ચૂંદડી ભાગ 1/56.નવેનગરથી ચોળ ચૂંદડી વાપરી (સામૈયા સમયે)


56

જેને માટે ઊભી તપ કરતી હતી તેને આજે આવ્યો દેખી એકીટશે જોઈ રહી. એણે પણ પંદર દિવસ સુધી પ્રીતિભર્યાં પ્રભાતિયાં સાંભળ્યાં છે. પીઠીઓ ચોળાવી છે, માંગલિક તેલનાં મર્દન લીધાં છે. અંઘોળ કર્યાં છે. અને એ ચંપકવરણા દેહ ઉપર કાકા, મામા ને વીરાજીએ પસ ભરાવેલી ચૂંદડી પહેરી લીધી છે : કેવી ભાતીગળ એ ચૂંદડી!

નવેનગરથી ચોળ ચૂંદડી વાપરી,
આવી રે અમારલે દેશ રે, વોરો રે દાદા ચૂંદડી!

ચૂંદડિયુંને ચારે છેડે ઘૂઘરી.
વચમાં તે આળેખ્યા2 ઝીણા મોર રે, વોરો રે દાદા ચૂંદડી!

સંકેલું તો ઘમકે રૂડી ઘૂઘરી
ઊખેળું ત્યાં ટૌકે ઝીણા મોર રે, વોરો રે દાદા ચૂંદડી!

અમદાવાદી ચોળ ચૂંદડી વાપરી,
આવી રે અમારલે દેશ રે, વોરો રે કાકા ચૂંદડી!

ચૂંદડિયુંને ચારે છેડે ઘૂઘરી,
વચમાં તે આળેખ્યા ઝીણા મોર રે, વોરો રે કાકા ચૂંદડી!

સંકેલું ત્યાં ઘમકે રૂડી ઘૂઘરી,
ઉખેળું ત્યાં જગમોહનની ભાત રે, વોરો રે કાકા ચૂંદડી!

સૂરત શે’રથી ચોળ ચૂંદડી વાપરી,
આવી રે અમારલે દેશ રે, વોરો રે મામા ચૂંદડી!

ચૂંદડિયું ચારે છેડે ઘૂઘરી;
વચમાં રે આળેખી પોપટવેલ રે, વોરો રે મામા ચૂંદડી!

સંકેલું ત્યાં ચમકે રૂડી ઘૂઘરી,
ઉખેળું ત્યાં પોપટ બોલે વેણ રે, વોરો રે મામા ચૂંદડી!

જૂનાગઢથી ચોળ ચૂંદડી વાપરી,
આવી રે અમારે દેશ રે, વોરો રે વીરા ચૂંદડી!

ચૂંદડિયુંને ચારે છેડે ઘૂઘરી,
વચમાં રે ચોખલિયાળી ભાત્ય રે, વોરો રે વીરા ચૂંદડી!

સંકેલું ત્યાં ઘમકે વાગે ઘૂઘરી,
ઊખેળું ત્યાં ટૌકે ઝીણા મોર રે, વોરો રે વીરા ચૂંદડી!