ચૂંદડી ભાગ 1/43.તરવાર સરખી ઊજળી રે ઢોલા (જાન જતાં)


43

‘ગરથે લાડડી લાવવી!’ એ તો થઈ વૈશ્ય વરની વાત : પણ ક્ષત્રિય વરને કેવી સલાહ અપાય છે? એને તો બહેન સંજ્ઞા બતાવીને કહે છે કે, “હે ઢોલા જેવા બહાદુર અને પ્રેમી ભાઈ! તરવાર જેવી તેજસ્વી, નાગરવેલના પાન સરખી પાતળી, સોપારી જેવી બંકી અને તજ જેવી તીખી, વટવાળી પરણજો હો! તમે વીસરી ન જાઓ તે માટે નિશાનીઓ પણ સાથે જ આપી છે.”

તરવાર સરખી ઊજળી રે ઢોલા!
તરવાર ભેટમાં બિરાજે રે વાલીડાવીરને.
એવી રે હોય તો પરણજો રે ઢોલા!
નીકર સારેરી પરણાવું રે વાલીડાવીરને.
પાન રે સરખી પાતળી રે ઢોલા!
પાન મુખમાં બિરાજે રે વાલીડાવીરને.
એવી રે હોય તો પરણજો રે ઢોલા!
નીકર સારેરી પરણાવું રે વાલીડાવીરને.
સોપારી સરખી વાંકડી રે ઢોલા!
સોપારી મુખમાં બિરાજે રે વાલીડાવીરને.
— એવી રે.
તજ તે સરખી તીખલી રે ઢોલા!
તજ તે મુખમાં વિરાજે રે વાલીડાવીરને.
— એવી રે.
(વગેરે વગેરે)