ચૂંદડી ભાગ 1/50.હાલંતી માલંતી નીસરી (પોંખતી વખતે)


50.

કેસરિયા કુંવરને પાદર સુધી વળાવવા માટે એક વિલક્ષણ ઢંગવાળું માનવી દોડ્યું જાય છે. હાથમાં સળગતો દીવડો છે. આનંદે છલકતી, ભાદરવાની ભેંસ સરીખી અને ઉતાવળે જેવું તેવું માથું ઓળી લેતાં જેના વાળ પર મોટી જૂ રહી ગઈ છે તે બિચારી પેલી ઘેલી જનેતા : વરની એ માતા પરિહાસનું પાત્ર બને છે :

હાલંતી માલંતી નીસરી
જાણે ભાદરવાની ભેંસ રે!
ઓળી ચોળીને માથાં ગૂંથિયાં
ટોકળો ટળવળ્યો જાય રે!

માફામાં બેઠેલી બહેન પોતાના વીરના માથા પરથી લૂણ ઉતારે છે : એટલે કે ભાઈને કોઈ પ્રેત બલા ન સતાવે, ભાઈ ઉપર કોઈની ભારી નજર ન પડે, તેથી મીઠું ઉતારે છે. એક પિત્તળની ટબૂડીમાં મીઠાના ગાંગડા નાખી બહેન એ ટબૂડી ભાઈના શિર ઉપર બજાવે છે.

મારી તે માના…ભાઈ
તારા લૂણલાં ઉતારે છે ચાર
સીતા કુંતા રે દ્રૌપદી
ચોથી હરચંદની ઘરનાર