ચૂંદડી ભાગ 1/52.મોર, તારી સોનાની ચાંચ (જાનમાં


52

પરંતુ એ ખંડણી મફતની ચૂકવવાની ન હોય. ચાર દહાડાનો એ ચક્રવર્તી વરરાજા જીવનનો એક દિગ્વિજય કરવા ચાલ્યો જાય છે, એટલે તેનાં સ્વાગત પણ સીમાડેથી જ શરૂ થવાં જોઈએ. વરરાજાની બહેનો, ચોપાસના સીમાડેથી ગજવતે ગળે, લાંબા મીઠા, શરણાઈ સરીખા સારંગસૂરે, સાસર ગામને સીમાડેથી જ સંદેશા મોકલવા માંડે છે. અને એ સંદેશ લઈ જનારો દૂત પણ દેવપંખી મોરલો જ બને છે :

મોર, તારી સોનાની ચાંચ
મોર, તારી રૂપાની પાંખ
સોનાની ચાંચે રે મોરલો મોતી ચરવા જાય

મોર, જાજે ઊગમણે દેશ
મોર, જાજે આથમણે દેશ
વળતો જાજે રે વેવાયુંને માંડવે હો રાજ!

વેવાઈ મારા, સૂતો છે કે જાગ
વેવાઈ મારા, સૂતો છે કે જાગ
…ભાઈ વરરાજે સીમડી ઘેરી, માણારાજ!

સીમડીએ કાંઈ ચમર ઢોળાવ
સીમડીએ કાંઈ ચમર ઢોળાવ
ચમરનો હોંશી વીરો મારો આવ્યો, માણારાજ. — મોર, તારી.

વેવાઈ મારા, સૂતો હોય તો જાગ
વેવાઈ મારા, સૂતો હોય તો જાગ
1…ભાઈ વરરાજે ઝાંપલા ઘેર્યા, માણારાજ!

ઝાંપલીએ કાંઈ છાંટણાં છંટાવ
ઝાંપલીએ કાંઈ પાણીડાં છંટાવ
ઠંડકુંનો હોંશી વીરો મારો આવે, માણારાજ. — મોર, તારી.

વેવાઈ મારા, સૂતો હોય તો જાગ
વેવાઈ મારા, સૂતો હોય તો જાગ
1…ભાઈ વરરાજે શેરીઉં ઘેરી, માણારાજ. — મોર, તારી.

શેરીએ કાંઈ ફૂલડાં પથરાવ
શેરીએ કાંઈ ફૂલડાં પથરાવ
સુગંધીનો હોંશી વીરો મારો આવે, માણારાજ. — મોર, તારી.

તોરણે કાંઈ તંબોળ છંટાવ
તોરણે કાંઈ તંબોળ છંટાવ
તંબોળનો હોંશી વીરો મારો આવે, માણારાજ. — મોર, તારી.

માંડવડે કાંઈ લાડકી પધરાવ
માંડવડે કાંઈ લાડકી પધરાવ
લાડકીનો હોંશી વીરો મારો આવે, માણારાજ. — મોર, તારી.

ગોત્રીજે કાંઈ રમતું મંડાવ
ગોત્રીજે કાંઈ રમતું મંડાવ
રમતુંનો હોંશી વીરો મારો આવે, માણારાજ. — મોર, તારી.