ચૂંદડી ભાગ 1/59.ફૂલડે છાયો મારો માંડવો (સામૈયા સમયે)


59

સામૈયું સામે જાય છે, બળતે દીવડે ગીતો ગવાય છે. એ ગીત વાટે પણ જાણે કન્યા પોતે જ પિતાજીને વીનવે છે કે આ ફૂલડે છવાયેલા મારા માંડવા નીચે જલદી જોશીડા તેડાવો : સહુ કારીગરોને તેડાવો : હમણાં એ લાડકડો, હોંશીલો ને લેરખડો વર આવી પહોંચશે, કંઈ કંઈ ચીજોની રઢ લઈ બેસશે :

ફૂલડે છાયો મારો માંડવો,
મોતી વધાવું તારી જાન હો લાલ પછેડો ફૂલે ભર્યો!
કન્યા દાદાજીને વીનવે,
માંડવ જોશી તેડાવો હો લાલ પછેડો ફૂલે ભર્યો!

લાડકડો વર શેઆવ
લેશે લગનિયાંની રઢ્ય હો લાલ પછેડો ફૂલે ભર્યો!

એ જ પ્રમાણે એ ફૂલભર્યો લાલ પછેડો ઓઢીને વાટ જોતી રાજવણે કાકાને, મામાને અને વીરાને વીનવ્યા કે દોશીડો તેડાવો — હોંશીલો વર વાઘાની રઢ્ય લેશે : સોનીડાને તેડાવો — લેરખડો વર વેઢ વીંટીઓની રઢ્ય લેશે : માળીડાને તેડાવો — ‘બહુ સજનો’ વર ઓસરિયાની રઢ્ય લેશે : એ બધી ચિંતા જાણે કે ‘ફૂલ ભર્યા લાલ પછેડા’ વાળીને પોતાને જ થઈ રહી છે.