી ચડ્યો ને છોકરાં પખળાવ્યાં રે
અમને આવડલી વાર ત્યાં લાગી રે